લેખ, વાર્તા અને નવલકથા પર કલમ ચલાવનારા વીનેશ અંતાણીએ દેશી-વિદેશી કૃતિઓના રસાળ અનુવાદો પણ આપ્યા છે.

વયનું ચક્ર સદા ફરતું રહે છે

  • પ્રકાશન તારીખ09 Sep 2019
  •  

ડૂબકી- વીનેશ અંતાણી
દરેક ઉંમરની અલગ વાસ્તવિકતા હોય છે અને ઉંમરની દરેક વાસ્તવિકતાનું અલગ વજન હોય છે. એની મજા, એના સંઘર્ષ, પડકારો, એના તકાજા – બધું અલગ હોય છે. વયના દરેક તબક્કામાં સંબંધોનું સ્વરૂપ બદલાતું રહે છે. સંતાનોનો માતા-પિતા સાથેનો સંબંધ, નાનપણના ગોઠિયા, કિશોરાવસ્થામાં સાથે મળીને પહેલી પહેલી વાર જોયેલી છોકરીઓવાળી દિલધડક દોસ્તી, યુવાનીમાં વિકસેલી જવાબદારીભરી મિત્રતા, પ્રૌઢાવસ્થાનો ધીરગંભીર સાથ અને વૃદ્ધાવસ્થામાં સાંજે બાગના ઓટલા પર બેસી, બંકોડા પર બંને હાથ દાબી, ગાળેલી સાંજોના ભેરુઓ દાંપત્યજીવનનાં ઠરતાં વર્ષો સાથે પતિ-પત્નીના સંબંધમાં થોડો ઠહરાવ પણ આવી જાય. આજે પિતાના ઘરમાં સુરક્ષિત બાળક આવતી કાલે માતા-પિતાની આસપાસ સુરક્ષાનું કવચ બાંધી દે છે. દુનિયાને જોવાની દૃષ્ટિમાં ફરક પડવા લાગે છે. વડીલોએ ઉતારેલાં ચશ્માં નવી પેઢીને કામ લાગતાં નથી.
ગુજરાતી ભાષાના ભારતીય કવિ સિતાંશુભાઈ યશચંદ્રની એક કવિતા ‘દીકરાને’માં પિતા પુત્રને સંબોધીને કહે છે: ‘તારે માટે હું એક પહાડ/પથરાળ કેડી ને કેટલીક તકલીફોવાળો/ઊંચો પણ ઇચ્છે તો ઓળંગી શકાય એવો.’ પહાડ જેવા ઊંચા અને દુર્ગમ લાગતા પિતા અને તળેટીમાંથી એમને જોતા પુત્ર વચ્ચેનો ભેદ સમયની સાથે ભૂંસાતો જાય છે. પિતાને ખબર પણ ન પડે અને પુત્ર સમોવડિયો થઈ જાય છે. પિતા અને પુત્ર એકબીજાનાં કપડાં પહેરી શકે તેવો સમય આવે ત્યારે સમજવું કે એમની વચ્ચેનો સંબંધ માપસરનો બન્યો છે. દીકરી એના બાળપણમાં માના દાગીના પહેરી અરીસા સામે મલકાતી ઊભી હોય અને જલદી જલદી મા જેવડી મોટી થવા તલપાપડ થઈ ઊઠી હોય. એ જ દીકરી પહેલી વાર માતાની સાડી પહેરીને બહાર નીકળે ત્યારે માને લાગે કે એ પોતાની વીતેલી વયના કોઈ સમયખંડમાં પહોંચી ગઈ છે.
આપણા પ્રતિષ્ઠિત કવિ જયદેવ શુક્લે એમના દ્વિતીય કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’માં પુત્ર જનાન્તિક માટે કેટલાંક સુંદર કાવ્યોનું ગુચ્છ રચ્યું છે. આ કાવ્યોમાં પિતાની નજરે જોવાયેલા પુત્રની અલગ અલગ વયનાં કેટલાંય સંવેદનસ્થાનો ઊઘડ્યાં છે. ‘દરજીડો’ કાવ્યમાં પુત્રે નાનકડા પંખી વિશે બાળસહજ જિજ્ઞાસાથી પૂછેલા પ્રશ્નોના જવાબ આપતા પિતા દરજીડાની ઊડાઊડને પ્રત્યક્ષ કરી બતાવવા કહે છે: ‘અને હા, ઊડાઊડ તો બસ તારી જેમ/જંપીને બેસે જ નહીં.’ એટલું જ નહીં, વયસ્ક પિતા સહજવારમાં પોતે જ બાળક બની ‘બંને હાથને પાંખ બનાવી/આગળ નમી/ ઓરડામાં/ આમતેમ નાને પગલે’ કૂદવા લાગે છે.
એ જ પુત્ર મોટો થઈને ભણવા કે કામ માટે દૂર જાય ત્યાર પછી એ પિતાની સ્મૃતિમાં વિવિધરૂપે ઝળહળતો રહે છે. પુત્રને સંભળાવેલી બાળવાર્તાના સ્મરણથી પિતાની આંખમાં આંસુ ધસી આવે. વરસતો વરસાદ જોતાં એકલા પિતાને લાગે છે કે ‘વરસાદના ઘાટા પરદાને/ ચીરતું/ભૂરું ટપકું/ જાણે ઊડતું આવે છે.’ ઊડતું આવતું ભૂરું ટીપું તે પુત્રનું સ્મરણ.
પિતાએ નાનપણમાં પુત્રને સાચવ્યો, સંભાળ્યો હોય છે. એને કોઈ તકલીફ પડે નહીં એનો સતત અજંપ ખ્યાલ રાખ્યો હોય છે. જયદેવભાઈના કાવ્ય ‘રસ્તો ઓળંગતી વખતે’માં એક સાંજે પિતા અને પુત્ર રસ્તો ઓળંગતા હોય છે ત્યારે પિતા પુત્રના પોચાપોચા ખભા પર હાથ દાબી એની કાળજી લે છે. વર્ષો પછી પુત્ર યુવાન થઈ ગયો છે ત્યારે એક ‘ભૂખરી સાંજે’ રસ્તો ઓળંગતી વખતે પુત્રની હથેળી પિતાના ‘સહેજ ઢીલા ખભા પર દબાય છે.’ સંબંધ એ જ છે, પરંતુ ઉંમરની સાથે જવાબદારીનું રૂપ બદલાયું છે.
આપણને ક્યારે ખબર પડે છે કે સંતાનો મોટા થઈ ગયાં છે? હિન્દીના કવિ રાગ તેલંગ એમના કાવ્યમાં આ પ્રશ્નનો ઉત્તર આપે છે. એનો ગદ્યાનુવાદ: ‘એક દિવસ તમે ધ્યાનથી સાંભળો છો અને ચોંકી ઊઠો છો – તમને સમજાય છે કે સંતાનો હવે તમારી ભાષાના અંદાજમાં જ બોલવા લાગ્યાં છે. એટલી હદ સુધી કે એમનાં કદ-કાઠું જોઈ, એમનો અવાજ સાંભળી, બીજા લોકોને એ તમે હો તેવો ભ્રમ થાય છે. આવા જ કોઈ દિવસે તમે નિશ્ચિંત મને ઘરની બહાર નીકળી શકો છો.’
ઉંમર નદીના વહેણ જેવી છે. નદી એના મુખમાંથી પ્રગટે અને છેલ્લે સમુદ્ર કે મોટી નદીમાં ભળી જાય ત્યાં સુધી એમાં અનેક પ્રકારના ફેરફાર થવાની પ્રક્રિયા ચાલુ રહે છે. વયનું પણ એવું જ છે. બાળક ઘરની બારસાખ પકડી ઉંબરામાં ઊભું રહે છે અને પછી કોઈક ક્ષણે એ ઉંબરાની બહાર પહેલું પગલું માંડે છે. આંગણું, શેરી, ગામ અને તેની બહાર આવેલું જગત એની સામે વિસ્તરતું જાય છે. આખી જિંદગી દોડ્યા પછી પાછા ફરવાનો સમય આવે છે. વયનું ચક્ર ફરીફરીને પાછું એ જ જગ્યાએ આવી જાય છે, જેની સામે પાર અગાધ અવકાશ આવેલો હોય છે. એ અવકાશમાં જ બધા સંબંધો વિરામ લે છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP