આઇ એમ યમ

  • પ્રકાશન તારીખ12 Sep 2018
  •  

એનું નામ દિનેશ ડાઘિયા. જેને બધા ‘દિનીયો ડાઘિયો’ કહીને બોલાવતા. દિનીયાનો દેખાવ પણ ડાઘિયા કૂતરા જેવો જ બિહામણો હતો. મોટા-મોટા ડોળા, એની જાડી-જાડી ભમર અને એ પણ કાળી જાડી ભમર કપાળની વચ્ચે એકબીજાને અડી જતી હતી, જેને લીધે દિનીયાના ‘ભાલપ્રદેશ’માં જાડો, કાળો, આડો લિસોટો કર્યો હોય એવું લાગતું. ભોલર મરચા જેવું મોટું જબરું નાક. આફ્રિકન લોકો પણ લઘુતાગ્રંથિ અનુભવે એવા મોટા જબરા જાડા-જાડા હોઠ અને પાછી રાવણ જેવી મોટી મોટી મૂછ વધારી હતી અને ‘અસૂર’ જેવા લાંબા વાળ વધાર્યા હતા.

એણે ‘યમરાજા’ના ‘ગેટઅપ’માં જ ઘરે જવાનું નક્કી કર્યું

એનો અવાજ પણ એવો ભયંકર કર્કશ અને મોટો, ગેબી હતો કે એને બોલતો સાંભળી રસ્તા પર ગાયો ભડકીને ભાગવા માંડતી’તી. વળી, એ કાયા પણ પ્રચંડ અને પડછંદ હતી. સાડા છ ફૂટથી વધારે હાઇટ અને વજનદાર, ધરખમ શરીરનો માલિક દિનીયો ડાઘિયો રોડ પર ચાલતો નીકળતો ત્યારે લોકો એનાથી વીસ-વીસ ફૂટ આઘા રહેતા. આવા મહાકાય દિનીયા ડાઘિયાને ‘એક્ટિંગનો કીડો’ કરડેલો હતો અને આમ તો એ સારો એક્ટર પણ હતો, પણ એને વિલન, રાક્ષસ, ડાકુ એવા જ રોલ મળતા હતા, પણ ડાઘિયાને તો એમાં પણ મજા પડતી હતી.
દિનીયા ડાઘિયાને એની ભયાનકતાના મેરિટ પર ‘સાવિત્રી અને સત્યવાન’ નામના ‘માયથોલોજિકલ પ્લે’માં ‘યમરાજા’નો રોલ મળ્યો હતો. જેને ડાઘિયો ખૂબ આસાનીથી સક્સેસફુલી ભજવી નાખતો હતો અને નાટકના શો પણ હાઉસફુલ જતા હતા. ‘સાવિત્રી અને સત્યવાન’નો આવો જ એક શાે પત્યાે પછી મોડી રાત્રે બધા કલાકારો મેકઅપ ઉતારી, કપડાં બદલી ઘરભેગા થઈ રહ્યા હતા, પણ કોઈ અગમ્ય કારણસર દિનીયો કપડાં બદલવા મોડો પડ્યો. હોલના કલાકારોના ગ્રીનમાં એ પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ જ નહોતું.

દિનીયાએ જોયું તો એનાં કપડાંની બેગ ગાયબ થઈ ગઈ હતી. એણે ચારેબાજુ શોધખોળ કરી, પણ બેગ ક્યાંય ન મળી એટલે એણે ‘યમરાજા’ના ‘ગેટઅપ’માં જ ઘરે જવાનું નક્કી કર્યું. વળી, એનું ઘર પણ એ હોલથી નજીક હતું. એટલે એ અડધો કલાક ચાલી ઘરે જવા નીકળી પડ્યો.
રાતના દોઢ-બે વાગ્યે શહેરની સૂમસામ સડક પર કાળું ધોતિયું, કાળું અંગરખું, માથે મોટાં શિંગડાંવાળો મુગટ પહેરી, ખભે ગદા નાખી, ઊંચો, પહોળો-પડછંદ, વિકરાળ દિનીયો ડાઘિયો ઉર્ફે યમરાજા મોટી મોટી ફલાંગો ભરી હડફડ, હડફડ કરી ચાલી રહ્યો હતો. થોડે દૂર ગયો હશે ત્યાં ગલીમાં રખડતાં કૂતરાંઓનું ધ્યાન આવા વિચિત્ર ધસમસતા પ્રાણી પર ગયું. એને જોઈને એ ભડક્યાં અને એમણે સાગમટે ‘ભસાભસી’ શરૂ કરી. કૂતરાંઓની ભસાભસીથી ડાઘિયો ‘ગિન્નાયો’. એણે ગદા ફેરવતાં કૂતરાંઓ તરફ દોટ મૂકી. સાથે સાથે દિનીયાએ એના ભેદી અવાજમાં ગગનભેદી હાકોટા પાડ્યા. આવા પ્રચંડ અને વિકરાળ પ્રાણીના આક્રમણથી કૂતરાં તો ભયાનક રીતે ‘છળી મર્યાં’ અને ખૂબ જ વિચિત્ર આક્રંદ કરતાં એ ‘દસે દિશા’માં ભાગી ગયાં. આ ભયંકર કોલાહલ સાંભળી મોડી રાત સુધી ગલીના નાકે બેસી રહેનારા જુવાનિયા ત્યાં ધસી આવ્યા. રસ્તા પર સાક્ષાત્ યમરાજાને ગદા ઘુમાવી દોડતા જોઈ એ તો છક્કડ ખાઈ ગયા.

એમાંના એકે તો તરત મોબાઇલ કાઢ્યો અને આ આખી ઘટનાનો વીડિયો ઉતારી એને ‘ફેસબુક લાઇવ’માં ચડાવી દીધો. રાતના બે વાગ્યે ફેસબુક પર ચોંટેલા બધાએ ‘યમરાજા ઓન ધ સ્ટ્રીટ’ નામનો ફેસબુક લાઇવ વિડિયો જોયો અને 5 મિનિટમાં તો એ જંગલની આગની જેમ વાઇરલ થઈ ગયો અને દસમી મિનિટે તો એ દેશ-વિદેશમાં ફરવા માંડ્યો, લાઇક થવા માંડ્યો.
આ બધાથી અજાણ્યો આપણો દિનીયો ડાઘિયો તો કૂતરાંને ભગાડી પોતાની મંજિલ તરફ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો હતો. કૂતરાં ભાગી ગયાં એટલે ડાઘિયાે ‘જયઘોષ’ કરતો હોય એમ મોટેથી ભયાનક ‘અટ્ટહાસ્ય’ કર્યું. એના આવા પિશાચી સ્વરૂપથી પેલા ‘ફેસબુક લાઇવ’વાળા જુવાનિયા થથરી ઊઠ્યા અને મૂઠીઓ વાળી ઘર ભણી દોડી ગયા. આ બાજુ દિનીયો છ-છ ફૂટની ફલાંગો ભરતો મોટા ચાર રસ્તે પહોંચ્યો. ત્યાં બે પોલીસવાળા નાઇટ ચેકિંગ માટે આડાશો ગોઠવીને બેઠા હતા. એમણે એન્જિનની જેમ ધસમસતા આવતા ‘યમરાજ’ને જોયો અને બંને પોલીસ હબક ખાઈ ગયા. એક પોલીસે હિંમત એકઠી કરીને ફાટેલા અવાજે પૂછ્યું, ‘કોણ છે તું?’ ડાઘિયો હવે ફુલ મૂડમાં આવી ગયો હતો.

પોલીસ કમિશનરે સાવચેતી માટે યોગ્ય અંતર જાળવી કરડાકીથી પૂછપરછ કરી. દિનીયાને આખી વાતની ‘સિરિયસનેસ’ સમજાઈ અને તરત જ શક્ય એટલા મંદ અવાજે ‘પોપટની જેમ’ બધું જ ખુલાસાવાર બોલી ગયો.

એણે ત્રાડ પાડીને કહ્યું, ‘હું છું યમરાજ, સૌના પ્રાણ હરી લેનારો યમરાજ.’ અને પછી મોટેથી, ‘હા હા હા હા’ કરી હસ્યો. એનું આવું બિહામણું સ્વરૂપ જોઈ પોલીસો પણ ભયભીત થઈ ગયા અને ત્યાં પાર્ક કરેલી એમની બાઇક લઈ નાસી છૂટ્યા. ડાઘિયો આડશને લાત મારી, ફંગોળી આગળ ધસી ગયો. થોડે દૂર ગયો હશે ત્યાં તો લાલ-પીળી લાઇટો ઝબકાવતી સાયરન વગાડતી પોલીસની જીપ સણસણતી આવી. એમાંથી ‘ખુદ’ પોલીસ કમિશનર ઊતર્યા. સાથે ચાર સશસ્ત્ર પોલીસ પણ કૂદી પડ્યા અને ડાઘિયા સામે બંદૂક તાકી, પોઝિશન લઈ ઊભા રહી ગયા. ડાઘિયો પણ સ્તબ્ધ થઈ ત્યાં જ ચોંટી ગયો.

પોલીસ કમિશનરે સાવચેતી માટે યોગ્ય અંતર જાળવી કરડાકીથી પૂછપરછ કરી. દિનીયાને આખી વાતની ‘સિરિયસનેસ’ સમજાઈ અને તરત જ શક્ય એટલા મંદ અવાજે ‘પોપટની જેમ’ બધું જ ખુલાસાવાર બોલી ગયો. હવે ચકિત થવાનો વારો પોલીસ કમિશનરનો હતો. એ આખી પરિસ્થિતિ પામી ગયા અને ખડખડાટ હસવા માંડ્યા અને પછી ડાઘિયાની પાસે આવી ધબ્બો મારી બોલ્યો, ‘અલ્યા યમ, તેં તો મોડી રાત્રે આખા ગામને ટેન્શનમાં નાખી દીધું છે યાર. મારા દીકરાએ ફેસબુક લાઇવમાં તારો વિડિયો જોયો અને મને જગાડી એ દેખાડ્યો એટલે હું જાતે તપાસ કરવા દોડી આવ્યો.’ પછી તો પોલીસ કમિશનર દિનીયા ડાઘિયા યમને જાતે પોતે ઘરે મૂકી ગયા અને ડાઘિયો રાતોરાત સોશિયલ મીડિયાનો સ્ટાર બની યો.

vinaydave.lafter@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP