અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.

કુંભમેળો: આધુનિક મેનેજમેન્ટની દૃષ્ટિએ

  • પ્રકાશન તારીખ24 Jan 2019
  •  

તીર્થરાજ પ્રયાગમાં કુંભમેળાનો પ્રારંભ થયો છે. દેશવિદેશમાંથી ભક્તો અને સહેલાણીઓ ગંગામૈયાના તીરે ઊમટી રહ્યા છે. કુંભમેળાનું સફળ આયોજન મેનેજમેન્ટની દૃષ્ટિએ મોટો પડકાર હોય છે. જેને ભારતીયો હોંશેહોંશે ઝીલી લે છે. કુંભમેળા સાથે જોડાયેલી પૌરાણિક ઘટનાને આધુનિક પરિપ્રેક્ષ્યમાં મૂલવીએ તો કેવું?


શ્રીમદ્્ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના 6થી 9 અધ્યાયમાં સમુદ્રમંથનની કથા છે. દેવો અને દાનવો આપસમાં લડીને નિસ્તેજ થયા છે. તેઓ પિતામહ બ્રહ્માના શરણે જાય છે. બ્રહ્માજી તેમને ક્ષીર સાગરનું મંથન કરવા પ્રેરણા આપે છે. આ એ જ સમુદ્ર છે, જેમાં ભગવાન નારાયણ શેષનાગની શય્યા પર વિરાજે છે. આવડા મોટા સાગરનું મંથન કરવા રવૈયો પણ જબરો જોઈએ, ખરું ને? એટલે મંદરાચલનો રવૈયો બનાવાય છે. તેને ટેકો આપવા વિષ્ણુભગવાને કચ્છપ (કાચબો) અવતાર ધર્યો છે.

  • પ્રયાગની યાત્રા થાય તો સારું, ન જવાય તો અંતરની અલકનંદામાં ડૂબકી લગાવી લો!

વાસુકિ નાગનું દોરડું બનાવી મંથન શરૂ થાય છે. બુદ્ધિશાળી દેવો પૂંછડીના ભાગે અને મોઢા તરફથી અહંકારી દૈત્યો પકડે છે. સ્વાભાવિક રીતે સર્પરાજ વાસુકીના ઝેરથી દાનવો પરેશાન થાય છે. મંથનની શરૂઆતમાં હળાહળ વિષ પ્રગટે છે. તેની ઉગ્રતા જોઈ સહુ નાસભાગ કરી મૂકે છે. આ મહાવિનાશક ઝેરનું શું કરવું? તેની ચિંતા સહુને થાય છે. તે વેળા મહાદેવ શંકર વહારે દોડી આવે છે. તેઓ હળાહળ વિષને એક અંજલિ ભરી પી જાય છે. યોગશક્તિથી શિવજી ઝેરને ગળામાં રોકી રાખે છે અને પેટ કે હૃદય સુધી પહોંચવા નથી દેતા.

મંથન ફરી શરૂ થાય છે. એક પછી એક સંપદા નીકળતી રહી અને ક્ષમતા અનુસાર દેવ-દાનવોમાં વહેંચાતી રહી. ઐરાવત હાથી ઇન્દ્રે લીધો તો ઉચ્ચૈ:શ્રવા અશ્વ દાનવરાજ બલિએ અંકે કર્યો. લક્ષ્મીજી શ્રી હરિને વર્યાં. છેલ્લે અમૃતકુંભ પ્રગટ થયો. શ્રી હરિએ વિચાર કર્યો કે જો દાનવો અમૃત પી લેશે તો અમર થઈ જશે અને જગતની પીડા વધશે, તેમણે સુંદર સ્ત્રીનું રૂપ ધરી નૃત્ય શરૂ કર્યું. એક હાથમાં અમૃતકુંભ અને બીજા હાથમાં મદિરાનો ઘટ લીધો. સ્વાદે અને સુગંધે મોહક એવા આસવ અને મોહિનીના રૂપથી આકર્ષાયેલા દાનવો સૂરા પીને મસ્ત થયા. બીજી બાજુ દેવોની પંગતમાં મોહિની રૂપધારી વિષ્ણુએ અમૃત વહેંચવા માંડ્યું. એ જોઈને એક અસુર ચાલાકીથી દેવોની હરોળમાં બેસી ગયો. તેણે કુંભ ઝૂંટવીને દોટ મૂકી. ભગવાન નારાયણે સુદર્શન ચક્રથી અસુરનું મસ્તક છેદી નાંખ્યું. આ ભાગદોડમાં કુંભમાંથી અમૃતનાં ટીપાં ધરતી પર જ્યાં જ્યાં ત્યાં કુંભ યોજવાની પરંપરા છે.


કુંભનો સંબંધ ક્ષીરસાગર મંથન સાથે છે. તેનો સમાજવિદ્યા અને મેનેજમેન્ટ સાયન્સની દૃષ્ટિએ અર્થઘટન કરવાનો પ્રયાસ ઘણા વિદ્વાનોએ કર્યો છે. તમે ક્ષીર સાગરને પરિવાર, સમાજ, દેશ કે દુનિયાની સામૂહિક સંપદા અથવા ઊર્જા કહી શકો. સંતુલિત અને સતત વિકાસમંથન માટે સબળ નેતૃત્વ જોઈએ. કોઈપણ નવા કામની શરૂઆતમાં તકલીફો આવે. ત્યારે શિવજી જેવો નિ:સ્વાર્થ અને સેવાભાવી સામે આવે.

અંગત સુખદુ:ખથી પરે રહીને સમાજનું ભલું કરતા ધરતી પરના ‘મહાદેવો’ને પરખીએ! એક સવાલ કરું? અંગારવાયુ શોષી પ્રાણવાયુની ભેટ ધરતા વૃક્ષદેવો શિવજીના સાક્ષાત્ અવતાર નથી શું? પ્રોજેક્ટ સફળ થાય પછી તેના આઉટકમને વહેંચવાનું કૌશલ્ય પણ જોઈએ. ખોટા માણસો ક્રેડિટ ન લઈ જાય તે લીડરે જોવું જ રહ્યું! સૂરા અને અમૃતનું રૂપક તો મનોવિજ્ઞાનનું શિરમોર ઋત છે. ગમતું હોય તે પ્રેય અને સારું હોય તે શ્રેય. કડવું કારેલું જીભને ન ગમે, પણ પેટને માટે ગુણકારી બને. આ વિવેકબુદ્ધિની કસોટી છે. સમષ્ટિના શ્રેય તરફ દૃષ્ટિ રાખે તે દેવ અને અંગત સ્વાર્થ માટે સમાજને નુકસાન કરે તે અસુર. કુંભમેળામાં જઈ શકો તો ઉત્તમ. વિવેકની અલકનંદા અંતરમાં જ વહી રહી છે. તેમાં રોજ ડૂબકી લગાવી લેતાં કોણ રોકે છે!

holisticwisdom21c@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP