અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.

ગીતા: એક રાષ્ટ્રપ્રેમીની ડિક્શનરી

  • પ્રકાશન તારીખ27 Sep 2018
  •  

ગીતાનો અનાસક્ત કર્મયોગ દેશભક્તિનો મંત્ર છે. ‘મંત્ર’ શબ્દ ઉપરથી એક વાત યાદ આવી, જે ઘણા સમયથી મનમાં ઘૂંટાય છે! મંત્ર શબ્દને આપણે એવો રૂટિન બનાવી દીધો છે; જેમ કે સક્સેસ મંત્ર, ફિટનેસ મંત્ર, વેલનેસ મંત્ર, માર્કેટ મંત્ર વગેરે. વાસ્તવમાં તો જેનું ઋષિએ દર્શન કર્યું હોય તે મંત્ર. ચાર વેદ, ઉપનિષદો અને ગીતાનાં પદો કે વાક્યોને મંત્રો કહેવાની પરંપરા છે. તે સિવાયના સાહિત્ય માટે શ્લોક શબ્દ વપરાય.

આ શબ્દકોષમાં ‘દેશભક્તિ’ અને ‘અનાસક્ત કર્મયોગ’ સમાનાર્થી શબ્દો છે!

ઋષિ અને મંત્ર શબ્દની ગરિમા જળવાવી જોઇએ. જે દર્શન કરી શકે તે ઋષિ. દર્શન એટલે પ્રકૃતિના ઋતને પામવું. ‘અહં બ્રહ્માસ્મિ’, ‘તત્ત્વમસિ’ કે ‘સંભવામિ યુગે યુગે’ ગોખણમંત્રો નથી. તે આત્મસાત્ કરવાના અમૃતબિંદુઓ છે. મંત્ર મનન કરવાની વસ્તુ છે, બરાડા પાડવાની નહીં! વાણી અને વર્તન તમારી આસક્તિનાં ઢોલ પીટતાં હોય ત્યારે ‘હું અનાસક્ત કર્મયોગી છું’ તેવું બોલવાનો કોઇ મતલબ નથી!

અનાસક્ત એટલે મોહરહિત. જો ખરેખર અનાસક્ત કર્મયોગી હો તો તમારે તે કહેવાની જરૂર નથી! સારાંશ, મંત્ર જેટલો ગુપ્ત એટલો સારો. ગુપ્ત મંત્ર તમારી સંકલ્પ શક્તિ વધારશે. જેવો પ્રબળ સંકલ્પ તેવી મહાન સિદ્ધિ!


અનાસક્તિનો અર્થ સંન્યાસ નથી, તેવું ગીતાકારે પોતે વારંવાર કહ્યું છે. શ્રીકૃષ્ણ માટે યોગી એટલે કર્મયોગી. કર્મયોગ શબ્દમાં અનાસક્તિનો ભાવ સમાયેલો છે. એટલે કર્મયોગ આગળ અનાસક્તિનું છોગું ન લગાવો તો પણ ચાલે. જે અનાસક્ત નથી તે ન યોગી છે, ન કર્મયોગી! અનાસક્તિ એટલે આસક્તિનો અભાવ. આસક્તિ એટલે ખેંચાણ અથવા એટેચમેન્ટ. જો મને કશું મળે તો જ હું કામ કરું તેવી શરત એટલે આસક્તિ. મારા કોઇ વર્તન માટે કોઇ પૂર્વશરત કે પૂર્વગ્રહ હોય તો તે આસક્તિ કહેવાય. જેમ કે પ્રતિષ્ઠા કે પ્રભાવ માટે સેવાનું કામ કરવું.

તેનો અર્થ એ કે જો તેવો લોભ ન હોય તો હું તે કામ ન કરત! જો હું ડર કે લોભને ખંખેરીને માત્ર ફરજના ભાગરૂપે કોઇ કામ કરું તો તે અનાસક્તિ કહેવાય. વળી જો કામમાં જ્ઞાન: દૂરદર્શિતા (Vision), કર્મ: રચનાત્મકતા (Creativity) અને ભક્તિ: ઉપયોગિતા (Broader utility) એમ ત્રણેય વસ્તુનો સમાવેશ થાય તો તેને કર્મયોગ કહેવાય. આમ અનાસક્ત ભાવે કરાતા રચનાત્મક અને જનઉપયોગી કામને અનાસક્ત કર્મયોગ કહેવાય અનાસક્ત કર્મયોગની આવી વ્યાખ્યા સ્વીકારીએ તો દેશભક્તિ અને અનાસક્ત કર્મયોગને સમાનાર્થી કહેવામાં કોઇ સંકોચ નહીં થાય! આપણી દેશભક્તિની સમજ બહુ ટૂંકી છે.

પંદરમી ઓગસ્ટે ચેનલો પર માત્ર સરહદ પર લડાતા યુદ્ધની ફિલ્મો બતાવાય છે. એ ખરું નથી કે આઝાદી માટે શહીદ થયેલા કે સરહદ પર લડતા જવાનો માટે જ દેશભક્તિ અગત્યની છે. ઇંધણનું એક ટીપું બચાવવા કુશળતાથી વાહન ચલાવતા ડ્રાઇવર, મેટ્રો સિટીના ટ્રાફિક પૉઇન્ટ કે ઇલેક્શન ડ્યૂટી પર અત્યંત તણાવ અને કોલાહલ વચ્ચે નિષ્ઠાથી ફરજ બજાવતાં ભાઇબહેન પણ દેશભક્ત કર્મયોગી છે. અવિકસિત વિસ્તારોમાં નિયમિત રીતે શાળા કે આંગણવાડીમાં બાળકો અને માતાઓને શિક્ષણ અને પોષણનું કામ કરતાં ભાઇબહેનો રાષ્ટ્રના નિર્માતા જ છે!

એવું નથી કે માત્ર જાહેર સેવકો જ દેશભક્તિ વ્યક્ત કરી શકે. તેમના કાર્યમાં રચનાત્મક સહયોગ આપવો તે પણ રાષ્ટ્રભક્તિયુક્ત કર્મયોગ છે; જેમ કે ટ્રાફિક નિયમ પાળવા, જાહેર મિલકતોનો સદુપયોગ કરવો, નિયમિત કરવેરા ભરવા, સંઘરાખોરી, ભેળસેળ કે છેતરપિંડી ન કરવી, ઊર્જા, અનાજ કે પાણી જેવા રાષ્ટ્રીય સ્રોતોનો બગાડ ન કરવો, મીડિયામાં સાચી હકીકત રજૂ કરવી કે પછી કૉર્ટમાં સાચી સાક્ષી પૂરવી! મિત્ર! આપણે સહુ વત્તેઓછે અંશે અનાસક્ત કર્મયોગી છીએ. આવો, આજે ‘તિરંગા’ની શાખે રાષ્ટ્રસેવા કાજે અનાસક્ત કર્મયોગની દીક્ષા લઇએ. આઇયે, એક કદમ ઔર ચલેં! વંદે માતરમ્!
holisticwisdom21c@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP