‘અમે બરફનાં પંખી’થી જાણીતા કવિ અનિલ જોશી ‘દિવ્ય ભાસ્કર’ના નિયમિત કોલમ લેખક પણ છે.

સૂંડલા સચ બોલો નહીં તો મત બોલો

  • પ્રકાશન તારીખ18 Apr 2019
  •  

એક સત્ય સંતાડવા માટે હજારો અસત્ય ઊભાં કરવાં પડે છે. ગુજરાતી કવિતામાં એક પ્રાર્થના છે, ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. આજે તો ઊલટું થઈ ગયું છે.’ પ્રભુ, સત્યોમાંથી તું અમને અસત્યોમાં લઈ જા. અત્યારે હું ટેલિવિઝન પર ચર્ચાઓ સાંભળી રહ્યો છું એમાં ‘ગ્રેટ માઇન્ડ’ ક્યાંય દેખાતું નથી. એવરેજ અને પુઅર માઇન્ડની બોલબાલા છે. એની વે, ટૂંકમાં કહીએ તો આપણા સમાજમાં વિચારશીલ વર્ગ આજે લઘુમતીમાં છે. અત્યારે મારા બ્રિફ વેકેશનમા જ્હોન સ્ટુઅર્ટ મિલને વાંચી રહ્યો છું. મિલ બહુ મોટા વિચારક હતા. દાર્શનિક હતા. આ વિચારકે ‘ઉપયોગિતાવાદ’નો પુરસ્કાર કર્યો હતો. આધુનિક યુગમાં હ્યુમ જેવા વિચારકે ઉપયોગિતાવાદને જન્મ આપ્યો હતો, પણ મિલ પોતે ઉપયોગિતાવાદનો અર્થ સ્પષ્ટ કરતા લખે છે, ‘સુખ એટલે આનંદની પ્રાપ્તિ અને દુઃખનો અભાવ અને દુઃખનો અર્થ કષ્ટની પ્રાપ્તિ અને સુખનો અભાવ.’ અહીં તમે જોઈ શકો છો કે આ વિચારમાંથી જ સુખવાદનો જન્મ થયો છે. તમે જ્યારે વ્યક્તિગત સુખની વાત કરો છો ત્યારે એમાંથી જ ‘સ્વાર્થ’નો જન્મ થાય છે. ઉપયોગિતાવાદમાં મનુષ્ય સો ટકા સ્વાર્થી હોય છે. તે માત્ર પોતાનું જ સુખ ઝંખતો હોય છે, પણ જ્હોન મિલે એ મનુષ્યની કલ્પના કરી છે તે ‘પરમાર્થી’ મનુષ્ય છે. આજનો યુગ ઉપયોગિતાનો સ્વાર્થી યુગ છે. એવું લાગે કે જાણે કોઈને કોઈની સાથે કન્સર્ન જ નથી. આ ઉઘાડું સત્ય છે. ગોવાના બીચ પર મળી ગયેલા એક લેખકમિત્રે કવિઓ અને સાહિત્યકારો વિશે એક કવિતા સંભળાવી તે વાંચવા જેવી છે. આ કવિતાનો કોંકણી કટાક્ષ સહુના નકાબ ઉતારી નાખે છે
અમે સાહિત્યકારો
અમે કવિઓ
પત્રકારને ઢીબી નાખ્યો,
અખબારની કચેરીને બાળી નાખી,
અમે ચૂપ રહ્યા,
કારણ કે અમે પત્રકાર નથી.
પાંચ હજાર ખેડૂતોએ આપઘાત કર્યો,
અમે ચૂપ રહ્યા,
અમે ખેડૂત નથી.
હુલ્લડો થયાં, બોમ્બબ્લાસ્ટ થયા,
અમે ચૂપ રહ્યા,
કારણ કે અમે દલિત કે મુસ્લિમ નથી.
આ કવિતા બહુ વેધક છે. અહીં શબ્દસમ્રાટોને પૂછવું જોઈએ કે ભાઈ તમે કોણ છો? સહુ પોતપોતાના વ્યક્તિગત સુખથી સંતુષ્ઠ છે. આ ઉપયોગિતાવાદ છે સહુ સંતુષ્ઠ છે. અહીં જ્હોન મિલ ચાબખો મારતાં કહે છે, ‘એક સંતુષ્ઠ સુવ્વર કરતાં એક અસંતુષ્ઠ મનુષ્ય શ્રેષ્ઠ છે.’ અહીં મારો ઇરાદો કોઈ સાહિત્યકાર કે કવિઓને ઉતારી પાડવાનો બિલકુલ નથી. હું તો માત્ર જ્હોન મિલના વિચારજગતમાં મોર્નિંગ વોક કરી રહ્યો છું. જ્હોન મિલનું સૌથી મોટું પ્રદાન એ છે કે એને ઉપયોગિતાવાદમાં સંશોધન કરીને ‘સ્વતંત્રતા’ની સંકલ્પનાને સમર્થન આપ્યું અને સમાજવાદનું પણ સમર્થન કર્યું. જ્હોન મિલે સોઇ ઝાટકીને કહી દીધું, ‘આપનું લક્ષ્ય ઉપયોગિતા નથી પણ સ્વતંત્રતા છે.’ ઊલટાનું અત્યારે બેવકૂફ નેતાઓને વર્બલ ડાયેરિયા થઈ ગયો છે. ઝાડા-ઊલટીના કેસો વધી રહ્યા છે. ભોજનની થાળી સાવ ખાલી છે, પણ એ થાળીમાં ચમચા-ચમચીઓ ખખડ્યા કરે છે. પીરસણિયા દેખાતા નથી. માઇક સુધી ભાષણખોરો પહોંચી જાય છે, પણ ગ્રાસરૂટ સુધી કોઈ પહોંચતું નથી. ગ્રાસ એટલે ઘાસ. ઘાસને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા જેવું નથી. મેં અનેક કબરો ઉપર ઘાસ ઊગી ગયેલું જોયું છે, પણ સાચા સર્જકના શબ્દોની કોઈ કબર નથી હોતી અને ત્યાં ઘાસ ઊગતું નથી. માત્ર સ્મૃતિઓ જ હોય છે. ગુજરાતી કવિ પ્રહ્્લાદ પારેખનું ‘ઘાસ અને હું’ કાવ્ય પણ પરમ આસ્વાદ્ય કાવ્ય છે. વોલ્ટ વ્હીટમેન જેવા સમર્થ કવિએ પણ ઘાસ ઉપર સુંદર કવિતા લખી છે. વ્હીટમેન કહે છે કે, ‘ઘાસ એ ઈશ્વરનો રૂમાલ છે.’ આ કવિની ‘લીવ્સ ઓફ ગ્રાસ’ કવિતા વિશ્વવિખ્યાત છે. ટી. એસ. એલિયટ જેવા કવિ લખે છે : ‘In this decayed hole among the mountains In the faint moonlight, the grass is singing Over the tumbled graves. ઘાસનું સંગીત સાંભળવા માટે કાન જોઈએ. માનવી ખૂબ પરિશ્રમથી છેક શિખર ઉપર પહોંચે છે ત્યારે એને કંપની આપવા માટે શિખર ઉપર ઊગી નીકળેલું ઘાસ જ હોય છે. શિખર ઉપર માનવી એકલો જ હોય છે. મોટી બહેન વિશે પણ એવું કહેવાયું છે કે મોટી બહેન એ જિંદગીની લોન ઉપર પથરાયેલું લીલું ઘાસ છે. એકવાર એક સન્નારી દૂધ લેવા ગયાં અને દૂધવાળાને પૂછ્યું : ‘ફ્રેશ દૂધ છે?’ દૂધવાળાએ જવાબ આપ્યો : ‘હા, પણ થોડા વખત પહેલાં એ દૂધ ઘાસ હતું.’ ઘાસને ક્યારેય ટેકન ફોર ગ્રાન્ટેડ લેવું નહીં.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP