તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મને કાપી શકે એવી કુહાડી બની નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હિટલર પ્રેરિત યહૂદીઓના મૃત્યુકાંડ માટે અંગ્રેજીમાં ‘હોલોકોસ્ટ’ શબ્દ છે. નાઝીઓએ યહૂદીઓને અલગ વસાહતમાં રાખ્યા, કોન્સન્ટ્રેશન કેમ્પમાં પશુઓથી બદતર હાલતમાં પૂરી રાખ્યા અને ગેસ ચેમ્બર્સમાં એમની સામૂહિક હત્યા કરી. લાખો યહૂદી પુરુષો, મહિલાઓ અને બાળકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હતાં. આ જુલમોના અનેક રેકોર્ડ્સ ઉપલબ્ધ છે. કેટલાય યહૂદીઓએ તે કપરા કાળમાં પણ ડાયરી લખી. ઘણી નવલકથા-વાર્તાઓ લખાઈ છે. આતંકભર્યા અને અમાનવીય વાતાવરણ અને મૃત્યુના ઓથાર હેઠળ લખાયેલી કેટલીય કવિતાઓમાં હચમચી જવાય તેવી વાસ્તવિકતાનો ચિતાર મળે છે.

 • આપણી આંખ સામે અન્યાયકારી બની રહ્યું હોય ‘મારા પગ નીચે ક્યાં રેલો આવ્યો છે’ જેવું વલણ માનવસહજ હશે, પરંતુ વાસ્તવિકતાને ટાળવી નપુંસકતા છે

યહૂદી મહિલા મેરી એલિઝાબેથ ફ્રાયની સાથે કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહેતી એક યહૂદી મહિલા એની માતાનાં કરપીણ મૃત્યુ પછી ખૂબ દુ:ખી હતી. એણે મેરીને કહ્યું કે એને માતાની કબર પાસે ઊભા રહીને પ્રાર્થના કરવાની પણ તક મળી નહીં. એ સાંભળીને વ્યથિત થયેલી મેરીએ લખેલા કાવ્યમાં મૃત માતા દીકરીને કહે છે: ‘તારે મારી કબર પાસે ઊભા રહીને રડવાની જરૂર નથી, કારણ કે હું કબરમાં નથી. હું તો હજારો હવા બનીને તારી આસપાસ લહેરાઉં છું. બરફ પર હીરાકણી જેમ ચળકું  છું. હું વસંતઋતુની કોમળ વર્ષા છું. તને પરોઢે સંભળાતો પક્ષીઓનો ચહેકાટ હું છું. તું મારી કબર પાસે ઊભી રહીને રડ નહીં, હું ત્યાં નથી, હું મૃત્યુ પામી નથી.’ આવા ભીષણ સમયમાં જ્યારે મૃત્યુ સિવાય બીજું  કોઈ ભવિષ્ય નહોતું ત્યારે પણ યહૂદી પ્રજાનો મિજાજ ટકી રહ્યો હતો. સેમ્યુઅલ મેનશ એની કાવ્યપંક્તિમાં કહે છે: ‘હું કપાયેલા વૃક્ષના ઠૂંઠા જેમ અડગ ઊભો છું. તમે મને કાપીને ઊખેડી શકશો નહીં. મને કાપી શકે એવી કુહાડી હજી બની જ નથી.’
બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીનો પરાજય નિશ્ચિત થઈ ગયો ત્યારે નાઝી સૈનિકોએ પીછેહઠ કરવા માંડી હતી. એમની સાથે ઘણા યહૂદી કેદીઓ હતા. એવી પીછેહઠ દરમિયાન જર્મન સૈનિકોએ કેદીઓની હત્યા કરવાનું શરૂ કર્યું. મૂળ હંગેરીના યહૂદી કવિ મિકોસ રડનોટીએ એક કાવ્ય લખ્યું: ‘હું યહૂદીઓનાં શબના ઢગલા વચ્ચે પડ્યો હતો. મારી બાજુમાં પડેલા યહૂદીને માથામાં ગોળી મારીને મારી નાખ્યો હતો. મેં મારી જાતને કહ્યું: તારો પણ આવો જ અંજામ આવશે, માટે સ્થિર પડ્યો રહે. ત્યાં જ એક નાઝી સૈનિકનો અવાજ સંભળાયો: પેલો હજી જીવતો લાગે છે. ગોળી છૂટી અને મારા કાન પાસેથી વહી રહેલી લોહીની ધાર વચ્ચે એ શું બોલતો હતો તે હું માંડ માંડ સાંભળી શક્યો.’
હિટલર સત્તા પર આવ્યો ત્યારે જર્મન નાટ્યકાર અને કવિ બ્રેખ્ત જર્મની છોડીને ચાલ્યા ગયા હતા. હિટલરની અમાનવીયતાથી અકળાઈને એણે લખ્યું: ‘મારા ઘરની દીવાલ પર એક પુરાતન દૈત્યનું જાપાની કાર્વિંગ લટકે છે. હું એના કપાળ પર ઉપસેલી નસો જોઉં છું ત્યારે મને સમજાય છે કે દુષ્ટ બનવા માટે કેવા પ્રયત્ન કરવા પડે છે.’ નાઝીના મત પ્રમાણે જે લોકો શુદ્ધ આર્યો નહોતા એમનું જ્ઞાન પણ એમને જોઈતું નહોતું. એમણે જર્મનીના મહાન વિદ્વાનોના અસંખ્ય ગ્રંથો બાળી નાખ્યા.
જર્મનીના માર્ટિન નીમોલેર એની કવિતામાં નાઝીઓ દ્વારા ઉપાડી જવામાં આવતા લોકો વિશે લખે છે: ‘પહેલાં એ લોકો કમ્યુનિસ્ટ્સ માટે આવ્યા. મેં વિચાર્યું, હું કમ્યુનિસ્ટ નથી, એથી હું  ચૂપ રહ્યો. એ લોકો સોશિયલ ડેમોક્રેટ્સને ઉપાડી ગયા. હું સોશિયલ ડેમોક્રેટ નહોતો. મૌન રહ્યો. એ લોકોએ ટ્રેડ યુનિયનના લોકોને ઝબ્બે કર્યા. મારે કશું કરવાનું નહોતું, હું ક્યાં ટ્રેડ યુનિયનિસ્ટ હતો. એ લોકો યહૂદીઓનું નિકંદન કાઢવા લાગ્યા. હું યહૂદી નહોતો, એથી મેં આંખો બંધ રાખી. છેવટે એ લોકો મારી પાછળ આવ્યા ત્યારે મારા પક્ષમાં ઊભી રહે એવી કોઈ વ્યક્તિ બચી નહોતી.’
આપણી આંખ સામે અન્યાયકારી બની રહ્યું હોય ‘મારા પગ નીચે ક્યાં રેલો આવ્યો છે’ જેવું વલણ માનવસહજ હશે, પરંતુ વાસ્તવિકતાને ટાળવી નપુંસકતા છે. વાસ્તવિકતાની આંખમાં આંખ મેળવીને જોવાથી જ પરિસ્થિતિનો સાચો ખ્યાલ આવે છે.
vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો