તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડાં ધોતો, દાઢી કરતો રોબોટ જોયો છે?!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માનવજીવનને બહેતર બનાવવા માટે વિજ્ઞાન સતત પ્રયત્નશીલ છે. કદાચ એક પણ દિવસ એવો નહીં જતો હોય, જે દિવસે વિજ્ઞાને ભલે નાનકડી તો નાનકડી, પણ સફર તય ન કરી હોય. જાતજાતનાં સાધનો ઈજાદ થઈ રહ્યાં છે, જે માણસને કોઈ ને કોઈ રીતે ઉપયોગી બની રહ્યાં છે. રોબોટિક્સ આમાંનું એક છે. બહુ થોડાં વર્ષોમાં રોબોટ આપણાં ઘરનો એક હિસ્સો બની જવાના છે, એ વાતમાં બેમત નથી. કોઈ રોબોટ હોસ્પિટલમાં સર્જરી દરમિયાન શરીરની અંદર ઘૂસીને ‘ટાર્ગેટ’ સુધી પહોંચતો હશે, તો કોઈ રોબોટ સ્કૂલમાં બાળકોને ભણાવતો હશે. આ જ તર્જ પર વધુ એક સંશોધન થયું છે, જે એવા લોકોનાં રોજિંદાં કાર્યો કરી આપશે, જે લોકો શારીરિક રીતે ક્ષતિગ્રસ્ત છે. કાર્યો પણ એવાં, જે એક સહૃદયી ‘કેરટેકર’ કરી આપતો હોય!

  • શારીરિક વિકલાંગ લોકોને વિજ્ઞાનની અદ્્ભુત ભેટ!

પૈડાંવાળો આ એક રોબોટ છે, જે જ્યોર્જિયા ટેક એન્ડ એમરી યુનિવર્સિટીના ફિલિપ ગ્રીસ અને ચાર્લી કેમ્પે તૈયાર કર્યો છે. વિશેષતા એ કે તેને ચલાવવા માટે કોઈ અટપટી ‘વિધિ’ જરૂરી નથી, બલ્કે કમ્પ્યૂટરનું સિમ્પલ ‘એબીસી’ જાણતો કોઈપણ માણસ તેને બડી આસાનીથી ‘ઓપરેટ’ કરી શકશે. જે વ્યક્તિ સક્ષમ છે તેને આ રોબોટ કદાચ ‘નકામો’ લાગી શકે, પણ જે માણસ શારીરિક પંગુતાથી પીડાય છે, જે પોતાના રોજબરોજનાં કાર્યો પણ કરી શકવા સક્ષમ નથી, તેમના માટે તો આ અમૂલ્ય ભેટ છે, કેમ કે આ માટે બીજા કોઈનીય જરૂર નથી, પંગુ વ્યક્તિ જાતે જ ઇચ્છિત કાર્ય આટોપાવી શકે.
રોબોટ જો ‘જોઈ’ શકતો હોય તો તેની દૃષ્ટિએ જગત કેવું દેખાય? એની કલ્પના સાથે તે ડિઝાઇન કરવામાં આવ્યો છે. મતલબ, રોબોટની આંખે જે કેમેરા ‘જડવામાં’ આવ્યા હોય એમાંથી કેવું દેખાય? થશે એવું કે જ્યારે રોબોટનું માથું કોઈ દિશામાં ઘુમાવવામાં આવે ત્યારે સ્ક્રીન ડિસ્પ્લે પર કર્સર ‘લબૂકઝબૂક’ થાય અને રોબોટ એક્ઝેટલી ક્યાં જોઈ રહ્યો છે તે ‘ટાર્ગેટ’ પર બે ડોળા ચકળવકળ થતાં સ્ક્રીન પર ઝબકે! તેની ઓપેરેટિંગ પેનલ પર એક ડિસ્ક હશે, જે રોબોટના હાથને કેટલી ગતિ આપવી તે બતાવશે. એક વખત રોબોટ ગતિમાં આવી જાય એ પછી તેની સાથે સાથે એક રેખા કર્સર વડે દોરાતી જશે, જે કહી આપશે કે રોબોટ કઈ દિશામાં જઈ રહ્યો છે!
વાહ! આટલું થયા પછી જો ખુશ થઈ જતા હો અને ‘વાહ’ને વધારે મોટેથી બોલવા ઇચ્છતા હો તો તેનું ખરું કારણ તો હવે આવે છે! આ રોબોટ રસોડામાંથી કે ફ્રીજમાંથી પાણીની બોટલ લાવી આપે, કપડાં ધોઈ આપે, દાંતિયો લઈને માથાના વાળ પણ ઓળી આપે અને દાઢી વધી ગઈ હોય તો શેવર પણ ફેરવી આપે! બોલો, આમાં ઘટે કાંઈ?
આ સંશોધન જ્યારે પ્રયોગના તબક્કામાં હતું ત્યારે હેનરી ઇવાન્સ નામનો એક યુવાન ફિલિપ ગ્રીસને મદદ કરી રહ્યો હતો. યુવાન પોતે વિકલાંગ હતો, એટલે રોબોટની ડિઝાઇનમાં શું સુધારા કરી શકાય અને તેનો અસરકારક ઉપયોગ કેવી રીતે થઈ શકે તેના સૂચન આપતો રહેતો. ઇવાન્સને આ રોબોટ અઠવાડિયા માટે ઘેર લઈ જવા અપાયો, ત્યારે ભાઈએ એક ડગલું આગળ વધીને નવા નવા એવા તો ઉપયોગો શોધી કાઢ્યા, જે જોઈને ફિલિપ મોંમાં આંગળાં નાંખી ગયો! ભાઈ ઇવાન્સ રોબોટ પાસે એક હાથે કપડાં ધોવડાવતો અને બીજા હાથે બ્રશ કરાવતો! રોબોટનેય લાગવું તો જોઈએને કે એ માણસ કરતાં કંઈક વિશેષ છે!
રોબોટ ચલાવવા માટેનું ઇન્ટરફેસ પણ અત્યંત સરળ છે. માઉસનું એક જ બટન, એ સિવાય પેનલમાં ઝાઝી કડાકૂટ છે જ નહીં! તેને તૈયાર પણ એવી રીતે કરાયો છે કે પંગુતા કોઈપણ પ્રકારની હોય, રોબોટ તો બધે આ જ કામ લાગી શકે! અલબત્ત, સિસ્ટમ અત્યંત ધીમી છે, પણ એમાં સુધારાને અવકાશ છે. હા, ઉપયોગ કરનાર પોતે કોઈ ગફલત કરી બેસે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે. આવું ન થાય એ માટેની સિસ્ટમ પણ વિકસિત થઈ જ રહી છે. જોકે, રોબોટ ખૂબ ખર્ચાળ છે, માટે તેને બજારમાં લાવવો હોય તો એ સસ્તો બને તે જરૂરી છે. કેમ્પ મલકીને કહે છે, ‘એવું પણ થશે.’
visu.vasavada@gmail.com

અન્ય સમાચારો પણ છે...