ડૂબકી- વીનેશ અંતાણી / સફેદ આંખે ભવિષ્યને જોતી મીરાં

article by vinesh antani

Divyabhaskar.com

Jan 06, 2020, 05:19 PM IST
ડૂબકી- વીનેશ અંતાણી
ટૂંકી વાર્તામાં ઘટનાના બેતાજ બાદશાહ ચંદ્રકાન્ત બક્ષીનો વાર્તાસંગ્રહ ‘મીરા’ 1965માં ‘સ્વાતિ પ્રકાશન’ દ્વારા શિવજીભાઈ આશરે પ્રકાશિત કર્યો હતો. પરંપરાગત પ્રિન્ટિંગ ટેક્નોલોજીના સમયે પણ એનું પ્રકાશન રૂપકડું થયું હતું. એ સંગ્રહની એક વાર્તા ‘મીરાં’ વર્ષો પછી પણ તાજી લાગે છે. બક્ષીની વાર્તાશૈલીની ઘણી છટાઓ તેમાં ઊતરી આવી છે. હું એમને પહેલી વાર કચ્છના માંડવીમાં મળ્યો ત્યારે મેં કહ્યું હતું: ‘બક્ષીસાહેબ, તમારું ગદ્ય શેવિંગ માટે કાઢેલી નવી બ્લેડ જેવું છે, ધ્યાન ન રાખો તો ચામડી છોલી નાખે.’ એમણે એમનું નિજી ખડખડાટ હાસ્ય કર્યું હતું. ‘મીરાં’ પોચટતામાં સર્યા વિના વાચકને અંદર બહારથી છોલી નાખતી ઉત્તમ સંવેદનશીલ વાર્તા છે. બક્ષીબાબુ એમની વાર્તાઓમાં વેદનાના વર્તુળમાં પગ મૂક્યા વિના ખોતરવાની કળા જાણતા હતા.
જય મા સાથે મુંબઈમાં રહે છે. પડોશમાં રહેતી મીરાં મા-બાપ સાથે મુંબઈ છોડી બીજે રહેવા ગઈ છે. વાર્તાના આરંભમાં એ લોકો થોડા દિવસ માટે મુંબઈ આવે છે. જય અને મીરાં નાનપણમાં સાથે રમ્યાં હતાં. મીરાંએ એક ઉંમરે મુંબઈને પોતાની આંખે જોયું હતું. હવે એની બંને આંખોમાંથી તેજ ચાલ્યું ગયું છે. મીરાંના અંધાપા પછી જય એને પહેલી વાર મળે છે. એ એના કાળા ગોગલ્સના અંધારાને તાકી રહે છે. મીરાં આંગળીઓના સ્પર્શથી જયને ‘જુએ’ છે. એની આંગળીઓ ‘ભાગતાં પ્રાણીઓના ફફડતા કાનોની જેમ’ ચેતનવંતી બની
ગઈ છે.
જય મીરાંને મુંબઈમાં જુદાં જુદાં સ્થળે ફરવા લઈ જાય છે. એ પણ મીરાંની જેમ અવાજ, ગંધ અને સ્પર્શથી મુંબઈને જોવાનો પ્રયત્ન કરે છે. આ દિવસોમાં જય એની આસપાસના જગતને ‘મીરાંની જેમ આઘાતોની ભાષામાં સમજવા કોશિશ કરતો હતો અને બેવફા આંખો કંઈ સમજવા દેતી ન હતી. મીરાં બહાદુર ન હતી અને હમદર્દી માગતી ન હતી અને એ હમદર્દી ન માગવામાં રહેલી બહાદુરી દુ:ખદ હતી.’ મીરાં ફૂટપાથ પર ઠોકર ખાઈ જાય, વરસાદમાં ભીંજાઈને ગોગલ્સના કાચ સાફ કરે કે લોકોની અભદ્ર કોમેન્ટ સાંભળે ત્યારે જય દ્રવી ઊઠે છે, પરંતુ મીરાં માટે આ બધું રોજનું થઈ ગયું છે. એ લાચારી કે કોઈ પણ જાતની વેદનાને હઠપૂર્વક પ્રગટ થવા દેતી નથી.
એક દિવસ બંને એકલાં છે ત્યારે જયના આગ્રહથી મીરાં ગીત ગાય છે. જય કહે છે: ‘વાજિંત્ર વગાડતાં ઉકલતી સ્વરલિપિ બોલવા લાગે એમ મીરાંની વર્ષોથી ઘૂંટીઘૂંટીને ભરી રાખેલી ગૂંગળાવતી એકલતા, લોહી વિનાનું લોહીલુહાણ થઈ ગયેલું વ્યક્તિત્વ, મોંઘી અમાનતની જેમ સાચવી રાખેલો વિષાદ બધું ખૂલતું ગયું.’ ગીતની પંક્તિઓ હતી: ‘મારું આખું શરીર ખાઈ જજે – હાથ, પગ, છાતી, હૃદય પણ, પણ આંખો ખાતો નહીં. એ રહેવા દેજે, હજી પ્રિયતમના મિલનની આશા રહી ગઈ છે.’
નાનપણના સાથમાં જન્મેલો પ્રેમ જાગી ઊઠે છે. જય મીરાં સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. કહે છે: ‘આપણે સુખી થઈ જ શકીશું.’ મીરાંનો જવાબ છે: ‘સુખી થવું એટલું સહેલું નથી, જય. આખી જિંદગી તારા પર ભારરૂપ થઈ રહેવું અને દરેકને પોતાની જિંદગીનાં સ્વપ્નો જોવાનાં હોય. અપંગની સાથે કેમ ફાવે? થોડા દિવસ બહાદુરીના જોરે જીવી શકાય, પછી તો દુ:ખ જ રહે અને મારે લીધે તું દુ:ખી થાય એ હું મારા ચાલતા કોઈ દિવસ થવા ન દઉં. હું દૂર ભવિષ્યમાં જોઈ શકું છું અને મારે તને સુખી જોવો છે.’
એ પણ મીરાંનો જય માટેનો પ્રેમ જ છે, જે એની સાથે લગ્ન કરતાં અટકાવે છે. એ એને સારી છોકરી સાથે પરણી જવાનો આગ્રહ કરે છે. મીરાં પાછી જાય છે, પણ જયના મનમાંથી તે વાત નીકળતી નથી. જયની માને વાસ્તવિકતાની ભૂમિકા પર મીરાંની વાત સાચી લાગે છે. જય એની સાથે ભણતી શ્રીમંત બાપની દીકરી સરિતાને પરણી જાય છે. સસરાની ઑફિસમાં પ્રગતિ કરે છે. બેબી જન્મે છે. બહારથી સુખી દેખાય છે, પરંતુ એ મીરાંને ભૂલ્યો નથી. વર્ષો પછી રસ્તા પર મીરાં જેવી યુવતીને જુએ છે. બસમાંથી ઊતરીને શોધે છે, પરંતુ મળતી નથી. એ શોધ ચાલુ રાખે છે. એક દિવસ અંધજનોની શાળામાં કામ કરતી મીરાંને મળે છે. એનાં મા-બાપ મૃત્યુ પામ્યાં છે. મીરાં તે શાળામાં કામ કરે છે. એક તરફ સુખના આભાસમાં જીવતો જય અને બીજી બાજુ દુ:ખને અંધ આંખો પાછળ છુપાવીને જીવતી મીરાં. બંને કશું ભૂલ્યાં નથી, માત્ર વચ્ચે વર્ષો પસાર થઈ ગયાં છે. મીરાં કાળાં ગોગલ્સની પાછળ અને જય ખુલ્લી આંખે વેદનાની આરપાર જીવ્યાં છે. મીરાં કહે છે: ‘તારા સુખથી વધીને મારા માટે બીજું કોઈ સુખ નથી.’ વાર્તાના અંતમાં જય કહે છે: ‘મીરાંએ ગોગલ્સ કાઢ્યાં અને સફેદ આંખોથી મારું ભવિષ્ય જોયા કર્યું.’ કદાચ કાળાં ગોગલ્સના કાચ પાછળથી ભવિષ્ય વધારે સ્પષ્ટ જોઈ શકાતું હશે.
[email protected]
X
article by vinesh antani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી