ભાગ્યના ભેદ / શૂન્યથી સર્જન સુધીની અંક યાત્રા : નક્ષત્ર, નસીબવંતા અંક અને તારીખ

article by pankaj nagar
ડાે. પંકજ નાગર

ડાે. પંકજ નાગર

Apr 18, 2019, 03:42 PM IST

અંક આ જગત પર સામ્રાજ્ય અને આધિપત્ય ધરાવે છે તેમાં હવે કોઇ શક નથી તો સાથે સાથે નક્ષત્ર એ માનવીના જીવનનું છત્ર અને સફળતાનો પત્ર છે. નક્ષત્ર અને અંકનો સમન્વય એટલે કોહલી અને ધોનીના સંપથી જીતાવેલો ઝિંદગીનો વર્લ્ડ કપ. સામાન્ય રીતે અંકની વાત નીકળે ત્યારે 1થી 9 અંકની વાત ચર્ચાય છે, પરંતુ અમારા અને સંશોધન અનુસાર શૂન્યથી કોઇ મોટો અંક નથી, કારણ કે શૂન્ય વિના તમામે તમામ અંક રંક બની જાય છે. એકડા વિનાના મીંડા નકામા હોય તો મીડા વિના એકડો પણ રંકડો બની જાય છે. શૂન્ય અંક એ એકથી નવે નવ અંકની નવોઢા છે કે જેના વગર એકથી નવ અંકનો સંસાર ચાલે જ નહીં. સૂર્યથી શનિ અને રાહુ સુધી આઠ આઠ ગ્રહોને અંકનું પ્રતિનિધિત્વ આપ્યું છે, પણ કેતુને અંકશાસ્ત્રમાં કુંવારો રાખ્યો છે. અમારા વર્ષોના અંકશાસ્ત્રના અવલોકન દ્વારા એવું ધ્યાન પર આવ્યું છે કે બ્રહ્માંડમાં માત્ર એક ગ્રહ જ એવો છે કે જે શૂન્યથી સર્જન તરફની ક્રિયા પ્રક્રિયામાં અગમનિગમ ભેદી યાત્રા કરાવે છે અને આ શૂન્યના અંકની યાત્રા એટલે કેતુનો અંકશાસ્ત્ર સાથે શૂન્યનો સંબંધ.

  • ચંદ્રને રોહિણી, હસ્ત અને શ્રવણ નક્ષત્રો ફાળવવામાં આવ્યા છે. જો તમે ઉપરોક્ત ત્રણ નક્ષત્ર હેઠળ આવતા હોવ તો તમે અંકશાસ્ત્ર અનુસાર અંક 2ના સામ્રાજ્યમાં છો

વાત અંકની હોય કે જ્યોતિષશાસ્ત્રના ગ્રહોની અમને નવું આપવાની જિજ્ઞાસા અને ટેવ છે. આ લેખમાં અમે અંક-નક્ષત્ર તેના અધિપતિ અને ભાગ્યશાળી તારીખો ઉપરાંત શૂન્ય પણ તમારા જીવનના શૂન્યાવકાશમાં કેવી રીતે જીવન ભરી દે છે તેની વાતો કરીશું. ગ્રહો નવ છે. અંક પણ નવ છે અને નક્ષત્રો 27=9 જ છે. આમ નક્ષત્રો, ગ્રહો અને અંકો એક જ કુટુંબના સભ્યો અને સમુદાય છે. જો માનવીના જીવનમાં અંક+ગ્રહ+નક્ષત્રનો સુમેળ અને તાલમેલ બેસી જાય તો જીવનનો ખેલ વર્લ્ડ કપ લઇ જાય. આ લેખને સમજતા પહેલા તમને તમારું નક્ષત્ર યાદ હોવું ખૂબ જ જરૂરી છે. અન્યથા તમને તમારો ભાગ્યશાળી અંક કે તારીખ ઉપલબ્ધ થશે નહીં. બ્રહ્માંડમાં કુલ 27 નક્ષત્ર છે અને નવ ગ્રહોને આ નક્ષત્રોની વહેંચણી કરી છે. એક ગ્રહને ત્રણ નક્ષત્રની જવાબદારી સોંપી છે. આવો જોઇએ તમારું નક્ષત્ર, તમારો અંક, તારીખ અને દિવસ દરમિયાન તમારો લકી સમય.
સર્વ પ્રથમ ગ્રહોના રાજા સૂર્યના નક્ષત્રથી શરૂઆત કરીએ. કૃતિકા, ઉત્તરાફાલ્ગુની અને ઉત્તરાષાઢા આ ત્રણ નક્ષત્ર સૂર્યના આધિપત્ય હેઠળ આવે અને જો તમે ઉપરોક્ત ત્રણ નક્ષત્રોમાંથી કોઇ પણ એક નક્ષત્રના જાતક હોવ તો તમે સૂર્યની સીધી નજર હેઠળ આવો છો. સૂર્યનો અંક 1 છે અર્થાત કોઇપણ મહિનાની તમારી ભાગ્યશાળી તારીખ 1, 10, 19 અને 28છે. સૂર્ય પ્રકાશિત ગ્રહ છે અને દિવસ દરમિયાન પ્રકાશિત કાળમાં તેનું સામ્રાજ્ય હોઇ સૂર્યના નક્ષત્રવાળા જાતકો એ પોતાના દરેક મહત્ત્વના કાર્ય સવારે 10 વાગે અગર તો બપોરે 1ના સમયે હાથ ધરવા. અમારી ગેરંટી છે કે તમને કાર્ય સિદ્ધિ મળશે જ સાથે સાથે તામ્ર, કેસરી રંગ તમારી કારકિર્દી માટે શુભ છે. કોઇ પણ વર્ષમાં એપ્રિલ, મે અને ઓગસ્ટ મહિના તમારા માટે ભાગ્યશાળી છે. કોઇપણ આંગળી પર તાંબાની વીંટી પહેરવાથી લાભ થાય.
હવે વાત કરીએ ચંદ્ર ગ્રહની. ચંદ્ર એટલે બ્રહ્માંડની રાણી. ચંદ્રને રોહિણી, હસ્ત અને શ્રવણ નક્ષત્રો ફાળવવામાં આવ્યા છે. જો તમે ઉપરોક્ત ત્રણ નક્ષત્ર હેઠળ આવતા હોવ તો તમે અંકશાસ્ત્ર અનુસાર અંક 2ના સામ્રાજ્યમાં છો. કોઇ પણ મહિનાની 2, 11, 20 અને 29 તારીખ તમારા માટે લકી ડેટ્સ કહેવાય. તમે કોઇ પણ અગત્યનું કાર્ય સુદ-7થી વદ-7 દરમિયાન કરો તો સફળતાની તક વધારે રહેશે. દિવસ દરમિયાન બપોરે 11 વાગે અગર 2 વાગે હાથ ધરશો તો કાર્ય ઝડપી સિદ્ધહસ્ત થશે. શ્વેત અને સાધારણ પીળો દૂધિયો રંગ તમને શ્રેષ્ઠ લાભ આપશે. વર્ષ દરમિયાન જાન્યુઆરી, જુલાઇ અને ઓક્ટોબર માસ તમારા માટે ભાગ્યશાળી છે. સોમવાર અને શુક્રવાર તમારા માટે શુભ વાર છે. કોઇ પણ આંગળી પર ચાંદીની વીંટી પહેરવાથી શુભ ફળ મળે.
મૃગશીર્ષ, ચિત્રા અને ધનિષ્ઠા નક્ષત્ર મંગળ ગ્રહના આધિપત્ય હેઠળ આવે. પાયથાગોરસ અંક પદ્ધતિ અનુસાર મંગળને 9નો અતિ પવિત્ર અંક ફાળવ્યો છે. નવગ્રહ, નવરાત્રિ, નવકાર, નવચંડી અને નવરસ વગેરે શબ્દો અતિ પ્રચલિત અને ધાર્મિક શબ્દો છે. જો ઉપરોક્ત ત્રણ નક્ષત્રમાંથી કોઇ એક પણ નક્ષત્રના તમે જાતક હોવ તો તમે મંગળના આધિપત્ય હેઠળ અને અંક 9ની અસર હેઠળ આવો છો. દરેક મહિનાની 9, 18 અને 27 તારીખ મહત્ત્વની છે. કોઇ પણ મહત્ત્વનું કાર્ય જો તમે મંગળ કે ગુરુવારે હાથ ધરશો તો સફળતાની તક વધુ રહેશે. ઉપરાંત દિવસ દરમિયાન સવારે કે રાત્રે 9 વાગે અગર સાંજે 6 વાગે કાર્ય હાથ ધરશો કે શ્રી ગણેશ કરશો તો સિદ્ધિ જલદી મળશે. સોના અને તાંબાને મિક્ષ કરી બનાવેલી વીંટી પહેરવાથી વધુ લાભ થશે. મે અને નવેમ્બર મહિના તમારે માટે ભાગ્યશાળી છે.
બુધના નક્ષત્રની ચર્ચા કરીએ. આશ્લેષા, જ્યેષ્ઠા અને રેવતી આ ત્રણ નક્ષત્ર બુધના સામ્રાજ્યમાં આવે. આશ્લેષા અને જ્યેષ્ઠા નક્ષત્ર જ્યોતિષશાસ્ત્રના ઓરમાયા નક્ષત્ર છે, પરંતુ જ્યોતિષીઓ માટે અતિ વહાલા અને કમાઉ નક્ષત્ર છે, કારણ કે આ બે નક્ષત્રોને અશુભ ગણી તેના વિધિવિધાન કરાય છે. અંકશાસ્ત્રમાં બુધને અંક 5ની ફાળવણી કરી છે. જો આપ ઉપરોક્ત નક્ષત્રના જાતક હોવ તો દરેક મહિનાની 5, 14 અને 23 તારીખ તમારા માટે લકી છે. લીલો અને આછો ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. કોઇપણ મહત્ત્વનું કાર્ય બુધવાર અગર શુક્રવારે કરશો તો સફળ થશે. દિવસ દરમિયાન બપોરે 1 અગર 3 વાગે અગત્યનું કાર્ય હાથ ધરશો તો સફળતા મળશે. કાંસાની વીંટી ધારણ કરવાથી જીવન સરળ બનશે. (ક્રમશ:)

[email protected]

X
article by pankaj nagar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી