ગીતા અને રાષ્ટ્રીય ચારિત્ર

article by ashok sharma

અશોક શર્મા

Sep 20, 2018, 04:21 PM IST

ગીતાને અનેક દૃષ્ટિથી જોઇ રહ્યા છીએ. આરોગ્ય, પોષણ, નૈતિકતા, મૉટિવેશન અને મેનેજમેન્ટ વગેરે. આજે ગીતાને રાષ્ટ્રીય ચારિત્રના સંદર્ભમાં જોઇશું. અંગ્રેજીમાં રાષ્ટ્ર માટે સ્ટેટ અને નેશન શબ્દો વપરાય છે. રાજ્ય શાસનવ્યવસ્થાનો નિર્દેશ કરે છે જ્યારે રાષ્ટ્રમાં ભાવનાત્મક અને સાંસ્કૃતિક સંદર્ભ છે.
મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં રાજ્ય અને રાષ્ટ્ર શબ્દ બન્નેનો ઉપયોગ કર્યો છે. રામજીના વનગમન વેળા અયોધ્યાવાસીઓ પોતાનાં ઘરબાર છોડી વનમાં ચાલી નીકળે છે. ‘જ્યાં રામ ત્યાં રાષ્ટ્ર, જો રામ વનમાં જઇ વસશે તો વન રાષ્ટ્ર બની જશે!’ રામનો પ્રભાવ માત્ર અયોધ્યાવાસીઓ પૂરતો સીમિત નહોતો, વનવાસીઓ, વનચર પશુઓ, ઋષિમુનિઓ અને વિભીષણ જેવા સંસ્કારી અસુરો સુધ્ધાં તેમના કરિશ્માને ખાળી નહોતા શક્યા! એક વ્યક્તિત્વ જ્યારે રાષ્ટ્રનું ચારિત્ર્ય બની જાય તે કેવી મોટી ઘટના કહેવાય?

સમર્થ રાષ્ટ્રનું રસાયણ: જાગૃતિ, અભય, પ્રગતિશીલ દૃષ્ટિકોણ, વૈચારિક અને વ્યવસાયિક સ્વાતંત્ર!

ગીતામાં ભારોભાર રાષ્ટ્રબોધ છે. એક સમર્થ રાષ્ટ્રનું રસાયણ શું હોઇ શકે? જનજાગૃતિ, અભય, પ્રગતિશીલ દૃષ્ટિકોણ તથા વૈચારિક અને વ્યવસાયિક સ્વાતંત્ર્ય. ગીતાના રાષ્ટ્રદર્શનને દર્શાવતા કેટલાક મંત્રોનું દર્શન કરીએ. અર્જુનના વિષાદને દૂર કરવા શ્રીકૃષ્ણ કહે છે, ‘ઉત્તિષ્ઠ ભારત’! મને જો એક મિનિટ માટે કોઇ એક મંત્ર યુવાઓને ભણાવવાનું કહેવામાં આવે તો હું આ બે શબ્દો વારંવાર કહી સંભળાવું. ‘તને આ કાયરતા ન શોભે! તારા મનની આ તુચ્છ નબળાઇ ઉખાડી ફેંક અને ઊભો થા, પાર્થ!’ કેવા બળુકા બોલ છે?
કલ્પના કરો! યુવા શિક્ષિત અને સંસ્કારી બને, સ્વાવલંબી બને. સ્વતંત્ર વિચાર કરતો થાય. પોતાની વિવેકબુદ્ધિથી કામ કરે. વ્યસન અને દુર્ગુણોને જીતી લે. અંગત રાગદ્વેષ કે ભેદભાવથી ઉપર ઊઠી જાય! તો ભારતને મહાસત્તા બનતાં કોણ રોકી શકે? એટલું જ મહત્ત્વનું છે, અભયમ્! માણસ બે કારણથી ખોટું કરતો હોય છે, કોઇ વસ્તુ મેળવવાના લોભથી અથવા કશું ખોવાના ડરથી! જેણે લોભ અને ભય બન્નેને મનવટો આપ્યો છે તે ખરો રાષ્ટ્રભક્ત. તમે કરોડો ડૉલર્સની લાંચ કે જાનના ભયથી પણ કોઇ દેશભક્ત પાસેથી સ્ટ્રેટેજિક ઇન્ફર્મેશન કઢાવી નહીં શકો! ‘નૈનં છિંદંતિ શસ્ત્રાણિ’ જેવા અમૃત રસાયણથી જેનું જિગર છલકે છે તેવા યુવાને વળી ભય કે લોભ કેવો!
સફળતા માટે માનસિકતા વત્તા કુશળતા જોઇએ. ગીતાનો કર્મયોગ તો કૌશલ્યવર્ધનની ખાણ છે. ‘યોગ: કર્મસુ કૌશલમ્’, ‘સમત્વં યોગ ઉચ્યતે’ અને ‘વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન’ જેવા મંત્રો દ્વારા કામમાં એકધ્યાનપણું, પ્રારંભિક નિષ્ફળતાને જીરવી જવાની હિંમત અને ખંતનો આગ્રહ સેવવામાં આવ્યો છે. ગીતાનો અનાસક્ત કર્મયોગ તો પ્રામાણિક જનસેવકથી લઇને નિષ્ઠાવાન સંશોધક સુધી સહુ કોઇ માટે કારગર જડીબુટ્ટી છે. વળી દેશને સક્ષમ નેતૃત્વ પણ જોઇએ, ખરું ને? ‘પ્રોતં સૂત્રે મણિગણા ઇવ’ જેવા અદ્્ભુત મંત્ર દ્વારા યોગેશ્વરે આદર્શ નેતાનું ચિત્રણ કર્યું છે. જેમ કંઠીમાંના મણકાઓને એકસાથે જોડી રાખતો દોરો પોતે સાવ અદૃશ્ય જ રહે તેમ નેતાએ અવૈયક્તિક રીતે પ્રેરણા આપવાની છે. કામનો જશ બીજાને વહેંચી આપવાનો છે! આ મંત્રને લોકશાહી શાસન વ્યવસ્થાનો મૂળમંત્ર કહીએ તો પણ કંઇ ખોટું નથી!
જ્યારે કોઇ અત્તરની બૉટલ ખુલ્લી રહી જાય તો તેની સુગંધ ધીરે ધીરે દૂર સુધી પ્રસરી રહે તે રીતે ગીતાના અમૃતકળશમાંથી હજારો વર્ષ પછી પણ દિવ્ય જ્ઞાનની ફોરમ આપણા જનજીવનને ઉદાત્ત બનાવી રહી છે! શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને સૌથી વધુ વાર ‘ભારત’ તરીકે સંબોધન કર્યું છે. એ કહેવામાં કોઇ સંકોચ નહીં થાય કે ‘ભારત’ સંબોધન કરવા પાછળ તેમની આંખ સામે કરોડો પાર્થ હતા, ત્યારના, આજના અને કદાચ આવતી કાલના પણ! શ્રીકૃષ્ણને જગદ્્ગુરુ કહીએ છીએ કારણ કે તેમનાં વાક્યોમાં યુગોયુગો સુધી આખા જગતને અજવાળવાની દિવ્ય ઊર્જા છે!
X
article by ashok sharma

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી