‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

એક નાનકડું ગપ્પું

  • પ્રકાશન તારીખ22 May 2019
  •  

તમને મારી વાત સાવ ગપ્પાં જેવી લાગશે, પણ તમે જવાહરલાલ નેહરુને પૂછી જોજો, જે દિવસે નેહરુજી લાલ કિલ્લા પર બેસીને લતા મંગેશકરનું ‘એ મેરે વતન કે લોગોં’ સાંભળીને રડી પડ્યા હતા એ જ રાતે સપનામાં હું અને મારા ભાઇબંધો રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીની ટીમ સામે સપનામાં ક્રિકેટ મેચ રમવાના હતા. એટલે અમે સિયાચીનની બોર્ડર પર પ્રેક્ટિસ
કરતા હતા.
મારા ભાઇબંધે બોલ નાખ્યો અને મેં બેટ ઘુમાવ્યું. મારું નિશાન કુતુબમિનાર હતું, પણ બેટ જરા વધારે ફોર્સમાં ઘૂમી ગયું એટલે બોલ કુતુબમિનાર પર અથડાઇને પાછો એવરેસ્ટ બાજુ ગયો અને ત્યાંથી ટોચ ઉપર ટકરાઇને છેક ચંદ્ર બાજુ જતો રહ્યો. મેં મારા દોસ્તારને કીધું, ‘બકા, બોલ તો મૂન ઉપર ગયો. હું શું કરું?’ તો એ મને કહે, ‘હું કંઇ ન જાણું, કાં તો તું મને મારો બોલ પાછો લાવી આપ અથવા તો મારા ATM કાર્ડમાંથી જે ખોટી રીતે 77 રૂપિયા અને 77 પૈસા કપાઇ ગયા છે એ પાછા લાવી આપ.’
એટલે, સીધી વાત છે, હું બોલ શોધવા માટે ચંદ્ર ઉપર ગયો. રસ્તામાં મને ભારતનું ચંદ્રયાન મળ્યું, મેં કીધું, ‘યાર, તરસી લાગી છે. પાણી-બાણી છે?’ તો ચંદ્રયાન કહે, ‘અમે ચંદ્ર ઉપર એ જ શોધવા જઇએ છીએ!’ મેં કીધું, ‘જો ત્યાં પાણીમાં અમારો બોલ પડ્યો હોય તો પાછો આપજો ને?’ પણ ચંદ્રયાનની સ્પીડ બહુ ધીમી હતી (ઓન્લી 2GB). હું આગળ નીકળી ગયો.
ચંદ્ર ઉપર જઇને જોયું તો ત્યાં રજનીકાન્ત બેઠો હતો. મેં કીધું, ‘રજની સર, તમે અહીં?’ તો કહે ‘શું કરું? ત્યાં વીસનગરમાં નરેશ કનોડિયા સપનામાં ગિલ્લી-દંડા રમે છે. મને ફિલ્ડિંગ માટે અહીં ગોઠવ્યો છે.’ મેં કીધું, ‘સર, તમે મારો બોલ જોયો?’ તો મને કહે, ‘મનિયા, હું અહીં ગિલ્લી પકડવા બેઠો છું, કોઇના બોલ નહીં, પણ હા, આ બાજુથી અમેરિકાનું પેલું એપોલો-11 નામનું અવકાશયાન નીકળ્યું હતું એની જોડે અથડાઇને કંઇક મંગળ ગ્રહ બાજુ ગયું ખરું. એ જ કદાચ તારો બોલ હશે.’
એટલે મેં મંગળયાનમાં લિફ્ટ લીધી. એની સ્પીડ તો અમદાવાદની મેટ્રો ટ્રેન કરતાંય ઓછી હતી. હું કંટાળી ગયો. મંગળયાન ઉપર ઊતર્યો ત્યારે મને સખ્ખત ભૂખ લાગી હતી. ત્યાં સામે જ એક ગુજરાતી અંકલની દુકાનમાં ખમણ, ઢોકળાં, સેવ, ગાંઠિયા અને થેપલાં મળતાં હતાં. મેં પૂછ્યું, ‘કેમ અંકલ, છેક અહીં દુકાન કરી છે?’ તો કહે, ‘કોઇ અમેરિકન કંપનીએ અહીંની જમીન વેચવાની વેબસાઇટ ચાલુ કરી છે ત્યારથી ગુજરાતી બિલ્ડરોને અહીં 4BHKની સ્કીમો મૂકવાનાં સપનાં આવી રહ્યાં છે એટલે હું એમના સપનામાં આ બધા ગુજરાતી નાસ્તા વેચવા બેઠો છું.’
જોકે, મારે તો મારા દોસ્તનો બોલ શોધવાનો હતો. મેં ગૂગલમાં સર્ચ મારી તો ખબર પડી કે બોલ તો મારાથી માત્ર 1.5 કિમી. દૂર હતો, પણ ત્યાં જવા માટે ‘નો-એન્ટ્રી’ અને ‘વન-વે’ હોવાને કારણે મારે 120 કિમી. ફરીને જવું પડે. પેલા ગુજરાતી અંકલે મને કહ્યું કે અહીં લંકાનો કુંભકર્ણ ‘ઉબેર’ની કેબ ચલાવે છે. જો એ એનો મોબાઇલ સ્વિચ ઓફ કરીને ‘એપ’માંથી નીકળી જાય તો તને અડધા ભાડામાં લઇ જઇ શકે.
મેં કુંભકર્ણને ફોન કર્યો. પચીસ વાર રિંગ ગઇ પછી એ જાગ્યો. મને કહે, ‘બોસ, એ બોલ તો સપનામાં છે! હું હવે જાગી ગયો છું અને છ મહિના સુધી જાગતો જ રહીશ! એટલે બોલ જોઇતો હોય તો છ મહિના પછી મારા સપનામાં આવવું પડશે. સપનાનો ચાર્જ એક્સ્ટ્રા લાગશે!’
હવે કુંભકર્ણ ફરી ઊંઘી ન જાય ત્યાં લગી મારે શું કરવાનું? બીજું કોઇ ગપ્પું સાંભળવું છે? બોલો.
(ખાસ નોંધ: અમે મોદીજી સાથે કોઇ જાતની સ્પર્ધામાં નથી.
mannu41955@gmail.com

x
રદ કરો

કલમ

TOP