આપણી વાત / તમને શું લાગે છે, આપણું શું થશે?

article by varsha pathak

વર્ષા પાઠક

Apr 17, 2019, 05:26 PM IST

ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં હંમેશાં જેમનું નામ પ્રેમ અને આદરભાવે લેવાય છે અને લેવાતું રહેશે એ હરીન્દ્ર દવેનું એક બહુ જાણીતું વિધાન છે કે સત્ય હંમેશાં બે અંતિમની વચ્ચે હોય છે. વાંચવામાં અને સાંભળવામાં અતિ પ્રોફાઉન્ડ લાગે એવું આ વાક્ય છે, પરંતુ કવિ એમાં શું કહેવા માંગે છે એ મને ત્યારે નહોતું સમજાયું. બે અંતિમની વચ્ચે આપણે જેને વચગાળાનો રસ્તો કે વ્યવહારુ ઉકેલ કહીએ એ હોઈ શકે. બાકી સત્ય તો બેમાંથી કોઈ એક અંતિમ પર જ હોય એવી મારી સમજ હતી, પણ વિદ્વાન વ્યક્તિએ કહ્યું તો એની પાછળ કોઈ ઊંડો અર્થ તો હશે, એટલે ઝાઝી પડપૂછ કરી નહીં. આમેય પરીક્ષામાં મારે તો એનો જવાબ નહોતો આપવાનો. આટલા વર્ષે હજીયે નથી સમજાયું, પણ હવે આછી શંકા પડે છે કે કવિ પત્રકારે કોઈવાર કોઈ કઠિન સવાલનો સીધો સ્પષ્ટ જવાબ આપવાની જવાબદારીમાંથી છટકવા માટે આવું કહ્યું હશે. આ ટ્રિક આપણને પણ બહુ કામમાં આવે એવી છે. દાખલા તરીકે રાફેલ મુદ્દે કોણ સાચું બોલે છે- કેન્દ્ર સરકાર કે વિરોધ પક્ષો? એવો સવાલ કોઈ પૂછે ત્યારે હેં, ખબર નહીં કે પછી રાફેલ શું છે એ જ ખબર નથી એવા પ્રામાણિક જવાબ આપવાને બદલે સત્ય બે અંતિમની વચ્ચે છે એવું ગંભીર અવાજે બોલીએ તો બચી જઈએ.

  • અત્યારે અજાણ્યા સાથે પણ વાતચીત કરવા માટે આપણી પાસે બે વિષય છે- ચૂંટણી અને ગરમી. તમને એમાંથી શું વધુ ચિંતા કરવા જેવું લાગે છે?

આપણા બીજા એક બહુ આદરણીય, સ્વર્ગીય તંત્રીનું પ્રિય વાક્ય હતું- આ તો ભરેલું નારિયેળ છે. ખાસ કરીને ચૂંટણી વખતે એ આ વાક્ય વાપરે. આનો સીધોસાદો મતલબ એ કે માત્ર ઉપરી દેખાવ જોઈને કંઈ કહેવાય નહીં, નારિયેળ ફૂટશે એટલે કે ચૂંટણીનું રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. વાક્ય બહુ સરસ છે અને સીધો જવાબ આપવાની જવાબદારીમાંથી છટકવા માટે કામમાં આવે એવું છે. જોકે, આમાં પ્રિય તંત્રીનો વાંક ન કાઢી શકાય, કારણ કે દરેક ચૂંટણી કોઈ ને કોઈ વિસ્તારમાંથી આશ્ચર્યજનક પરિણામ ફંગોળે છે. પંડિતોએ કરેલી ધારણાઓ ખોટી પડે, નવા ને નબળા લાગતા કાબા કે કાબી પણ મહાન અર્જુનનો ગરાસ લૂંટી જાય. તેમ છતાં વર્ષોથી ચાલી આવેલી પ્રથાનુસાર દરેક મોટા ન્યૂઝપેપર અને ટીવી ચેનલ ચૂંટણી પહેલાં સર્વેક્ષણ કરાવે છે અને ખોટા પાડવાનું જોખમ લઈને પણ એનું પરિણામ બહાર પાડે છે. બે સર્વેક્ષણ વચ્ચે ક્યારેક એટલો મોટો તફાવત હોય કે સામાન્ય લોકો માથું ખંજવાળતાં રહી જાય.
પરંતુ આ વખતે સિનારિયો સહેજ જુદો છે. સામાન્ય નાગરિકને કોઈ સર્વેક્ષણનું પરિણામ જોયા વિના પણ પંડિતાઈથી ભરપૂર અને ‘સેફ’ કહેવાય એવો જવાબ જડી ગયો છે. આમ તો આ સંસદીય ચૂંટણીમાં શું થશે એ પ્રશ્નનો અર્થ લગભગ એવો જ હોય છે કે નરેન્દ્ર મોદીનું શું થશે. પોતાના વિસ્તારમાં ઊભેલા ઉમેદવારમાંથી કોણ જીતશે, એના કરતાં મોદીને ફરીથી વડાપ્રધાન બનવાનો ચાન્સ મળશે કે નહીં, એ પ્રશ્ન વધુ મોટો છે. આ વખતે અદના નાગરિકને કોઈ મહાન રાજકીય પંડિતની જેમ માથું હલાવીને જવાબ આપવાનો મોકો મળ્યો છે કે ‘જીતશે તો મોદી જ, પણ એના માટે આ વખતે ગઈ ચૂંટણી જેટલું સહેલું નહીં હોય.’ એકદમ સલામત, લગભગ સર્વસ્વીકૃત કહી શકાય એવો જવાબ છે. ભાજપના ટેકેદારો આ સાંભળીને ખુશ થાય કે અમારા મોદીસાહેબ પાછા જીતશે અને વિપક્ષોને સારું લાગે કે મોદીને અમે ટફ ફાઇટ તો આપશું. આવો જવાબ આપીએ તો કોઈ પક્ષ તરફથી માર ખાવાનો ભય નહીં, સિવાય કે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કોઈ મેમ્બર તરફથી. ત્યાં આપણે મૂંગા રહેવાનું. બીજે બધે ‘સેફ’ જવાબ આપ્યા પછીયે શાણા ગણાવું હોય તો પાછળ ફૂમતું લટકાવી દેવાનું કે, ‘પરંતુ આ તો લોકશાહી છે અને કંઈ પણ થઈ શકે, છેવટે તો સમય જ કહેશે કે કોણ સિકંદર અને કોણ ડબ્બાની અંદર’ આ જવાબમાં હન્ડ્રેડ પર્સેન્ટ સેફ્ટીની ગેરંટી છે.
અત્યારના સંજોગોમાં ચૂંટણી સિવાય દુશ્મનો વચ્ચે પણ સહમતી સધાય એવો બીજો વાતચીત, ચર્ચાનો વિષય છે- હવામાન. ભયાનક કાળઝાળ ગરમી છે એ બાબતમાં કોઈ વિવાદ નથી. મોદીની જીત થઈ તો દેશનું શું થશે એ બાબતમાં મતમતાંતર હોઈ શકે, પણ આવી ગરમીમાં આપણાં સહુનાં ઘરમાં ઇલેક્ટ્રિસિટીનું બિલ તોતિંગ આવશે એ બાબતમાં બધા સહમત છે અને ચિંતામાં છે. (ચિંતા ન થતી હોય તો હવે કરજો.) કેન્દ્રમાં કોઈપણ સરકાર આવે, એનાથી આપણા બિલમાં ફેર પડવાનો નથી, ઊલટું વધશે એવા ઈશારા થઈ રહ્યા છે. અમારે ત્યાં પાવર ડિસ્ટ્રિબ્યુશનનું કામ રિલાયન્સ પાસેથી અદાણી પાસે ગયું. એમણે મને પહેલું બિલ મોકલ્યું 1050 રૂપિયા. પહેલી નજરે કોઈને આ રકમ વાંધાજનક ન લાગે, ઊલટું બહુ ઓછી લાગે, પણ મને ચક્કર આવી ગયાં, કારણ કે પાંત્રીસ દિવસ ઘર બંધ હતું, માત્ર નવું ફ્રીઝ લોએસ્ટ મોડ પર ચાલુ હતું. ત્યારનું આ બિલ હતું. મેં હેલ્પલાઇન પર બેવાર ફોન કર્યો તો બંનેવાર ઇંગ્લિશ અને હિન્દીમાં એક જ જવાબ મળ્યો કે ઈ-મેઇલ મોકલો. મેઇલ મોકલ્યો, પણ જવાબ નથી મળ્યો. હવે મન મનાવી લીધું છે કે મારા મેઇલનો જવાબ અદાણી ગ્રૂપના માલિક પોતે આપવાના હશે અને એ તો અત્યારે સખત બિઝી હશે, પણ પ્રોબ્લેમ એ છે કે, બંધ ઘર માટે આટલું મોટું બિલ ભર્યા પછી હવે ઉનાળામાં જ્યારે પંખા, એસી સતત ચાલુ રહેશે ત્યારે શું થશે એની ચિંતા મુજ ગરીબને ખાઈ જાય છે. કોઈ પાર્ટીએ હજી એવું વચન નથી આપ્યું કે વીજળીના ભાવ ઓછા કરશું. મારી એક મિત્ર આ વાતને ફિલસૂફની દૃષ્ટિએ જુએ છે. એનું કહેવું છે કે જેમ મોદીજીએ નોટબંધી જેવા નિર્ણયથી અને રાહુલજીએ ગરીબોને વર્ષે 72000 રૂપિયા આપવાનું વચન આપીને આપણને ખુદના ભોગે રાષ્ટ્રભક્તિ પુરવાર કરવાનો, ગરીબોની સહાય કરવાનો મોકો આપ્યો, એ જ રીતે પાવર કંપનીઓ વીજળીના ભાવ વધારીને કે મસમોટાં બિલ મોકલીને આપણને પર્યાવરણ સુરક્ષામાં સહભાગી થવાની તક આપી રહી છે. પૈસા બચાવવા માટે ઇલેક્ટ્રિસિટી સાવ ઓછી વાપરીશું તો દેશનું જ નહીં, આખા ગ્રહનું કલ્યાણ થશે. એની વાત સાચી, પણ અહીં પેલો પ્રશ્ન તો ઊભો જ રહે કે નહીં કરેલા પાપની સજા મળે તેમ નહીં વાપરેલી વીજળીનું મસમોટું બિલ આવે ત્યારે કોનું કલ્યાણ થવાનું? તમને શું લાગે છે, આપણું શું થશે?
[email protected]

X
article by varsha pathak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી