લેખક વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે.

યુદ્ધ ફાટી નીકળે તો પહોંચી વળવાની માનવીય સજ્જતા,પણ જરૂરી બજેટ લશ્કરી દળો પાસે નથી

  • પ્રકાશન તારીખ13 Sep 2018
  •  

દુનિયામાં સૌથી મોટી લશ્કરી તાકાત ધરાવતા પાંચ દેશોમાં ભારતીય લશ્કરી દળો આવતાં હોવા છતાં સંસદની બબ્બે ઉચ્ચસ્તરીય સમિતિઓએ ચિંતા વ્યક્ત કરી છે કે ભારત ભલે પરમાણુ શસ્ત્રોથી સજ્જ દેશ હોય પણ વર્તમાન કેન્દ્ર સરકાર એને જરૂરી આર્થિક સંસાધનો પૂરાં પાડવામાં આંખ આડા કાન કરી રહી છે.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની સલાહ મુજબ આગળ વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા દિવસોમાં યુદ્ધ નહીં જ થાય, એવું માનીને ચાલે છે. રખેને યુદ્ધ થાય તો ભારત પાસે લશ્કરી માનવશક્તિ તો સજ્જ છે, પણ સાધનસામગ્રીનો અભાવ દસ દિવસથી લાંબા યુદ્ધ માટે પૂરતી નથી. સામાન્ય રીતે વર્તમાન સંજોગોમાં યુદ્ધ ફાટી નીકળે તો બે-ત્રણ મહિના જેટલું લાંબું ચાલતું હોય ત્યારે શા હાલ થાય, એ વિચાર કરતાં જ કમકમાં આવે છે. આટલું ઓછું હોય તેમ ભારત સરકાર સંરક્ષણ મંત્રાલયના રક્ષા વિષયક સંશોધન અને વિકાસ માટે ઝાઝી આર્થિક ફાળવણી પણ કરતી નથી.

રખેને યુદ્ધ થાય તો ભારત પાસે લશ્કરી માનવશક્તિ તો સજ્જ છે, પણ સાધનસામગ્રીનો અભાવ દસ દિવસથી લાંબા યુદ્ધ માટે પૂરતી નથી. સામાન્ય રીતે વર્તમાન સંજોગોમાં યુદ્ધ ફાટી નીકળે તો બે-ત્રણ મહિના જેટલું લાંબું ચાલતું હોય ત્યારે શા હાલ થાય, એ વિચાર કરતાં જ કમકમાં આવે છે.

મુરલી મનોહરને ‘૬૨નું સ્મરણ
આશ્ચર્ય એ વાતનું છે કે સંરક્ષણ અંગેની સંસદની સ્થાયી સમિતિ અને અંદાજ સમિતિના અધ્યક્ષસ્થાને ભાજપના જ વરિષ્ઠો અનુક્રમે મેજર જનરલ (નિવૃત્ત) બી.સી.ખંડૂરી અને ડૉ.મુરલી મનોહર જોશી છે. પ્રત્યેક સમિતિમાં ૩૦-૩૦ સર્વપક્ષી સાંસદ હોય છે. બંને સમિતિના ભાજપી વડાઓએ પોતાના અહેવાલમાં સોઈઝાટકીને સ્થિતિનો ચિતાર આપવા છતાં કેન્દ્ર સરકાર લશ્કરી દળોને જરૂરી સંસાધનો ફાળવવામાં રસ લેતી નથી. આ અહેવાલો પબ્લિક ડોમેઈનમાં છે. તેમની સમક્ષ લશ્કરી દળના નાયબ વડા સહિતનાએ લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે.એમની માગણીઓને સરકારીબાબુઓ અને રાજકીય શાસકો અવગણે છે. ઉપરાંત ભારતીય લશ્કરી દળોની આર્મી, નેવી અને એરફોર્સ સહિતની ત્રણેય પાંખમાં અધિકારીઓની હજારો જગ્યાઓ ખાલી હોવા છતાં એ ભરવાની બાબતમાં પણ ઉદાસીનતા સેવાય છે. ભારત સરકાર દર વર્ષે સંરક્ષણ મંત્રાલયને જે બજેટ ફાળવે છે એ દેશના કુલ વાર્ષિક ઉત્પાદનના ૧.૫૮% જેટલું જ એટલે કે વર્ષ ૧૯૬૨માં ચીન સામેના નાલેશીભર્યા યુદ્ધના સંજોગોમાં ફાળવાયેલા બજેટ જેટલું જ છે!

આર્થિક તંગીનો અનુભવ
સંરક્ષણ મંત્રાલયને ફાળવવામાં આવતા બજેટનો મોટા ભાગનો હિસ્સો લશ્કરી ખરીદીઓની ચૂકવણી અને પેન્શન સહિતના ખર્ચમાં જતો હોવાને કારણે આધુનિકીકરણ અને નવાં સાધનો વસાવવાની બાબત માટે આર્થિક તંગીનો અનુભવ થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૭-૧૮ માટે સંરક્ષણ મંત્રાલયને માત્ર ૩,૫૯,૮૫૪ કરોડ રૂપિયા ફાળવાયા હતા. એ રકમ થોડી વધીને વર્ષ ૨૦૧૮-૧૯ માટે માત્ર ૪,૦૪,૩૬૫ કરોડ રૂપિયા કરવામાં આવી. આ બજેટમાંથી વર્ષ ૨૦૧૮-૧૯ માટે આર્મીને ૫૫% એટલે કે ૧,૫૪,૯૦૨ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. નેવીને માત્ર ૧૫% એટલે કે ૪૦,૪૨૦ કરોડ રૂપિયા, એરફોર્સને ૨૩% એટલેકે ૬૪,૫૯૧ કરોડ રૂપિયા તેમજ ડીઆરડીઓને માત્ર ૬% એટલેકે ૧૭,૮૬૧ કરોડ રૂપિયા ફાળવાયા હતા.

ઓર્ડિનન્સ ફેક્ટરીઝને માત્ર ૧% એટલેકે ૧૫૩૧ કરોડ રૂપિયા ફાળવાયા. પોતાની સમિતિનો ૧૨૫ પાનાંનો અહેવાલ સંસદમાં રજૂ કરતાં એના અધ્યક્ષ ડૉ. મુરલી મનોહર જોશીએ તો “રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં” મુકાઇ રહી હોવાનું જાહેર નિવેદન પણ કર્યું હતું. તેમણે આ નિવેદન કરીને ભારત સરકાર ૧૯૬૨ જેવા સંજોગોમાં રક્ષા મંત્રાલયને મૂકી રહ્યાનું કહેવામાં પણ સંકોચ કર્યો નહોતો.

લશ્કરીસામગ્રી ખરીદીમાં વિલંબ
નિવેદનશૂર સત્તાધીશો ડોકલામ મડાગાંઠ જેવા સંજોગોને પહોંચી વળવાની શેખી જરૂર મારે છે, પરંતુ સરહદ પર ચીનની જેમ એરપોર્ટ બાંધવા કે જરૂરી લશ્કરી સામગ્રી ખરીદવા માટે નાણા ભંડોળ ઉપલબ્ધ નથી. યુદ્ધ માત્ર વાતોનાં વડાંથી લડાતું નથી, એને માટે અત્યાધુનિક સાધનસામગ્રી અનિવાર્ય બને છે. ખંડૂરી અને જોશીના અહેવાલમાં અત્યંત ચિંતાજનક બાબતો નોંધવામાં આવ્યા છતાં કેન્દ્રની સરકાર એ વિશે ઝાઝું કશું કરી શકી નથી. મુશ્કેલી એ છે કે લશ્કરની જરૂરિયાતો વિશે તેમના વરિષ્ઠ અધિકારીઓને બદલે સનદી અધિકારીઓ રાજકીય સત્તાધીશો સાથે મળીને અંતિમ નિર્ણય કરે છે. એ નિર્ણયો કરવામાં વર્ષોનાં વરસ લાગે છે. સમિતિના અહેવાલમાં જણાવ્યા મુજબ, લશ્કરી ઉત્પાદન સચિવે કહ્યું છે કે લશ્કરી દળોની જરૂરિયાતો ઘણી છે, પરંતુ એને માટે ફાળવતાં નાણાં અપૂરતાં છે.

ખાનગીકરણની દિશામાં પહેલ
વર્તમાન સરકાર લશ્કરી સાધન સામગ્રી ઉત્પાદન માટે પણ ખાનગીકરણ કે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના માર્ગે આગળ વધવા ભણી છે એટલે ઓર્ડિનન્સ ફેક્ટરીઝને બંધ કરવા ભણી આગળ વધે એ પહેલાં એના કર્મચારીઓની છટણી કરવા ઈચ્છે છે. હમણાં જ લેફ્ટ. જનરલ જે. એસ. સંધુ નામક મિલિટરી સેક્રેટરીના વડપણ હેઠળની અગિયાર સભ્યોઓની સમિતિએ આર્મીના દોઢ લાખ જેટલા કર્મચારીઓની છટણીની ભલામણ કરી છે. જોકે આ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની હિલચાલ દાયકાઓથી ચાલતી રહી હોવા છતાં વિવિધ કારણોસર એમને છૂટા કરાતા નથી. એ મહદઅંશે જવાનો નથી, પણ સિવિલિયન્સ છે. ભારતીય લશ્કરનું સંખ્યાબળ ૧૪ લાખ જેટલું છે. આર્મી, નેવી અને એરફોર્સ એ ભારતીય લશ્કરની ત્રણ પાંખ ગણાય છે. પરંપરાગત રીતે આ ત્રણેય પાંખ બાહ્ય સુરક્ષા માટે હોય છે.આંતરિક સુરક્ષા માટે અર્ધ લશ્કરી દળો એટલે કે સીમા સુરક્ષા દળ, સીઆરપીએફ, આરપીએફ વગેરે ગૃહ મંત્રાલય હેઠળ હોય છે. નેહરુ યુગથી લઈને વર્તમાન મોદીયુગ સુધી આ બંને વિભાજનો પાછળનો હેતુ લશ્કરી બળવો થાય નહીં અને થાય તો તેને પહોંચી વળવા માટે અલગ કમાન્ડ હેઠળ તેમને મૂકવામાં કે ચાલુ રાખવામાં આવ્યા છે. રાજકીય શાસકોને લશ્કર સત્તાહસ્તગત કરે એવો ડર સતત સતાવતો હોય છે.

વર્તમાન સરકાર લશ્કરી સાધન સામગ્રી ઉત્પાદન માટે પણ ખાનગીકરણ કે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપના માર્ગે આગળ વધવા ભણી છે એટલે ઓર્ડિનન્સ ફેક્ટરીઝને બંધ કરવા ભણી આગળ વધે એ પહેલાં એના કર્મચારીઓની છટણી કરવા ઈચ્છે છે.

લશ્કરી અધિકારીઓની તંગી
લોકસભામાં સરકાર તરફથી મૂકવામાં આવેલી માહિતી પણ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. ભારત અને પાકિસ્તાન બેઉ પરમાણુ શસ્ત્રોની બાબતમાં લગભગ સરખેસરખી સ્થિતિમાં છે. પાકિસ્તાન સાથે ચીનની હૂંફ છે.ભારત માટે શીતયુદ્ધના દિવસોની જેમ રશિયાનું સમર્થન હવે રહ્યું નથી. અમેરિકા પણ ભારતને પક્ષે છે જ એવું નથી. આવા સંજોગોમાં ભારતે પોતાની લડત આપબળે જ લડવાના સંજોગો છે એટલે લશ્કરી જરૂરિયાતોને અવગણવી એ આત્મઘાતી લેખાશે. રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભામરેએ લોકસભાને આપેલી લેખિત માહિતી મુજબ, ૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ભારતીય લશ્કરની ત્રણેય પાંખોમાં ૭,૨૯૮ અધિકારીઓની તંગી હતી. ૪૯,૯૩૩ જેટલી અધિકારીઓની મંજૂર જગ્યાઓમાંથી ૪૨,૬૩૫ જગ્યાઓ ભરાયેલી હતી. ત્રણેય પાંખને યોગ્યતાવાળા અધિકારીઓ મળતા નહીં હોવાનું કારણ અપાય છે.

ડીઆરડીઓની ૫૦ પ્રયોગશાળાઓમાં ૨૫,૯૬૬ કર્મચારીઓ છે. તેમાંથી ૫૦૦૦ વૈજ્ઞાનિકો છે. દેશની આ મહત્વની સંશોધન સંસ્થામાંથી વૈજ્ઞાનિકો નોકરીઓ છોડી રહ્યાની પણ બૂમ આવી છે. સંસદીય સમિતિઓના અહેવાલમાં પઠાનકોટ આતંકી હુમલા સહિતનાનો ઉલ્લેખ કરીને લશ્કરી દળો માટેનાં ક્ષેત્રોની સુરક્ષા પર વધુ ભાર મુકાયો છે કારણ આવા હુમલાઓમાં ઘણા જવાનો અને અધિકારીઓ શહીદ થયા છે.કેન્દ્ર સરકારે લશ્કરી દળો ભણી ઓરમાયું વર્તન રાખવાનું વલણ ત્યાગવાની જરૂર છે. ભારતમાં નાગરિકો નિરાંતે સૂઈ શકે છે કે સુરક્ષિત હોવાની અનુભૂતિ કરી શકતા હોય તો એ લશ્કરી દળોને પ્રતાપે જ. એટલે એમને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે.

haridesai@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP