અશોક શર્મા, IAS, ઉપનિષદ, યોગ અને ગીતાના ઉંડા અભ્યાસુ અને પ્રામાણિક જનસેવાના આદર્શને જીવનમાં ઉતારનાર સાધક છે.

સંભવામિ: મોટિવેશન મંત્ર

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  

ગીતાના બે મંત્રો જાણીતા છે, કર્મણિ મંત્ર અને સંભવામિ મંત્ર. ‘કર્મણ્યેવાધિકારસ્તે’ કર્મયોગ અને સાધન શુદ્ધિનો મંત્ર છે. તેની ગતાંકમાં વાત કરી. આજે સંભવામિ મંત્રનું રસપાન કરીશું. ચોથા અધ્યાય કર્મબ્રહ્માર્પણ યોગની શરૂઆતમાં શ્રીકૃષ્ણ કહે છે કે કર્મયોગની દીક્ષા તેમણે પહેલાં વિવસ્વાનને આપી, તેણે મનુને આપી અને એ રીતે ક્રમશ: ઊતરી આવી છે. ત્યારે અર્જુન પૂછે છે, વિવસ્વાન તો તમારી બહુ પહેલાં થઇ ગયા છે, તો તમે કઇ રીતે આ વિદ્યા તેમને આપી હશે? ત્યારે યોગેશ્વર કહે છે કે તારા અને મારા ઘણા જન્મો થઇ ગયા છે. જેને તું જાણતો નથી. હું યોગવિદ્યાથી આ જાણી શકું છું. આખો મંત્ર આ પ્રમાણે છે, ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ્ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્! પરિત્રાણાય સાધુનામ્ વિનાશાય ચ દુષ્કૃતામ્ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે’ (૪/૭,૮). એટલે કે જ્યારે જ્યારે ધર્મ ઉપર અધર્મ હાવી થાય ત્યારે ધર્મની રક્ષા માટે હું આવું છું. તે રીતે સજ્જનોની રક્ષા અને દુર્જનોને દંડ આપીને ધર્મની સ્થાપના કરું છું.

દરેક માણસમાં રહેલી પ્રચંડ સાત્ત્વિક ઊર્જાને પ્રગટાવવાની ક્ષમતા સંભવામિ મંત્રમાં છે

મિત્ર! તમને શું લાગે છે કે યોગેશ્વર શું કહેવા માંગે છે? ‘સંભવામિ’ અવતારવાદનું પૌરાણિક ધર્મવાક્ય માત્ર છે? તેનો વાચ્યાર્થ એવો થાય કે જ્યારે જ્યારે અધર્મ વધે ત્યારે કોઇ અવતારી માણસ આવશે અને આપણને બચાવશે! જોકે તેનો ભાવાર્થ કંઇક બીજો જ થાય. જેમ કે, જ્યારે જ્યારે અધર્મ વધે, ધર્મ પડે ત્યારે ધર્મને ટકાવવા કોઇ આગળ આવે. સત્ય અને ન્યાયના શંખ-ચક્ર ધારણ કરે. પીડિતો, શોષિતો અને વંચિતો માટે સંઘર્ષ કરે અને અંતે જીતે! આ થયો ભાવાર્થ! તેનું નામ દર વખતે શ્રીકૃષ્ણ હોય તે જરૂરી ખરું કે? તે રંગભેદ માટે લડતા નેલ્સન મંડેલા, અબ્રાહમ લિંકન કે માર્ટિન લ્યુથર કિંગ ન હોઇ શકે? મોટાં નામો ઘણાં લઇ શકાય. એક બહુ ઓછું જાણીતું નામ સ્વાનુભવથી લેવા માગું છું.
પોરબંદરમાં મનોરોગીઓની સેવા કરનાર સ્વ. પ્રાગજીબાપાને જાણો છો? એસ.ટી.ની સેવામાંથી નિવૃત્ત થઇ તેમણે આ ભેખ ધારણ કર્યો. તેમને હું મળ્યો છું. દેખાવે તો એ તેમના ઇષ્ટદેવથી (મનોરોગીઓ)થી બહુ જુદા ન લાગે! રસ્તે રઝળતા રોગિષ્ઠ અને મેલાઘેલા મનોરોગી ભાઇ-બહેનોને સમજાવીને લાવે. સાફ-સફાઇ કરે. ઘરે ઘરે ફરીને રોટલા ઉઘરાવે પેલાં ભાઇ-બહેનોનું પેટ ભરે. બોલો, આને શું કહેશો? એ બિચારા તો સરખો આભાર પણ ન વ્યક્ત કરી શકે કે ન સારા શબ્દોમાં આશીર્વાદ આપી શકે! છતાં જીવ્યા ત્યાં સુધી મનોરોગીઓની પ્રેમથી સેવા કરી. આવા અનેક નામીઅનામી માણસો અસ્મિતાના આકાશમાં તારાની જેમ અમર છે, ચમકતા રહેશે! તેમને આપણા મેમૉરિયલ કે પ્રતિમાઓની શી પરવા?
ઘણા લોકો કહે છે કે સારી ઋતુ અને વરસાદ સજ્જનોનાં પુણ્યથી થાય છે. કોઇ એવું પણ કહે છે કે તપસ્વીઓનાં તપથી કુદરતનાં તત્ત્વો અંકુશમાં રહીને પોતાનું કામ કરતાં રહે છે. જો આ થીયરીમાં એક ટકો પણ સચ્ચાઇ હોય તો પેલા પ્રાગાબાપા જેવા સેવકોનું પુણ્ય તેમાં કામ કરતું હશે તેમ કહી શકાય કે નહીં? તમે કહેશો કે ક્યાં સંભવામિ મંત્ર અને ક્યાં મનોરોગીઓના સેવક પ્રાગાબાપા? યસ! આ બે વાતમાં જે કનેક્શન છે તે શોધવાનો પ્રયાસ તે જ મેનેજમેન્ટ ગીતા! જો ગીતા માત્ર ધર્મગ્રંથ હોય અને મંદિરોમાં કર્મકાંડો વખતે વાંચવા પૂરતું તે કામનો હોત તો તેનો વિશ્વવ્યાપી સ્વીકાર ન થયો હોત!
માનવમાત્રમાં રહેલી પ્રચંડ સાત્ત્વિક ઊર્જાને બહાર કાઢવાની શક્તિ સંભવામિ મંત્રમાં છે. શ્રીકૃષ્ણ કહે છે, ‘મંત્રના હાર્દને સમજો. તુચ્છ અને નમાલી સ્વાર્થવૃત્તિને તગેડી મૂકો. કંઇક મોટું અને સારું કામ કરવા સંકલ્પ કરો. મારી તમારામાં પ્રગટ થવાની સંભાવનાને યાદ કરો. બાકીનું મારા પર છોડી દો. સંભવામિ!
holisticwisdom21c@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP