‘સિનેફાઈલ’ જયેશ અધ્યારુ ન્યુ ઍજ મનોરંજનના રસિયા છે. ફિલ્મો, હાસ્ય, પોપ કલ્ચર પર એમની કલમ દોડતી રહે છે.

ચેક્કા ચિવન્થા વાનમઃ ફિલ્મ મેકર મણિ રત્નમની ગેંગસ્ટર મુવીઝમાં વાપસી!

  • પ્રકાશન તારીખ03 Oct 2018
  •  

રેટિંગઃ *** (ત્રણ સ્ટાર)

ખ્યાતનામ ફિલ્મ ક્રિટિક ભારદ્વાજ રંગને બહુ સમય પહેલાં મણિ રત્નમની ફિલ્મો વિશે એક મસ્ત ઓબ્ઝર્વેશન કરેલું. એમણે જોયું કે મણિ રત્નમ પોતાની બહુધા ફિલ્મોમાં ફિલ્મની શરૂઆતમાં જ એમનાં લીડ પાત્રોનાં લગ્ન કરાવી દે છે અને કાં પછી એમનાં પાત્રો ઓલરેડી પરણેલાં હોય. એમની ‘મૌન રાગમ’, ‘અંજલિ’, ‘દલપતિ’, ‘રોજા’, ‘બોમ્બે’, ‘અલાઈપાયુથે’ (હિન્દીમાં ‘સાથિયા’), ‘કન્નથિલ મુથમિત્તાલ’, ‘ગુરુ’, ‘રાવણ’... બધામાં આ પૅટર્ન જોઈ શકો.

‘મણિ સર’ તરીકે ઓળખાતા મણિ રત્નમની છેલ્લી બે ફિલ્મો ‘ઓ કે કન્મની’ અને ‘કાટ્ર વેલિયિદાઈ’ બંનેમાં સીધાં મેરેજ નહોતાં પણ મેરેજના કન્સેપ્ટની આસપાસ વાર્તા ગરબા લેતી હતી. હવે એમની લેટેસ્ટ રિલીઝ છે ‘ચેક્કા ચિવન્થા વાનમ’. આમ તો આ ફિલ્મને લગ્ન સાથે દેખીતો કોઈ સંબંધ નથી, પણ ફિલ્મનાં બહુધા પાત્રો પરણેલાં છે અથવા તો પૈણું પૈણું થાય છે, એ પૅટર્ન અહીં પણ જળવાઈ છે. ‘ચેક્કા ચિવન્થા વાનમ’ એટલે ‘હિંગળોક લાલ રંગનું આકાશ’. આવું એબ્સર્ડ લાગતું નામ આપવા પાછળનું લોજિક ફિલ્મ જોશો એટલે સમજાશે. તેમાં એક લોજિક તો લોહી સાથે છે. લોહી મંજે રિલેશનશિપ અને લોહી મંજે ઈજા પહોંચવાથી વહેતું લોહી પણ ખરું. એ ઉપરાંત એક લોજિક પણ છે, જે સિક્રેટ છે ને ફિલ્મની છેલ્લી મિનિટોમાં ખૂલે છે.

***

મોટો પ્રોબ્લેમ એ છે કે મણિ રત્નમની આ પ્યોર માસ મુવી હોવા છતાં તેને ડબ કરવાની વાત તો દૂર રહી, ઈંગ્લિશ સબટાઈટલ્સ સાથે રિલીઝ કરવાની તસ્દી પણ નથી લેવાઈ. આમ તો હવે જે રીતે હિન્દી રિમેક બનાવવા માટે ધડાધડ સાઉથની ફિલ્મોના રાઈટ્સ ખરીદાઈ રહ્યા છે અને જે રીતે નેટફ્લિક્સ-પ્રાઈમ વીડિયો જેવાં પ્લેટફોર્મ્સ પાન ઈન્ડિયન કન્ટેન્ટ પણ લોકોની સામે મૂકી રહ્યાં છે એ જોતાં રિજનલ ફિલ્મોનું માર્કેટ વધું બહોળું થયું છે. એ જોતાં તમામ રિજનલ ફિલ્મોને તે ભાષા ન જાણતા લોકો માણી શકે એ રીતે જ રિલીઝ કરવી જોઈએ. એ સિવાય પણ મણિ રત્નમનું નામ ઓલરેડી હિન્દી દર્શકો માટે પોતીકું છે. એમની છેલ્લી બંને ફિલ્મો અંગ્રેજી સબટાઈટલ્સ વિના જ રિલીઝ કરાઈ છે. ખેર…

***

‘ચેક્કા ચિવન્થા વાનમ’ (CCV)થી મણિ રત્નમ ફરી પાછા ‘દલપતિ’ અને ‘નાયકન’વાળી ગેંગસ્ટર ઝોનરામાં પાછા ફર્યા છે એવું માત્ર ટ્રેલર પરથી જ કહી શકાતું હતું. ઈવન તેની સ્ટોરી પણ ‘ગોડફાધર’ પ્રકારની એક ફેમિલી સાગા છે, જેમાં એક પેટ્રિયાર્ક છે, સંતાનો છે, ભર્યો-ભાદર્યો પરિવાર છે. ઉપર ઉપરથી બધું શાંત છે, પણ અંદરથી લાવારસ ભભૂકી રહ્યો છે. આપણે ક્વિકલી સ્ટોરી આઉટલાઈન જોઈ લઈએ એટલે વાત કરવા માટે એક પ્લેટફોર્મ ક્રિએટ થાય.

સેનાપતિ (પ્રકાશ રાજ) એક બિઝનેસમેન કમ માફિયા છે, અને પરિવારનો વડો છે. એના ત્રણ જુવાન દીકરા પણ સોફિસ્ટિકેટેડ ગુંડાગીરીના ફુલટાઈમ વ્યવસાયમાં છે. સૌથી મોટો દીકરો વરદન (અરવિંદ સ્વામી), સ્થાનિક કક્ષાએ ગુંડાગીરી ચલાવે છે અને એના દિમાગની જગ્યાએ પ્રેશર કૂકર છે, જેમાં આખો દિવસ સીટીઓ જ વાગતી હોય છે. બીજો દીકરો છે ત્યાગરાજન (એક્ટર અરુણ વિજય, જે થોડા સમયમાં ‘બાહુબલિ’ પ્રભાસ સાથે ‘સાહો’માં દેખાશે). આ ત્યાગરાજન પોતાની પત્ની અને બાળકો સાથે દુબઈમાં પોતાનું રાજ ચલાવે છે. સૌથી નાનો દીકરો એધી (એક્ટર STR, એના વિશે અત્યારે આટલું કાફી છે!) સર્બિયામાં કાયદા સાથે આંખમિચૌલી ટાઈપનો બિઝનેસ ચલાવે છે.

આ ચતુષ્કોણનો એક પાંચમો ખૂણો પણ છે, સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટર રસૂલ ઈબ્રાહિમ (એક્ટર વિજય સેતુપતિ, જેની ફિલ્મ ‘વિક્રમ વેધા’એ હમણાં આપણે ત્યાંના સિનેરસિયાઓમાં ઠીક ઠીક ચર્ચા જગાવેલી). આ રસૂલ પ્રેશર કૂકર દિમાગવાળા વરદન (અરવિંદ સ્વામી)નો ભાઈબંધ છે. અચ્છા, એ પ્રેશર કૂકરની એક મજબૂત પત્ની છે ચિત્રા (અદાકારા જ્યોતિકા, ‘ડોલી સજા કે રખના’ ફેમ). અને વરદને એક રૂપાળી પત્રકાર પાર્વતી (અદિતી રાવ હૈદરી) સાથે પણ સુંવાળા સંબંધો રાખ્યા છે. હજી આ ઉપરાંત આ મહાનવલમાં મમ્મી, બાળકો, બહેન, દુશ્મનો, પોલીસ વગેરે ઘણાં પાત્રો છે.

આખો એક ફ્લો ચાર્ટ દોરીએ ત્યારે ટપ્પી પડે એવા લાં...બા પાત્ર પરિચયમાં જો કંટાળો આવ્યો હોય, તો સોરી. બટ આ પાત્રોનો પરિચય આપવામાં મણિ રત્નમ જરાય કંટાળો પ્રેરે તેવું કામ કરતા નથી. ઈન ફેક્ટ, એ ફિલ્મના પહેલા જ સીનથી સ્ટોરીની સીધી માંડણી કરી દે છે. સેનાપતિ યાને કે પ્રકાશ રાજ પત્ની સાથે દેવદર્શનેથી પાછા ફરી રહ્યા છે. ત્યાં જ એમની કાર પર જીવલેણ હુમલો થાય છે. પતિ-પત્ની બંને ગંભીર રીતે ઘવાય છે. વન બાય વન સંતાનોને ખબર પડતી જાય છે, તેમ તેમ બધા હોસ્પિટલે દોડતાં આવે છે. જરા કળ વળ્યા પછી વિચારવાનું શરૂ થાય છે કે સેનાપતિને પતાવી દેવાનું કામ કયો દુશ્મન કરી શકે?

***

સિનેફાઈલ્સની દુનિયામાં કહેવાય છે કે જો કોઈ ફિલ્મ તમે માત્ર સાંભળીને પૂરેપૂરી ગ્રાસ્પ કરી લો અને પછી જોતી વખતે તેમાં એ સાંભળ્યા સિવાયનું કંઈ જ નવું ન નીકળે તો તેને સિનેમાની દૃષ્ટિએ બહુ સારી ફિલ્મ ન કહેવાય. એ જ થિયરીને જરા અપસાઈડ ડાઉન કરીએ તો કહી શકાય કે અમારી જેમ સબટાઈટલ્સ વિના એટલે કે ડાયલોગ્સ સમજ્યા વિના જોઈએ અને જો લિજ્જત ન આવે તો ફટ્ છે એવી ફિલ્મને.

બટ, વેલ વેલ. આ ફિલ્મના ડિરેક્ટર મણિ રત્નમ છે, જે છેલ્લાં સાડા ત્રણ દાયકાથી ફિલ્મ નગરિયામાં સાવજની જેમ ફરી રહ્યા છે. પૂરી 26 ફિલ્મો બનાવ્યા પછીયે એમની ફિલ્મમેકિંગ સ્ટાઈલને જરાય કાટ નથી લાગ્યો, એ જરાય આઉટડેટેડ નથી થયા. એ દર વખતે એમની ભરોસેમંદ ટીમ સાથે એકદમ સ્લીક પ્રોડક્શન લઈને આવે છે. CCVમાં પણ એમની સાથે મ્યુઝિક ડિરેક્ટર એ. આર. રહેમાન, સિનેમેટોગ્રાફર સંતોષ સિવન અને એડિટર એ. શ્રીકર પ્રસાદ છે.

‘મહાભારત’થી લઈને તમામ ‘ગેમ ઓફ થ્રોન્સ’ ઓબ્ઝર્વ કરી હોય તો આ ફિલ્મની સ્ટોરી પણ કળી શકાય એવી છે. જોકે કળી જાઓ તોય ફિલ્મમાં રહેલું સસ્પેન્સનું એલિમેન્ટ નાબૂદ થતું નથી. ફિલ્મની મજા તેના સ્ટોરીટેલિંગમાં છે. મોટાભાગનાં શૂટઆઉટ્સ, ફાઈટ સિક્વન્સીસ અને લોહિયાળ પ્રસંગોને ટિપિકલ મસાલા રીતે દર્શાવવાને બદલે એકદમ પૅસી અને થ્રિલિંગ સાઉન્ડટ્રેકમાં ફિલ્માવવામાં આવ્યા છે. અલબત્ત, આ સ્ટાઈલ નવી નથી, પણ જે રીતે અહીં ક્રાઈમ સીન્સ આકાર લે છે એના અલાયદા વીડિયો રિલીઝ કરવામાં આવે તોય જોવાની મજા પડે.

એ જ રીતે આ ફિલ્મની ફાઈટ સિક્વન્સીસને પણ અલગથી જોઈએ તો મજા પડે એ રીતે શૂટ થઈ છે. સેનાપતિ પ્રકાશ રાજની કાર પરનો હુમલો (અને એ પહેલાં અરીસાના પ્રતિબિંબને ફોલો કરતાં કરતાં સ્ક્રીન પર થતી હુમલાખોરોની એન્ટ્રી) કે ખુન્નસે ભરાયેલા અરવિંદ સ્વામીનો વળતો પ્રહાર… તમામ ફાઈટ્સ એકદમ સ્ટાઈલિશ છતાં એકદમ રૉ.

સંતોષ સિવને અહીં તમામ કેમેરા ટેકનિક્સ કામે લગાડી છે. ડ્રોન કેમેરા નીચેથી ઉપર ઊઠીને એકદમ ટોપ એન્ગલ થઈ જાય કે અત્યંત દૂર જઈને એક્સ્ટ્રીમ લોંગ શોટ થઈ જાય, ખાસ્સી વાર સુધી કટ થયા વિના સીન ચાલતા રહે, હેન્ડહેલ્ડ કેમેરા (સ્ટેડીકેમ) પાત્રની સાથે સાથે ફરતો રહે અને પાત્રની સાથે આપણને પણ અજાણી પરિસ્થિતિના ભયનો અનુભવ કરાવે… અને બહુ વખતે ટાઈટ ક્લોઝઅપ્સનો આવો મસ્ત ઉપયોગ જોવા મળ્યો. અલગ અલગ એન્ગલેથી પાત્રોના ચહેરાનો થિયેટરનો આખો પડદો રોકી લે તેવો ક્લોઝઅપ આવે. તેની સાથે જ તે પાત્રના મનમાં શું ચાલતું હશે તે ઈમોશન્સ છાપરે ચડીને બહાર આવવા લાગે. સૂર્યપ્રકાશ લાગે તેવા લાઇટિંગનો પણ આ ફિલ્મમાં મસ્ત ઉપયોગ કરાયો છે. સમય મળે અને મણિ રત્નમની જ (રજનીકાંત, મમૂટી સ્ટારર) ક્લાસિક ફિલ્મ ‘દલપતિ’ જોજો. ‘મહાભારત’ના કર્ણ અને દુર્યોધનની દોસ્તીની દાસ્તાન પર બનેલી એ ફિલ્મમાં કર્ણ સૂર્યપુત્ર હોવાને કારણે મોટા ભાગનાં દૃશ્યોમાં સૂર્યનારાયણ દેખા દે છે. CCVનું લાઈટિંગ જોઈને એ યાદ આવ્યા વિના ન રહે.

***

CCV બૉક્સ ઑફિસ પર ધડાધડ ટંકશાળ પાડી રહી છે (એ જ બતાવે છે કે મણિ સર હજીયે કેટલા રિલેવન્ટ છે). પરંતુ ફિલ્મ સમીક્ષકો તેને બહુ માર્ક્સ નથી આપી રહ્યા (તેનું સૌથી મોટું કારણ મણિ રત્નમ પોતે જ છે, જેમણે પોતાનાં ક્વોલિટીનાં સ્ટાન્ડર્ડ્સ એટલાં ઊંચાં સેટ કર્યાં છે કે તેનાથી ઊતરતું સહેજ પણ ન ખપે). ભારદ્વાજ રંગનનું કહેવું છે કે આ ફિલ્મ છ-સાત કલાકની ક્રાઈમ સાગાને અલગ અલગ ટુકડાઓમાં કાપીને ચિપકાવી દીધી હોય એવી લાગે છે. અલબત્ત, હું એમની સાથે સહમત નથી. CCV ક્યાંય ચોપી (Choppy) લાગતી નથી. હા, બહુ બધાં પાત્રો અને ધડાધડ બનતી ઘટનાઓને કારણે પાત્રોની સાથે આપણે જોઈએ તેટલાં ઈમોશનલી કનેક્ટ થઈ શકતાં નથી. જેમ કે, અદિતી રાવ હૈદરીનું પાત્ર માત્ર બે-ત્રણ સીન પૂરતું જ રહી ગયું છે, જે અરવિંદ સ્વામીનું પાત્ર પિતાની એક્સ્ટ્રા મેરિટલ અફેરની પરંપરા આગળ ધપાવે છે એ વાત સિવાય કશું જ જસ્ટિફાય કરતું નથી.

સસ્પેન્સ ખૂલ્યા પછી જે રીતે એન્ડ ક્રેડિટ્સમાં માહિતી ડિસ્પ્લે થતી જાય છે એ પણ એક ઈન્ટરેસ્ટિંગ પાસું છે. કંઈક અંશે આવું આપણે અમિતાભ બચ્ચન સ્ટારર ‘પિંક’માં જોયેલું.

***

‘ચેક્કા ચિવન્થા વાનમ’ ફિલ્મના સ્ક્રીનપ્લે અને તેને સંલગ્ન અલગ અલગ પાસાં વિશે ફિલ્મ નિરાંતે સબટાઈટલ્સ સાથે જોયા પછી બીજી વાર લખવામાં આવશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP