Home » Rasdhar » વિનય દવે
‘મેરી મરજી’ અને ‘સ્ટોપ ધેટ’ જેવાં સુપરહીટ ગીતો લખનારા વિનય દવે જાણીતા હાસ્ય લેખક, ગીતકાર અને અભિનેતા છે.

એક રાસ્તા હૈ જિંદગી

  • પ્રકાશન તારીખ29 Aug 2018
  •  

હું રોડ છું, હું રસ્તો છું, હું મારગ છું, હું સડક છું. હું લોકો માટે અવરજવરનો શ્રેષ્ઠ, બેસ્ટ ‘જરિયો’ છું. લોકો મારા પર હરે છે, ફરે છે, ચરે છે, મન ફાવે એ કરે છે. હું ચાલતો હોઉં એવો લાગું છું, પણ હું સ્થિર છું, સ્થિતપ્રજ્ઞ છું. કોઈએ એક સંતને પૂછ્યું કે, ‘આ રસ્તો ક્યાં જાય છે?’ તો સંતે ખૂબ જ ‘ભેદી’ જવાબ આપ્યો હતો, ‘ક્યાંય નહીં. આ રસ્તો ક્યાંય જતો નથી, પણ એના પર ચાલનારા ક્યાંક જાય છે.’ એક ‘કર્મઠ કવિ’એ મારા માટે તો એવું કહ્યું છે કે, ‘એક રાસ્તા હૈ જિંદગી’ કવિએ રસ્તાને જિંદગી સાથે સરખાવી મારી મહત્તા લોકોના ભેજામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. મારા વિશે રચાયેલી આ અદ્્ભુત રસ્તા ‘મુકદ્દર કા સિકંદર’ નામની ફિલ્મમાં ‘સિલ્વર સ્ક્રીન’ પર રજૂ પણ થયેલી અને લોકોએ એને ‘સુપરહિટ’ સોંગ તરીકે સ્વીકારી પણ હતી. ટૂંકમાં, લોકો મારું એટલે કે રોડનું મહત્ત્વ સમજે જ છે, પણ મારી હાલત ‘મુકદ્દર કા સિકંદર’ના ગીતમાં વર્ણન કરવામાં આવી છે એવી રહેતી નથી. મારી હાલત ‘સિકંદરને ભગંદર’ થઈ જાય એવી એવી ખરાબ થઈ જતી હોય છે. મારા આવા બૂરા હાલહવાલ કેમ થઈ જાય છે એ મારા પોતાના, સ્વમુખેથી સાંભળો. તો આવી છે મારી યાને કી, ‘રોડની આપવીતી ઉર્ફે સડકની આત્મકથા’.

હું કાચો રસ્તો હતો, પણ મારા પર આવરોજાવરો વધતાં મને ‘કાચા કામના’માંથી ‘પાકા કામના’ રસ્તામાં ‘કન્વર્ટ’ કરવાનું નક્કી થયું

આમ તો મારું બાળપણ ધૂળમાં વીત્યું હતું. ‘જબ મૈં છોટા બચ્ચા થા, કચ્ચી સડક કહેલાતા થા.’ કાચી ઉંમરમાં હું કાચો રસ્તો હતો, ધૂળથી રગદોળાયેલો, કાદવકીચડથી ખરડાયેલો, પણ જતે દિવસે લોકોને એવું લાગ્યું કે આનામાં ‘પાકટતા’ લાવવી જોઈએ એટલે મારા પર આવરોજાવરો વધતાં, મારી જરૂરિયાત વધતાં મને ‘કાચા કામના’માંથી ‘પાકા કામના’ રસ્તામાં ‘કન્વર્ટ’ કરવાનું નક્કી થયું. મારું નિર્માણ થતાં પહેલાં મારા માટેની ફાઇલોનું નિર્માણ થયું. જેમાં મને બનાવવા માટેના અંદાજિત ખર્ચનો ‘અડસટ્ટો’ લગાવવામાં આવ્યો. પછી એમાં મને બાંધનારા અને મને બાંધવા માટેની પરવાનગી આપનારાઓ વચ્ચે ‘ભાગબટાઈ’નું ધોરણ નક્કી થયું. આમ તો બજારમાં સડક નિર્માણ માટે સાઠ-ચાલીસનો રેશિયો ચાલે છે. યાને કી પરમિશન આપનારાના સાઠ અને બાંધનારાના ચાલીસ એવો વણલખ્યો નિયમ પસાર થયેલો છે.

તો એ મુજબ બધું ફાઇનલ થયું. બાંધનારાને યોગ્ય વળતર અને લાભ મળી રહે એટલા માટે મારા અંદાજિત ખર્ચમાં અનેકગણો ધરખમ વધારો કરી દેવામાં આવ્યો અને મારા નિર્માણની ફાઇલ પર ‘મત્તુ’ મારી એને પાસ કરી દેવામાં આવી. પછી મારા બાંધકામનું કામ શરૂ થયું. બને એટલી હલકી કક્ષાના રોડા, પથ્થર, મેન્ટલિયા, કપચી પાથરવામાં આવ્યાં અને પછી એના પર
ટાર-ડામરના લપેડા કરવામાં આવ્યા. પછી ઉપર ‘કચ્ચી-કચ્ચી’ને બેફામ રોલર ફેરવવામાં આવ્યાં. આ બધું થયા પછી કાળોતરા નાગ જેવી કે લલનાના કાળા કેશના ચોટલા જેવી કાળી પણ કામણગારી, બ્લેક બ્યૂટી જેવી મસ્ત દેખાતી સડકનું એટલે કે મારું શહેરમાં ‘અવતરણ’ થયું. લોકો તો મને જોઈ ભાવવિભોર થઈ ગયા. કોઈ ‘ગેબી’ નેતાએ મારું ‘લોકાર્પણ’ કરી નાખ્યું અને મારા પર ‘ભમભમાટ’ રીતે ટ્રાફિક આવ-જા કરવા માંડ્યો, પણ મારા નિર્માણના થોડાક જ દિવસો પછી એક નવો જ ખેલ શરૂ થઈ ગયો.


મારી મેન્યુફેક્ચરિંગ ડેટના પંદર દિવસ પછી જ મ્યુનિસિપાલિટીના પાણી પુરવઠા વિભાગવાળા ત્રિકમ, કોદાળી, પાવડા લઈ ધસી આવ્યા અને પછી પાણીની નવી પાઇપલાઇન નાખવા મારા પર ‘ખોદ-મ-ખોદ’ શરૂ કરી દીધું. એ લોકોએ પાઇપો નાખી દીધી પછી મને બનાવનારા કોન્ટ્રાક્ટરે ફરી મારા પર કપચી ડામર પાથરી મારી ‘બ્યૂટી ટ્રીટમેન્ટ’ કરી. થોડા દિવસ પછી ઇલેક્ટ્રિસિટીવાળા આવ્યા. મારું ખોદકામ થયું એ પછી મારું રિનોવેશન થયું. પછી તો ગટરવાળા આવ્યા, ટેલિફોન લાઇનોવાળા આવ્યા, ગેસ લાઇનોવાળા આવ્યા. આમ અનેક ડિપાર્ટમેન્ટવાળા આવી મારા ખોદકામ અને રિનોવેશન, રિપેરિંગનો સિલસિલો ચાલુ ને ચાલુ જ રહ્યો. ક્યારેય મારું એકસરખું સીધું સપાટ સ્વરૂપ તો પ્રજાને જોવા જ ન મળ્યું. પછી તો આવ્યું ચોમાસુ. પહેલા જ વરસાદમાં મારા પર ‘ફેસપેક’ની જેમ ચોપડવામાં આવેલો ડામર કોણ જાણે કયા પાણીની સાથે વહી ગયો.

મારા પર ખંખેરવામાં આવેલી કપચી તો ભાતના દાણાની જેમ છૂટી પડી ગઈ, વેરાઈ ગઈ. ઉઘાડ નીકળતાં પાકી સડક જાણે સાવ કાચી સડક હોય એમ મારા પર ધૂળ, રેતી, કપચી ઊડવા માંડ્યાં. ક્યાંક તો ચંદ્રની સપાટી પર હોય એવા ખાડા ‘પોટ હોલ્સ’ પડી ગયા. લોકો આવા ‘ડિસ્કો રોડ’ને ગાળો દેવા માંડ્યા, પણ એમાં પડવાથી લોકોનાં હાડકાં-પાંસળા ભાગતાં, વાહનો ખોટકાતાં હોવાથી ઓર્થોપેડિક ડૉક્ટરો અને મિકેનિકો મને ખૂબ દુવાઓ દેવા માંડ્યા, પણ આવા ઉબડખાબડ રસ્તાઓ સામે ખૂબ હોબાળો થતાં મારા સર્જક કોન્ટ્રાક્ટરે ફરી મારા પર થીગડાં મારી લોકોનો ગુસ્સો શાંત પાડ્યો, પણ ત્યાં અચાનક એક દિવસ...


શહેરની સડકો પર યાને કી મારા જેવા મજબૂત રોડ પર ‘ભૂવા’ પડવા માંડ્યા. કોઈ પણ જાતની પૂર્વ જાણકારી આપ્યા વગર મારી નીચેની જમીન ધસી ગઈ. મોટી મોટી ગાડીઓ-ખટારા ગરક થઈ જાય એવા ઊંડા ઊંડા ખાડા પડી ગયા. પહેલાં મંત્ર દ્વારા ડરાવનારા ભૂવાથી લોકો છળી મરતા હતા. હવે તંત્ર દ્વારા પડી ગયેલા ભૂવાથી લોકો ફફડવા માંડ્યા. સમાજમાં હાહાકાર ફેલાયો. ફરી એક વાર મારા નિર્માતાને તેડું મોકલાયું. એણે મારું પુરાણ કરી લેવલ ગોઠવી આપ્યું. બધું જૈસે થે ચાલવા માંડ્યું અને થોડા


દિવસ પછી આ આખું ‘વિશિયસ સર્કલ’ ફરી શરૂ થયું. ભ’ઈ આવું ‘ચક્કર’ ચાલે તો મને બાંધનારા અને તંત્રના અમલદારોનો ‘કલદાર’ મળેને, પણ તોયે લોકો તો મને એટલે કે રોડને ‘ગાળ્યું’ દેતા રહે છે. અલ્યા, આમાં મારો શું વાંક
છે હેં? સડક તો સૌની સાચી સાથીદાર છે. મહેનત કરનારાઓ માટે પણ અને કૌભાંડ કરનારાઓ માટે પણ સડકદેવીની જય.
vinaydave.lafter@gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP