Home » Rasdhar » ચેતન પગી
લેખક ‘દિવ્ય ભાસ્કર’ સાથે જોડાયેલા યુવા પત્રકાર અને હાસ્યલેખક છે.

માવા-મસાલા વિના પણ સંસાર તો સૂનો

  • પ્રકાશન તારીખ31 Jul 2018
  •  


બોલવાના આમ તો નવ ગુણ છે. પણ જો તમને માવા કે મસાલા વગર ચાલતું ન હોય તો ન બોલવાના દસ ગુણ છે. દસમો ગુણ એ કે ન બોલવાથી તમારે મહામૂલો માવો થૂંકી કાઢવો પડતો નથી. આમ તો સૌરાષ્ટ્રભણીનો માવો રેસ્ટ ઑફ ગુજરાતમાં પ્રવેશતા જ મસાલા નામે ઓળખ ધારણ કરે છે. સરકારને લોકોની ચિં તા હતી એટલે ગુટખા બંધ કરાવ્યા પણ તેના ચાહકો એમ કંઈ શરણાગતિ સ્વીકારે એવા નહોતા. એટલે તેઓ માવોવાદના શરણે ગયા.

ક્યારેક એવી હૃદયવિદારક ક્ષણ પણ આવતી હોય છે જ્યારે મોંઢામાં હેતથી ચગળીને લાલચોળ કરેલો માવો એમને હૃદય પર પથ્થર મૂકીને થૂંકી કાઢવો પડતો હોય છે.

શું તમે ક્યારેય મોંઢામાં માવો-મસાલો ઠૂંસી દીધા બાદ નિરાંતે ચગળતા મનુષ્યને ધ્યાનથી નિહાળ્યો છે? જેના મોંઢામાં માવો નથી એ મનુષ્ય જાતભાતના ઉધામા કર્યા કરતો હોય છે પણ માવાધારી મનુષ્યની વાત જ નિરાળી હોય છે. એને પોતાના મોંઢામાં ઠૂંસેલા (સાચો શબ્દ આરોપેલા) માવા સિવાય જગતની કશી જ બાબતમાં રસ હોતો નથી. જાણે સ્થિતપ્રજ્ઞ અવસ્થાની સર્વોચ્ચ અવસ્થા.


સામાન્ય લોકો (માવો ન ખાતા હોય એવા) પારકી પંચાતમાં ટાપશી પૂર્યા વગર રહેતા નથી. પણ માવાધારી માણસને એમ સરળતાથી બોલતો કરી શકાય નહીં. જો ભૂલથી એને કશું પૂછી લેવામાં આવે તો પહેલા તો એ દાઢી સમેતનો મોંઢાનો ભાગ જરા ઊંચો કરીને (જેથી મોંમાં રહેલો મસાલાનો મૂલ્યવાન અમૃતરસ બહાર સરી ન પડે) ઈશારા દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કરશે. માવા પ્રત્યેની આ નિષ્ઠા ઘણા સંવેદનશીલ લોકોની આંખો ભીની કરી ચૂકી છે. જો સાંકેતિક ભાષાથી કામ થઈ જતું હોય ત્યાં સુધી માવાધારી મનુષ્ય બોલવાનું ટાળે છે. જો મોંઢામાં મસાલો ભર્યો હોય તો એ ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની આશંકા હોય અને એના બોલ્યા વગર યુદ્ધ અટકશે નહીં એવી સ્થિતિ હોય ત્યારે જ બોલે છે. એ સિવાય ફલાણી ફાઇલ ક્યાં મૂકી? ઢીંકણી અરજીનું કેટલે પહોંચ્યું? જેવા ક્ષુલ્લક સવાલોમાં એ ક્યારેય મોંઢું ખોલશે નહીં.


ક્યારેક એવી હૃદયવિદારક ક્ષણ પણ આવતી હોય છે જ્યારે મોંઢામાં હેતથી ચગળીને લાલચોળ કરેલો માવો એમને હૃદય પર પથ્થર મૂકીને થૂંકી કાઢવો પડતો હોય છે. આવા વખતે માવાધારી મનુષ્ય ત્યાગ અને બલિદાનનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડે છે. પણ માવો ક્યાં થૂંકવો એના પણ ચોક્કસ ધારાધોરણો હોય છે. જ્યાં બે દીવાલ નેવું અંશના ખૂણે મળતી હોય એ જગ્યાને જ થૂંકવા માટે આદર્શ મનાય છે. અહીં થૂંકવા માટે બીજું કશું નહીંને ખૂણો જ કેમ, એવું કૂતુહલ ઘણાને થતું હોય છે. એક કારણ એ હોઈ શકે કે મસાલો થૂંકવા માટે ખૂણો શોધતા માવાધારીઓના પરિવારજનોને જતે દહાડે ખૂણો પાડવો પડે એવી ઉજળી શક્યતાઓ રહેલી હોય છે.

chetanpagi@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP