લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

ધર્મ અને ગુજરાત, ધર્મ અને ગુજરાતીઓઃ ધારો કે મહાત્મા ગાંધીએ કોઈ સંપ્રદાય શરૂ કર્યો હોત તો?

  • પ્રકાશન તારીખ02 Sep 2018
  •  

ધર્મ અને ગુજરાત, ધર્મ અને ગુજરાતીઓ. શ્રાવણ મહિનો આવે છે અને ગુજરાતમાં ભગવાનને રીઝવવાનું ઘોડાપૂર આવે છે. કોઈ એક જ મહિનામાં ભગવાનને પૂજી લેવાની-રીઝાવી કે પટાવી લેવાની પરંપરા હોય તે અજબ જેવી વાત નથી લાગતી? આખા વર્ષનો ધર્મ એક મહિનામાં અદા કરી લેવા માટે પણ શક્તિ અને દૃષ્ટિ જોઈએ. ચર્ચા કરવા માટે આ એક વિષય સારો છે. જો કે સંવેદનશીલ પણ છે. સંવેદનશીલ વિષયની ચર્ચા કરવાથી ચપટીક સંવેદના વધતી હોય તો તેના વિશે ચર્ચા કરવામાં પાપ નથી. ચાલો ચર્ચા કરીએ.

વૈદિક ધર્મમાંથી વિકસેલા ભાગવત, સૌર, શાક્ત, ગાણપત્ય વગેરે સંપ્રદાયો ગુજરાતમાં સર્વત્ર પ્રચલિત હતા. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય આદિ દેવોની ભક્તિ આ પ્રદેશમાં સ્વીકારાઈ હતી. જો કે બ્રહ્માની પૂજા સંપ્રદાય તરીકે સ્થિર ના થઈ.

પહેલાં થોડો, માપસરનો ઈતિહાસ જોઈ લઈએઃ
ગુજરાતી પ્રજા ધર્મભીરુ પ્રજા છે. (આમ તો ભારતની કઈ પ્રજા ધર્મભીરુ નથી?) ભારતની પશ્ચિમેથી ગુજરાતમાં આથર્વણો અને પશ્ચિમ અને ઉત્તર દિશામાંથી શર્યાતો આવ્યા ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સૌરાષ્ટ્રમાં વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો હતાં. શર્યાતિએ પોતાના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યાર પછી આ પ્રદેશ આનર્ત પ્રદેશ તરીકે જાણીતો થયો હતો. વેદના ઋષિ શાકલ્ય પણ આ પ્રદેશમાં થયા હોવાનું જણાય છે. મહાભારત કાળમાં શ્રીકૃષ્ણ યાદવોને મથુરામાંથી લઈ દ્વારકામાં આવીને વસ્યા એ સમયે વૈદિક ધર્મ અહીં મોટા ભાગે સ્થિર થયો હોવાનું કહેવાય છે. બૌદ્ધ અને જૈન સંપ્રદાયો ૨૦૦૦ વર્ષ પૂર્વે આ પ્રદેશમાં પ્રવેશી ચૂક્યા હતા.

વૈદિક ધર્મમાંથી વિકસેલા ભાગવત, સૌર, શાક્ત, ગાણપત્ય વગેરે સંપ્રદાયો ગુજરાતમાં સર્વત્ર પ્રચલિત હતા. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, શક્તિ, સૂર્ય આદિ દેવોની ભક્તિ આ પ્રદેશમાં સ્વીકારાઈ હતી. જો કે બ્રહ્માની પૂજા સંપ્રદાય તરીકે સ્થિર ના થઈ.

સાંપ્રત સમયમાં પ્રવર્તમાન શૈવ સંપ્રદાય સૌમ્ય પ્રકારનો મનાય છે. શક્તિ પૂજા ગુજરાતમાં શિવ પૂજાની સાથે જ રહી છે.

સોળમી સદીમાં ગુજરાતમાં રાધા વલ્લભ સંપ્રદાયનો ઘણો વિકાસ થયો હતો. આ સંપ્રદાયનાં ગુજરાતમાં બાવન મંદિરો છે. મહાત્મા રંગ અવધૂતે ગુજરાતમાં દત્તની ઉપાસના અને પ્રણાલીની સાધનાને પ્રચલિત કરીને દત્ત સંપ્રદાયનો પ્રચાર કર્યો. રાજસ્થાનનના મારવાડમાં રણુજા ગામે રામદેવપીર સંપ્રદાય શરૂ થયો. ૨૦૦ વર્ષ પહેલાં ધોળકા પાસે રંગપુર આવીને રામ બાવાએ રામદેવપીરનું મંદિર બંધાવ્યું હતું. ગુજરાતમાં શિરડીના સાંઈબાબાના અનુયાયીઓનો એક વર્ગ છે. એના પ્રચારમાં સાંઈ શરણાનંદ મહાત્માનો મોટો ફાળો હોવાનું કહેવાય છે.

વૈષ્ણવ સંપ્રદાયના રામના ઉપાસકોમાં રામાનંદી અને રામસનેહી જેવા પંથોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતમાં પીરાણા પંથ, સંતરામ પંથ, રવિ પંથ, દાદુ પંથના અનુયાયીઓ પણ છે. પીરાણા પંથના અનુયાયીઓ હિન્દુ તથા મુસ્લિમ તહેવારો ઉજવતા. જુનાગઢમાં રવિ સાહેબે ૧૭૫૦માં રવિ પંથ સ્થાપ્યો હતો તો ૧૮મી સદીમાં નડિયાદમાં સંતરામ મહારાજે સંતરામ પંથની સ્થાપના કરી હતી. ઈ.સ. ૧૬૦૦માં દાદુરામે દાદુ પંથની સ્થાપના કરી હતી. ગુજરાતમાં કબીર પંથ પણ વ્યાપક સ્વરૂપે ફેલાયેલો છે. એ જ રીતે ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફિરકાઓ, ચિન્મયાનંદ મિશન, ઈસ્કોન, સદ્‌વિચાર પરિવાર, રામકૃષ્ણ મિશન, પુનિત આશ્રમ, પૂ. મોટાની સંસ્થા, દિવ્ય જીવન સંઘ અને ગાયત્રી પરિવાર પોતપોતાની રીતે ધર્મ અને અધ્યાત્મની પ્રવૃત્તિ કરે છે.

મહાવીર-વર્ધમાન સ્વામીએ જૈન ધર્મને સ્વતંત્ર સ્વરૂપ આપ્યું તે પહેલા આ ધર્મ ગુજરાતમાં પ્રવર્તતો હોવાનું કહેવાય છે. ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ જૈન ધર્મ છે. જૈન ધર્મની સાથે સાથે ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ હતો. ગુજરાતમાં બૌદ્ધ સ્તૂપો અને વિહારોના અનેક નમૂના ગુજરાતમાંથી મળી આવ્યા છે. જાણીતા સંશોધક અને વૈજ્ઞાનિક પી. એસ. ઠક્કરનું સંશોધન એમ કહે છે કે ભગવાન બૌદ્ધ લોહાણા હતા.

ગુજરાતમાં ૧૦મી સદીમાં આવેલા પારસીઓ જરથોસ્તી ધર્મ પાળતા. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બહાઈ ધર્મ પણ પ્રચલિત હતો. એ જ રીતે ઈસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મનું પણ ગુજરાતમાં પ્રચલન હતું અને છે. ગુજરાતમાં રહેતા શીખ સમુદાયના લોકો શીખ ધર્મ પાળે છે અને ગુરુનાનકના સમયથી ગુજરાતમાં શીખ ધર્મનો પ્રચાર થયો છે.

એવું કહેવાય છે કે ગુજરાતમાં ઈસ્લામ ધર્મનું આગમન દરિયાઈ માર્ગે થયું હતું. અરબસ્તાન અને ઈરાનથી આવતા વેપારીઓ ગુજરાતમાં ઈસ્લામ ધર્મ લઈ આવ્યા. છેક દસમી સદીમાં ખંભાતમાં મુસ્લિમો હતા. પ્રારંભમાં ગુજરાતમાં શિયા-સુન્ની જેવા સંપ્રદાયોનો કોઈ ઉલ્લેખ નથી, પણ ધીમે ધીમે વેપારીઓની સાથે ધર્મ પ્રચારકો આવવા લાગ્યા ત્યારથી ગુજરાતમાં શિયા-સુન્નીના ભેદો શરૂ થયા હોય તેમ માનવામાં આવે છે. ગુજરાતમાં શિયા પંથનો પ્રચાર ઈજિપ્તના પ્રચારકોએ કરેલો. ગુજરાતના કેટલાક હિન્દુઓએ તેમની અસર નીચે ધર્માન્તર પણ કર્યું હતું. ગુજરાતમાં મુસ્લિમોમાં અરબસ્તાન-ઈરાનથી આવેલા મૂળ લોકો કરતાં ધર્માન્તરણ કરીને મુસ્લિમો બનેલા લોકોની સંખ્યા મોટી છે. મોટા ભાગના ખોજા અને વ્હોરા શિયા પંથી છે. કેટલાક ઈસ્લામી ઉપદેશકોએ હિન્દુ અને ઈસ્લામ વિચારધારાઓનું મિશ્રણ કરીને પિરાણા પંથ પણ સ્થાપ્યો છે. એક મહેંદવી પંથ હતો, તેના અનુયાયીઓ ગુજરાતમાં છે.

ગુજરાતમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજને પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મમાં ગયેલા હિન્દુઓને મૂળ ધાર્મિક પ્રવાહમાં લાવવા શુદ્ધિકરણની પ્રવૃત્તિ આર્યસમાજ દ્વારા શરૂ કરવામાં આવી હતી. બંગાળમાં વિકસેલી બ્રહ્મો સમાજની વિચારધારા પણ ગુજરાતે સ્વીકારી છે અને આજ વિચારધારામાંથી જન્મેલી પ્રાર્થના સમાજની વિચારધારા પણ ગુજરાતે સ્વીકારી.

ગુજરાત ધર્મના પ્રવાહો કે સંપ્રદાયની કેડીઓને મોટાભાગે સ્વીકારવામાં આવે છે. તેનું એક કારણ કદાચ એ છે કે ગુજરાતીઓ બીજી પ્રજાઓ કરતાં વધારે પ્રગતિશીલ અને ઉદાર છે. તેનાં ઘણાં બધાં કારણો હોઈ શકે. જેમ ગુજરાતીઓના જીન્સમાં, ડીએનએમાં વેપાર છે એ જ રીતે ગુજરાતીઓમાં વિશાળતા પણ છે. આ વિશાળતા અને ઉદારતા બીજે ક્યાંથી આવી તે સંશોધનનો વિષય છે. ગુજરાતને દરિયો મળ્યો તેથી ગુજરાતીઓ વિશ્વના બીજા દેશોમાં આવતા જતા થયા. બહાર ફરનારો માણસ ઉદાર બની જતો હોય છે. જો તેનામાં સહિષ્ણુતા, ઉદારતા અને વિશાળતા જેવા ગુણો ન હોય તો તે બહાર સ્થાયી થઈ જ ના શકે. ગુજરાતી પ્રમાણમાં રૂઢિવાદી કે જડ નથી. તે ખૂબ ઝડપથી નવી વાત સ્વીકારી લે છે.

સરેરાશ ગુજરાતીને જેમ શાંતિ ગમે છે તેમ ધર્મ પણ ગમે છે. ગુજરાતમાં રેશનાલિઝમની પ્રવૃત્તિ થોડીક પ્રસરી છે, પરંતુ મોટાભાગે ગુજરાતી ધર્મ અનુરાગી છે. તેને ધર્મ ગમે છે, તેને ધર્મનું પાલન કરવાનું ગમે છે, તે ધર્મથી ગભરાય પણ છે.

ગુજરાતીઓ પોતાના ધર્મને માને તો ધાર્મિક પ્રવાહમાં કોઈ નવી વાત આવતી હોય તો પણ સ્વીકારે. થોડીક ઝલક જાઈએ.

ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય ઘણા મોટા પાયામાં પ્રસર્યો છે. મૂળ સ્વામિનારાયણ ભગવાન ઉત્તરપ્રદેશમાં અયોધ્યાની બાજુમાં આવેલા છપૈયા ગામમાં થયો હતો. તેઓ ગુજરાતમાં આવ્યા અને અહીં તેમણે સ્વામિનારાયણ ધર્મનો પ્રસાર કર્યો. પછી તો સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા ફાંટા અને ફીરકાઓ થયા. મૂળ ગાદી પતિ ગણાતા જુદા અને બીજા જુદા. જેમાં બી.એ.પી.એસ. (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ) (પ્રમુખ સ્વામી- મહંત સ્વામી), કાલુપુર મંદિર (આચાર્ય તેજેન્દ્રપ્રસાદ-આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ), વડતાલ (સ્વામિનારાયણ) (રાકેશપ્રસાદ સ્વામી), વડોદરાની બાજુમાં સોખડા સ્વામિનારાયણ (હરિધામ) (હરિપ્રસાદ સ્વામી), સ્વામિનારાયણ ગુરુકુળ (માધવ પ્રિયદાસજી સ્વામી), સ્વામિનારાયણ વાસણા (એસ.એમ.વી.એસ.), અનુપમ મિશન (જશભાઈ સાહેબ), સ્વામિનારાયણ મણિનગર (પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી) વગેરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં દાદા ભગવાનની પ્રવૃત્તિઓ પણ વર્ષોથી ધમધમી રહી છે.

ગુજરાત એક એવી ભૂમિ છે જેમાં દરેક ધર્મને પ્રસાર કરવા માટે અવકાશ મળી રહે છે. ગુજરાતના હિન્દુઓ કોઈને નિરાશ કરતા નથી. ગુજરાતમાં બ્રહ્માકુમારી વિચારધારાનો પણ ઘણો પ્રચાર થયો છે. તેનું મુખ્ય મથક માઉન્ટ આબુમાં છે, પરંતુ ગુજરાતમાં તેના અનુયાયીઓ ઘણી મોટી સંખ્યામાં છે. સ્વાધ્યાય પરિવારનો પ્રારંભ થયો મુંબઈમાં, પરંતુ તેના મોટા ભાગના અનુયાયીઓ ગુજરાતીઓ છે અને તે ગુજરાતના છે. પાંડુરંગ આઠવલેને સ્વાધ્યાયની પ્રવૃત્તિનો પ્રસાર કરવા માટે ગુજરાત જેવી ફળદ્રુપ ભૂમિ બીજી કઈ મળે?

દોડવું હોય અને ઢાળ મળે તેવી સ્થિતિ છે. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના વડાને ગુજરાતમાં પોતાની વિચારધારાનો ફેલાવો કરવો હોય તો પ્રમાણમાં કામ સરળ બને છે, કારણ કે ઢાળ હોય ત્યાં તમે ઝડપથી દોડી શકો. તેનું એક ઉત્તમ ઉદાહરણ આશારામ બાપુ છે. ઘણા ગુજરાતીઓ એવો દાવો કરે કે ફાંકો રાખે કે ગુજરાતમાં રામરહીમ જેવી ઘટના ન બને તો તે દાવો અર્ધસત્ય છે, કારણ કે આશારામ બાપુ અત્યારે જેલમાં છે અને તેમના પર હત્યા અને બળાત્કારના આક્ષેપો છે.

ગુજરાતમાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદની પ્રવૃત્તિઓ પણ ફૂલીફાલી છે. જો કે ગુજરાતીઓ જેમ ધર્મની બાબતમાં રૂઢિવાદી નથી તેમ તેઓ કટ્ટર પણ બની શકતા નથી. આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદને તેઓ માન આપે, પણ માપમાં. કોઈ પણ પ્રવૃત્તિ કે સંસ્થામાં કટ્ટરતા વધતી દેખાય તો મોઢું ફેરવી પણ લે. હા, ગુજરાતીઓને સામી છાતીએ વિરોધ કરવાનું ઓછું ગમે. કજિયાનું મોં કાળું એ કહેવત ગુજરાતીઓની પ્રિય કહેવત છે.

ગુજરાતમાં ગાયત્રી પરિવારની પ્રવૃત્તિઓ પણ ધમધમે અને જો શ્રી શ્રી રવિશંકર પોતાની બ્રાન્ચીસ શરૂ કરવાનો પ્રયાસ કરે તો તેમને પણ ભક્તો મળી જ રહે. મળ્યા જ છે. જેમ બજારમાં કોઈ નવી વાનગી આવી હોય અને ગુજરાતીઓ તેનો ટેસ્ટ કરતા અચકાતા નથી, તે જ રીતે જો સમાજમાં કોઈ નવો ધર્મ કે ફાંટો કે વિચારધારા આવી હોય તો તેમાં આંટો મારવામાં ગુજરાતીઓ અચકાય કે ખચકાય નહીં.

ગુજરાતીઓ માપમાં માનનારી પ્રજા છે. (ગમે તેમ તો ય વેપારી પ્રજા. માપિયા વગર તેને ના ચાલે.) જો કોઈ પણ વાત માપ બહાર જતી લાગે તો તેઓ તરત અટકી જાય. ગુજરાતે સ્વામિ સચ્ચિદાનંદને પ્રારંભમાં ખૂબ જ સ્વીકાર્યા. તેમને સાંભળવા આખુ ગુજરાત બેતાબ રહેતું. તેમના અનુભવો અને અભિપ્રાયો ગુજરાતે શ્રદ્ધાથી સાંભળ્યા. સ્વામી સચ્ચિદાનંદની વિચારધારાને પગલે ગુજરાતના પટેલો વાસ્તવલક્ષી બન્યા અને શિક્ષણ જેવા ક્ષેત્રનું મહત્વ સમજ્યા. આ છતાં જ્યારે ગુજરાતીઓને લાગ્યું કે સ્વામીજી હિન્દુ ધર્મની વધારે પડતી અને બિનજરૂરી ટીકા કરે છે ત્યારે ગુજરાતીઓએ તેમનાથી એક અંતર ઊભું કરી દીધું. જો કે ઘણા સંશોધકો એવું માને છે કે ગુજરાતીઓને વૈજ્ઞાનિક અભિગમ પચતો જ નથી. ગુજરાતીને તર્ક કરતાં શ્રદ્ધા સાથે સારું બને છે. એટલે જ આ ગુજરાતીઓએ સ્વામી દયાનંદ સરસ્વતિની વિચારધારા પણ સ્વીકારી નહોતી.

જેમ બજારમાં કોઈ નવી વાનગી આવી હોય અને ગુજરાતીઓ તેનો ટેસ્ટ કરતા અચકાતા નથી, તે જ રીતે જો સમાજમાં કોઈ નવો ધર્મ કે ફાંટો કે વિચારધારા આવી હોય તો તેમાં આંટો મારવામાં ગુજરાતીઓ અચકાય કે ખચકાય નહીં.

ઓશો રજનીશ કચ્છના માંડવીમાં પોતાનું આશ્રમ સ્થાપવા માગતા હતા. તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ મોઢું ફુલાવીને તેમને ધરાર ના પાડી દીધી. પછી એ પૂના ગયા. જો તેમણે માંડવીમાં આશ્રમ કર્યો હોત તો કદાચ તેમને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ આટલી ન મળી હોત. એવું નથી કે ગુજરાતીઓ રજનીશને નથી માનતા. માને છે, પરંતુ વળી પાછી માપની વાત આવે છે. માપમાં માને છે. બહુ બુદ્ધિ ચલાવીને સૂક્ષ્મ રીતે, તર્ક સાથે કોઈ વાતને સમજવાની કે સ્વીકારવાની હોય તો ગુજરાતીઓ તેમાં નથી પડતા. એ જ રીતે સેક્સના થોડાક જોક્સ સાંભળીને હસી લેવામાં ગુજરાતીને વાંધો ના આવે, પણ રજનીશ કહેતા હતા તેવું ઉઘાડાપણું ગુજરાતીઓને અનુકૂળ ના આવે.

ગુજરાતીઓ પૈસા કમાતી પ્રજા છે. પૈસા કમાવા માટે કેટલાક ગુજરાતીઓ રંગ જોતા નથી. કાળું-ધોળું કરવામાં તેમને વાંધો નથી આવતો. કેટલાક લોકો એવું માને છે કે ધંધામાં ખોટું કર્યા પછી ગુજરાતીઓ જે અપરાધ ભાવ અનુભવે છે તે અપરાધ ભાવને ધર્મમાં માનીને શુદ્ધ કરે છે.

ગુજરાતમાં તમને અનેક એવા વેપારીઓ મળશે. જે મોટો સોદો થાય એટલે નાથદ્વારા, મધ્યમ સોદો થાય એટલે અંબાજી અને નાનો સોદો થાય એટલે ઘરની બાજુના મંદિરે અચૂક જશે. અનેક ગુજરાતીઓ માટે ધર્મ એ વેપારમાં કરેલી ગરબડોને ધોવા માટેની ગંગા નદી છે. એક ડૂબકી મારો એટલે પાપ ધોવાઈ ગયાં.

હવે જમાનો ડિજિટલ પેઢીનો છે. આખા વિશ્વમાં નવી પેઢી ધર્મને નવી રીતે જાઈ રહી છે. જેમ ન્યુ ઈન્ડિયા અવતરી રહ્યું છે તે રીતે જ હવે ન્યુ ધર્મ પણ જન્મશે?

લાગણી વેળાઃ
ધારો કે મહાત્મા ગાંધીએ પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય શરૂ કર્યો હોત તો?
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP