લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

દીકરીએ પિતાને કહ્યું, સાયન્સ કોલેજ માટે માત્ર એક કરોડના અપાય, વધારે આપવા જોઈએ. તરત પિતાએ ગુજરાત ફોન જોડ્યોઃ વાત ગણપત યુનિવર્સિટીના સ્થાપક ગણપતભાઈ પટેલની

  • પ્રકાશન તારીખ30 Sep 2018
  •  

અમેરિકાના લોસ એન્જેલસમાં વસતા ગણપતભાઈ પટેલ એક દિવસ ફોન પર ગુજરાતમાં વાત કરી રહ્યા હતા. મહેસાણા એજ્યુકેશન ટ્ર્સ્ટના નેજા હેઠળ સાયન્સ કોલેજનું નિર્માણ થવાનું હતું. તેમણે ફોન પર તરત જ એક કરોડ રૂપિયાની સખાવત લખાવી. તેમનો ફોન પૂરો થયો. ફોન પર થતો સંવાદ તેમની દીકરી સાંભળતી હતી. તેણે કહ્યું, પપ્પા, સાયન્સ કોલેજ માટે એક કરોડ રૂપિયા ઓછા કહેવાય. વધારે આપવા જોઈએ. ગણપતભાઈએ તરત ફોન જોડ્યો અને રકમ ત્રણ ગણી કરી.

ગણપત વિદ્યાનગર અને હવે ગણપત યુનિવર્સિટીના સર્વાંગી વિકાસ માટે ગણપતભાઈ પટેલ સતત સક્રિય છે. ગુજરાતને ઘરઆંગણે એક આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટી મળે તે માટે તેમણે માત્ર ધન જ નથી આપ્યું, પોતાનું તન અને મન પણ આપ્યું છે.

એ એવું કરી શક્યા કારણ કે તેમણે ગણ્યા વિના ગુજરાતના શિક્ષણવિશ્વના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદાર મને સખાવત કરી છે. દરિયાપાર વસતા વતનપ્રેમી ગુજરાતીઓએ માદરે વતન ગુજરાતમાં વિવિધ ઉપક્રમોમાં મોટી રકમનું દાન આપ્યું હશે, પણ શિક્ષણ ક્ષેત્રે અત્યાર સુધી આશરે 40 કરોડ રૂપિયા આપનારા તો ગણપતભાઈ પટેલ એક માત્ર અને અનન્ય છે. વળી, તેઓ દાન આપીને છૂટી નથી પડ્યા, દાન આપીને તેઓ બંધાયા છે. પહેલાં ગણપત વિદ્યાનગર અને હવે ગણપત યુનિવર્સિટીના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત સક્રિય છે. ગુજરાતને ઘરઆંગણે એક આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટી મળે તે માટે તેમણે માત્ર ધન જ નથી આપ્યું, પોતાનું તન અને મન પણ આપ્યું છે.


***
વર્ષોથી પરિવાર સાથે લોસ એન્જલસ (અમેરિકા)માં સ્થાયી થયેલા ગણપતભાઈનું વતન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું ભૂણાવ ગામ. તેમના પિતા ઈશ્વરભાઈ ખેડૂત હતા. ઈશ્વરભાઈને કુલ અગિયાર સંતાનો (છ ભાઈઓ અને પાંચ બહેનો). તેમને એવું હતું કે દીકરો ગણપત ખૂબ ભણે. ગણપતભાઈએ પિતાની ઈચ્છા પૂર્ણ કરી. ધોરણ આઠ સુધી ભૂણાવમાં ભણ્યા પછી ગણપતભાઈએ ધોરણ નવથી અગિયાર સુધીનો અભ્યાસ મોટાભાઈ મોતીભાઈના ઘરે રહીને જૂનાગઢમાં કર્યો. મેટ્રિક થયા પછી તેમણે અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું. એ પછી વધુ અભ્યાસ માટે તેઓ ગજવામાં માત્ર 300 ડોલર લઈને 1965માં અમેરિકા ગયા. ખૂબ સંઘર્ષ કર્યો. ગજવામાં પૈસા ઓછા હતા, પણ આંખોમાં સપનાં મોટાં હતાં. સખત મહેનત કરીને, પેટે પાટા બાંધીને ભણ્યા. 1969માં તેમણે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર તરીકેની ડિગ્રી મેળવી. તરત નોકરી પણ મળી ગઈ. અમેરિકા ગયા એ પહેલાં જ તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. 1971માં તેમનાં ધર્મપત્ની મંજુલાબહેન અને પહેલી દીકરી અમેરિકા ગયાં.
***


