Home » Rasdhar » રમેશ તન્ના
લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

ગુજરાતી થાળીઃ વાત ગુજરાતીઓના ખાવાના પ્રેમની

  • પ્રકાશન તારીખ14 Jul 2018
  •  

ચાણક્યે કહ્યું છે કે જમવાનો આનંદ સૌથી મોટો છે. ગુજરાતી પ્રજા જમવાનો આનંદ બરાબર માણે છે. ગુજરાતી પ્રજા ખાવાની શોખીન પ્રજા છે. ડાઈનિંગ હૉલમાં મળતી ગુજરાતી થાળી ગુજરાતીઓના ખાવાના વૈવિધ્યપૂર્ણ પ્રેમનું પ્રતીક છે. ગુજરાતી થાળીમાં શું શું હોય તેના કરતાં શું શું નથી હોતું તે પ્રશ્નનો જવાબ સહેલો પડે તેવી સ્થિતિ હોય છે.

ત્રણ-ત્રણ પ્રકારની ચટણી, એટલા જ પ્રકારના સલાડ, બે-ત્રણ ફરસાણ, બે-ત્રણ મીઠાઇ, ત્રણ-ચાર શાક, પાપડ, દાળ અથવા કઢી, ભાત, રોટલી, ભાખરી, થેપલાં અથવા રોટલો, છાશ, ગણ્યાં ગણાય નહીં, અને ખાધાં ખવાય નહીં એટલાં હેંતકનાં વ્યંજનો. તમતમારે ખાઓ દબાવી-દબાવીને! વ્યંજનોની સંખ્યાઃ 20થી વધુ અને 30ની અંદર. વ્યક્તિ જમવા માટે સ્થાન ગ્રહણ કરે એટલે વેઇટરોનું ધાડું આક્રમણ કરે. એક પછી એક પીરસણિયાઓ થાળી પર તૂટી પડે. એક પછી એક આવે અને નિયત સ્થાને વ્યંજન મૂકીને અદૃશ્ય થઈ જાય. હજી તો કોળિયા અન્નનળીમાં અધવચ્ચે હોય ત્યાં એ જ ધાડું બીજી વખત હાજર થાય. થાળીમાં 25 પ્રકારનાં વ્યંજન છે ને પીરસનારો ઓછામાં ઓછો પાંચ વખત તો આવે જ. જમવાના 20થી 30 મિનિટના સમયકાળમાં આશરે 125 વખત નિર્ણય લેવો પડે તેવી આકરી સ્થિતિનું નિર્માણ થાય. કાં હા પાડો કાં ના પાડો. ત્રીજો કોઇ વિકલ્પ હોતો નથી. 25 મિનિટમાં 125 વખત નિર્ણય લેવાનો અને તે પણ જમતાં-જમતાં.

જમનારની નિર્ણયશક્તિ મંદ હોય, ધીમી હોય તો? અહીં એનો ઉકેલ હાજર છે. મંદ કે ધીમી નિર્ણયશક્તિ ધરાવતી વ્યક્તિ જો સતત 15 દિવસ સુધી ગુજરાતી ડાઈનિંગ હોલમાં જમવા જાય તો તેની નિર્ણયશક્તિ સુધરી જાય!

ગુજરાતી થાળી એ મિનિ અન્નફૂટ છે. તેમાં બત્રીસ પ્રકારનાં ભોજન પીરસાય છે. ગુજરાતીઓ વિચારે છે કે જો ભગવાનના અન્નકૂટમાં અનેક વ્યંજન હોય છે તો ભક્ત તરીકે આપણે શું કામ પાછળ રહેવું! જેવા ભગવાન તેવા ભક્ત!

***


ગુજરાતી થાળી એ મિનિ અન્નફૂટ છે. તેમાં બત્રીસ પ્રકારનાં ભોજન પીરસાય છે. ગુજરાતીઓ વિચારે છે કે જો ભગવાનના અન્નકૂટમાં અનેક વ્યંજન હોય છે તો ભક્ત તરીકે આપણે શું કામ પાછળ રહેવું! જેવા ભગવાન તેવા ભક્ત!

ગુજરાતી થાળી પહેલાં 'ભાણું' તરીકે ઓળખાતી. જૂની પેઢીના લોકો બહાર નીકળતા એટલે નગર-શહેરમાં 'ભાણું' ખાઈ લેતા. ગુજરાતી સાહિત્યની ઘણી કૃતિઓમાં 'ભાણું' આવે છે. 'ભાણું' એટલે રોટલી-શાક-દાળ અને ભાત. જો સમય સાંજનો હોય તો દાળ અને ભાતનું સ્થાન કઢી-ખીચડી લે. 'ભાણું'ને 'ગુજરાતી થાળી'માં પરિવર્તિત કરવાનો યશ (એ અપયશ, જેવી જેની વિચારધારા) અમદાવાદના શાંતિભાઇ પટેલને જાય છે. તેઓ વિખ્યાત'ચેતના'હોટલના માલિક. રિલીફ રોડ પર આવેલી ચેતના હોટલનો આમ તો મસાલા-ઢોંસો ખૂબ વખણાતો. લોકો સજી-ધજીને આ જ હોટલમાં ખાવા જતા. આ શાંતિભાઈ પટેલે ભાણુંને આધુનિક વાઘા પહેરાવીને ત્રણ પ્રકારની ગુજરાતી થાળીનો પ્રારંભ કર્યો હતો. ત્રણેય ભાવ જુદો-જુદો અને તેમાં મળતી વાનગીઓ ઓછી-વત્તી. શાક-દાળ-ભાત-રોટલીનો વ્યાપ વધ્યો અને થાળી વ્યંજનોથી ભરાઈ ગઈ.

દોડવું'તું ને ઢાળ મળ્યો, એમ ગુજરાતીઓને તો ખાવું હતું અને થાળી મળી! એ જમાનામાં ચેતનાની ગુજરાતી થાળી એટલી લોકપ્રિય થઇ હતી કે રાત્રે દસ વાગ્યા સુધી લાઈન રહેતી. ક્યારેક તો 'ચેતના'ના સંચાલકો લાઇનમાં ઊભા રહેલા લોકોને હાથ જોડીને કહેતા કે આજે અમે તમને જમાડી શકીએ તેમ નથી, કાલે આવજો. જમવા માટે કલાકો સુધી લાઇનોમાં ઊભા રહેતા ગુજરાતીઓનો જમવાનો પ્રેમ કેટલો તીવ્ર હશે તે આના પરથી સમજી શકાશે.

ગુજરાતીઓનો ખાવાનો અને મનોરંજનનો પ્રેમ એકબીજામાં કેવી રીતે ભળી જતા તેની એક રસપ્રદ વાત જાણવા જેવી છે.

'ચેતના' લોજની બાજુમાં જ કૃષ્ણ થિએટર હતું. (હવે નથી.' ચેતના' છે, કૃષ્ણ અંતર્ધ્યાન છે.) એ વખતે કૃષ્ણમાં ‘મુગલ-એ-આઝમ’ રજૂ થયેલું. એ વખતે મલ્ટિપ્લેક્ષ નહોતાં. સિનેમા ગૃહોમાં ફિલ્મ જોવી એ ઉત્સવ જેવી ઘટના હતી. લોકો ટિકિટ ખરીદવા મોડી રાતથી લાઇનમાં બેસી જતા. 'મુગલ-એ-આઝમ'ની ટિકિટ લેનારાની લાઇન અને 'ચેતના' બહાર ઊભેલા લોકોની લાઇન... આ બન્ને લાઇનની ભેળસેળ થઇ જતી. જોનારા અને ખાનારા એકબીજામાં ભળી જતા. જોવાના આનંદ અને જમવાના આનંદનો સંગમ થઇ જતો.

***

અમદાવાદના ગાંધી રોડ પર આવેલી ચંદ્રવિલાસ લોજની તુવેરદાળ ખૂબ વખણાતી. અમદાવાદની પોળોમાં રહેતા લોકો ઘરે બીજી બધી વાનગીઓ બનાવે, દાળ સિવાય. ડોલચું લઇને ચંદ્રવિલાસની દાળ ખરીદવા આવતા. તેનીય લાઇન લાગતી.

ચેતનાને યાદ કરીએ અને ચંદ્રવિલાસને ભૂલી જઇએ તો તેને ખોટું લાગે. અમદાવાદના ગાંધી રોડ પર આવેલી ચંદ્રવિલાસ લોજનો પણ ત્યારે સુર્વણકાળ હતો. ચંદ્રવિલાસની દાળ (તુવેરદાળ) ખૂબ વખણાતી. ચંદ્રવિલાસની દાળ લોકો હોંશે હોંશે પીતા. અમદાવાદની પોળોમાં રહેતા લોકો ઘરે બીજી બધી વાનગીઓ બનાવે, દાળ સિવાય. ડોલચું (મોટો પરિવાર હોય તો મોટું વાસણ) લઇને ચંદ્રવિલાસની દાળ ખરીદવા આવતા. તેનીય લાઇન લાગતી. માત્ર તુવેરદાળ આ રીતે, બનેલી, તૈયાર, વેચાતી હોય તેવી એ પહેલી ઘટના હતી. ઘણાને તો ચંદ્રવિલાસની આ દાળનો એવો જબરજસ્ત ચટાકો લાગતો કે ગુજરાતના પોતાના ગામ કે નગરથી ખાસ ચંદ્રવિલાસમાં જમવા આવતા. 'રતનપોળ'માં કપડાંની ખરીદી કરવી એ પહેલું કામ અને પછી ચંદ્રવિલાસમાં જમવું એ બીજું કામ.


ગુજરાતીઓને દાળ-ભાતીઆ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની આ ઓળખ ચંદ્રવિલાસ પહેલાંની છે કે પછીની એ બાબતે ઈતિહાસ મગનું નામ મરી પાડતો નથી તેનો ઉલ્લેખ કરવો જોઈએ.
ચંદ્રવિલાસ દાળ ઉપરાંત ફાફડા અને જલેબી માટે પણ ઘણી જાણીતી હતી. દશેરાને દિવસે આમ તો ઘોડાં જ વધુ દોડતાં હોય છે, પણ અમદાવાદમાં લોકો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખરીદવા દોડતા.

ગુજરાતી ખાણી-પીણીની અને તેમાં નેવું અંશના ખૂણે થયેલાં પરિવર્તનોની વાત આવતીકાલે જાણીએ.

positivemedia2015@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP