લેખક યુવા પત્રકાર છે અને ‘દિવ્ય ભાસ્કર’માં નવાં પુસ્તકોનો રસાસ્વાદ કરાવે છે.

દાસ્તાન-એ-એડમિન

  • પ્રકાશન તારીખ03 Jun 2019
  •  

હરિશંકર પરસાઈજીની આ નાનકડી વાર્તા છે.
જનજાગૃતિ માટે કામ કરતી એક સંસ્થામાં એકવાર મિટિંગ વખતે ડખો થયો. થોડાક લોકોએ એવો ઊહાપોહ મચાવ્યો કે સંસ્થાનું કામ યોગ્ય રીતે નથી ચાલતું અને સંસ્થા બરબાદ થઈ રહી છે. એટલે ક્યાં તો સંસ્થામાં જરૂરી સુધારા લાવો અથવા સંસ્થાનાં પાટિયાં પાડી દ્યો.
સંસ્થાના પ્રમુખને થોડાં મરચાં તો લાગ્યાં જ હશે, પરંતુ આપણે ત્યાં લોકતાંત્રિક પદ્ધતિનો થોડો દબદબો એટલે પ્રમુખે પેલા અસંતુષ્ટોને પૂછવા ખાતર પૂછ્યું કે, ‘પહેલાં તો એ ક્યો કે વાંધો કોને કોને છે?’
પ્રમુખ પણ થોડું મોટું માથું હશે. એટલે જ તો પ્રમુખ બન્યો હશેને? એટલે ભાઈએ પેલા લોકોને દાઢમાં રાખવા પણ આવું પૂછ્યું હશે.
પ્રમુખે કોને કોને વાંધો છે એવું પૂછ્યું એટલે પાંચ-છ જણે એકબીજાને ગોદા માર્યા.
‘બોલની...’
‘અરે તું બોલની...’
‘બોલ બોલ... એમાં હૂ બીયા કરે હારો.’
‘તે જ ને આપણે બધા હાથે જ છીએ...’
એમ કરીને દસેક લોકોએ હાથ ઊંચો કર્યો કે ભાઈ અમને સંસ્થાની કાર્યરીતિ સાથે વાંધો છે.
એ દસેયનાં મોઢાં જોઈને પ્રમુખનું ફટક્યું તો હશે, પરંતુ એનેય પ્રમુખપદે ચાલુ રહેવાની લાલચ હતી એટલે બાપડાથી સીધી રીતે કંઈ બોલી શકાય એમ નહોતું. એટલે પ્રમુખે કહ્યું, ‘આપણે જનહિત માટે કામ કરનારા લોકો છીએ એટલે સૌથી પહેલાં આપણી વચ્ચે સમન્વય થાય અને આપણી વચ્ચે સંપ-સંતોષ રહે એ મહત્ત્વનું છે. એટલે ચાલો બધા વારાફરતી કહો કે આપણી સંસ્થામાં કયા કયા સુધારા કરવા જોઈએ?’
એટલે એ બધા વતી એક સભ્ય ઊભો થયો અને તેણે મિટિંગમાં પ્રસ્તાવ મૂક્યો કે અમે બધા એવું ઈચ્છીએ છીએ કે, ‘સંસ્થા મેં ચાર પ્રમુખ, ત્રણ ઉપપ્રમુખ અને ત્રણ મંત્રીઓ હોવા જોઈએ.’
ખીખીખી... પરસાઈજીની વાર્તા તો અહીં પૂરી થઈ જાય છે, પરંતુ કેટલાંક કહેવાતાં મંડળો-સંસ્થાઓમાં કેવા ખેલ ચાલતા હોય અને લોકો કેવા કેવા આશય સાથે સોકોલ્ડ સામાજિક કાર્યકર ને સામાજિક અગ્રણી બની જાય છે એ તરફ પરસાઈજીએ માર્મિક ઈશારો કર્યો છે. દુર્ભાગ્યની વાત એ છે કે સંસ્થાઓમાં કે મંડળોમાં પદ લેવા માટે મરણિયા થઈ જતા અને મારામારી પર ઊતરી જતા ‘પદવીરો’એ તો ક્યારેય એ વાર્તા વાંચી ન હોય. વાંચેય ક્યાંથી? વાર્તા કંઈ એમના કામની થોડી છે?
પરંતુ પરસાઈજીની આ વાર્તા એટલે યાદ આવી ગઈ કે હવેના સમયમાં મંડળો ને સંસ્થાઓ તો ઠીક, વ્હોટ્સએપ અને ફેસબુક ગ્રૂપ્સમાં પણ એડમિન બનવા માટે ચડસાચડસી ચાલે છે એનો એક કિસ્સો ધ્યાને ચડ્યો. જોકે, ગ્રૂપ એડમિન થવા માટે થયેલા ડખા તો એકાદ-બે વાર છાપાંઓમાં ચમકી ગયા છે. એમાંય એકવાર અમારું આશ્ચર્ય ચરમસીમાએ તો ત્યારે પહોંચેલું જ્યારે એક ભાઈએ તેમની ઓળખાણ આપતા અમને કહેલું કે, ‘હું ફલાણા ફલાણા ભાઈ અને ફેસબુક અને વ્હોટ્સ એપ મળીને હું દસેક ગ્રૂપ્સનો ઍડમિન છું. તમારે પણ એડ થવું હોય તો કહેજો.’
લો કર લો બાત!
[email protected]

x
રદ કરો

કલમ

TOP