પ્રારંભિક જુદી જુદી બે નોકરી કરી. ત્રીજી નોકરી ‘બરોસ’ કંપનીમાં મળી. આ કંપની એ જમાનામાં રાક્ષસી કદનાં કોમ્પ્યુટર બનાવતી. અહીં તેમને ખૂબ શીખવાનું મળ્યું. આ કંપનીમાં વર્ષો સુધી પાવર સપ્લાય સિસ્ટમના ડિઝાઈનિંગનું કાર્ય કર્યા પછી તેમને લાગ્યું કે પાવર સપ્લાય મેન્યુફેક્ચરિંગ કંપનીની જરૂર છે. તેમણે નોકરી છોડી અને 1978માં ‘ચેરોકી ઈન્ટરનેશનલ’ નામની પોતાની કંપની સ્થાપી. એ પછી તો તેમણે ક્યારેય પાછા વળીને જોયું નથી. ખૂબ કમાયા. ભારતમાં પણ કંપની સ્થાપી. હજારો લોકોને રોજગારી આપી. ગુજરાતમાંથી અમેરિકા ભણવા જતા કે નોકરી-ધંધો કરવા જતા અનેક લોકો માટે ગણપતભાઈ પહેલો વિસામો બનતા. તેમની કંપનીમાં થોડો સમય તો નોકરી મળી જ જાય. 2004 સુધી તેઓ એક યા બીજી રીતે પોતાના ઉદ્યોગોમાં પ્રવૃત્ત રહ્યા અને સફળ થયા. ઊંચી બુદ્ધિપ્રતિભા, કોઠાસૂઝ, ધંધા માટે જરૂરી કુનેહ અને સજ્જતા, અથાક પુરુષાર્થ, પ્રામાણિકતા અને નિષ્ઠા, શિસ્ત, સમયપાલન, યોગ્ય સમયે સાહસિક નિર્ણય કરવાની સૂઝ, સદાય ગ્રાહકોના હિતમાં વિચારવાનો અભિગમ.. આ બધાને કારણે તેઓ સતત સફળ થતા ગયા. તેમનામાં બુદ્ધિપ્રતિભા અમાપ. અમેરિકનોને નોકરી આપનારા ગણપતભાઈ નાના હતા ત્યારે એક વખત પડી ગયા અને તેમના મગજને ઈજા થઈ હતી. ઘણી વાર તેઓ લાક્ષણિક હાસ્ય વેરતાં કહે છે કે જો હું નાનપણમાં પડ્યો ના હોત અને મગજને ઘસરકો ના થયો હોત તો હજી વધારે સફળ થયો હોત. જેટલી પ્રતિભા એટલી જ પ્રતિષ્ઠા. તેમણે જ્યારે જ્યારે પોતાની કંપની કોઈ અમેરિકન કંપનીને હસ્તગત કરી ત્યારે ત્યારે ખરીદદારે તેમને જ તેની જવાબદારી સોંપી.


અમેરિકાની ધરતી પર જે કેટલાક ભારતીયો પોતાની પ્રતિભા અને નિષ્ઠાના જોર પર સફળ થયા છે તેમાં ગણપતભાઈ પટેલનો સમાવેશ થાય છે. તેમણે પારકી ભૂમિ પર આપબળે અને આપમેળે સફળતા મેળવી છે. તેમણે અજાણી ભૂમિમાં પોતાની રીતે કેડી કંડારી. પોતાને જે સંઘર્ષ કરવો પડ્યો એ બીજા કોઈને ના કરવો પડે તે માટે તેમણે અનેક ગુજરાતીઓ અને ભારતીયોને અમેરિકાપ્રવેશ વખતે હૂંફ આપી.
***


ગણપતભાઈ પટેલે ગુજરાતને એક વિશ્વખ્યાત યુનિવર્સિટીની ભેટ ધરી છે. મહેસાણા પાસે ખેરવા નામનું એક ગામ છે. એ ગામ ક્યારેક રેતીવાળા રસ્તા માટે કુખ્યાત હતું. અહીંના રસ્તા પર એટલી રેતી કે બળદગાડાંને નીકળવું ભારે પડતું. ઉત્તર ગુજરાતની શિક્ષણની સ્થિતિ પણ આવી રેતાળ હતી ત્યારે પ્રથમ ગણપત વિદ્યાનગર અને પછી ગણપત યુનિવર્સિટી દ્વારા રસ્તો સરળ બન્યો. ગણપતભાઈ પાકા પટેલ છે પણ બીજા જેવા પટેલ નથી. એ આખાબોલા અને સ્પષ્ટવક્તા તો છે જ, પણ તેઓ વિઝનરી છે. તેઓ દીર્ઘદૃષ્ટા છે. તેઓ ધર્મના પરિઘ કે પટેલ સમુદાયના વાડામાં અટવાઈ નથી ગયા. તેઓ વિજ્ઞાન ભણ્યા છે તો તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ પણ છે. તેઓ જાણે છે કે ગરીબી, બેરોજગારી, આવકની અસમાનતા, અંધશ્રદ્ધા આ બધાનો ઈલાજ શિક્ષણ પાસે છે. તેથી તેમણે શિક્ષણમાં અનુદાન આપવાનું નક્કી કર્યું.

ઉત્તર ગુજરાત સૂકો પ્રદેશ છે. અહીં ઉદ્યોગો ખૂબ ઓછા. વસતિ ગરીબ. શિક્ષણ પણ ઓછું. એવા પ્રદેશમાં યુનિવર્સિટી સ્થાપીને ગણપતભાઈએ ગુજરાતને પોતાનું ઋણી બનાવ્યું છે. કોઈ એક ઉદ્યોગપતિ 40 કરોડ રૂપિયા જેટલું માતબર અનુદાન આપે તે ઘટના ગુજરાતના શિક્ષણમાં અનન્ય અને વિરલ છે. ગણપતભાઈએ મહેસાણાની નાગલપુર ખાતેની સાયન્સ કોલેજ માટે પણ મોટી રકમનું દાન આપ્યું છે.
***


ગણપતભાઈની વાત કરતા હોઈએ ત્યારે મહત્ત્વનાં ત્રણ પાત્રોને ના ભૂલાય. એક તેમનાં માતા મેનાબા, બીજાં તેમનાં જીવનસાથી મંજુલાબહેન અને ત્રીજા ગણપત યુનિવર્સિટીની સ્થાપનામાં સિંહફાળો આપનારા અનિલભાઈ પટેલ. ગણપતભાઈએ પોતાની લક્ષ્મી ખોબલે ને ખોબલે સમાજને પરત આપી તેનું અનુસંધાન ભૂણાવ ગામની મહિલાઓને પોતાના ઘરે બોલાવીને છાસ આપતાં તેમનાં માતા મેનાબા સાથે જોડાયેલું છે. ગણપતભાઈના વ્યક્તિત્વ પર તેમનાં માતાનો મોટો પ્રભાવ. મેનાબા ખૂબ જ સેવાભાવી હતાં. તેઓ સતત બીજાને મદદ કરવા તત્પર રહેતાં. ગણપતભાઈએ એક મુલાકાતમાં કહ્યું હતું કે હું અમેરિકામાં ભણતો હતો ત્યારે કે પ્રારંભમાં મારો વિકટ સમય હતો ત્યારે મારી પાસે પૈસા નહોતા, તો ક્યારેક મેં કોઈની પાસેથી ઉછીના પૈસા નહોતા માગ્યા કારણ કે મારાં માતાએ મને મેનેજમેન્ટ શીખવ્યું હતું. મારી માએ સીમિત આવકમાં અગિયાર સંતાનોનો ઉછેર કર્યો હતો. આજે જે એમબીએમાં ભણાવાય છે કે સ્રોતનો મહત્તમ ઉપયોગ કરો અને બગાડ ઓછો કરો એ સજ્જતામાં મારી માએ મને બાળપણમાં જ આપી દીધી હતી. હું અમેરિકા આવ્યો ત્યારે મારી માતા પાસે એમબીએ થઈને આવ્યો હતો.

સમાજને પરત આપવાની ગણપતભાઈની ભાવના પાછળ મેનાબાના ઉચ્ચ અને ઉમદા સંસ્કાર છે.
ગણપતભાઈનાં જીવનસાથી મંજુલાબહેનના નામે ગુજરાતની એક માત્ર મહિલા સૈનિક સ્કૂલ છે. આ શાળા ગણપત યુનિવર્સિટીના પરિસરમાં જ આવેલી છે. મંજુલાબહેને ગણપતભાઈને ખભેખભો મિલાવીને જ નહીં, હૃદયથી હૃદય મિલાવીને સતત સહયોગ આપ્યો છે.

ગણપતભાઈના પ્રારંભના કાળમાં તેમણે પાંચ વર્ષ નોકરી પણ કરી. તેમણે પીટીસી (પ્રાઇમરી ટિચિંગ સર્ટીફિકેટ કોર્સ) કરેલું. અમેરિકા જઈને અંગ્રેજી ભાષા શીખ્યાં. ગણપતભાઈએ ઘરનાં ગેરેજમાં પાવર સપ્લાયનાં ઉપકરણો બનાવવાનું શરૂ કર્યું ત્યારે તેઓ શોલ્ડરિંગ કરતાં. ગણપતભાઈએ શિક્ષણમાં કરોડો રૂપિયાનું દાન આપ્યું તેમાં તેમનાં સાથી મંજુલાબહેન અને તેમની ત્રણેય દીકરીઓ આશાબહેન, રીટાબહેન અને અનિતાબહેનનો પૂરો ટેકો. તેઓ કહે કે સમાજના હિતમાં દાન આપવું જ જોઈએ. તેમની એક દીકરીએ સાયન્સ કોલેજ માટેનું અનુદાન એક કરોડમાંથી ત્રણ કરોડ કરાવ્યું હતું એ આપણે લેખના પ્રારંભમાં જોયું. અન્ય એક દીકરી ભારત આવી તો તેણે ઓછી ખરીદી કરી હોય તેવું ગણપતભાઈને લાગ્યું. તેમણે પૂછ્યું કે બેટા કેમ આટલી જ ખરીદી કરી, તો દીકરીએ જવાબ આપ્યો કે મારે આટલી ખરીદી જ બસ છે, બાકીના પૈસાનું તમે દાન કરી દેજો.

તો આવી સમાજ કલ્યાણની ઉમદા ભાવના છે તેમના પરિવારજનોની.

ત્રીજું પાત્ર એટલે અનિલભાઈ પટેલ. ગુજરાતના પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલભાઈએ ઉત્તર ગુજરાતમાં શિક્ષણનો સૂર્યોદય થાય તે માટે અથાક પ્રયાસો કર્યા. ગણપતભાઈને શિક્ષણ ક્ષેત્રમાં દાન આપવા પ્રેરનાર પણ તેઓ જ. ગણપત વિદ્યાનગર અને ગણપત યુનિવર્સિટીની સ્થાપનામાં તેમનો પાયાનો ફાળો.
***


ગણપતભાઈ પટેલે સમાજને સ્મિત સાથે, આનંદથી, સમજણથી પરત કર્યું છે. સમાજે તેની નોંધ પણ લીધી છે. સન 2014માં તેમને સેલ્યુટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. હમણાં 2018માં તેમને અમેરિકાની કાલ પોલિ યુનિવર્સિટી દ્વારા ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમ્ની એવોર્ડ એનાયત કરાયો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય છે. આ ઉપરાંત તેમને અમેરિકન સોસાયટી ઓફ એન્જિનિયર્સ દ્વ્રારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરાયો છે. આ એવોર્ડ ઘણો પ્રતિષ્ઠિત ગણાય છે. 2005થી ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઓફ ચીફ તરીકે માનભર્યો હોદો સંભાળતા ગણપતભાઈને જ્વેલ ઓફ ભારત અને જ્વેલ ઓફ ગુજરાતના એવોર્ડ મળી ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય એવોર્ડ પણ તેમને મળ્યા છે.

ઉત્તર ગુજરાત સૂકો પ્રદેશ છે. અહીં ઉદ્યોગો ખૂબ ઓછા. વસતિ ગરીબ. શિક્ષણ પણ ઓછું. એવા પ્રદેશમાં યુનિવર્સિટી સ્થાપીને ગણપતભાઈએ ગુજરાતને પોતાનું ઋણી બનાવ્યું છે. કોઈ એક ઉદ્યોગપતિ 40 કરોડ રૂપિયા જેટલું માતબર અનુદાન આપે તે ઘટના ગુજરાતના શિક્ષણમાં અનન્ય અને વિરલ છે.

હા, એટલું કહેવાનું મન થાય કે જે માણસે પોતાનું ધન, મન અને તન આપીને ગુજરાતને વિશ્વસ્તરની આવી સુંદર યુનિવર્સિટીની ભેટ ધરી હોય તે માણસની ગુજરાતે કદર કરી નથી. છાસવારે બહારના લોકોને પોંખતી, હરખપદૂડી થઈ કેટલાક લોકોને બિરદાવતી ગુજરાતી પ્રજાને ગણપતભાઈની સામાજિક પ્રતિબદ્ધતા ના દેખાય તે જોઈને દુઃખ થાય. કોઈ ધાર્મિક સ્થાન માટે થોડાક રૂપિયા આપતા લોકોને માન-સન્માનથી નવડાવી નાખતા ગુજરાતીઓએ સમજવાની જરૂર છે કે બધાનો વિકાસ કરવો હશે તો શિક્ષણ વિના આરો-ઓવારો નથી.

સાદું જીવન જીવતા ગણપતભાઈ પટેલ ધરતીના જણ છે. સરળતા તેમને ગમે છે. તેઓ શિક્ષણને માત્ર કારકિર્દીના રૂપમાં જોતા નથી. ગણપત યુનિવર્સિટીમાં ભણતા દરેક વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તેવી તેમની ઝંખના છે. તેઓ અંગત ધ્યાન આપીને યુનિવર્સિટીનો ઉત્કર્ષ કરી રહ્યા છે.


ગણપત યુનિવર્સિટીના પરિસરમાં વિદ્યાર્થીઓ કે અધ્યાપકો સાથે વાત કરતી વખતે ગણપતભાઈના ચહેરા પર પરિતોષ સાથે પ્રસન્નતા છે.

...અને એ જ વખતે સ્વર્ગમાં બેઠાં બેઠાં તેમનાં માતા મેનાબા અમી નજરે તેમને ગણપત યુનિવર્સિટીના પરિસરમાં ટહેલતા જોયા કરે છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP