Home » Rasdhar » ચેતન પગી
લેખક ‘દિવ્ય ભાસ્કર’ સાથે જોડાયેલા યુવા પત્રકાર અને હાસ્યલેખક છે.

ભૂવો: માળિયેથી ઉતારેલો નવો વિષય

  • પ્રકાશન તારીખ31 Jul 2018
  •  

હાલના દિવસોમાં સરકાર માટે કાળુ નાણું શોધવું અને લેખકો માટે વિષય શોધવા એકસમાન પડકારજનક કાર્ય થઈ ગયા છે. ખાસ કરીને સાહિત્ય સર્જનમાં નવા વિષયોની તંગી જૂના વખતમાં થતી કેરોસીનની તંગી જેવો જલદ પ્રશ્ન બની ગયો છે. એમાં પાછું લખાણ મૌલિક હોય એવો આગ્રહ રાખવામાં આવે છે. જોકે આ મામલે અંગ્રેજીની સરખામણીએ ગુજરાતી સાહિત્ય સર્જનમાં જરા સરળતા રહે છે.

ગુજરાતીમાં વાર્તાના નાયકનું નામ ‘મૌલિક’ રાખીને પણ વાર્તા મૌલિક હોવાનો દાવો કરી શકાય, પણ અંગ્રેજીવાળા છૂટછાટ લઈને પણ નાયકનું નામ ‘ઓરિજિનલ’ રાખી શકતા નથી. અંગ્રેજીની સરખામણીએ ગુજરાતી ચડિયાતી હોવાનું આ જ સ્તો કારણ છે. આમાં એક દલીલ તો એવી પણ થાય છે કે અંગ્રેજીવાળા ઓરિજિનલ નહીં લખે તો બીજી ભાષાવાળા કેમ કરીને પેટનો ખાડો પૂરશે? નવાસવા લેખકોને વિષયની શોધ વધારે પજવે છે. કારણ કે તેમના લખવા માટેના વિષયો ભવિષ્યમાં આકાર લેવાના હોય છે.

એવું કહેવાય છે કે અમદાવાદમાં સિનેમાઘરમાં જેટલા લોકો ગુજરાતી ફિલ્મ જોવા જાય છે તેનાથી બમણા લોકો ચાર રસ્તે પડેલા ભૂવાની આસપાસ ગણી શકાય છે. ગુજરાતી સિનેમાની સ્પર્ધા હોલિવૂડ કે બોલિવૂડ સાથે જ છે એવું નથી.

પણ કેટલાક વિષયો સદાલીલાછમ (એવરગ્રીન) છે. મુંબઈની અંધારી આલમ અથવા તો વિરહની વેદના કે લાગણીઓની ભરતી-ઓટ આગળ ધરી શકાય છે. એ જ રીતે હસવું આવે એવું લખતા લેખકને જ્યારે બીજું કશું જડે નહીં ત્યારે એ ‘ભૂવા’ના શરણે જાય છે. અલબત્ત, આ ‌વિષય માત્ર ચોમાસા વખતે જ માળિયેથી ઉતારી શકાય છે. પણ ભલું થજો કોર્પોરેશનના ‘કસબીઓ’નું જે દર ચોમાસે ક્યારેય હાસ્ય લેખકોને નિરાશ થવા દેતા નથી. લોકો આ ‘કસબીઓ’ પર ટીકાઓ વરસાવે છે, પણ ફિલસૂફો કહે છે એક જ સમસ્યા લોકો જુદી-જુદી રીતે જોતા હોય છે. ભૂવાનું પણ એવું જ છે. લોકો તેને સમસ્યા તરીકે, કોર્પોરેશનવાળા માથાના દુખાવા તરીકે, તો સમાચાર માધ્યમો એને ‘તક’ તરીકે જુએ છે. દલીલ એવી પણ થાય છે કે ચાલુ મોબાઇલે વાહન હંકારતા નરબંકાઓ માટે રસ્તાના ખાડા નાના પડતા હતા એટલે તેઓ સરળતાથી સમાઈ શકે એ હેતુસર ભૂવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.


અગાઉ જેમ ગામમાં સરકસ આવે ત્યારે લોકો ટોળે વળતા. સરકસ ઓછા થયાં પછી તેની ખોટ ભૂવા થકી પુરાઈ રહી છે. એવું કહેવાય છે કે અમદાવાદમાં સિનેમાઘરમાં જેટલા લોકો ગુજરાતી ફિલ્મ જોવા જાય છે તેનાથી બમણા લોકો ચાર રસ્તે પડેલા ભૂવાની આસપાસ ગણી શકાય છે. ગુજરાતી સિનેમાની સ્પર્ધા હોલિવૂડ કે બોલિવૂડ સાથે જ છે એવું નથી.


ભૂવા આમ તો ગામડામાં અને શહેરોમાં એમ બન્ને સ્થળે ઉપલબ્ધ છે. તફાવત એટલો કે ગામડામાં સમસ્યા સર્જાય પછી ભૂવો ધૂણે, જ્યારે શહેરમાં ભૂવો પડે પછી સમસ્યા સર્જાય.

chetanpagi@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP