Divya Bhaskar

Home » Rasdhar » ચેતન પગી
લેખક ‘દિવ્ય ભાસ્કર’ સાથે જોડાયેલા યુવા પત્રકાર અને હાસ્યલેખક છે.

સુખનું સરનામું, શેરીના નાકે ઊભી એ લારી

  • પ્રકાશન તારીખ01 Aug 2018
  •  

અમરીશ પુરી ગયા, ઓમ પુરીએ પણ વિદાય લીધી અને હવે પાણીપૂરી પણ જવું જવું કરે છે. અત્યંત કપરા દિવસો ચાલી રહ્યા છે. હાસ્ય નિષ્પન્ન કરવા માટે લેખકને પ્રાસ બેસાડવાની ફરજ પડે એનાથી વધુ કપરા દિવસો બીજા શું હોઈ શકે? પણ પાણીપૂરીની તબિયત આજકાલ ઠીક નથી એ પણ એટલી જ વસમી વાત છે. પાણીપૂરીએ કેટલાય લોકોને અડધી રાતે હૉસ્પિટલમાં દાખલ કર્યાના દાખલા ભલે હોય પણ હવે પાણીપૂરીને તાબડતોડ દાખલ કરવી પડે એવી સ્થિતિ છે. પાણીની તંગી માંડ દૂર થઈ ત્યાં પાણીપૂરીની તંગી સર્જાય એવી આશંકા સર્જાઈ છે.

પાણીપૂરી પર મહિલાઓનો એકાધિકાર છે એવી ધારણા ભલે હોય પુરુષો પણ એના માટે એટલા જ તલપાપડ હોય છે.

પાણીપૂરી ભાઈબહેનના પવિત્ર સંબંધનું પ્રતીક છે. કેમ ભૂલી ગયા પેલા સંવાદો? ભૈયા થોડા સ્પાઇસી કરના, ભૈયા એક મસાલાવાલી એક્સ્ટ્રા દેના, ભૈયા એક કોરી પૂરી દેના. સામે પેલો ભૈયો પણ ‘બસ કર બહેના અબ તો ઘર જા’ એવું કહ્યા વિના બહેનની બધી જ માગણી પૂરી કરે છે. પણ હવે આ દૃશ્યો ફ્લેશબેકમાં જ જોવા પડે એવા સંજોગો આકાર લઈ રહ્યા છે. સરકારનું કહેવું છે કે પાણીપૂરીવાળા પાણીમાં ભળતુંસળતું ભેળવીને લોકોને ભોળવે છે. પૈસા માટે એવું કહેવાય છે કે પૈસા તો હાથનો મેલ છે. આ ઉક્તિને બે પાંદડે થયેલા પાણીપૂરીવાળાઓએ ખરેખર સાકાર કરી બતાવી છે. પણ હવે પાણીપૂરી પર પ્રતિબંધની વાતોએ બધો ખેલ બગાડી નાખ્યો છે.


ન કરે નારાયણને જો પાણીપૂરી પર સાગમટે પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો શું થશે? આ પ્રશ્ન આમ તો સલામતી પરિષદની તાકીદે બેઠક બોલાવવી પડે એવો ગંભીર છે. પણ જો આવું બને તો જે શક્યતા ઊભરે છે એ વધુ કંપાવનારી છે. લપાતા છુપાતા બાટલી લેવા જતા રસિકજનોએ એક નહીં પણ બે થેલી લઈને જવું પડશે. એક બાટલી માટે અને બીજી પાણીપૂરી માટે. છાપામાં ‘પાણીપૂરી ખાઈને છાકટા બનેલા યુવકોની અટકાયત’ જેવા સમાચારો પણ ચોંકાવી શકે.


પાણીપૂરી પર મહિલાઓનો એકાધિકાર છે એવી ધારણા ભલે હોય પુરુષો પણ એના માટે એટલા જ તલપાપડ હોય છે. એમાં પાણીપૂરીની લારીના પ્રાઇમ ટાઇમ (સાંજે 4થી 7નો ગાળો) વખતે ચોમેર મહિલાઓથી ઘેરાયેલી પાણીપૂરીના ઠેલે પુરુષોએ પોતાનો નંબર આવે એ માટે રીતસર અનામત ક્વૉટા માગવો પડે એવી સ્થિતિ હોય છે. બાય ધ વે, ટીવી ચેનલોના પ્રાઇમ ટાઇમ કરતા પાણીપૂરીના પ્રાઇમ ટાઇમમાં ઘોંઘાટ ઓછો હોય છે. સમાચાર ચેનલોની ચર્ચામાં બોલકો પેનલીસ્ટ કહ્યામાં ન હોય ત્યારે એન્કર મોંઢામાં બે-ચાર પાણીપૂરી ઠૂંસીને એને ચૂપ કરી શકે છે.
chetanpagi@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP