લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

સાથી બદલવાનો ઉપાય વિચારવો યોગ્ય નથી

  • પ્રકાશન તારીખ14 Aug 2019
  •  

જાણવું જરૂરી છે- ડૉ. પારસ શાહ
સમસ્યા: અમે બે મિત્રો વ્યવસ્થિત ઘરના પરિણીત છીએ. દસ-બાર વર્ષના લગ્નજીવન બાદ અમારાં બે યુગલ વચ્ચે પાર્ટનર ચેઇન્જની (ક્યારેક) ચાર પાત્ર વચ્ચેની માનસિક તૈયારી છે. ચેઇન્જનો આનંદ લેવા ઉત્સુક છીએ. એઇડ્સ જેવા રોગની ગંભીરતા જાણીએ છીએ, પણ અમે સિક્યોર હોઇ આ અંગે ઇચ્છુક છીએ તો આપની દૃષ્ટિએ આ યોગ્ય છે કે કેમ?
ઉકેલ: આપણા સમાજમાં એક મહત્ત્વની જાતીય સમસ્યા લગ્નજીવનમાં લાંબા ગાળે પ્રવર્તતી નીરસતા છે. લગ્નના થોડાક સમયમાં જ એકબીજાથી જાતીય રીતે કંટાળી ગયેલ અનેક યુગલો મેં નિહાળેલાં છે. પરિણામે ઘણીવાર તે લગ્નેતર સંબંધોને જન્મ આપનાર કારણ બને છે. ઘણીવાર આના લીધે પાર્ટનર ચેઇન્જ વગેરે બદીઓ વધતી જાય છે. આ રીતે પાર્ટનરની અદલાબદલી કરનારાઓને ‘સ્વિંગર્સ’ કે ‘સ્વોપર્સ’ કહેવામાં આવે છે, જે આગળ જતાં દાંપત્યકલહ કુટુંબ-કંકાસ, છૂટાછેડા, માનસિક બીમારી, સમાજમાં બદનામી, જાતીય રોગ, એઇડ્સ વગેરેમાં પલટાઇ શકે છે. એકબીજાની નજરોમાં માન ગુમાવી શકો છો. લોકો જેમ એકના એક સ્વાદથી કે જીવનના એકના એક નિત્યક્રમથી કંટાળી જાય છે, તે જ રીતે તેમને લાગે છે કે તેઓ એકના એક જાતીય પાર્ટનરથી કંટાળી ગયા છે. લગ્નની શરૂઆતમાં માત્ર સાથીના આંગળી ર્સ્પશથી અનુભવાતી ઉત્તેજના થોડાક વર્ષ બાદ સમાગમમાં પણ રોમાન્ચ નથી લાવતી. આ યુગલો જાતીય નીરસતા અનુભવે છે, પરંતુ આમ થવામાં એક જ સાથી જવાબદાર નથી, વૈવિધ્યતાનો અભાવ જવાબદાર હોય છે. ચોક્કસ બટાકાની સૂકી ભાજી સતત સાત દિવસ થાળીમાં પીરસવામાં આવે તો ગમે તેટલી ટેસ્ટી હોવા છતાં તેમાં ટેસ્ટ ઓછો થઇ જતો હોય છે તે જ રીતે જાતીય જીવનમાં પણ એકની એક રીતે, એકની એક જગ્યાએ, એકના એક સમયે જાતીય જીવન માણવામાં આવે તો થોડાક સમય પછી તેમા નીરસતા આવી જતી હોય છે. અહીંયાં જરૂર છે કે જાતીય જીવનમાં જો જગ્યા, આસન, સમયમાં બદલાવ લાવવામાં આવે, એકબીજાની પસંદ-નાપસંદ જાણી તેનો શક્ય હોય તેટલો અમલ કરવામાં આવે તો મધુરજનીની રાત જેવો જ આનંદ વર્ષો પછી પણ જળવાઇ રહેતો હોય છે. પાર્ટનર બદલવાની વાત એ આગ સાથે ખેલવા બરાબર છે. ભલેને તમને લાગતું હોય કે તે વ્યક્તિ તંદુરસ્ત છે, મુક્ત છે, પણ કોઇ વ્યક્તિના મોં ઉપરથી ખબર પડતી નથી કે આ વ્યક્તિને એચ.આઇ.વી. કે એઇડ્સની બીમારી છે. વળી, આ બીમારી શરૂઆતમાં ત્રણ મહિના સુધી વિન્ડો પિરિયડમાં હોય છે, તેથી લેબોરેટરી ટેસ્ટિંગમાં પણ આ બીમારી વિશે જાણકારી મળતી નથી. માટે જો આપ દાંપત્યજીવનમાં આવેલ નીરસતા માટે સાથી બદલવાનો ઉપાય વિચારતા હોવ તો તે યોગ્ય નથી. આ સમસ્યાનો આમ કરવાથી કાયમી ઉકેલ નથી આવતો. આપની દાંપત્યશય્યા પર વ્યાપેલી ખામોશી તો એમ જ રહી જાય છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP