લાલજી ધ લાજવાબ

  • પ્રકાશન તારીખ02 Sep 2018
  •  

ચારે બાજુ જન્માષ્ટમીનો માહોલ જામ્યો હતો. બધા ભગવાન શ્રીકૃષ્ણના રંગે રંગાયેલા હતા. ત્યાં જ મને કહેણ આવ્યું કે આ વખતે ‘લાજવાબ’ માં પણ કૃષ્ણ ભગવાન વિશે લખવાનું છે. હું તો કુરુક્ષેત્રમાં મૂંઝાયેલા અર્જુન કરતાં પણ વધુ મૂંઝાયો. મનોમન પ્રાર્થના કરવા માંડ્યો કે ‘હે કેશવ, હવે તું જ મને આ મૂંઝવણમાંથી ઉગાર...’ ત્યાં જ મને વાંસળી વાગતી સંભળાઈ. આ વાંસળી ક્યાંથી વાગી એ વિચારે મૂંઝાયો. ફરીને જોયું તો ભગવાન શ્રીકૃષ્ણ મારી સમક્ષ વાંસળી વગાડતાં ઊભા હતા. હું અભિભૂત થઈ ગયો. ત્યાં જ શ્રીભગવાન ઉવાચ ‘વત્સ, બોલ શું પ્રશ્ન છે? આજે હું તારા પ્રશ્નોના જવાબ આપીશ..’ અને પછી અમારા વચ્ચે જે સંવાદ રચાયો તે રજૂ કરું છું. તો પ્રસ્તુત છે ડ્રોઈંગરૂમ ક્ષેત્રે કર્મક્ષેત્રે વિનુના વાહિયાત સવાલ અને લાલજીના લાજવાબ જવાબ...


- વિનુનો પહેલો સવાલ - પ્રભુ તમારાં આટલાં બધાં નામ છે. તો આધારકાર્ડ પર કયું નામ છે?
- લાલજીનો જવાબ - જે બધાનો આધાર હોય એનું આધારકાર્ડ ના હોય બકા..


સવાલ: જેલના અનુભવ વિશે કંઈક કહેશો?
જવાબ: જેલનો વિડિયો મોકલો પછી કહું.


સવાલ: આમ તો મામા-ભાણિયા વચ્ચે મધુરા સંબંધ હોય છે. તો તમારે અને મામા વચ્ચે બબાલ કેમ થયેલી?
જવાબ : એ ભાણિયાને મામો બનવવા ગયા’તા તો આવું જ થાય ને?

સવાલ: તમે ગોપીઓને હેરાન કેમ કરતા હતા?
જવાબ: ગોવિંદાનું પેલું ગીત યાદ નથી? ‘એ તો પ્રેમ છે.. પ્રેમ છે... પ્રેમ છે...’

સવાલ: દેવકી અને જશોદામાંથી માતા તરીકે તમે કોને વધારે માર્ક્સ આપશો?
જવાબ: અલ્યા રિયાલિટી શૉના જજ જેવી ફાલતુ વાતો ના કર. માતાને માર્ક્સ આપવાની કોઈની હેસિયત કે તાકાત નથી.


સવાલ: આજના જમાનામાં કૃષ્ણ-સુદામા નામના મિત્રો હોય તો?
જવાબ: તો સુદામા ફેસબુક પર ‘તાંદુલ’નો ફોટો મૂકી કૃષ્ણને ટેગ કરે અને કૃષ્ણ અંગૂઠો દેખાડી એને લાઈક કરી કોમેન્ટમાં લખે ‘લૂક્સ યમ્મી બ્રો...’


સવાલ: એ વખતના કાલીનાગ અને અત્યારના કાલિયા નાગમાં શું ફેર છે?
જવાબ: અહીં રાજકારણની વાતો કરવાની સખ્ખત મનાઈ છે.


સવાલ: ભગવાન હવે પાછો ક્યારે અવતાર લેવાના? એક્ઝેટ તારીખ આપો તારીખ?
જવાબ: લખી જ લે. 30 ફેબ્રુઆરી.


સવાલ: આ કૌરવો અને પાંડવો સાથે તમારે પર્સનલી શું રિલેશન હતા?
જવાબ: એ બધા મારા સગ્ગા ભાઈબંધના દીકરા હતા.


સવાલ: મારે પણ તમારી જેમ દ્વારકા જવું છે. શું કરું?
જવાબ: પૂછપરછ માટે ૬ નંબરની બારીએ જાઓ.


સવાલ: કૃષ્ણ ભગવાન તમે અર્જુનને વહાલો અને દુર્યોધનને દવલો કેમ કર્યો?
જવાબ: મિથુન રાશિવાળાને મીન રાશિવાળા કરતાં મેષ રાશિવાળા સાથે સારું સેટિંગ થતું હોય છે એટલે.


સવાલ: પ્રભુ તમારા સમયમાં વૉટ્સઅેપ હોત તો?
જવાબ: તો મેદાનમાં તડકામાં ઊભા રહીને બોલવા કરતાં હું આખી ગીતા અર્જુનને પી.ડી.એફ. ફોર્મેટમાં વોટ્સએપ સેન્ડ કરી દેત.


સવાલ: તમે અર્જુનના સારથિ કેમ બન્યા?
જવાબ: એની પાસે લાઇસન્સ નહોતું એટલે.


સવાલ: ત્યારની અને અત્યારની રાસલીલામાં શું ફેર છે?
જવાબ: અત્યારે રાસ અને લીલા અલગ અલગ થાય છે.


સવાલ: મહાભારતમાંથી શું શીખવાનું કહેશો?
જવાબ: બીજાના ઝઘડામાં બહુ બહુ તો સારથિ થવાય.


સવાલ: આજની પ્રજાને તમારો ઉપદેશ છે?
જવાબ: સખણા રે’જો રાજ..

આ ઉપદેશ સાથે જ પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. મારા કાનમાં કાનાની વાંસળીના સૂર હજી ગુંજ્યા કરતા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP