Home » Rasdhar » ચેતન પગી
લેખક ‘દિવ્ય ભાસ્કર’ સાથે જોડાયેલા યુવા પત્રકાર અને હાસ્યલેખક છે.

ઘાટલોડિયા ઘોસ્ટબસ્ટરમાં આતંક હી આતંક

  • પ્રકાશન તારીખ01 Jun 2018
  •  

ઘરમાં એકલો હતો એટલે ચંપકની ઈચ્છા તો જોરથી ગાળ બોલવાની હતી. પણ મોંમાં વઘારેલા મમરાનો બુકડો માર્યો હોવાથી તેણે માંડી વાળ્યું. તરત તેણે મોબાઇલથી ટીવી સ્ક્રીનનો ફોટો પાડ્યો. અને ભાઈબંધોના વોટ્સઅપ ગ્રુપ ‘ઘાટલોડિયા ઘોસ્ટબસ્ટર’માં અપલોડ કરી દીધો. નીચે લખ્યું. ‘પાકિસ્તાન મુર્દાબાદ. જયહિંદ.’ થોડી જ વારમાં તેની પોસ્ટ નીચે થમ્સ અપની નિશાનીઓ અને ‘ભારત માતા કી જય’ના નારા ખડકાવા લાગ્યા. રિસ્પોન્સ મળતા જ ચંપકલો ગેલમાં આવી ગયો.

મનમાં ને મનમાં પાકિસ્તાનીઓને મણ મણની સંભળાવતા એ મમરામાં મિક્સ કરવા સેવનો ડબો શોધી રહ્યો હતો. ત્યાં તો ફરી બ્રેકિંગ ન્યૂઝ- ‘બારામુલામાં પકડાયેલો ISIનો એજન્ટ ગુજરાતી મૂળનો હોવાનો ખુલાસો’. ટીવી ચેનલની મહિલા એન્કર વાક્યની શરૂઆતમાં ‘અમે આપને જણાવી દઈએ...’ એમ કહીને ટીવી સ્ક્રીન પર લખેલી લાઇનો વારંવાર વાંચી સંભળાવતી હતી. ચંપકે હવે પિત્તો ગુમાવ્યો હતો. ગુસ્સામાં ગુસ્સામાં તે બિસ્કિટના ફાડીયા કરીને ક્રીમવાળો પાર્ટ ચાટવા લાગ્યો. ચંપક હજુ તો ટીવી સ્ક્રીનનો ફરી ફોટો પાડે ત્યાં જ ન્યૂઝ ચેનલની એન્કર ઉંચા અવાજે બોલવા લાગી, ‘અમે આપને જણાવી દઈએ કે કાશ્મીરમાં પકડાયેલા ISIએજન્ટની ઓળખ અમદાવાદના જીજ્ઞેશ પંચાલ નામે થઈ છે.’ ટીવી ચેનલની એન્કર આ એકની એક લાઇન વારાફરતી નવ વખત બોલી પછી ગઈ.

ચંપક મનમાંને મનમાં બોલવા લાગ્યો, ‘સાલા, પાકિસ્તાનીઓએ હવે આપણા માણસોને ફોડી લીધા, હદ થઈ ગઈ.’ ચંપકે તરત ‘ઘાટલોડિયા ઘોસ્ટબસ્ટર’ ખોલીને ચેનલના સમાચાર ટાઇપ કર્યા. ફરીવાર ધડાધડ રિસ્પોન્સ. ‘પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારવું જોઈએ, ઈઝરાયેલની જેમ ઝીરો ટોલરન્સવાળી કરવી જોઈએ’ ટાઇપનું વોટ્સએપ પર ખડકાવા લાગ્યું. ચંપક મનોમન આર્મીના મેજર જેવું ફીલ કરી રહ્યો હતો. ચંપક ઘણા દિવસોથી લાગ જોતો હતો. તે દિવસ પેલા રેપવાળા કેસમાં એના દોસ્તાર પકાએ ક્યાંકથી ફોટા અને ક્લિપ શોધી લાવીને ગ્રુપમાં જે રીતે રોલો પાડો દીધો હતો એ જોઈને ચંપકનો જીવ બળી ગયો હતો. પણ આજનો દિવસ ચંપકનો હતો.

ટીવીમાં હવે ડિટેલમાં ન્યૂઝ આવ્યા. ‘કાશ્મીરના બારામુલામાંથી પકડાયેલા ISIએજન્ટ જીજ્ઞેશ પંચાલની આર્મીએ સઘન પૂછપરછ કરી છે. જીજ્ઞેશ પંચાલ અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે. જથ્થાબંધ ચીજવસ્તુઓના વેપારના ઓઠા હેઠળ તે લાંબા વખતથી પાકિસ્તાની જાસુસી સંસ્થા માટે કામ કરતો હતો. અમારા સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીજ્ઞેશની યોજના અમદાવાદ સહિતના ગુજરાતના શહેરોમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કરવાની હતી.’

ચંપકે તરત ‘ઘાટલોડિયા ઘોસ્ટબસ્ટર’માં મેસેજ નાખ્યો, ‘આતંકવાદી જીજ્ઞેશનો પ્લાન આપણે ત્યાં બોમ્બવાળી કરવાનો છે. બધાએ એલર્ટ રહેવું. અજાણી ચીજવસ્તુઓને અડવું નહી અને એરિયામાં શંકાસ્પદ માણસ દેખાય તો બધાએ ભેગા મળીને તૂટી પડવું.’ જવાબમાં ગ્રુપમાં એક જણે તો એમ પણ લખ્યું, ‘થેંક્સ ચંપક, તુ ના હોત તો અમારું શું થતું યાર.’ ફુલાયેલા ચંપકે જાતે જ પોતાનું પ્રમોશન મેજરમાંથી કમાન્ડર-ઇન-ચીફ તરીકે કરી દીધું. એ હજુ તો ‘પરમાણુ બોમ્બ ફોડીને પાકિસ્તાનને પતાવી દેવું જોઈએ’ એવું ગ્રુપમાં લખવા જતો હતો ત્યાં ફરી ટીવી સ્ક્રીન પર બ્રેકિંગ ન્યૂઝના ચમકારા થવા લાગ્યા. ‘ભારતીય આર્મીએ જીજ્ઞેશ પંચાલને છોડી મૂક્યો, જીજ્ઞેશ આવતીકાલ સુધીમાં અમદાવાદ પરત ફરશે એવી શક્યતા’. થોડીવાર પછી આર્મીના પ્રવક્તા સદેહે ટીવી પર આવીને બોલ્યા, ‘અમદાવાદનો વેપારી જીજ્ઞેશ પંચાલ બારામુલામાં ISIબ્રાન્ડની હળદરનો સોદો કરવા માટે આવ્યો હતો. શંકાસ્પદ વર્તણૂકને કારણે પૂછપરછ કરતા એ બીકનો માર્યો ISI એટલું જ બોલી શક્યો એટલે પોલીસે પકડીને અમને સોંપી દીધો હતો. પૂછપરછ બાદ અમે તેને છોડી મૂક્યો છે.’

આટલું સાંભળ્યા પછી ચંપકે પહેલું કામ મોબાઇલ સ્વિચ ઑફ કરવાનું કર્યું. ટીવીની એન્કરનો સાદ હવે થોડો ધીમો પડ્યો હતો. તેણે સંભળાવ્યું, ‘કસ્ટડીમાંથી કણસતાં કણસતાં બહાર આવેલા જીજ્ઞેશ પંચાલે સૌથી પહેલા હળદરની માગણી કરી.’ આટલું સાંભળતા જ ચંપકને યાદ આવ્યું કે સેવનો ડબો તો કબાટના ત્રીજા ખાનામાં છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP