લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

સમાજસેવા ઘરડા થઈએ ત્યારે નહીં, ઘરડાં થઈએ ત્યાં સુધી કરાયઃ 83 વર્ષે અણનમ રહીને સમાજસેવા કરતાં રમીલાબહેન ગાંધી

  • પ્રકાશન તારીખ03 Sep 2018
  •  

કોઈ હોટેલનો વેઈટર અંગ્રેજી વિષયનો શિક્ષક બને તો તેને શું કહેવાય ? તેને ગાંધી વિચારનો પ્રતાપ કહેવાય.

સિદ્ધપુરના ગણેશપુરા પાસે આવેલા યોગાંજલિ આશ્રમ દ્વારા રમીલાબહેન ગાંધીએ અનેક લોકોના જીવનમાં આવી હરિયાળી આણી છે. આ એક તપોભૂમિ છે. અહીં સમાજને સ્વસ્થ કરવાની અનેકવિધ પ્રવૃત્તિઓ વર્ષોથી થઈ રહી છે.

રહીમ સુમરા સિદ્ધપુરની ગુજરાત હોટલમાં વેઈટર હતા. એ પછી તેઓ રમીલાબહેન ગાંધી સ્થાપિત યોગાંજલિ વિદ્યાવિહાર (યોગાંજલિ આશ્રમ)માં ભણ્યા. અહીં તેમણે રમીલાબહેનની છત્રછાયા, પ્રેમ, હૂંફ, માર્ગદર્શન અને આશરો મળ્યો. આજે તેઓ પાલનપુરની સરકારી આદર્શ નિવાસી શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક છે. તેઓ કહે છે કે જો મને આ આશરો ન મળ્યો હોત તો હું કોઈ પોલીસ દફતરે સ્લેટ સાથેની તસવીરમાં મારો પરિચય લખાયો હોત.
***


રાકેશ નાયીની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. ભણવાનું માંડી વાળ્યું હતું. જો કે યોગાંજલિ આશ્રમમાં એમને ભણવા માટે પ્રોત્સાહન મળ્યું, સહયોગ મળ્યો, કામ પણ મળ્યું. તેઓ આગળ ભણ્યા અને અત્યારે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહ્યા છે.
***


લત્તાબહેનના પતિ સાથે છૂટાછેડા થયા. તેમનાં બે બાળકો પતિ પાસે હતાં. દેહવ્યાપાર કરતી એક વ્યક્તિ દ્વારા તેઓ ફસાઈ ગયાં છે તેની જાણ થતાં એક બહેન તેમને યોગાંજલિ આશ્રમમાં લઈ ગયાં. અહીં તેમને આશ્રય મળ્યો અને પછી તો પતિ સાથે સમાધાન થયું અને તેમનું જીવન ફરીથી ધબકતું થયું.
***


આ તો માત્ર કેટલાંક ઉદાહરણો છે. સિદ્ધપુરના ગણેશપુરા પાસે આવેલા યોગાંજલિ આશ્રમ દ્વારા રમીલાબહેન ગાંધીએ અનેક લોકોના જીવનમાં આવી હરિયાળી આણી છે. આ એક તપોભૂમિ છે. અહીં સમાજને સ્વસ્થ કરવાની અનેકવિધ પ્રવૃત્તિઓ વર્ષોથી થઈ રહી છે. તમે આ ભૂમિમાં પ્રવેશ કરો કો તરત તમને પોઝિટિવ વાઈબ્રેશન ઘેરી લે. તમને શાંતિ અને આનંદનો અનુભવ થાય.


આ ભૂમિ પર રમાબહેન ગાંધીએ તપ કર્યું છે. પહેલાં ઋષિ-મુનિઓ વનમાં જઈને તપ કરતા, આધુનિક ઋષિઓ સમાજની વચ્ચે બેસીને તપ કરે છે. રમીલાબહેને યોગાંજલિ આશ્રમના માધ્યમથી સમાજને અજવાળવાનું કાર્ય કર્યું છે.

કોણ છે આ રમીલાબહેન ગાંધી ?


રમીલાબહેનનો જન્મ ૧૪મી નવેમ્બર, ૧૯૩૫ના રોજ પાટણના વૈભવી પરિવારમાં થયો હતો. તેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો. તેમણે ધાર્યું હોત તો અન્ય યુવતિઓની જેમ સુખ અન શાંતિ સાથેનું કુટુંબજીવન પસંદ કર્યું હોત, પરંતુ તેમણે પોતાનું સમગ્ર જીવન સમાજસેવાને સમર્પિત કર્યું. નાનપણથી જ તેમના પર ગાંધીજી, વિનોબા ભાવે અને અરવિંદના વિચારોનો પ્રભાવ હતો.

૧૯૬૬માં તેમણે પાટણ તાલુકાના સાગોડિયા ગામમાં સર્વમંગલમ આશ્રમ સ્થાપીને સેવા તથા શિક્ષણનું કામ કર્યું હતું. એ પછી તેમણે સિદ્ધપુરના ગણેશપુરાના ઉજ્જળ તળાવના કાંઠે યોગાંજલિ આશ્રમનું નિર્માણ કર્યું.

તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. અહીં સમાજમાં વંચિત તેમજ ગરીબ કુટુંબનાં બાળકો માટે શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કર્યું. સન ૨૦૦૦થી ચાલતી યોગાંજલિ પ્રાથમિક શાળામાં ૨૫૦ બાળકો ભણે છે તેમાં મોટા ભાગના બાળકો ઝૂંપડપટ્ટીનાં છે. ૧૯૭૮થી ચાલતા યોગાંજલિ કુમાર છાત્રાલયમાં ૯૦ બાળકો રહે છે. ૧૯૭૪થી શરૂ થયેલા યોગાંજલિ વિદ્યાવિહારમાં ૪૨ ગામોમાંથી ૩૫૦ બાળકો ભણી રહ્યાં છે. અહીં અત્યાર સુધી ૩૦૦૦ છોકરાઓ અને ૧૦૦૦ કન્યાઓએ શિક્ષણનો લાભ લીધો છે.

રમીલાબહેને પોતાનો પ્રત્યેક શ્વાસ સમાજસેવાને ધરી દીધો છે. તેઓ મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રવૃતિઓ કરી રહ્યાં છે. યોગાંજલિ આશ્રમમાં એક વિશિષ્ટ જગ્યા છે. તેનું નામ છેઃ માતૃઘર. અહીં સાસરેથી તરછોડાયેલી, પિયરથી તિરસ્કાર કરાયેલી, સમાજથી ઉપેક્ષિત થયેલી બહેનોને આશરો અપાય છે. કોઈપણ જાતની નાતજાત, ઊંચનીચના ભેદભાવ વગર દરેક બહેનોને અહીં પ્રેમથી આવકારવામાં આવે છે અને તેમને ક્ષમતા પ્રમાણે કામ આપી સ્વાશ્રયી જીવન જીવવાની તક આપવામાં આવે છે. અહીં ગ્રામોદ્યોગો પણ ચાલે છે અને આરોગ્યના અનેક પ્રોજેક્ટ પણ ચાલે છે.


વર્ષોથી તેમની સાથે માત્ર ખભાથી ખભો મિલાવીને જ નહીં, હૃદયથી હૃદય મિલાવીને કાર્ય કરતાં જિજ્ઞાબહેન દવે કહે છે કે તેમનો પ્રેમ, સંવેદના, કરુણા અને ઊર્જા જોઈને આપણે પણ ચાર્જ થઈ જઈએ. સાતત્ય સાથે આટલાં વર્ષોથી, અવિરત થાક્યા વિના કાર્ય કરવું તે નાની વાત નથી. તેમના હૃદયના પ્રેમે સેંકડો લોકોને નવજીવન આપ્યું છે.

યોગાંજલિ આશ્રમમાં એક વિશિષ્ટ જગ્યા છે. તેનું નામ છેઃ માતૃઘર. અહીં સાસરેથી તરછોડાયેલી, પિયરથી તિરસ્કાર કરાયેલી, સમાજથી ઉપેક્ષિત થયેલી બહેનોને આશરો અપાય છે. કોઈપણ જાતની નાતજાત, ઊંચનીચના ભેદભાવ વગર દરેક બહેનોને અહીં પ્રેમથી આવકારવામાં આવે છે.

યોગાંજલિ પરિસરમાં શ્રી અરવિંદયોગ કેન્દ્ર પણ છે. છાત્રાલયનાં બાળકોને નિયમિત યોગ કરાવવામાં આવે છે. રમીલાબહેન કહે છે કે કોઈ વૈશ્વિક ચેતના વિશ્વમાં પ્રકાશિત છે જે માનવને જીવવા માટેની પ્રેરણા આપે છે. યોગાંજલિ એટલે યોગને જીવનની સમગ્રતામાં જીવવો અને બીજાને જીવવા માટે ઉપયોગી થવું. એમાંથી પાંગર્યું શિક્ષણ, સંસ્કાર અને ઉદ્યોગનું ભાથું. આ સંસ્થાનો હેતુ સમાજના છેવાડાના અને વંચિત વર્ગનો નાત, જાત, ધર્મના ભેદભાવ વગર શૈક્ષણિક, આર્થિક અને આધ્યાત્મિક વિકાસ કરીને માનવજીવન ધોરણ ઊંચું લાવવાનો છે.
તેઓ કહે છે,


માગવાનું મને મન ન રહે,
ને માત્ર આપવાનું જ ગમે.
સાંત્વના જોઈએ તેને સ્નેહ આપીશ,
સમજણ માગે તેને જ્ઞાન આપીશ,
મમતા માગે તેને પ્રેમ આપીશ,
આપીને જ મેળવી,
ખાલી થઈને ભરાઈશ,

એક અજાણી સ્ત્રી, અજાણી ધરતી પર એકલી-અટૂલી સત્તાધીશોની શેહમાં તણાયા વગર અને ધનવાનોની પગચંપી કર્યા વગર કેવું શ્રેષ્ઠ સર્જન કરી શકે તેનું મૂર્તિમંત સ્વરુપ એટલે યોગાંજલિ આશ્રમ.

લાગણી વેળાઃ
સમાજની નિસ્વાર્થભાવે સેવા કરવાથી સાચી શાંતિનો અનુભવ થાય છે. આત્માનું તેજ પણ વધે છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP