લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

રસોઇ કળા ભુલાઈ રહી છે, ભારતમાં રસોડું પેન્ટ્રી થઈ જશે?

  • પ્રકાશન તારીખ01 Sep 2018
  •  

આજે રાંધણ છઠ્ઠ છે. અનેક ઘરોમાં આજે આખો દિવસ રસોડું ધમધમશે. નાના પ્રકારનાં વ્યજંનો બનશે. વિવિધ પ્રકારની વાનગીઓથી ઘર ભરાઇ જશે. રસોઇની સુંગધ આડોશ-પાડોશમાં પણ જશે. જે ક્યાંક આનંદ તો ક્યાંક ઇર્ષા જગવશે. (‘જુઓ એમના ત્યાં થેપલાં થઈ ગયાં, હજી આપણે તો લોટ પણ બાંધવાનો બાકી છે, યુ નૉ!’)

શીતળા સાતમે રસોડું બંધ રહેવાનું છે એટલે રાંધણ છઠ્ઠના દિવસે, સવારથી મોડી રાત સુધી ગૃહિણીએ રસોયણ બની જવાનું છે. માત્ર એક દિવસ રસોડામાં રજા રાખવાની છે. તોય ઘરલક્ષ્મીને જબરજસ્ત ઓવરટાઇમ કરવો પડે છે. પુરી, ભાખરી, અનેક પ્રકારનાં વડાં, થેપલાં, રસા વગરનાં બગડે નહીં તેવાં શાક જેમકે બાફેલાં બટાકાં, ભીંડા, ટીંડોળાં, કંકોડાં, હાંડવો અને ઠુમરો, અનેક આકાર-પ્રકારનાં ફરસાણ, મીઠાઇઓ... બનાવો રસોઇ બનાવો. એક આખો દિવસ ફક્ત રાંધવાના દિવસ તરીકે ઉજવાતો હોય તે ગુજરાત કે ભારતમાં જ શક્ય બને ! રાંધવું એ આપણી મુખ્ય પ્રવૃત્તિ છે કારણ કે ગરમ-ગરમ ખાવું, અનેક પ્રકારનું ખાવું એ આપણી સંસ્કૃતિ છે. ખાવાની આમ તો દરેક પ્રજા શોખીન હોય છે, પણ ગુજરાતીઓની વાત થોડીક જુદી છે. બીજી પ્રજાઓ જીવવા માટે ખાય છે, ગુજરાતીઓ, કદાચ, ખાવા માટે જીવે છે.
***

શીતળા સાતમે રસોડું બંધ રહેવાનું છે એટલે રાંધણ છઠ્ઠના દિવસે, સવારથી મોડી રાત સુધી ગૃહિણીએ રસોયણ બની જવાનું છે. માત્ર એક દિવસ રસોડામાં રજા રાખવાની છે. તોય ઘરલક્ષ્મીને જબરજસ્ત ઓવરટાઇમ કરવો પડે છે.

જો કે એક જબરજસ્ત ફેરફાર આવ્યો છે. ખાવાનું બરકરાર છે, વૈવિધ્યપૂર્ણ ખાવાનું વધ્યું છે પણ રાંધવાનું ઘટ્યું છે. રાંધણ છઠ્ઠની વાત બાજુ પર મૂકીને વિચારીએ તો હવે રસોડું ભુલાતું જાય છે. હવે જમાનો રેડીમેઈડ એટલે કે તૈયારનો આવ્યો છે. રસોઇકળા હવે વિસરાતી જાય છે.

રસોઇ ખરેખર આપણા બધા માટે કેટલી મહત્ત્વની છે, કારણ કે તેનો સીધો સંબંધ ભગવાન સાથે છે. શ્રીમદ્ ભગવદગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મનુષ્યના દેહમાં હું જઠરાગ્નિ સ્વરૂપે વસું છું. આ જઠરાગ્નિને શાંત કરવા માટે જે જમવા કે ખાવામાં આવે તે પ્રસાદી જ કહેવાય. કોઇ પણ વ્યક્તિ જમે છે ત્યારે તે પોતે પોતાના માટે જમતી નથી, તેનામાં વસેલા પરમાત્મા માટે જમે છે. જઠરાગ્નિ ભગવાન છે, અને આપણે તેને શાંત કરવા જમીએ છીએ.

જાણીતાં પાકશાસ્ત્રી અને લેખિકા અરૂણા જાડેજાએ (લ)ખવૈયાગીરીના નામે એક અદભુત પુસ્તક લખ્યું છે. આપણી ભવ્ય રસોઇકળાનો વૈભવ તેમાં તેમણે ઠાલવી દીધો છે. ગુજરાતની પ્રત્યેક ગૃહિણી પાસે આ પુસ્તક હોવું જોઇએ. આ પુસ્તકમાં લેખિકાએ આપણી રિસાતી-વીસરાતી રસોઇ કળાને જીવંત કરી છે. આ પુસ્તકમાં તેમણે આપણી રસોઇ કળાની જબરજસ્ત વકીલાત કરી છે. આપણી રસોઇમાં આટલી બધી તાકાત છે ? આપણી પરંપરાગત રસોઇ આટલી વૈવિધ્યપૂર્ણ અને સ્વાદિષ્ટ છે.

જો કોઇ પરિવાર કોઇ રેસ્ટોરન્ટમાં જમવા ગયો હોય, તેમણે વિવિધ વાનગીઓનો ઓર્ડર આપી દીધો હોય, તેઓ વાનગીઓની પ્રતીક્ષા કરતાં બેઠાં હોય, અને તેમાંની ગૃહિણીને કોઇ અરૂણા જાડેજાનું (લ)ખવૈયાગીરી પુસ્તક વાંચવા આપે, ઓર્ડર કરેલી વાનગીઓને આવતાં વાર લાગે ત્યાં સુધીમાં જો એ ગૃહિણી આ પુસ્તકનું 'રિસાતી વીસરાતી કળાઃ રસોઇ' પ્રકરણ વાંચી લે તો શું થાય ખબર છે ?

એ ગૃહિણી તરત પોતાના પરિવારને કહે આપણે અહીં નથી જમવાનું. ઓર્ડર કેન્સલ કરો, હું તમને ઘરે સાચી રસોઇ જમાડીશ.

જેમણે અરૂણા જાડેજાનું (લ)ખવૈયાગરી પુસ્તક નથી વાંચ્યું તેને આ વાત અતિશયોક્તિપૂર્ણ લાગશે, પરંતુ હકીકત તો એવી જ કંઇક છે. ખરેખર, સ્થિતિ તો એવી જ છે ! આપણી રસોઇકળાની લિજ્જત, સ્વાદ, પોષ્ટિક્તા, સુગંધ આ બધું આપણે ભૂલી ગયા છીએ.

આરૂણાબહેનના શબ્દોમાં આપણી રસોઇને મળીએઃ


દાયકાઓ વીતવા છતાં નસેનસમાં સદાયે લહેરાતી રહેનારી એ લિજ્જત !
શરદીથી મૂંઝાતા ગળાને ગરમાટો આપી જનારી ઘઉંના લોટની સૂંઠ-ગંઠોડાવાળી એ હૂંફાળી રાબ, તાવથી તતડી ઊઠેલા મોંને સ્વાદ લગાડી જનારા હિંગ-જીરાથી વઘારેલા ખારભંજણ મમરા, દૂધવાળી તપેલીને લૂછીપૂસી બંધાયેલા લોટની પોચી રોટલી, ઘીવાળી કડાઇમાં બંધાયેલા લોટની ફરસી ભાખરી, એ જ ઘીના બગરું-(કીટું)થી મોવાયેલો ફરમાસી હાંડવો કે જીભને ચટકો લગાડી જનારો વાસી રોટલીનો ગળચટ્ટો લાડવો કે પછી તીખા-ગળ્યા પૂડલા સાથે ખીલતી ખવાતી ખીર. હમણાં જ ચાસણી રેડીને માંડ-માંડ ઠરતો લસલસતો મોહનથાળ કે ઘઉં-ચણાના પોંકનું મોંમાં નાખતાં જ ઓગળી જાય એવું તાજેતાજું રેશમિયું જાદરિયું.

જીભના ટેરવેથી મગજના છેડા સુધીના જ્ઞાનતંતુઓ સડક ઊભા થઇ જાય એવો અનેરો, રસ કેરો ઝાટકો આપી જનારી આ રસોઇ.


કૃષ્ણકમોદની કણકીનું આદુ-મરચાં-જીરાથી ખદખદતું સુગંધીદાર ખીચું અથવા ઊકળતી દાળની મહોલ્લાભમાં ફરી વળેલી ખટમીઠી સોડમ, શ્રી સત્યનારાયણની કથાના ઘીમાં શેકાતા એ શીરાનો મઘમઘાટ કે સીઝતી-વીસમતી ખીચડીનો સુગંધાનંદ તો જાણે પરમાનંદ. ભૂંજાતાં શક્કરિયાં- બટાકાંની ખરી ખરી ભૂંજાયેલી ગંધ એકાદા નાસ્તિકને શિવરાત્રી તો શું, અહોરાત્રી કરવા ફરજ પાડે તેનું નામ રસોઇ.

ચોમાસે ઊતરી પહેલાં ગરમાગરમ કેળાંમેથીનાં ભજિયાં એની સાથે મહાલવા માટે સજીધજીને તૈયાર થઇ રહેલા ઘઉંના લોટમાં એક મધમીઠા ઝમ્મકારા સાથે રેડાતું ગોળનું ફફળતું પાણી. બળી-બળીને ભડથું થઈ રહેલાં રીંગણાં પર ચરમર-ચરમર થતો એ ધૂંગાર (આજનું સિઝલર્સ!) ચૂલે ચડેલી દાળમાં મેથીનો કે કઢીમાં મીઠા લીમડાનો વઘારાતો છમ્મરકારો તો પરાણે નાક-કાનમાં પેસીને જ જંપે. લાંબી સોડ તાણીને સૂતેલી ભૂખ પણ તરાપ મારતી ઊભી થઇ જાય એવી હોય આ રસોઇ. નાક-કાન-આંખ વાટે સમગ્ર પંચેન્દ્રિયોને ઉત્તેજિત કરી મૂકનારી ક્રિયા-પ્રક્રિયાનું નામ તે રસોઇ આ બધાં તો આપણાં દેશી ઉદ્દીપકો (ઍપિટાઇઝર્સ).

તો આ છે આપણી રસોઈની એક ઝલક.

ભારતીય રસોઇ કળા સ્વાદને પોષનારી અને સ્વાસ્થને સાચવનારી છે. આપણે આપણી મોંઘેરી મીરાત જેવી રસોઇ કળાને ધીમે ધીમે ભૂલી રહ્યાં છીએ. દાદીમાને જેટલી રસોઇ આવડતી હતી તેટલી માતાને ના આવડે અને દીકરીઓ કે વહુઓને તો હવે રસોડામાં જવાનું ગમતું જ નથી. મોર્ડન મહિલા માટે રસોઇ ના આવડવી એ એક સ્ટેટસ છે. જેને રસોઇ આવડતી હોય તે સ્ત્રી આધુનિક કે મોડર્ન નથી. એવી સ્ત્રી તો હોય તે સ્ત્રી આધુનિક કે મોડર્ન નથી. એવી સ્ત્રી તો 'હજી પણ મણિબહેન' છે. જૂની પુરાણી સ્ત્રી છે.

આજની મોટાભાગની સ્ત્રીઓને હરીભરીને થોડીક વાનગીઓ આવડે. રસોઇ કળાને ભૂલીને ગૃહિણીઓ પોતાનાં સંતાનોના આરોગ્યને હોડમાં મૂકી રહી છે. અને હા, રસોઇ બનાવવીએ કંઇ માત્ર સ્ત્રીઓની જ જવાબદારી છે એવું બિલકુલ નથી. સારા શેફ મોટાભાગે પુરુષો જ હોય છે. પુરુષોને પણ રસોઇ બનાવતાં આવડે જ છે.

રસોઇ કળા સામે ત્રણ પ્રકારના પડકારો છે.
1. આધુનિક સ્ત્રીને હવે રસોઇ બનાવવાનો સમય નથી કારણ કે નોકરી કે ધંધો કરે છે. ધારો કે તે માત્ર ગૃહિણી છે તો પણ આધુનિક સમજણ એવી છે કે "સ્ત્રીએ કંઇ આખો દિવસ રસોડામાં ગોંધાઇ રહેવાનું નથી" અને એક ખાસ વાતઃ રસોઇ કાયમ સ્ત્રીઓએ જ બનાવવી જોઇએ એવું કોણે કહ્યું ? સ્ત્રીઓ કંઇ રસોડામાં પૂરાઇ રહેવા જન્મી છે ?

2. હવે જમાનો ઇન્સ્ટન્ટ (શીઘ્ર) અને રેડીમેઇડ (તૈયાર) નો આવી ગયો છે. આજની પેઢીને, એટલે કે આપણા સૌંને વધુ શીઘ્ર-ત્વરિત-તાત્કાલિક જોઇએ છે. સમય નથી ને ! ફટાફટ જોઇએ ! ફૂડ જોઇએ, પણ ફાસ્ટ જોઇએ. અને હા, બનાવવાનો સમય નથી, રેડીમેઇડ જોઇએ, તૈયાર જોઇએ. હવે એટલું બધું તૈયાર ખાવાનું મળે છે કે "રસોઇની ઝંઝટમાં હવે કોણ શું કામ પડે ?"

3. ત્રીજો પડકાર છે બહાર ખાવાનો. રેસ્ટોરન્ટ અને હોટેલોમાં અનેક પ્રકારનું જમવાનું મળે છે. પરિવાર સાથે જવાનું અને જમીને આવી જવાનું. ઘરમાં રસોઇ બનાવો તો અમુક પ્રકારની જ બને, પણ બહાર જાઓ તો મળે "વિશ્વ તણી વિશાળતા" અનેક દેશ-પ્રદેશનાં જમણ હાજર હોય. બહાર જવાની એક ભવ્ય પરંપરાએ 'રસોઇકળા' પર જબરજસ્ત આક્રમણ કર્યું છે. શનિ-રવિ કે રજાના દિવસે મોટાભાગનાં શહેરી રસોડામાં શીતળા સાતમ જ હોય છે.


આપણે રસોઇકળાને ભૂલીને શું ગુમાવી રહ્યા છીએ અને શું મેળવી રહ્યા છીએ ?
એક ઝલક જોઇએ.

1. આપણી ભવ્ય, પરંપરાગત, આપણી સંસ્કૃતિની જબરજસ્ત ઓળખ જેવી રસોઇકળાને ભૂલીને આપણે આપણી સંસ્કૃતિને ખોઇ રહ્યા છીએ. આપણા મૂળને જાતે જ કાપી રહ્યા છીએ.


2. રસોઇ કળા ભૂલીને આપણે આપણા સ્વાસ્થ્યને સાચવતા ખજાનાને લૂંટાવી રહ્યા છીએ. આપણી રસોઇ માત્ર ખાવાની સામગ્રી નથી. તે તો છે આપણી સ્વસ્થતા, આપણા આરોગ્ય, આપણી નિરામયતાની રખેવાળ. આપણું રસોડું એટલે મેડિકલ સ્ટોર. આપણા મસાલા અને તેજાના એટલે અક્સીર દવા નાની-મોટી બીમારીઓમાં આપણું રસોડું દવા અને ડોક્ટર બન્નેની ગરજ સારે. કેસર-હળદર-દિવેલ-મરી-મીઠું-જાયફળ-હિંગ-તમાલપત્ર, મરચાં-ધાણા-જીરું-આ બધું માત્ર સ્વાદ નથી આપતું આપણા આરોગ્યને પણ સાચવે છે.


3. રસોઇકળાની માત્ર તન પર અસર નથી પડતી મન પર પણ પડે છે. જેવું અન્ન તેવું મન. આપણે આપણું સાત્ત્વિક અને સત્વશીલ ખાવાનું છોડીને, જાતે બનાવેલું જમવાનું ત્યજીને આપણા મનને પણ દૂષિત, માંદુ અને નબળું પાડી રહ્યા છીએ.


4. બહારનું જમવાનું વધ્યું તેમ બીમાર પડવાનું પણ વધ્યું. જેટલી રેસ્ટોરન્ટ કે હોટલો વધી તેટલી હોસ્પિટલો પણ વધી. પડીકાં સંસ્કૃતિ અમલમાં આવી. દિવસો કે મહિનાઓ પહેલાં, અનેક પ્રકારનાં કેમિકલ્સ નાખીને બનાવેલી વાનગીઓથી આપણે આપણી હોજરીઓને બગાડતાં થઇ ગયાં. બહાર હોટેલમાં જમવા જાઓ ત્યારે અનેક દિવસો પહેલાં બનાવેલી ગ્રેવી કે શાક કે વાનગીઓ ગરમ કરીને ખવડાવવામાં આવે ! સ્વાદ માટે ભગવાને સોના જેવું આપેલું શરીર ભૂલી જવાનું ! સામાન્ય વિવેકબુદ્ધિ પણ નહીં ? સ્વાદના ચટાકાના કારણે સાત્વિક ખોરાક માટેનો પ્રેમ ઘટ્યો. બહાર ચટાકેદાર મળતું હોય તો ઘરનું ફિક્કું-ફસ કોણ ખાય?

બહારના જમણે બહેનોને આળસુ કરવામાં મદદ કરી. ગઇ કાલ સુધી જે ગૃહિણી આનંદ અને ગૌરવથી, વટ અને ચીવટથી, મોજ અને મસ્તીથી, સ્વેચ્છા અને સમર્પણથી રસોડું સંભાળતી હતી તેને હવે રસોડું ખૂંચવા અને ખટકવા લાગ્યું. હવે તેને રસોઇ બનાવવાનો ભારે કંટાળો આવે છે.

બીજી એક ખાસ વાત, આજકાલની મોડર્ન મહિલાઓને રસોઇ બનાવતાં આવડતું પણ નથી. (અપવાદ હશે ભાઇ, આપણે કોઇ વાદ-વિવાદ નથી કરવો હોં) પહેલાંની ગૃહિણીને તો એટલી બધી વાનગીઓ બનાવતાં આવડતી હતી કે સૂચિ બનાવો તો આખી નોટ ભરાઇ જાય. આજકાલની મહિલાની વાતમાં એક પાનું પણ વધારે લાગે !

આજની મોટાભાગની સ્ત્રીઓને હરીભરીને થોડીક વાનગીઓ આવડે. રસોઇ કળાને ભૂલીને ગૃહિણીઓ પોતાનાં સંતાનોના આરોગ્યને હોડમાં મૂકી રહી છે. અને હા, રસોઇ બનાવવીએ કંઇ માત્ર સ્ત્રીઓની જ જવાબદારી છે એવું બિલકુલ નથી. સારા શેફ મોટાભાગે પુરુષો જ હોય છે. પુરુષોને પણ રસોઇ બનાવતાં આવડે જ છે. પુરુષે કમાવાની જવાબદારી પોતાના ભાગમાં રાખી અને સ્ત્રીએ ઘર સંભાળ્યું. રસોડું ઘરમાં આવી જાય. હવે જો, સ્ત્રી આર્થિક ઉપાર્જન માટે પુરુષને સાથ આપતી હોય તો પુરુષોએ, કોઇ પણ પ્રકારની અંચઇ કર્યા વિના ઓફિસથી ઘરે જઇ, હાથ-પગ ધોઇ, કપડાં બદલીને ચૂપચાપ રસોડામાં જતું રહેવું જોઇએ. ના, જમવા નહીં, રસોઇ બનાવવા. પુરુષોએ રસોઇ બનાવવી જ જોઇએ.

બાળપણથી જ છોકરી સાથે છોકરાને પણ રસોઇ બનાવતાં શીખવવું જ જોઇએ. રસોડું તમને ધીરજવાન બનાવે છે. મેગી બે મિનિટમાં બને પણ ખીચડી માટે ધીરજ રાખવી પડે. જો પુરુષો થોડાં વર્ષ રસોડું સંભાળે તો તેમની ઝડપ ઘટે, ચંચળતા ઓછી થાય અને એકાગ્રતા આવે. તેમનામાં ધીરજનો ગુણ ઉમેરાય. બ્લડપ્રેશર ઊંચું રહેતું હોય તો માપમાં આવી જાય. રસોડું વ્યક્તિને એકાગ્ર પણ બનાવે છે.


લાગણી વેળાઃ
ભારત વાદીલો દેશ છે. પશ્ચિમના દેશોમાં જે થાય તેની નકલ મારવામાં તે પોતાનું ગૌરવ સમજે છે. ઠંડા પ્રદેશવાળા દેશોમાં ગરમ જમવાનો રિવાજ ઓછો છે. તેઓ અઠવાડિયાનું ભેગું બનાવીને ફ્રિઝમાં સંગ્રહીને જમે છે. હવે એ કુરિવાજ ભારતમાં આવી ગયો છે. હવે ભારત જેવા ગરમ પ્રદેશમાં ઠંડું અને વાસી ખાવાનો ચાલ ઝડપથી વધી રહ્યો છે. જાણીતા તબીબ ડો. શિરીન શુક્લ કહે છે કે ભારતમાં રસોડું પેન્ટ્રી બની જાય એ દિવસો દૂર નથી. આજકાલ જેમ ધાતુપાત્રો કે વાસણોનાં સંગ્રહાલય છે તેમ રસોડાનાં પણ મ્યુઝિયમ હશે ?
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP