‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

મલ્ટિપ્લેક્સમાં ‘ઓડિયન્સ-વોચિંગ’

  • પ્રકાશન તારીખ08 May 2019
  •  

તમે મલ્ટિપ્લેક્સમાં જઈને ફિલ્મો તો જોઈ હશે, પણ ત્યાં આવતું ઓડિયન્સ જોયું છે? નેક્સ્ટ ટાઇમ ટ્રાય કરજો, થોડા વહેલા પહોંચી જજો અને એકાદ ખૂણામાં શાંતિથી બેસીને નમૂનેદાર પ્રેક્ષકોને જરા ધ્યાનથી જોજો. તમને અદ્્ભુત અને ઊલટસૂલટ નમૂના જોવા મળશે.
જેમ કે, આઠ-દસ વર્ષનો બાબો હોય તો એણે મસ્ત ફુલ સાઇઝનું જિન્સ પહેર્યું હશે. નીચે પ્રોપર કેન્વાસના શૂઝ હશે, ઉપર નવા રંગીન ટીશર્ટ ઉપર બાબાએ જાકીટ પણ પહેર્યું હશે અને ભલું હશે તો જાકીટના ખિસ્સા પાસે એક ગોલ્ડન ચેઇન પણ લટકતી હશે. બાબાના વાળ મસ્ત સ્પાઇકવાળી સ્ટાઇલમાં હશે.
અને એના પપ્પા? ડલ ગ્રે કલરનું ઢીલું ટીશર્ટ, ઢીંચણ સુધીનો બર્મુડો અને પગમાં જાડા ફ્લોટર્સ (સ્લિપર્સ)! ટૂંકમાં, બાબલાએ પહેરવાનાં કપડાં બાપો પહેરે છે અને બાપાનાં ફોર્મલ્સ બિચારો બાબલો પહેરે છે!
આવું તમને મમ્મીઓમાં તો ખાસ જોવા મળશે. કોઈ યંગ છોકરી હશે તો એ તમને ડિસન્ટ પંજાબી ડ્રેસમાં જોવા મળી જશે, પણ મમ્મીઓ? ઓહોહો! શું વેરાઇટી હોય છે એમાં! ટાઇટ જિન્સ અને બોડી ફિટિંગ ટોપમાં બહેનનાં ‘અઢારે અંગ વાંકાં’ દેખાઈ રહ્યાં હોય છતાં (અરે! મલ્ટિપ્લેક્સના ફોયરમાં લાઇફ-સાઇઝના અરીસાઓ હોવા છતાં) મેડમને મનમાં તો એમ જ હોય કે, ‘હું કેવી મોડર્ન લાગું છું!’
અચ્છા, એવું નથી કે બધી મમ્મીઓ અને આન્ટીઓ મલ્ટિપ્લેક્સમાં આવું ચપોચપ પહેરીને આવતી હોય, ઘણી આન્ટીઓ પંજાબી સૂટમાં પણ હોય છે, પરંતુ એમાં સાવ ઊલટું ‘બિનગ્લેમર’ હોય છે! બે ઘડી તો એમ જ લાગે કે બહેન આમ જ ઘરેથી સહેજ આંટો મારવા નીકળ્યાં હશે. બે-ચાર પાણીપૂરી ખાતાં વિચાર આવ્યો હશે કે ચલને, પિક્ચર જોઈ નાખીએ? એટલે એવાં ને એવાં અહીં હાલ્યાં આવ્યાં છે!
મિડલ એજના ઓડિયન્સને છોડીને યંગ પ્રેક્ષકોની વાત કરો તો સૌથી ઇન્ટરેસ્ટિંગ ‘ન્યૂલી મેરીડ કપલ’ હોય છે. (અહીં ‘ન્યૂલી’ એટલે લગ્નનાં પાંચેક વર્ષ ગણીને ચાલવું.) આમાં તમે માર્ક કરજો, બંને બહુ બનીઠનીને આવ્યાં હશે. ત્રણ ઠેકાણે ઊભાં રહીને સેલ્ફીઓ લેશે. એકબીજા જોડે વાત સાવ ઓછી કરશે છતાં જોડે ને જોડે ફરતાં હશે. પેલો ભાઈ પોતાની વાઇફને આવનારી ફિલ્મોનાં પોસ્ટરો બતાડતો હશે અને વાઇફ? એ બીજાઓની વાઇફોનાં કપડાં, પર્સ, સેન્ડલ, મેકઅપ એવું બધું જોતી હશે!
આવાં કપલની એક વાત ખાસ માર્ક કરજો, ઇન્ટરવલ પછી બિચારો હસબન્ડ બહારના સ્ટોલમાંથી આખી ટ્રે ભરીને સમોસાં, ફ્રેન્કીઝ, સેન્ડવિચ અને કોલ્ડ્રિંક્સ લઈને આવતો દેખાશે!
અહીં મલ્ટિપ્લેક્સમાં માત્ર પ્રેક્ષકોને નહીં, પેલા ચાલુ ફિલ્મે વચ્ચે નડ-નડ કરીને ખાણી-પીણીનાં ઓર્ડર માગનારાઓ પણ જોવા જેવા હોય છે. એમાંથી મોટાભાગના એટલા સ્ટાઇલમાં ફરતા હોય છે કે જાણે આ જ શોમાં એને કોઈ નવી ગર્લફ્રેન્ડ પટાવી લેવાની છે! (એ પણ ઓડિયન્સ)માંથી.
હા, બિચારા સિનિયર સિટીઝનો જરા ઓક્વર્ડ લાગતા હોય છે. જોવા આવ્યા હોય ‘ગલી બોય’ પણ પોતે હોય સદરા-પાયજામામાં! જો સદરો પાયજામો ન હોય તો છેલ્લા સુગમ સંગીતના પ્રોગ્રામમાં પહેરેલો રંગીન ઝભ્ભો હશે!
છેલ્લે, એવા પ્રેક્ષકોની વાત કરીએ જેને અમે ‘ઓડિયન્સ ઓફ ડાર્કનેસ’ કહીએ છીએ. આ લોકો હંમેશાં ફિલ્મ ચાલુ થઈ ગયા પછી જ અંધારામાં દબાતે પગલે આવશે, પોતાના મોબાઇલના અજવાળે ફાંફાં મારતા સીટો શોધશે, તમારા પગ કચડીને પસાર થશે, ‘તું અહીં બેસ’, ‘તમે આ બાજુ આવતા રહો’ વગેરે એડજસ્ટમેન્ટો કરીને માંડ સાત મિનિટે સીટમાં સેટલ થશે અને પછી તમને પૂછશે, ‘કેટલું ગયું?’ ⬛mannu41955@gmail.com

x
રદ કરો

કલમ

TOP