‘મન્નુ શેખચલ્લી’ વર્તમાન સમયના સૌથી સફળ હાસ્યલેખક છે.

‘ઓફલાઇન’ બુક્સના પ્રોબ્લેમો

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  

જે યંગસ્ટરો ‘ફેસબુક’ને જ સૌથી વધારે વાંચે છે એમને કદાચ ખબર નહીં હોય કે ગયા અઠવાડિયે અમદાવાદમાં એક ‘ઓફલાઇન’ પુસ્તકોનો મેળો ભરાઈ ગયો!
એમને સવાલ થશે કે અલ્યા, ‘ઓફલાઇન’ બુક્સ કેવી હોય? તો ભઈલા, તમે ભણવા માટે જે ટેક્સ્ટ બુકો (અને એની ગાઇડો) વાંચતા હતા ને, એના જેવી જ હોય! લોચો એટલો જ કે આપણે જે કંઈ ‘ઓનલાઇન’ જોઈએ છીએ ને, એની કંપેરિઝનમાં આ ‘ઓફલાઇન’ બુક્સમાં થોડી ખામીઓ રહી ગઈ છે! જેમ કે...
***


‘વ્યૂઝ’ નથી બતાડતી
આપણે યુટ્યૂબ ખોલીએ કે તરત એમાં 1m કે 60k એવા વ્યૂઝ બતાડે છે ને? એવું આમાં કશું હોતું જ નથી! એટલે સાલું, ખબર જ ન પડે કે આ બુક કેટલા લોકોએ ‘જોઈ’!
***

ફિલ્મ જોવા કે રેસ્ટોરાંમાં ખાવા જઈએ એ પહેલાં ‘રિવ્યૂ’ તો જોવો પડે ને?

‘રિવ્યૂઝ’ નથી હોતા
આપણે ફિલ્મ જોવા જઈએ કે કોઈ રેસ્ટોરાંમાં ખાવા જઈએ એ પહેલાં એનો ‘રિવ્યૂ’ તો જોવો પડે ને? જ્યારે આ ઓફલાઇન બુક્સમાં 2 ભીંડા, 3 ટામેટાં, 4 સ્ટાર્સ કે 5 મૂન, એવાં કોઈ રેટિંગ્સ હોતા જ નથી! એટલે સાલું, ‘વાંચ્યા વિના’ ખબર જ ન પડે કે બુક કેવી હશે!
***


લાઇક, શેર, સબસ્ક્રાઇબ પણ નહીં
આખેઆખી બુકમાં ક્યાંય ‘લાઇક’ કરવાનું બટન જ ના હોય! ‘શેર’ કરવી હોય તો તો સાલી કુરિયરથી મોકલવી પડે! ‘સબસ્ક્રાઇબ’નું બટન નથી એટલે કોઈ ‘નોટિફિકેશન્સ’ બી ના આવે!
હા, આમાં ‘લિન્ક’ હોય છે ખરી, પણ એ તો કોઈ લેખકને ઇનામ જોઈતું હોય તો જ લગાડવાની હોય છે.
***


‘પ્રોમોઝ’ તો આવતા જ નથી
જો ‘પ્રોમો’ ન આવતા હોય તો આપણને શી રીતે ખબર પડે કે સો એન્ડ સો બુક આવી રહી છે? અરે! કમ સે કમ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના ટ્રેલર પહેલાં ‘પીળા રૂમાલની ગાંઠ’ની એક એડ તો હોવી જોઈએ ને?
(બાય ધ વે, આ ‘ગાંઠવાળો પીળો રૂમાલ’ એ કઈ ફેશન પ્રોડક્ટ નથી. એ તો બુક છે!)
***


‘એન્કરેજમેન્ટ’ નથી હોતું
આપણા માસ્તરો અને અંકલો જે રીતે ‘પુસ્તકો વાંચો, પુસ્તકો વાંચો’ એવું બોલી બોલીને કાન ખાઈ જાય છે એવા એન્કરેજમેન્ટની વાત નથી, પણ આપણે મોબાઇલમાં કશું લાંબું વાંચવાનું આવે ત્યારે નીચે વારંવાર Read more... Read more...
એવું હોય છે ને? એવું એન્કરેજમેન્ટ ઓફલાઇન બુક્સમાં હોતું જ
નથી!
***


‘એક્સપ્લેનેશન’ નથી
આપણે ઓનલાઇન વાંચતા હોઈએ ત્યારે અમુક શબ્દો બ્લૂ કલરમાં હોય છે. એ વર્ડ સમજ ના પડે તો એની ઉપર ટચ કરવાથી એની લિન્ક ખૂલી જાય છે ને? એવું આ બુક્સમાં નથી હોતું!
દાખલા તરીકે ‘કાળો અક્ષર ભેંસ બરાબર’ એનો મીનિંગ શું થાય? એ જાણવા માટે એ કાળા અક્ષરો બ્લૂમાં હોતા જ નથી!
અને હા, ‘કોમેન્ટો’ ક્યાં કરવાની? બીજા ‘ઓફલાઇન’ લોકોને શી રીતે ખબર પડે કે આપણે 500 પાનાંની એક ‘હેવી’ બુક વાંચી રહ્યા છીએ?
mannu41955@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP