દાયકાઓથી ‘ફિલમની ચિલમ’ થકી સલિલ દલાલે વાચકોની એક આખી પેઢીને એમના વાંચનની બંધાણી બનાવી છે.

લતા લહર – 5: “મને હાર્મોનિયમ અને લતા મંગેશકર આપો. હું સંગીત સર્જી આપીશ...”

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

લતાજીના કહેવા મુજબનું કોઇ માફીનામું ખરેખર રફી સાહેબે લખી આપ્યું હોય તો, તે જાહેર કરવા શાહીદે પડકાર ફેંક્યો હતો. એ બધી તાજી એટલે કે ૨૦૧૩ની વાતો છે. તેમાં કોણ સાચું અને કોણ ખોટું તેની ચર્ચા છોડીએ અને આનંદ એ વાતનો એ કરીએ કે લતા-રફીની જોડી પાછી એકત્ર થતાં કેવાં કેવાં યુગલગીતો એ બન્ને મહાન ગાયકોની સોળે કળાએ ખીલેલી કરિયરના મધ્યાહ્ને આપણને મળ્યાં! એ બન્ને પાસે ‘જ્વેલથીફ’માં જ “દિલ પુકારે આ રે આ રે...”માં ઉત્તરપૂર્વના પહાડી ઇલાકાનું વાતાવરણ કેટલું સરસ સર્જાય છે. લતા-રફી જેવાં જ દાદા બર્મન સાથેનાં લતાજીનાં ગીતો પણ આપણને થોડોક સમય મળવા અટકી ગયાં હતાં. એ બન્નેએ પણ અમુક વર્ષો ‘કિટ્ટા’ કરી દીધી હતી. એ બન્ને વચ્ચે સમાધાન થવા બદલ આપણે હિન્દી ફિલ્મ સંગીતના શ્રોતાઓએ રાહુલદેવ બર્મનનો આભાર માનવાનો છે.

લતા-રફીની જોડી પાછી એકત્ર થતાં કેવાં કેવાં યુગલગીતો એ બન્ને મહાન ગાયકોની સોળે કળાએ ખીલેલી કરિયરના મધ્યાહ્ને આપણને મળ્યાં! એ બન્ને પાસે ‘જ્વેલથીફ’માં જ “દિલ પુકારે આ રે આ રે...”માં ઉત્તરપૂર્વના પહાડી ઇલાકાનું વાતાવરણ કેટલું સરસ સર્જાય છે.

આમ તો સચિનદેવ બર્મને એવું કહ્યું હતું કે “મને હાર્મોનિયમ અને લતા મંગેશકર આપો. હું સંગીત સર્જી આપીશ!” છતાં જ્યારે બે મહાન કલાકારો ભેગા થાય ત્યારે તેમનાં સ્વાભિમાન પણ ભેગાં થતાં હોય. એ સ્વમાન અને અહમ (ઇગો) વચ્ચેની પાતળી ભેદરેખા લોપ થવાની શક્યતા ત્યારે વધી જાય, જ્યારે બે હસ્તીઓ વચ્ચે સીધી વાતચીત ના થાય. કેમ કે સફળ સંવેદનશીલોમાં ગેરસમજ પણ એટલી જ ઝડપથી થઈ શકે. એક જગ્યાએ નોંધ છે કે ‘સિતારોં સે આગે’ નામની ફિલ્મના એક ગાયનના રેકોર્ડિંગ માટે સમય ફાળવવા અંગે મતભેદ થયા હતા. પરંતુ, ખુદ લતાજીએ તે ઘટના વિશે કહ્યું છે કે ‘‘૧૯૫૭ની ફિલ્મ ‘મિસ મેરી’ના એક ગીતના સંદર્ભે દાદાના સંદેશાવાહકે પહોંચાડેલા ગલત મેસેજને કારણે એ ગેરસમજ થઈ હતી.’’


લતાજી અને સચિનદાના અબોલા જેના કારણે અને જ્યારે થયા હોય તે ખરું, પણ બન્નેને પાછા ‘બોલતા કરવા’નો જશ તો દાદાના એટલા જ ક્રિએટિવ પુત્ર આર. ડી. બર્મનને જ જાય છે. રાહૂલબાબાને સ્વતંત્ર સંગીતકાર તરીકે ‘રાઝ’ નામની ફિલ્મ માટે મહાન સર્જક ગુરૂદત્તે કામ આપ્યું હતું. પરંતુ, ‘ગુરૂ’ની કેટલીક ફિલ્મોની માફક એ પણ બંધ કરી દેવાઇ હતી. એ પિક્ચર માટે એક ધૂન પંચમદાએ તૈયાર કરી રાખી હતી. એટલે જ્યારે મહેમૂદે પોતાની ઘરની ફિલ્મ ‘છોટે નવાબ’ માટે ‘આર.ડી.’ને સાઇન કર્યા, ત્યારે પેલી ‘રાઝ’ની તૈયાર તર્જ પર પપ્પાના પ્રિય કવિ શૈલેન્દ્ર પાસે ગીત લખાવ્યું. (શૈલેન્દ્ર સાથે પણ દાદા બર્મનને થોડો સમય અબોલા થયા હતા અને ત્યારે ગુલઝારને “મોરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે...” લખવા માટે ‘બંદિની’માં તક મળી હતી, એ તો સૌને યાદ જ હશેને?) બર્મનદાદાએ ’૫૭થી ’૬૧-૬૨ સુધી લતા મંગેશકર સાથે કામ ન કર્યું અને એ પિરિયડ દરમિયાન આશા ભોંસલે અને ગીતાદત્ત પાસે ગીતો ગવડાવ્યાં.

ગીતો પણ સરસ અને લોકપ્રિય થયાં હતાં. (હર ફુલ કી અપની મહક હોતી હૈ!)
પરંતુ, લતાજીને એ ‘મિસ’ કરતા હશે એમ માનવાનું મન એટલા માટે થાય કે દીકરા પંચમના પ્રથમ ગીત માટે સચિનદાએ સામેથી ફોન કર્યો! બે કલાકારો વચ્ચે ઝગડો તો હતો નહીં. તેમણે કાંઇ અંગુઠાનો નખ દાંતે લઈ જઈને સામસામે ‘કીટ્ટા’ થોડી કરી હતી? એક સંગીતકારે તેમનાં ગીતો ગાવા એક ગાયિકાને બોલાવવાં બંધ કરી દીધાં હતાં. બસ. નાનાં બાળકો કરતાં પણ અલગ લેવલની આ લુપાછુપી હતી. દાદા બર્મને ફોન જરૂર કર્યો; પણ તે પોતાના કોઇ રેકોર્ડિંગ માટે નહીં. એ પણ એકદમ થોડા ઝૂકી જાય? જો સામે સૂરોનાં મહારાણી હતાં; તો એ પોતે પણ મૂળે તો ત્રિપુરાના રાજવી ઘરાનાના પ્રિન્સ હતા. વળી, એ જેવા તેવા રાજકુમાર ક્યાં હતા?

પોતાની મરજીની મલિકા પસંદ કરનારા સલીમ અને ‘મુગલે આઝમ’ની કાલ્પનિક કથા કરતાં તેમની લવસ્ટોરી બ્રિટનની રાજગાદી ઠુકરાવીને રાજવી ઘરાનાની બહારની મિસ વિલિયમ્સને પરણનાર પાટવી કુંવર એડવર્ડ આઠમાની પ્રેમકહાણીને વધારે મળતી આવતી હતી. પ્રિન્સ સચિન તથા મીરા દાસગુપ્તાને સંગીતે ભેગાં કર્યાં હતાં. રાજકુમાર હોય તે રાજવી ઘરાનાની રાજકુમારી સાથે જ લગ્ન કરી શકે એવા પ્રસ્થાપિત નિયમને તેમણે તોડ્યો. પરિણામે રાજમહેલના તમામ હક્કો છોડીને આજીવન મીરાદેવી સાથે દાંપત્ય વિતાવ્યું. તેમણે રાહૂલદેવ બર્મન જેવા મ્યુઝિકના મહાવારસની આપણને ભેટ આપી હતી.


આર. ડી. બર્મનની ખૂબસુરત પ્રથમ રચના “ઘર આજા ઘિર આયે બદરા સાંવરિયા...” લતાજીએ પ્રેમથી ગાઇ અને સચિનદા સાથેના સંબંધોનો બરફ પણ પીગળ્યો... ઑલ થેંક્સ ટુ આર. ડી. બર્મન! તે પછી લતા મંગેશકરે બર્મનદાદા સાથે પહેલું ગાયન ‘બંદિની’નું ‘‘મોરા ગોરા અંગ લઈ લે...’’ ગાયું કે ‘ડોક્ટર વિદ્યા’નું “પવન દીવાની ન માને, ઉડાયે મોરા ઘૂંઘટા...” એ અંગે મતભેદ હોઇ શકે. પણ આપણે સંગીતપ્રેમીઓએ તો આભાર માનવાનો કે પવનની જેમ ‘દાદા’ અને ‘દીદી’ ના વર્ત્યાં અને માની ગયાં! તેના પગલે કેવાં કેવાં અદભૂત ગાયનો મળ્યાં. તેમની જોડીએ ‘શર્મિલી’ના “મેઘા છાયે આધી રાત...”, ‘પ્રેમ પૂજારી’ના “રંગીલા રે, તેરે રંગ મેં...” જેવાં ૧૩૦ જેટલાં ‘સોલો’ ગીતોની રચના કરી છે. તમે જ્યાં હાથ નાખશો ત્યાં નર્યું ઝવેરાત જ મળી આવશે.

આર. ડી. બર્મનની ખૂબસુરત પ્રથમ રચના “ઘર આજા ઘિર આયે બદરા સાંવરિયા...” લતાજીએ પ્રેમથી ગાઇ અને સચિનદા સાથેના સંબંધોનો બરફ પણ પીગળ્યો... ઑલ થેંક્સ ટુ આર. ડી. બર્મન!

દાદા બર્મનના નિર્દેશનમાં ‘લતા ટચ’નો એક નાનો જ દાખલો. જો તમે ‘આરાધના’ના યુગલગીત “બાગોં મેં બહાર હૈ...”માં “તુમકો મુઝસે પ્યાર હૈ...”ના જવાબમાં પહેલીવાર લતાજી “ના ના ના...” એમ ગાય છે, એ સાંભળશો તો ફરીદા જલાલના યુવાપાત્રનો શરારતી સ્વર એવો ગૂંજે છે કે રૂપાની ઘંટડીનો રણકાર પણ તેની આગળ ફિક્કો લાગે. ‘આરાધના’ દરમિયાન બર્મનદાદા બીમાર હોઇ તેમના આસિસ્ટન્ટ તરીકે રાહૂલદેવ બર્મન હતા અને તેમણે ‘લતા દીદી’ને એ જ ડાયરેક્ટર શક્તિ સામંતાની તે પછીની ફિલ્મ ‘અમર પ્રેમ’માં “રૈના બિત જાયે, શ્યામ ન આયે...” જેવું મનને શાતા આપે એવું ગીત આપ્યું.

જો કે તે પહેલાંની પણ રાહૂલબાબાની અમારી ગમતી એક ફિલ્મ છે, તેમાં તેમાં હીરો-હિરોઇનની સાથે સાથે અન્ય તમામ એક્ટર્સની એક્ટિંગ એટલી સરસ લાગી હતી કે પ્રેમનાથ, નાના પલશીકર, સુલોચના, અનવર હુસૈન, જયરાજ વગેરે જેવા સિનિયર ચરિત્ર કલાકારોને ને નવી નજરે જોતા થઈ જવાયું હતું. પણ તેથી વધારે ખુશ નવા સંગીતકાર આર.ડી. બર્મનના લતાજી સાથેના એક પ્રયોગશીલ કામથી થવાયું હતું.
(ક્રમશઃ)
salil_hb@yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP