‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

કવિનો તડકો બમબમ

  • પ્રકાશન તારીખ09 Jan 2019
  •  

લાભશંકર ઠાકર નામના એક કવિએ એમની કવિતામાં કહ્યું છે કે, ‘મારી બારીમાં તડકો નાચે, તડકો બમબમ...’


આ તડકો બારીમાં આવે એ તો સમજ્યા, પણ કવિની બારીમાં તડકો કયા કારણસર ‘બમબમ’ કરતો નાચવા માંડે એ કંઈ સમજાયું નહીં. જોકે, કવિઓનું એવું! એમને તડકો નાચતો પણ દેખાય અને સુંદર છોકરીની પાંપણો ઉપર સૂતેલો પણ દેખાય. (સાંભળ્યું છે કે એક કવિની આંગળીના ટેરવે તડકો ટહુકા કરે છે, બારેમાસ.)

આજકાલ તડકાની સૌથી મોટી ડિમાન્ડ ઘરડાંઘરોમાં છે

અમને આજકાલ ડર લાગે છે કે, તડકો નાચે, તડકો ટહુકા કરે, તડકો સૂઈ જાય કે તડકો લસરપટ્ટી ખાય એવી વાતો હવે બીચારા કવિની કવિતામાં જ રહી જવાની છે. સીધાસાદા કાકાઓ અને નહાયા વિનાનાં ટેણિયાંઓ ઊભડક પગે બેસીને, લોટો અથવા ડબલું થોડે દૂર રાખીને, શિયાળાની સવારમાં, ખુલ્લા-અધખુલ્લા ખેતરમાં શૌચક્રિયા કરવાને બહાને તડકો ખાતાં બેઠાં હોય એવાં દૃશ્યો તો ઈસવીસન પૂર્વેનાં થઈ ગયાં. આજે તો બિચારા બાબલાને ટોઇલેટમાં શું, ઘરની બાલ્કનીમાંય તડકો ખાવાની લક્ઝરી મળતી નથી.


હા, બિચારા અમુક ડોસાઓ અને ડોશીઓ મોબાઇલમાં ‘કંપાસ-એપ’ની મદદ વિના શોધી કાઢે છે કે એમના દીકરા ટુ બેડરૂમ એપાર્ટમેન્ટની કઈ બારીમાંથી કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી, કેટલી ડિગ્રીનો ત્રાંસથી સવારનો તડકો અંદર આવે છે. (આમાં સાલું, તડકો ‘બમબમ’ ક્યાંથી બોલે?)
થોડા દિવસ પહેલાં જ્યારે દિલ્હીમાં જબરદસ્ત પોલ્યુશન વધી ગયું હતું ત્યારે એવા ન્યૂઝ હતા કે દિલ્હીમાં તાજી હવા વેચાતી થઈ ગઈ છે.

(આ કવિની કલ્પના નથી, હકીકત છે.) કહે છે કે, તમે ઓર્ડર આપો એટલે એ લોકો તમારા ઘરમાં આવીને એક આખો રૂમ ભરાય એટલી ‘ઓક્સિજનયુક્ત’ હવા છોડી જાય છે. (અહીં ‘હવા છોડી જાય છે’ એવું વાંચીને દુર્ગંધભર્યા વિચારો કરવાના નથી.) ટૂંકમાં, તમે બંધ બારણે તાજી હવા મેળવી શકો છો. અમને લાગે છે કે આ ટાઇપનો ‘રેડીમેઇડ’ ‘ઇનડોર’ તડકો, એ પણ બમબમ કરતો હોય એવો, ભવિષ્યમાં ક્યારેય બજારમાં આવવાનો નથી, સિમ્પલ છે. આજની જનરેશનને તડકો જોઈને ‘બમબમ’ થતું જ નથી!


આજકાલ તડકાની સૌથી મોટી ડિમાન્ડ ઘરડાંઘરોમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમુક ઘરડાંઘરોમાં તડકાનું એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે, જેથી તમામ ઉંમરનાં તમામ ઘરડાંઓ વારાફરથી સવારના તડકામાં ‘શેક’ લઈ શકે. જે ઘરડાંઘરોમાં વ્યવસ્થાપકોએ આવી ડિસિપ્લિન રખાવી નથી ત્યાં સવાર-સવારના તડકામાં નાનકડાં રમખાણો થઈ ગયાં હોવાના અહેવાલો છે. અન્ય એક ઘરડાઘરમાં વૃદ્ધો પોતાનાં સ્વેટરો, મફલરો તથા નાક લૂછણિયાં રૂમાલો ચોક્કસ, જગાઓ ઉપર આગલી રાતે જ મૂકીને ‘સ્પોટ બુકિંગ’ કરી રહ્યા હોવાના અહેવાલો છે. વળી, જે ઘરડાંઘરો NRI સંતાનોનાં ડોસા-ડોશીઓથી પૈસેટકે સંપન્ન છે. ત્યાંનાં ડોસા-ડોશીઓએ હવે ‘આર્ટિફિશિયલ તડકા પ્લાન્ટની માગણી કરવા માંડી છે.’

ચાલો છોડો, આ તો બધી કલ્પના છે. વાસ્તવિકતા એ છે કે શિયાળાની સવારનાં ‘તાપણાંઓ’ તો પ્રાગૈતિહાસિક કાળના ગુફાયુગમાં જ દફન થઈ ગયાં છે. કેનેડા જેવા ‘માઇનસ-ઝીરો’ દેશમાં વસતા આપણા દેશીઓ કહે છે કે એમનાં ઘરો અને ઓફિસોમાં સતત હીટરો ચાલતાં રહે છે. આ હિસાબે આપણા દેશમાં ભલે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ‘વિન્ટર ફેશન’ના નામે લાખો રૂપિયાનાં ફેશનેબલ વસ્ત્રો વેચાઈ જશે, પણ આર્ટિફિશિયલ તાપણાં તો નહીં જ આવે.
એની વે, બધું મૂકો તડકે અને ચા પીઓ ચા! ⬛
mannu41955@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP