આપણી વાત- વર્ષા પાઠક / ઓર્ડિનરી લાઈફને ઑર્ગેનિક બનાવવા કેટલી કિંમત ચૂકવશો?

article by varsha pathak

Divyabhaskar.com

Aug 28, 2019, 05:21 PM IST

‘ઓર્ગેનિક અનાજ,ઓર્ગેનિક મિલ્ક,ઓર્ગેનિક કોસ્મેટિક્સ વિશે સાંભળ્યું હતું. થોડા મહિના પહેલા મુંબઈમાં ફરતાંફરતાં એક જગ્યાએ ઓર્ગેનિક વસ્ત્રોનું એક્ઝિબિશન યોજાયું હતું ત્યાં જઈ ચઢી. કપડાંયે ઓર્ગેનિક હોય? આ પ્રશ્નના જવાબમાં કોલકાતાથી આવેલી અને ભારતીય કલાકારીગરીની પરંપરાને જીવિત રાખવા માટે મથી રહેલી (એવો દાવો કરતી) મહિલાએ કહ્યું કે એની સાડીઓ અને સ્કાર્ફ બનાવવામાં જે કોટન વપરાયેલું એમાં ક્યાંય કૃત્રિમ રંગો કે રસાયણો નહોતા, એટલું જ નહિ કાપડ બનાવવા માટે જે કપાસની એટલે કે રૂની જરૂર પડે એની ખેતીમાં કોઈ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ નહોતા વપરાયા. સાંભળીને મેં તો પ્રશંસાપૂર્વક માથું હલાવી દીધું પણ પછી એ શુદ્ધ ઓર્ગેનિક વસ્ત્રોના ભાવ જોયા ત્યારે શંકા પડી કે કોનું માથું ઠેકાણું નથી, મારું કે એ બહેનનું? યાર,ચક્કર આવી ગયા. મને અત્યારે યાદ છે ત્યાં સુધી એમાં સહુથી સસ્તી કોટન સાડીની કિંમત પણ પંદર હજારથી ઓછી નહોતી.
થોડું પાણી પીને, આઘાતમાંથી બહાર નીકળીને મેં એમને પૂછ્યું કે અનાજની ખેતીમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ વપરાય તો એ કદાચ સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે, પણ હું જે કપડાં પહેરું છું એમાં વપરાયેલા રૂની ખેતીમાં આવા કોઈ કેમિકલ્સનો ઉપયોગ થયો હોય તોય મારું શું બગડી જવાનું? સાયન્સ કોલેજમાં ગાળેલાં વર્ષો દરમ્યાન પણ જે જ્ઞાન નહોતું મળ્યું એ ત્યારે પેલા બહેન પાસેથી પ્રાપ્ત થયું. એમણે કહ્યું કે કે કેમિકલ્સની મદદથી ઉગેલા અને જંતુમુક્ત રહી શકેલા કપાસમાંથી જે કપડાં બને એ આપણી ત્વચા જ નહિ આખાયે શરીરને નુકસાન કરે છે. આ સાંભળીને મને ભાન થયું ભવિષ્યમાં મને કેન્સર કે અસ્થમા જેવી બીમારી થાય તો નક્કી એમાં મારાં કપડાં જવાબદાર હશે, કારણ કે મેં તો ઘણીવાર ફૂટપાથ પર વેચાતાં સો બસ્સો રૂપિયાના કપડાં પણ ગમી જાય તો ખરીદી લીધાં છે. પરંતુ શું થાય જબ ચીડિયા ચુગ ગઈ ખેત, અને કેમિકલ્સ ધરાવતા દાણાં ચણી જનારી ચીડિયા તો મરી જ સમજો. જોકે બહાદુરીપૂર્વક મેં એ બહેનનો દાવો ગળે ન ઊતર્યાનું કહ્યું તો ત્યાં હાજર બીજી એક વિદુષીએ અલગ મોરચો ખોલતા કહ્યું કે આવાં કેમિકલ્સથી પર્યાવરણ પર કેવી અસર થાય છે એ તો જાણો છો ને? લોકોએ સમજીવિચારીને કુદરત ભણી પાછા ફરવું જોઈએ. હવે કુદરતના ખોળે પાછા ફરવાનો વિચાર સારો હતો પણ એ માટે પંદરવીસ હજારની ટિકિટ મતલબ ઓર્ગેનિક સાડી કે પાંચ હજારનો ટચુકડો સ્કાર્ફ ખરીદવાની મારી તૈયારી નહોતી એટલે મને સ્વાસ્થ્યની કે વૈશ્વિક પર્યાવરણની ચિંતા નથી એવું સ્વીકારીને હું એ ઓર્ગેનિક વાતાવરણમાંથી બહાર વહેતી થઇ.
પરંતુ કહેવાય છે ને કે you live and you learn. શ્વાસ ચાલે ત્યાં સુધી રોજેરોજ નવુંનવું જોવા જાણવા મળે. અમારા વિસ્તારમાં રહેતાં એક બહેન યોગ શીખવાડે છે, એમણે હમણાં ઓર્ગેનિક ડાન્સ મેડિટેશન માટે બે કલાકનો ક્લાસ રાખ્યાની જાહેરાત છાપામાં વાંચી. ડાન્સ અને મેડિટેશન, આ બે શબ્દથી તો આપણે બધાં પરિચિત છીએ પરંતુ એ પણ ઓર્ગેનિક હોઈ શકે એવું હમણાં સાંભળ્યું. સમજવા માટે કોશિશ કરવી જોઈએ.સાદા મેડિટેશનની તુલનાએ ઓર્ગેનિક મેડિટેશન ચઢિયાતું હશે? એ કરવા માટે જે ચટાઈ કે મેટ પાથરી હશે એ પેલા ઓર્ગેનિક કોટન કે વાંસમાંથી બની હશે? ઓર્ગેનિક ડાન્સ માટેનું મ્યુઝિક પણ ઓર્ગેનિક હશે? ઓર્ગેનિક તંબૂરામાંથી કેવો અવાજ નીકળતો હશે? અફકોર્સ ત્યાં જઈને એવું પૂછ્યું તો ટીચર ગુસ્સે થશે. એમની પાસે ઑર્ગેનિક શબ્દનો એમનો પોતાનો અર્થ હશે. પરંતુ આ જ્ઞાન મેળવવા માટે 1800 રૂપિયાની ફી છે,અને એમાંથી 800 તો પ્રિ-રજીસ્ટ્રેશન વખતે જ ભરી દેવાના. એ પછી ગુટલી મારી તો ગયા. અત્યારે તો લાગે છે કે આવું ઓર્ગેનિક જ્ઞાન નહિ મળે તો ખાસ વાંધો નથી. આમેય હું તો ઓર્ગેનિક ફૂડ નથી ખાતી, ઓર્ગેનિક મિલ્ક નથી પીતી, ઓર્ગેનિક સાબુથી નથી નાહતી. વોશિંગ મશીનમાં નખાતા મારા કપડાં કે પાઉડર ઓર્ગેનિક નથી. ટૂંકમાં એબ્સોલ્યુટલિ અનઓર્ગેનિક લાઈફ જીવું છું તોયે હટ્ટીકટ્ટી ને હેપી છું.
પ્રમાણિકપણે કહું તો વાંધો મને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સામે નહિ, પણ જે રીતે એનું માર્કેટિંગ થાય છે, મારફાડ કિંમત લેવાય છે એની સામે છે. કોઈપણ ચીજ પર ઓર્ગેનિકનું લેબલ મારી દેવાય, એટલે એ સારી જ ગણી લેવાની? અને એના ભાવ વધુ જ હોવાનું સ્વીકારી લેવાનું? આપણે ત્યાં કોઈપણ પ્રોડક્ટને નેચરલ કે ઓર્ગેનિક ગણાવીને વેચવા માટે કોઈ સત્તાવાર એજન્સીનું સર્ટિફિકેટ જરૂરી નથી. આમાં પણ બદમાશીઓ ચાલે છે. વળી, ઓર્ડિનરીની તુલનાએ ઓર્ગેનિક ફૂડ ખાવાથી શરીરને અનેકગણો ફાયદો થતો હોવાનું હજી કોઈ દેશમાં સત્તાવારપણે, વૈજ્ઞાનિક ઢબે પુરવાર નથી થયું. એવા સંજોગોમાં ઓર્ગેનિક કહેવાતા ઘઉંના લોટ માટે શું કામ સાદા લોટથી બમણાં દામ ચૂકવવા જોઈએ? હમણાં વળી ઓર્ગેનિક હાઉસ પેઇન્ટ વિશે સાંભળ્યું, ત્યારે જાણ થઇ કે આપણે બધાં અત્યાર સુધી ઝેરી રંગથી ઘર રંગતાં આવ્યાં છીએ.અને આગળ પણ એમ જ કરીશું કારણકે ઓર્ગેનિક લાઈફ સ્વાસ્થ્ય માટે બહુ સારી હોવાનો દાવો થાય છે એમાં કેટલી સચ્ચાઈ છે એ આપણે જાણતાં નથી પણ ખિસ્સા માટે હાનિકારક છે એ ચોક્કસ. હા, બીજા સામે બડાઈ હાંકવા માટે કામમાં આવે. અને છેલ્લે એક પ્રશ્ન- અણીશુદ્ધ ઓર્ગેનિક પ્રોડક્ટ એટલે જે બનાવવામાં કોઈ કૃત્રિમ ચીજની ભેળસેળ ન થઇ હોય, કોઈ જીવને હાનિ ન થઇ હોય, પર્યાવરણને નુકશાન ન થયું હોય....આજના સંજોગોમાં આ કેટલી હદે શક્ય છે? અને ઓર્ગેનિક ફૂડ ખાવાનો આગ્રહ રાખનારાની વર્તણૂક પણ ‘ઓર્ગેનિક’ થઇ જતી હોય છે?
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી