એન્ટિ સોશિયલ સોશિયલ સાઇટ્સ

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  

હમણાં થોડા દિવસ પહેલાં એક મેસેજ ફરતો ફરતો આવેલો, જે ‘શેરવા’ જેવો લાગ્યો એટલે અત્યારે ‘શેરું’ છું. મેસેજ હતો,


‘માર્ક ઝકરબર્ક અકેલા હી ચલા થા,
જાની બે મંઝિલ મગર,
સાવ નવરા મળતા રહ્યા ને,
ફેસબુક બનતું ગયું.’


ખરેખર આ ફેસબુક યાને કી એફ.બી. યાને કી ફાલતુ બકવાસ એ ખરેખર નવરાધૂપ લોકો માટેની જોરદાર ટાઇમપાસ પ્રવૃત્તિ છે અને આ ફેસબુક એક જ નહીં, પણ પેલું વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર એ બધું જ નવરી બજારો માટે ‘બિઝી’ રહેવાની જડીબુટ્ટી છે, પણ આ બધી મોબાઇલ એપ્લિકેશન્સ, સોશિયલ નેટવર્ક સાઇટ્સનું લોકોને ગાંડપણની હદ સુધીનું વળગણ, ઓબ્સેશન, એડિક્શન થઈ ગયું છે. આ વળગણ ‘માનસિક રોગ’ પણ ગણાવા માંડ્યું છે. મનોચિકિત્સકો આના એડિક્શન યાને કી વળગણને તમાકુ, દારૂ, જુગાર જેવા ખોફનાક, ખતરનાક વ્યસનની કેટેગરીમાં મૂકે છે.

આમ તો આ બધી સાઇટ્સ ‘લોકસંપર્ક’ વધારવાનું કામ કરે છે

આમ તો આ બધી સાઇટ્સ અને એપ્લિકેશન્સ ‘લોકસંપર્ક’ વધારવાનું કામ કરે છે, સમાજના જુદા જુદા વર્ગને જોડવાનું કામ કરે છે. એટલે જ તો એમને ‘સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ’ કહેવામાં આવે છે, પણ આપણે બધા એનો એવો ભેદી ઉપયોગ કરીએ છીએ કે આ સોશિયલ નેટવર્ક પ્લેટફોર્મ પરની ગાડી કોઈ અવળી દિશામાં જ બેફામ રીતે બેકાબૂ બની દોડવા માંડી છે. જાણીતા પણ ‘કાળની ગર્તા’માં ક્યાંક ખોવાઈ ગયેલા જૂના મિત્રોનો મેળાપ કરવાનું કામ હોય કે પછી સાવ અજાણ્યાં લોકો વચ્ચે મિત્રતા કરાવવાનું કામ હોય એવાં ‘સમાજોપયોગી ઉદ્દેશ્યો’થી શરૂ થયેલા એફ.બી. વોટ્સએપ, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ સમાજનો આખો ‘ઢાંચો’ હલબલી જાય એવા કરી રહ્યાં છે અને ચોવીસે કલાક સતત, ત્રણસો પાંસઠે દિવસ સળંગ આ ‘નેટવર્કી આતંક’ આપણાં બધાંયનાં રોજિંદા જીવનનું નખ્ખોદ વાળી રહ્યો છે.


સવાર પડતાંની સાથે આપણે આંખો ખોલ્યા પછી સીધો મોબાઇલ ખોલીએ છીએ અને રાત્રે સૂવા જઈએ ત્યારે સૌથી છેલ્લે મોબાઇલ બંધ કરી આંખો બંધ કરીએ છીએ. (કાયમ માટે નહીં લ્યા, સૂઈ જવા માટે) ટૂંકમાં આપણે આખો વખત આ બધી સોશિયલ ‘સાઇટુ ને નેટવર્કુ’ પર આંખ્યું ખોડેલી ને ખોડેલી રાખીએ છીએ અને ‘એકબીજાના’ દિમાગનું દહીં કરતા રહીએ છીએ. સવારના પહોરમાં એવા એવા ‘ગુડમોર્નિયા’ મેસેજોનો મારો ચલાવીએ છીએ કે એને વાંચી ભલભલા કબજિયાતના દર્દીને ‘રેચ’ લાગી જાય છે. એ પછી ફિલોસોફીભર્યા મેસેજો ફંગોળવાનું શરૂ કરીએ છીએ. ગમે તેવો બકવાસ અને બોગસ સંદેશની નીચે જાણીતા, મહાન માણસના નામનું પૂંછડું ચોટાડી આગળ જવા દઈએ છીએ. દુનિયાના મહાનતમ ફિલોસોફરો, નેતાઓ, સમાજસુધારકો કે જાણીતી લોકપ્રિય હસ્તીઓ ક્યારેય ના બોલી હોય એવી વાતને એમના નામે ‘ઠઠાડી’ વહેતી કરી દઈએ છીએ. આવું કરવા પાછળ આપણો એક જ આશય હોય છે કે, ‘જુઓ, હું કેટલો જાણકાર છું!’ બસ, આમ ‘વનઅપ મેનશિપ’નો ખેલ ચાલતો રહે છે.

આ સિવાય આપણે ખૂબ અદ્્ભુત કવિ કે શાયર હોઈએ એવો ‘ત્રાગડો’ પણ રચતા હોઈએ છીએ. જાણીતા શાયરો, કવિઓની સુંદર રચનાઓ ‘શેર’ કરીએ ત્યાં સુધી તો વાંધો નથી હોતો, પણ આપણે તો ‘અઠંગ અળવીતરા’ છીએને? એટલે આપણે સરસ મજાની રચનાઓ, કવિતાઓ, લખાણો આ બધાંની નીચેથી કવિ, શાયર લેખકનું નામ ‘ડિલીટ’ મારી દઈએ છીએ અને ત્યાં બેધકડ અને બેશરમ રીતે આપણું પોતાનું નામ મૂકી દઈએ છીએ. ક્યારેક પકડાઈ જઈએ ત્યારે નફ્ફટ થઈ કહી દઈએ છીએ. ‘મને પણ એક્ઝેટલી એવો જ વિચાર આવ્યો એમાં હું શું કરું હેં?’ આવી ચોરેલી, રચનાઓ પોતાના નામે કરી ‘વાહ વાહ’ અને લાઇકના અંગૂઠા મેળવનારા તફડંચીબાજોએ કોઈ પણ લખનારને છોડ્યો નથી. એક અઠંગ ચોરે તો આ કવિતા પણ ચોરીને પોતાના નામે કરેલી. ‘પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકારો ઝીલનારો માણસ છું.’ મારા વાલીડા’વ, આ કવિતા કોની છે? એના કવિ કોણ છે એ તમે જાતે ગૂગલ સર્ચ કરી જોઈ લેજો, સમજાઈ જશે.


આ સિવાય આ બધી સાઇટો અને એપ્લિકેશનોમાં લોકોને પોતાના ઢંગધડા વગરના તદ્દન વાહિયાત કક્ષાના ફોટાઓ ‘અપલોડ’ કરવાનો ભયંકર ધખારો ઉપડ્યો છે. આ ગાંડપણના કારણે લોકોને ‘સેલ્ફી’ લેવાનું ભયાનક ભૂત વળગ્યું છે. છોકરીઓ બતકની ચાંચ જેવા હોઠ કરી એટલે કે ‘પા ઊંટ’ની જેમ હોઠ આગળ કરી ખૂબ જ ગેબી ફોટા પડાવે છે. પોતે ક્યાં છે? શું કરે છે? શું ખાય છે? કોની સાથે છે? એ બધી જ વાતના ફોટા અને વિડિયો મૂકી સમાજમાં હાહાકાર ફેલાવ્યા કરે છે.


સારા ખરાબ જોક, ફોટા એ બધું મોકલીને આપણને સંતોષ નથી થતો, પણ એનાથી આગળ વધી તદ્દન બીભત્સ, નગ્ન વીડિયો, ફોટા અને વાતોની આપ-લે કરીને વિકૃતિમાં વધારો કરીએ છીએ. ભઈલાઓ ‘શાનપટ્ટી’ કરી મહિલાઓ સાથે સંબંધો વધારવા આવી સાઇટોનો ઉપયોગ કરતા રહે છે. આવી સાઇટો આવ્યા પછી છૂટાછેડાના વકીલોને ‘બખ્ખંબખ્ખા’ થઈ ગયા છે, કેમ કે આના કારણે લગ્નજીવન તૂટવાના અનેક કિસ્સાઓ બનવા માંડ્યા છે.
આ ઉપરાંત રાજકારણીઓ, નેતાઓ તો આ બધી સાઇટોનો જોરદાર ઉપયોગ કરે છે. અફવાઓ ફેલાવી, ખોટા સમાચાર વહેતા મૂકી, ઉશ્કેરણીજનક વાતો લખી સમાજમાં બબાલ, તોફાન કરાવવા આ બધાયનો ભરપૂર ઉપયોગ થાય છે અને આપણે એવા મૂરખા છીએ કે એવી વાહિયાત વાતો માની તોફાનો, દંગાઓ કરીએ પણ છીએ.


આ બધી સાઇટો પર કોઈને ઉતારી પાડવાનો, કોઈના વિશે ખરાબ બોલવાનો, ચારિત્ર્યહનન કરવાનો ખેલ તો સફળતાપૂર્વક ચાલતો જ રહે છે. રમૂજના નામે ભદ્દા, ગંદા, ખોટા, બોગસ વિડિયો ને ફોટાઓ મૂકવાની પ્રવૃત્તિ તો પૂરબહારમાં ખીલેલી છે. ટૂંકમાં, જે સાઇટો દ્વારા સારી માહિતી મળી શકે, સુંદર સંબંધો રચાઈ શકે છે, એનો આપણે અવળો ઉપયોગ કરી દુનિયાની પથારી ‘ફેરવી’ રહ્યા છીએ, માચીસથી દીવો સળગાવી શકાય છે અને આગ પણ લગાડી શકાય છે. ચાલો આ વાત હું એફ.બી. પર મૂકી દઉં. લાઇક કરજો.

vinaydave.lafter@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP