Divya Bhaskar

Home » Rasdhar » મધુ રાય
‘ગગનવાલા’ મધુ રાય અમેરિકાથી ‘નીલે ગગન કે તલે’ કોલમ લખે છે. એમના તરકશમાં નવલકથા, નવલિકાઓ અને લેખોનાં તીર સજ્જ રહે છે.

“TL;DR” મ્હણજે કાય?

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

મહાશય રજનીકુમાર પંડ્યાનાં પત્નીનું નામ હતું તરુલતા અને એમની પુત્રીનું નામ છે તર્જની. તરુ+રજની=તર્જની, યુસી? હેમાંશુ અને કામિની સંઘવીના ચિરંજીવીનું શુભ નામ છે, હેમિક, જે માતા-પિતાનાં નામના અંગરેજી સ્પેલિંગનું શન્ટિંગ કરીને બનાવાયું છે.


આફ્રિકાના બે દેશ ટાંગાનિકા અને ઝાન્ઝીબાર સંલગ્નગ્રંથિથી જોડાયા ત્યારે બૃહદ નવા દેશનું નામ પડાયું ટાન્ઝાનિયા. સિંહ અને વાઘના સંકર સંતાનને સંજ્ઞા મળી લાયન+ટાઇગર=લાયગર. આ રીતે બે શબ્દોની છેડાછેડી બાંધીને બનાવેલો ત્રીજો શબ્દ બને, અંગ્રેઝી મેં લોગ ઉસે ‘પોર્ટમેન્ટિયસ’ (portmanteaus) કહતે હૈં. સમય સમયનું કામ કરે છે ને વક્તના હસીં સિતમથી ટાઇમ ટુ ટાઇમ જમાનાની તાસીર બદલતી જાય તેમ તેમ નવા નવા શબ્દો બોલીમાં ઉમેરાય છે, જેમાં કેટલીક વાર બે જૂના શબ્દોના જોડાણનું પોર્ટમેન્ટિયસ થઈ જાય છે.

મિરિયમ વેબ્સ્ટર ડિક્શનરીમાં નવા શબ્દ સ્વીકારાયા છે જેમાંનો એક છે, ‘TL;DR’

અગાઉ ઘણીવાર જણાવેલ છે તેમ ઇન્ટરનેટ ઉપર આવા નવા નવા શબ્દોની અગ્નિપરીક્ષા માટે સૌથી વધુ મનોરંજક સ્થાન છે urbandictionary.com. જો નવો શબ્દ બહોળા વપરાશની કસોટીમાંથી પાર ઊતરે તો ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, મિરિયમ વેબ્સસ્ટર વગેરે આબરૂદાર ડિક્શનરીઓમાં મનોનીત થાય છે. હાલ જ અમેરિકાની સુપ્રસિદ્ધ મિરિયમ વેબ્સ્ટર ડિક્શનરીમાં કતિપય નવા શબ્દ સ્વીકારાયા હોવાના સમાચાર આવ્યા છે જેમાંનો એક છે, ‘TL;DR.’ શબ્દની વચ્ચોવચ અર્ધવિરામચિહ્્ન?


આ નવી ટેક્નોલોજી સાથે નવી પેઢીએ જે છેડાછેડી બાંધી છે તેનાથી જાણે નવી જિંદગી, નવી સોચ અને નવલ વાણી વહેવાર માટે શબ્દોના નવા બાંધા, નવી લિપિ અને નવી અર્થશૂન્ય ભાષા પેદા થઈ રહી છે. લિસન ‘TL;DR’ એટલે શું, ડુયુનોવ? તમારા ફ્રેન્ડે એક લાંબી કવિતા લખી છે ‘ફ્રેન્ડશિપ ડે’ના રોજ ને તમને ડેડિકેટ કરી છે. તે કાવ્યરત્ન વોટ્સએપથી તમને સેન્ડ કરીને તે ફ્રેન્ડ તમને પુછાવે છે, મારી કવિતા કેવી લાગી? અને તમે જણાવો છો, ‘TL;DR’ યાને ‘Too Long; Didn’t Read’. યાને ‘બહુ લાંબી; વાંચી નથી.’


તમે ક્રોધથી ધૂંઆપૂંઆ હોવ અને બીજી બાજુ ભૂખથી બેહાલ હોવ તો તમે ‘hangry’ છો; ત્યારે કદાચ આલ્કોહોલ વિનાનું યાને મોક (મજાકિયા) કોકટેલ એટલે ‘mocktail’નો એક પેગ પીવાથી તમને રાહત થાય વગેરે. મિરિયમ ડિક્શનરી ઉપર બીજા ‘biohacking,’ ‘bougie,’ ‘bingeable,’ જેવા અવળચંડા શબ્દો છે, પણ તેનો લુત્ફ ગુજરાતીમાં લાવી શકાય તેમ નથી.
હાલાંકિ જેને ગુજરાતી પબ્લિક ‘Nજોય’ કરી શકે તેવા બીજા રંગરસિયા શબ્દો આવ્યા છે,

urbandictionary.com ઉપર, ડિક્શનરીના ગ્રીનકાર્ડની આશાએ. યથા:
Nonversation કોઈ સાથે કલાકો વાતો કરો, પણ તે વાતોનો સાર કશો જ ન હોય તે ‘નોનવરસેશન.’
Cellfish જાહેર સ્થળે, રેસ્ટોરાંમાં, સભામાં કે ચાલુ સિનેમામાં બેશરમ થઈને પોતાનો મોબાઇલ યાને સેલફોન વાપરે તે વ્યક્તિ ‘સેલફિશ.’


Youniverse જેને ફક્ત પોતાની વાતમાં જ રસ પડે, પોતાનાં વખાણ જ સાંભળી શકે અને બીજા કોઈનામાં સહેજે રસ ન હોય તે માણસને ફક્ત ‘યુનિવર્સ’માં જ રસ છે.


Beerboarding ટેરરિસ્ટો પાસેથી બાતમી કઢાવવા તેમને પાણીમાં ઝબકોળાય છે તે ક્રિયાને કહેવાય છે ‘વોટરબોર્ડિંગ.’ તેના ઉપરથી નવો શબ્દ ફંટાયો છે, ‘બીયરબોર્ડિંગ’ મતલબ કે કોઈને દારૂ પાઈને તેની પાસેથી બાતમી કઢાવવી તે.


Textpectation તમે અમુક વ્યક્તિને ‘ડેટ’ ઉપર આવવા માટે ટેક્સ્ટથી પુછાવ્યું હોય અને સામેવાળાના જવાબ જાણવાની ચણચણાટી થાય તે ‘ટેક્સ્ટેપ્ટેશન.’


Masterdating તમને કોઈ ‘ડેટ’ ન મળે ને તમે રેસ્ટોરાંમાં કે સિનેમામાં એકલા એકલા જાત સાથે ‘ડેટ’ ઉપર જવાનો માસ્ટરપ્લાન બનાવો, તે કહેવાય ‘માસ્ટરડેટિંગ’.


અલબત્ત, આ urbandictionary.com ઉપર આવેલા શબ્દો લોકવપરાશમાં યોજાયા નથી. આ અને આવા સેંકડો શબ્દો રોજ બને છે અને દિવસ આથમે તે પહેલાં નાશ પામે છે. કેટલાક કેવળ ગમ્મત ખાતર ટેમ્પરરી પોર્ટમેન્ટિયસ કરી બેઠા હોય છે, પણ તમે ‘યુ–નિવર્સ’ હોવ ને તમારો પોતાનો જ બનાવેલો કોઈ અલ્ફાઝ તમે વાતવાતમાં વાપરવા માંડો અને જુઓ કે કેટલી ‘લાઇક’ મળે છે.


દયાળુ! આ કોલમ માટે ગગનવાલાને એડિટરે સ્ટ્રિક્ટ વર્ડ લિમિટ આપી રાખી છે અને અમે ધડકતે હૈયે રીડર રાજાને પૂછીએ છીએ કે આ કોલમરત્ન (વિન્ક વિન્ક) તમને કેવું લાગ્યું? નોહા વેબ્સ્ટરાય નમ:

madhu.thaker@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP