કુપોષણ નિવારણ દ્વારા કરીએ સેવા ભારતમાતની! પોષણ: રાષ્ટ્રીય કર્તવ્ય

article by ashok sharma

અશોક શર્મા

Sep 13, 2018, 12:05 AM IST

હમણાં જ એશિયાડ રમતોત્સવ પૂરો થયો. છેલ્લાં થોડાં વરસોથી આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતીય ટીમો સારું પ્રદર્શન કરી રહી છે. ભારતના રમતવીરોએ આ વખતે ઐતિહાસિક દેખાવ કર્યો. તો પણ ભારતની ઉપર તાઇપેઇનું નામ વાંચી થોડો સંકોચ અવશ્ય થાય. આ મહેણું ટાળવા શું કરવું જોઇએ? સારા રમતવીર બનવા મુખ્યત્વે ત્રણ બાબતો છે;

૧. રમતગમતની સુવિધા ૨. ખડતલ બાંધો અને ૩. સારો ખોરાક. આ ત્રીજી બાબત આજનો ચિંતન વ્યાયામ છે.


ગીતાકારે ભોજનની સુંદર મિમાંસા કરી છે. આ લેખમાળામાં આપણે અન્ન એકવીસા જોઇ ગયા છીએ. જોકે અન્નની યાદ આવે ત્યારે ગીતાના બે મંત્રો મને ખૂબ અપીલ કરે છે. જેનો કેવો સુંદર ભાવાર્થ છે! ‘જે વહેંચીને ખાય તે પુણ્યશાળી, જે એકલો રાંધી ખાય તે પાપી! અન્નથી જન્મે જીવ, મેઘથી અન્ન નીપજે; યજ્ઞથી વર્ષા થાય, કર્મથી થાય યજ્ઞ!’ (૩/૧૩-૧૪). હું જે કંઇ કરું છું તેની પાછળ ઊર્જાનું વિજ્ઞાન છે. અન્નથી ઊર્જા મળે છે. જે રીતે મારું અસ્તિત્વ અન્ન પર અવલંબે છે, તે રીતે મારા સાથીઓનું જીવન પણ અન્ન પર આધારિત છે. વળી માણસનું પહેલું કર્તવ્ય પોતાનું અને પોતાના સાથીઓનું અસ્તિત્વ ટકાવી રાખવાનું છે. તેના માટે પોષક અન્ન અનિવાર્ય છે. તે રીતે અન્ન જીવનમાં સૌથી પાયાનું પરિબળ ગણાય. એટલે વિશ્વની લગભગ બધી સાંસ્કૃતિક પરંપરામાં અન્નદાનને શ્રેષ્ઠ પુણ્ય ગણવામાં આવ્યું છે.


આજે ભારતદેશ વિકાસના એક ખૂબ મહત્ત્વના આયામ પર ખડો છે. વિશ્વની સૌથી મોટી યુવા સંપદા ભારતના પક્ષે છે. જો આ યુવાધન સ્વસ્થ, સમર્થ અને નિરોગી બને તો ભારતને મહાસત્તા બનતાં કોઇ રોકી શકે તેમ નથી. એ દૃષ્ટિએ પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને પર્યાપ્ત ભોજનની ઉપલબ્ધિ આપણું પ્રથમ લક્ષ્ય હોય તે સ્વાભાવિક છે. તેમાંયે નવજાત શિશુ, નાનાં બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાને તો પોષણની ખાસ જરૂરિયાત રહે છે. વળી આ દરેક માટે વિશેષ પ્રકારનાં પોષક દ્રવ્યોની અનિવાર્યતા પણ રહે છે.

જેમ કે કિશોરી અને સગર્ભા માતા માટે લોહ તત્ત્વ અને વિટામિન બીની તાતી જરૂરિયાત રહે છે. પ્રોટીન, એનર્જી, ચરબી, ખનીજ દ્રવ્યો વગેરે તત્ત્વોની પણ ઉંમર, અવસ્થા અને લિંગ પ્રમાણે અલગ-અલગ આવશ્યકતા હોય છે. ભલે આ કોઇ ટેક્નિકલ વિષય લાગતો હોય તો પણ દરેક શિક્ષિત નાગરિકે તેને જાણવો અને અનુસરવો રહ્યો.


તમે જાણો છો? આખો સપ્ટેમ્બર મહિનો દેશમાં પોષણ માહ તરીકે ઊજવી રહ્યા છીએ. તે દરમિયાન પોષણ બાબતે જાગૃતિ, પ્રશિક્ષણ અને તબીબી પરીક્ષણ કરવામાં આવશે. જે માતાઓ કે બહેનો અને બાળકોને પોષણની ખામી હશે તેને ખાસ સારવાર-સેવા આપવામાં આવશે. શું આ કામ માત્ર સરકારી તંત્રનું છે? એક નાગરિક તરીકે તેમાં મારી કોઇ ફરજ ખરી કે? જવાબ ખૂબ સ્વાભાવિક છે. પોષણ રાષ્ટ્રીય કર્તવ્ય છે. તેમાં દરેક નાગરિક સક્રિય ભૂમિકા ભજવે તે અત્યંત અગત્યનું છે. તમને સવાલ થાય કે હું શું કરી શકું? તો કેટલાક સાવ સરળ રીતે કરી શકાય તેવાં સુંદર કામો જોઇએ.


તમારા પડોશની શાળા કે આંગણવાડીની મુલાકાત લો. ત્યાંના સાથીઓ પાસેથી કુપોષિત બાળકો અને માતાઓની માહિતી મેળવો. જો તમે પોષણ વિજ્ઞાન કે તબીબી નિષ્ણાત હો તો જનજાગૃતિનું મહાકાર્ય કરી શકો. તમારા પરિવારના કોઇ સભ્યનો જન્મદિન કે એનિવર્સરી આ ગાળામાં આવતા હોય તો સપરિવાર આંગણવાડી કે શાળાનાં બાળકો અને માતાઓ સાથે પૌષ્ટિક ભોજન વહેંચો અને સાથે જમો.


એ સિવાય ફળ, દૂધ, શાકભાજી કે ખાસ પૂરક આહારની વ્યવસ્થામાં આર્થિક સહયોગ આપો. એવા પોષક આહારો ભેટમાં આપો. એ રીતે દેશમાંથી કુપોષણ નિવારવાના રાષ્ટ્રદૂત બની શકો અને રાષ્ટ્રનિર્માણમાં સીધું યોગદાન આપી શકો! ભારતમાતાની આનાથી વધુ મોટી સેવા બીજી કઇ હોઇ શકે? વંદે માતરમ્!
[email protected]

X
article by ashok sharma

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી