હવામાં ગોળીબાર / વાચક ગુજરાતી, રાઇટિંગ ઇંગ્લિશ?

article by mannu shekhchalli

મન્નુ શેખચલ્લી

Apr 17, 2019, 05:14 PM IST

અમારી ઉપર ઘણી વાર વાચકોના આવા ઈ-મેઇલ આવે છે: ‘આઇ રીડ યોર આર્ટિકલ. ઇટ ઇઝ વેરી ફની. સો ફની ધેટ આઇ લાફ ઓન રીડિંગ, કોંગ્રેચ્યુલેશન. વ્હાય યુ આર નોટ ઓન ફેસબુક. પ્લીઝ, ગિવ યોર ફોનનંબર.’
વાચકોનો ઉત્સાહ જોઈને ખરેખર આનંદ થાય, પણ રહી રહીને વિચાર આવે કે યાર, અમે લખીએ છીએ ગુજરાતીમાં, એ છપાય છે ગુજરાતી છાપામાં, તમે વાંચો છો ગુજરાતીમાં, તો પછી આ ઈ-મેઇલ શા માટે અંગ્રેજીમાં ફટકારો છો?

  • તમીં જબરું લાયા હોં! તમારા ભેજામોં આવી આઇટમો ચોંથી આવ છ?

ચાલો, માન્યું કે ગુજરાતી કી-બોર્ડ બહુ અટપટું છે. ટાઇપ કરતાં બહુ વાર લાગે છે, પણ એવું હોય તો અંગ્રેજી અક્ષરો (Roman letters) વાપરીને ગુજરાતીમાં લખોને? જેમ કે, Munnubhai, Tamaro lekh vanchine maza padi gai. Hu tamara lekh niyamit rite vanchu chhu. વગેરે વગેરે.
અમારા એક ઉત્તર ગુજરાતના વાચક છે તે અસલી મહેસાણી (કે ઉત્તરસંડા)નો લહેકો ગુજરાતીમાં ‘સંભળાય’ એ રીતે ક્યારેક ઈ-મેઇલ કરે છે કે, ‘મન્નુભાઈ, આ ફેરી તમીં જબરું લાયા હોં! તમારા ભેજામોં આવી આઇટમો ચોંથી આવ છ?’ વગેરે.
આવું વાંચીએ ત્યારે થાય કે જુઓ, ગુજરાતી ભાષાનો કેવો વટ છે! ત્યાં પેલા ભાઈ મહેસાણી બોલીમાં લખે છે અને અહીં અમને રેડિયો વિના, ફોન વિના, માત્ર વાંચવાથી એમને રૂબરૂ બોલતા હોય એમ ‘સાંભળવા’ મળે છે!
એક બહેન સુરતનાં છે. એ ક્યારેક ક્યારેક ‘સુરતી’માં ઈ-મેઇલ લખે છે. (જોકે, સુરત જે પ્રકારના શબ્દો માટે પ્રખ્યાત છે એ એમાં નથી હોતા.) એમનો ઈ-મેઇલ વાંચતાં સુરતની ઘારી અને સિઝનના પોંકની સુગંધ (લસણની ચટણી સહિત) નાક સુધી પહોંચી જાય છે.
અમારા હાસ્યલેખોના વાચકો તો હજીયે થોડા પ્રૌઢ વયના છે, પણ અમારા એક લેખકમિત્ર, જે દર સપ્તાહે એક પ્રણયકથા લખે છે, એમની ઉપર જે વાચકોના ઈ-મેઇલ આવે છે એમાં 80 ટકા અંગ્રેજી જ હોય છે. પ્લીઝ, એમાંથી ગ્રામરની ભૂલો ન શોધતા, પણ કંઈક આવું લખ્યું હોય: ‘Sir! read your article of love story. I m yr Big Fan. yr writing is very attractive. I also fall in 2 much love. Can i sent my story?’
અમને હજી નથી સમજાતું કે સોશિયલ મીડિયામાં કંઈ પણ લખવું હોય તો અંગ્રેજીમાં જ શા માટે ઝૂડ્યે રાખવાનું? એક ગૃહિણીને પોતે બનાવેલી વાનગીઓના ફોટા ફેસબુકમાં મૂકવાનો ઘણો શોખ છે. એ આવું કંઈક લખે છે: ‘New racipie made by me with lovely taste in handva bake of oven.’
અમે કહીએ છીએ કે બહેન, ગુજરાતીમાં લખોને! કે, ‘મેં ઓવનમાં હાંડવો બનાવ્યો’ પરંતુ ત્યાં પણ એ જ પ્રોબ્લેમ? ગુજરાતીમાં ટાઇપ કરવાનું ન ફાવે. જો રોમન (અંગ્રેજી) વડે ગુજરાતી લખે તો ઓટો સ્પેલમાં Puriનું Pure થઈ જાય, Shakનું Shake થઈ જાય, Bhatનું That, Dalનું Dale, patraનું patrick અને panirનું તો panic થઈ જાય! હવે તમે જ કહો, રેસિપીમાં ‘100 gram panic’નો સ્વાદ કેવો આવે?’ આ બધી ઝંઝટો કરતાં આપણે બોલીએ તે સીધું ગુજરાતીમાં ટાઇપ થઈ જાય તો કેવું?
તો સાંભળો, ગૂગલનું Taxt to speech engine (સ્પીચ ટુ ટેકસ્ટ નહીં) નામની એપ આવે છે. લગભગ 20-25 MBની છે, નાનકડી 4-6 MBની નથી. આને એક વાર ડાઉનલોડ કરી લો પછી ‘માઇક’નું આઇકન દબાવીને ઈ-મેઇલ, વોટ્સએપ કે ફેસબુક, જેમાં લખવું હોય એમાં જરા ચોખ્ખા અવાજે (થોડી ધીમી સ્પીડે) બોલી જવાનું! બધું એની મેળે ગુજરાતીમાં ટાઇપ થઈ જાય છે. હા, છેલ્લે જરા અલ્પવિરામ, પૂર્ણવિરામ વગેરે નાના સુધારા કરી લેવા પડે, બસ. ટ્રાય કરજો, કાઠિયાવાડીમાં પણ લખાય છે!
[email protected]

X
article by mannu shekhchalli

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી