તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલ્તાફ ફાતિમા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હમણાં થોડા મહિના પહેલાંની જ વાત છે. હું ઉર્દૂનાં જાણીતાં સર્જક અલ્તાફ ફાતિમાના ઘરે કુંજ ગલીમાં બેઠી હતી. તેમના માટલાનું ઠંડું પાણી પીધું હતું. તેમણે અમે પહોંચીએ એ પહેલાં જ ફરસાણ અને બરફી મગાવી રાખ્યાં હતાં અને બહુ ઉષ્માપૂર્વક અમારી મહેમાનગતિ કરી.

 

તેઓ લખે છે, ‘ઘર તો સૌથી મોટું તીર્થ છે, દિલોના કાબા ઘરોમાં જ રચાતા હોય છે.’ તેઓ ખુમારી અને સ્વમાનભેર પોતાની કુંજ ગલીમાંથી વિદાય થયાં

હું જ્યારે પણ લાહોર જતી ત્યારે તેમની કુંજ ગલીમાં પહોંચી જતી. એક વાર હું તેમના ઘરે ગયેલી ત્યારે તેઓ મોતિયાને લીધે જોઈ શકતાં નહોતાં. અમે તેમના ઘરે જોયું તો તેઓ યુવાન પઠાણ નોકરને સૂચના આપી રહ્યાં હતાં. ચૂલા પર દેગડી ચડેલી હતી અને તેમાં ડુંગળી સંતળાઈ રહી હોય એવી સુગંધ આવી રહી હતી અને તેઓ તેમાં ચમચો હલાવી રહ્યાં હતાં. તેમને એ સ્થિતિમાં જોઈને દિલ ભરાઈ આવ્યું અને તેઓ મારો ભીનો અવાજ સાંભળે એવું હું નહોતી ઇચ્છતી, એટલે ચૂપ જ રહેલી.


તેમની પહેલી વાર્તા ‘બેચલર્સ હોમ’ વાંચેલી અને પછી તેમની નોવેલ ‘નિશાને મંજિલ’. ઇશ્કનો એક ઉદાસ કરતો કિસ્સો, જેમાં એક હિન્દુસ્તાની શેઠ ઇંગ્લિસ્તાનમાંથી એક સુંદર અંગ્રેજ યુવતીને પરણીને લાવેલા અને પછી પોતાના શિષ્યના હાથે જ માત ખાય છે. આ નવલકથા થકી તેઓ વાચકોના દિલમાં સ્થાન ઊભું કરી શકેલાં. ‘દસ્તક ન દો’ છપાયું કે તરત ચપોચપ વેચાઈ ગયું. તેની નાયિકા ગીતી બળવાખોર મિજાજ ધરાવે છે. તેના પરિવારથી તે સાવ જુદી છે. તેનો પરિવાર ઊંચ-નીચમાં અને વર્ગોમાં ભેદભાવ રાખે છે, જ્યારે ગીતીને તો એવા લોકો સાથે જ મજા પડે છે, જેને સમાજ ધુત્કારતો હોય છે.


‘દસ્તક ન દો’ પીટીવી પર હપ્તાવાર પ્રસારિત થયેલી. તેનો અંગ્રેજી અનુવાદ બ્રિટનમાં રહેતાં રુખસાના અહમદે કર્યો. તેમની વાર્તાઓના અનેક સંગ્રહ થયા, ‘જબ દીવારેં ગિરિયા કરતી હૈ’, ‘તારે એ ઉન્કાબૂત’ વગેરે. તેમનો છેલ્લો વાર્તાસંગ્રહ ‘દીદ વાદીદ’ છપાયો. તેમણે ભાગલાની વિભીષિકા અનુભવી અને એક સ્થિર ઘરમાંથી ઉખડીને લાહોર પહોંચ્યાં. કદાચ એટલે જ તેમનાં સર્જનોમાં તેનો ઉલ્લેખ આવી જ જતો હોય છે. લખે છે, ‘ઘર તો સૌથી મોટું તીર્થ છે, દિલોના કાબા ઘરોમાં જ રચાતા હોય છે.’


અલ્તાફ દરવેશો જેવી જિંદગી જીવતાં હતાં. તે ખુમારી અને સ્વમાનભેર પોતાની કુંજ ગલીમાંથી વિદાય થયાં.

અન્ય સમાચારો પણ છે...