આપણી વાત- વર્ષા પાઠક / એના માથે મા-બાપનું કોઈ કરજ નથી

article by varsha pathak

Divyabhaskar.com

Jan 09, 2020, 04:06 PM IST
આપણી વાત- વર્ષા પાઠક
થોડા સમય પહેલાં એક પરિચિતના ઘરમાં વડીલનું મૃત્યુ થયું. કુટુંબમાં ચાલી આવેલી પરંપરા અનુસાર દીકરાઓએ માથે મુંડન કરાવ્યું. પંડિતજીને બોલાવીને ધાર્મિક વિધિઓ થઇ. એમાંની એક વિધિ દરમ્યાન પંડિતજીએ ત્યાં બેઠેલા લોકોના જ્ઞાનમાં વધારો કરવાના શુભ ઈરાદા સાથે મુંડન ક્રિયા પાછળનું કારણ સમજાવ્યું. એમના કહેવાનુસાર આપણા માથા પર જેટલા વાળ છે, એટલું આપણાં મા-બાપનું આપણા જીવન પર કરજ છે. એમનાં મૃત્યુ પછી આપણે સદ્્ગતને કહીએ છીએ કે હે માતા/પિતા, અમે ક્યારેય તમારું ઋણ ફેડી નહીં શકીએ, એટલે આ વાળ ઉતારીને તમારી ક્ષમા માગીએ છીએ. આમ તો ઘરમાં અવસાન પછી પરિવારના પુરુષો માથે મુંડન શું કામ કરાવે છે, એ વિષયમાં કુતૂહલવશ મેં ખાસ્સું વાંચી કાઢ્યું છે, લોકોને પૂછ્યું છે. જાતજાતના જવાબો મળ્યા છે. ઉપર જેમની વાત કરી એ પંડિતજીએ વળી બ્રાન્ડ ન્યૂ ઇન્ફર્મેશન આપી. એમાં સાચું-ખોટું હું નથી જાણતી, પણ લાગતાવળગતાને ઈમોશનલ કરવા માટે સારી લાગી. આપણા માથેથી મા-બાપનું કરજ ક્યારેય ઉતારી ન શકાય, એવું કહો તો આપણે ત્યાં કોણ એનો વિરોધ કરી શકે? પરંતુ હમણાં એક સ્ત્રી મળી જેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘આજે મને કોઈ પૂછે તો વગર ખચકાટ કહી શકું, કે મેં મારાં માતા-પિતાનું બધુંયે ઋણ ઉતારી નાખ્યું છે, બલ્કે એવોયે દાવો કરી શકું કે હવે એ લોકો મારા કરજદાર છે.’
કોઈના મોઢેથી આવા શબ્દો સાંભળીને પહેલાં તો આંચકો લાગે, કોઈને વળી એવું બોલનાર નગુણી લાગે, કોઈને એવી સ્વાર્થી વ્યક્તિનાં દર્શન થાય, જે જીવનમાં આગળ વધ્યા પછી મા-બાપના બધાંય ઉપકાર ભૂલી ગઈ. મને માત્ર આશ્ચર્ય થયું. અહીં આપણે એને સુજ્ઞા તરીકે ઓળખશું. ચાલીસીની નજીક પહોંચવા આવેલી સુજ્ઞાની અત્યારની પરિસ્થિતિ જોઈને પહેલો વિચાર એ જ આવે કે, આને તો ભૈ જલસા જ છે. શહેરના પોશ વિસ્તારમાં બિગ એન્ડ બ્યૂટિફૂલ ફ્લેટ, પ્રેમાળ પતિ અને હોશિયાર દીકરી, સમાજમાં પ્રતિષ્ઠા અને માન સન્માન અને વાત માત્ર ભૌતિક સુખની નથી. ઘણા સમય પહેલાં વેલ પેઈડ કોર્પોરેટ જોબ છોડી દીધા પછી અત્યારે જે કામ કરે છે, એમાં સુજ્ઞાને વધુ સંતોષ મળે છે. પોતે જે ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઇ ચૂકી છે, એનો અત્યારે સામનો કરી રહેલા લોકોને મદદ કરવાનો આનંદ એને છે. અનેક જણ માટે સુજ્ઞા રોલમોડલ છે, પરંતુ કદાચ આ જ કારણ છે કે એની પાસેથી લોકોની અપેક્ષાઓ પણ પાર વિનાની રહે છે. હવે અજાણ્યા કે અલ્પ પરિચિત આપણી પાસે મદદ માગે ત્યારે હા પાડવી કે ના, એની ચોઈસ હોય છે. સામેવાળાની ડિમાન્ડ અનરિઝનેબલ લાગે, વારંવાર એને મદદ કરીને થાકી ગયા હોઈએ, હવે આ નહીં જ સુધરે અને આપણું કર્યું પાણીમાં જ જશે એની લગભગ ખાતરી થઇ ગઈ હોય. અરે! આપણો આભાર માનવાને બદલે આ તો તારી ફરજ છે, એવું કહી દેવાય અને ક્યારેય આપણી મદદે તો એ આવે જ નહીં, એવા સંજોગોમાં દરેક વ્યક્તિને અધિકાર છે કે એ સામેવાળાને વધુ મદદ કરવાનો નનૈયો ભણી દે, પણ સુજ્ઞા કહે છે કે સામે આપણાં સગાં મા-બાપ હોય તો શું કરો?
આપણે ત્યાં ભલે દીકરા-દીકરી સરખાં હોવાની વાત થાય, પણ મોટેભાગે મા-બાપોને દીકરા વધુ વહાલા હોય છે. ઘરડે ઘડપણ ખરાબ અનુભવ થાય અને દીકરી યાદ આવે એ જુદી વાત છે. ખોરાકથી માંડીને સ્વાસ્થ્ય, ભણતર સુધીની બાબતમાં દીકરા પ્રત્યે વધુ ધ્યાન અપાય છે, કારણ કે છેવટે રહેવાનું તો એની સાથે છે એવી ગણતરી મંડાય. મિડલ ક્લાસ પરિવારમાં ઉછરેલી સુજ્ઞાએ આડકતરી રીતે આવો પક્ષપાત જોયેલો, પણ એ પોતાની હોશિયારી અને આવડતના જોરે આગળ વધી ગઈ. ભણીગણીને યોગ્ય પાર્ટનરને મળીને લગ્ન કરી લીધાં અને બ્રાઇટ કરિયર પણ બનાવી લીધી. વધુ પડતા લાડકોડમાં ઉછરેલો નાનોભાઈ રાજકુમાર જ રહ્યો. એવો રાજકુમાર, જેને જોઈએ બધું, પણ એ મેળવવા માટે હાથપગ ન હલાવવા હોય. આવા રતનને મા-બાપ ક્યાં સુધી પોષી શકે, એટલે પછી દીકરી યાદ આવી. સુજ્ઞાએ શરૂઆતમાં તો પ્રેમથી મદદ કરી. આખરે તો મા-બાપ હતાં, પણ પછી જોયું કે મા-બાપને ખુશ રાખવા માટે માત્ર એમની નહીં, ભાઈની ડિમાન્ડ પણ પૂરી કરતા રહેવાનું હતું. ભાઈનું ભણતર કે હોશિયારી એવાં નહોતાં કે એને કોઈ બહુ સારી નોકરી મળે, પણ માતા-પિતાએ એવું દબાણ કર્યું કે સુજ્ઞા પોતે જ્યાં કામ કરતી હતી ત્યાં ભાઈ માટે ભલામણ કરવી પડી. કંપની માટે સુજ્ઞા બહુ ઈમ્પોર્ટન્ટ હતી એટલે એના ભાઈની લાયકાત-બિનલાયકાત પર વધુ ધ્યાન આપ્યા વિના નોકરી આપી દીધી. ત્યાં પણ જોકે એ માણસે ધ્યાન આપ્યું નહીં. સુજ્ઞાએ એક તો મેનેજમેન્ટનો ઉપકાર માથે લીધો અને પછી ભાઈ જેટલી ગરબડ કરે ત્યાં સીધો કે આડકતરો ઠપકો સહ્યા કર્યો. મા-બાપને ફરિયાદ કરે તો ભાઈ નાનો છે, નબળો છે, અણસમજુ છે, તું તો મોટી, ડાહી છે એટલે સાચવી લે, જેવાં વાક્યો સાંભળવાં પડે. ભાઈનાં લગ્ન થયાં, પરંતુ પતિ તરીકેની જવાબદારીઓ પૂરી કરવામાં પણ એ પાછો પડ્યો. સુજ્ઞા પર જવાબદારી વધી. ભાઈ-ભાભીના ઝઘડા થાય ત્યારે પણ મા-બાપ એને ફોન કરે. હમણાં ભાઈએ કરેલા કાંડને કારણે સુજ્ઞા પોલીસ સ્ટેશન, વકીલની ઓફિસ અને કોર્ટના ચક્કર મારવામાં પડી છે. મા કહે છે કે બાપડો નાનો ભાઈ મૂંઝાઈ ગયો છે, પણ તારી તો ઘણી ઓળખાણ છે. માતા-પિતા દ્વારા થતાં ઈમોશનલ બ્લેકમેઇલિંગથી સુજ્ઞા થાકી ગઈ છે. એ પોતે સખત બીમાર થઇ ગઈ ત્યારે મા-બાપ અને ભાઈએ દુઃખ તો ઘણું વ્યક્ત કર્યું, પણ મદદ કરવામાં જીરો. સુજ્ઞા તો બહુ મજબૂત છે, એનો હસબન્ડ બહુ કમાય છે, એને તો ગમે તેટલા નોકરચાકર અને નર્સ રાખવાનું પરવડે, એમ કહીને એ લોકો ખસી ગયાં. સુજ્ઞા કહે છે એ વખતે જરૂર પૈસાની નહીં, લાગણીની હતી. મમ્મીએ એકવાર પણ મને નહોતું કહ્યું કે ચાલ, તને કંઈ ભાવતું બનાવીને જમાડું. કેમ, મા-બાપની કોઈ ફરજ જ નહીં?
સુજ્ઞા જેવાં કે એનાથી વધતા ઓછા અનુભવ બીજી દીકરીઓ જ નહીં, કોઈ કોઈ દીકરાઓને પણ થયો હશે, જ્યાં મા-બાપ દ્વારા થતું ઈમોશનલ બ્લેકમેઈલિંગ પરેશાન કરતું હશે. સહી લેવું પડે છે, કારણ કે આપણને નાનપણથી કહેવાયું છે કે માતા-પિતા તો ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ છે. ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં... વગેરે વગેરે. આ કહેવા પાછળ એવો ઈરાદો બિલકુલ નથી કે વૃદ્ધ, અશક્ત થઇ ગયેલાં મા-બાપને પડતાં મૂકી દેવાં. એવાં બાળકો તો અત્યંત ધિક્કારપાત્ર છે. ઘણીવાર તો ઉંમર અને બીમારીને કારણે સાવ વિચિત્ર થઇ જતાં મા-બાપને પણ આપણામાંથી મોટાભાગના લોકો સાચવી લે છે, કારણ કે આખરે મા-બાપ છે, એમની સાથે પ્રેમનો, લાગણીનો તંતુ જોડાયેલો છે, પણ પછી આ સંબંધમાં સોદાબાજી ન થવી જોઈએ. અમે તમને જન્મ આપ્યો, મોટા કર્યાં, ભણાવ્યાં એટલે તમારે જનમભેર અમારાં ઋણી રહેવાનું, એવું કોઈ મા-બાપ હક્કભેર કઈ રીતે કહી શકે? સામે કોઈ સંતાન કહે કે તમે તમારી મરજીથી અમને પેદા કર્યાં તો નાનપણમાં અમને સાચવવાની તમારી જવાબદારી હતી, તો કેવું લાગે? માતા-પિતા મન પડે ત્યારે એમણે બાળક માટે જે પણ કર્યું હોય એનું લિસ્ટ ખિસ્સામાંથી કાઢી શકે અને કાઢતાં પણ રહે છે. અમે રાત રાતભર જાગેલાં, તારાં ભીનાં કપડાં બદલેલાં, કરકસર કરીને, રહીને તને સારી સ્કૂલમાં મોકલેલી વગેરે. ઓલરાઇટ, તો હવે એનું વ્યાજ સહિત બિલ આપો છો? અને એનું મુદ્દલ જીવનભર નહીં જ ભરાય? કેમ ભાઈ, મા-બાપ અને વ્યાજખાઉં નિર્દય શાહુકાર વચ્ચે કોઈ ફરક જ નથી?
મા-બાપના ગયા પછી એમનું સ્થાન કોઈ લઇ ન શકે એ વાત સાચી, પણ એ જીવિત હતાં ત્યારે એમની ગમે તેટલી સેવા કરો તોયે એમનું ઋણ ઉતારી ન શકો, આવું કહેતી વખતે આપણને ખરેખર એવું લાગે છે કે આપણે દંભ કરીએ છીએ કે પછી વર્ષોથી બોલતા આવેલા શબ્દોને બસ વગર વિચાર્યે દોહરાવતા રહીએ છીએ? સુજ્ઞા જેવી વ્યક્તિ પણ જાહેરમાં એવું કહી શકે કે સોરી, મેં તો જીવતેજીવત હિસાબ સરભર કરી લીધો છે અને એ વાતનો મને ગર્વ છે?
[email protected]
X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી