તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાન છે, શું પહેરીને નીકળ્યાં છો?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હમણાં મુંબઈમાં એક જૈફ વ્યક્તિનું મરણ થયું. એમની પાછળ પ્રાર્થનાસભાનું આયોજન થયેલું. મૃતક અને એમની પત્ની વર્ષોથી અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં હતાં, એટલે સ્વાભાવિક રીતે જ શોકસભામાં લોકોની ભીડ હતી. નાનાં-મોટાં બધાં લોકો, આપણે જેને પ્રસંગને અનુરૂપ કહેવાય એવાં કપડાં પહેરીને આવેલાં. અહીં પ્રસંગને અનુરૂપ એટલે માત્ર સફેદ કે કાળા નહીં. શોકપ્રસંગે ફરજિયાત શ્વેત વસ્ત્રો પહેરવાની પ્રથા આપણે ત્યાં ધીમે ધીમે ઓછી થતી ગઈ છે. તેમ છતાં લોકો જેને ‘સોબર’ કહેવાય એવાં કપડાંમાં તો આવે જ છે. અહીં પણ એવું હતું અને પછી ત્યાં અચાનક એક પ્રતિભા પ્રગટી. ઉંમર લગભગ સાઠથી પાંસઠની વચ્ચે, ટાઇટ શોર્ટ બ્લૂ ડ્રેસ, એના પર બ્લેક નેટનું અપર લેયર, માથામાં વિચિત્ર રીતે બાંધેલો બ્લૂ સ્કાર્ફ, ચહેરા પર ભડકીલો મેકઅપ. આમ તો લોકોના ડ્રેસિંગની બાબતમાં હું બહુ જજમેન્ટલ નથી, પરંતુ એ દિવસે હું પણ એને જોઈને બઘવાઈ ગઈ.
અચાનક કોઈ નજીકની વ્યક્તિનું મરણ થયાના સમાચાર આવે અને આપણે જ્યાં હોઈએ, જે વેશમાં હોઈએ ત્યાંથી દોડવું પડે તો સમજી શકાય, પરંતુ યાદ રહે, આ શોકસભા/પ્રાર્થનાસભા હતી. સામાન્ય નિયમ અનુસાર ત્રણ દિવસ પહેલાં છાપામાં જાહેરાત થઈ ગયેલી. તે ઉપરાંત લાગતાંવળગતાં લોકોએ એકબીજાને ફોન પર જાણ કરી લીધેલી. મતલબ મૃતક અને એના પરિવાર સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને જાણ હતી કે આ દિવસે આ સ્થળે શોકસભામાં જવાનું છે. જે લોકો ઓફિસમાંથી સીધા આવેલા એ પણ કદાચ સવારથી આવી રીતે તૈયાર થયા હશે, કે પછી સાંજે ઓફિસમાંથી જ કપડાં બદલીને આવ્યા હતા. આને દંભ કે દેખાડો નહીં, પણ સાદી સભ્યતા કહેવાય. અહીં જેની વાત કરી એ બહેન ક્યાંથી આવેલાં એ હું નથી જાણતી. નાટક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી આ સ્ત્રી પાસે હવે ઉંમર અને કદાચ બીજાં કારણસર ઝાઝું કામ નથી, પણ તોયે ઘરમાં સાવ નવરી તો નહીં જ બેસતી હોય એવું આપણે માની લઈએ. એટલે ત્યાં હાજર એક જણે સહજભાવે કહ્યું કે કદાચ સીધી શૂટિંગમાંથી આવી હશે. આવું બોલનારના શબ્દોમાં ઉદારતા હતી કે કટાક્ષભાવ, એ ખબર નથી, પરંતુ એક વાત નક્કી કે ત્યાં હાજર રહેનાર દરેક વ્યક્તિએ પેલી સ્ત્રીના અજીબોગરીબ રંગઢંગ જોઈને કોઈ અભિપ્રાય તો બાંધ્યો જ હશે, અને એમાં બીજું ગમે તે હોય, પણ આદર તો નહીં જ હોય. શોકપ્રસંગે કોઈ આવા વેશ કાઢીને આવે?

  •  કોઈનો માત્ર દેખાવ જોઈને ભલે એના ચારિત્ર્યનું માપ ન કઢાય, પણ અમુક પ્રસંગે આપણાં કપડાં આપણી અક્કલ-કમઅક્કલનું પ્રદર્શન જરૂર કરી જાય છે

હવે ધારી લો કે એ સિક્સ્ટી પ્લસ ગુજરાતી બહેનજી કોઈ એવા નાટક કે સિરિયલના શૂટિંગમાંથી આવ્યાં હતાં જ્યાં એમને આવી કઢંગી વેશભૂષા ધારણ કરવાની ફરજ પડેલી, પરંતુ સવારે ઘરેથી પણ એ આવી જ રીતે ગયાં હશે? કે સેટ પર જઈને કપડાં બદલ્યાં હશે? તો એવી જ રીતે શૂટિંગ પરથી શોકસભામાં આવતા પહેલાં એમણે ચેઇન્જ કરવાની, અરે! ચહેરા પરથી મેકઅપના થથેડા ધોવા જેટલીયે તકલીફ કેમ ન લીધી, કે પછી એને લેવી જ નહોતી? એનામાં અક્કલ નહોતી કે પછી બધાનું ધ્યાન પોતાના ભણી ખેંચવાની દયામણી કોશિશ હતી? મોટી ઉંમરે પોતાને દિલથી જ નહીં, દેખાવે પણ યંગ એન્ડ બ્યુટીફૂલ દેખાડવા માટે ઘણા લોકો આવા વેશ કાઢે છે, પણ પછી જોકર જેવા લાગે છે. ખાસ કરીને વિદેશ જાય ત્યારે તો એ જાણે ગાંડા થાય છે. તમને આવી એકાદ વ્યક્તિ તો જરૂર મળી હશે.
એનીવે, પેલાં બહેનજીને જોયાં પછી ફરી એકવાર વિચાર આવ્યો કે સારા માઠા કોઈપણ પ્રસંગે યોગ્ય કપડાંનું મહત્ત્વ કેટલું? ધારી લ્યો કે એ અવસરે પ્રેઝન્ટેબલ કહેવાય એવાં કપડાં તમારી પાસે ન હોય તોયે ફાવે તેવાં કપડાં પહેરીને પહોંચી જવું જોઈએ કે પછી સમૂળગું જવાનું જ માંડી વાળવું જોઈએ? આપણે જેમને ગૃહિણી અને વર્કિંગ વુમન, એવા બે વર્ગમાં મૂકીએ છીએ એવી ઘણી સ્ત્રીઓને આ સવાલ પૂછ્યો. કોઈ અપવાદ વિના દરેક જણે કહ્યું કે ક્યાં કેવાં કપડાં પહેરવાં, એની સાદી સમજ પુખ્ત વયની દરેક વ્યક્તિને હોવી જોઈએ. એમાંથી એક જણે કહ્યું કે સારા પ્રસંગે સારાં કપડાં પહેરીએ તો આપણને સારું લાગે અને જેના ઘરે પ્રસંગ હોય એને પણ સારું લાગે. આ સાંભળીને મને ત્રણ-ચાર વર્ષ પહેલાં એક મિત્રએ એના ઘરમાં રાખેલી દિવાળી પાર્ટી યાદ આવી ગઈ. મારા જેવાં બેફિકરા અને ડ્રેસિંગઅપની બાબતમાં થોડા બેદરકાર કહેવાય એવા લોકો પણ બનીઠનીને ગયેલા. ત્યારે યજમાન સ્ત્રીએ કહેલું કે, ‘હેય, મને એટલી ખુશી થાય છે કે તમે બધાંએ આજે અહીં આવવા માટે આટલા સરસ તૈયાર થવાની મહેનત કરી.’ ત્યારે મને સમજાયેલું કે આપણાં કપડાં અને વર્તણૂક પરથી સામેવાળાને ખબર પડતી હોય છે કે આપણે એના પ્રસંગને કેટલું મહત્ત્વ આપીએ છીએ.
સુધાબહેન નામની એક ગૃહિણી કહે છે કે સારાં એટલે મોંઘાંદાટ, ઝાકઝમાળવાળાં કપડાં નહીં. એવાં સ્ત્રી-પુરુષો પણ હોય છે, જે માત્ર સાદાં, પણ સુઘડ, વ્યવસ્થિત કોટનનાં કપડાં પહેરે તોયે એટલાં સરસ લાગે કે જોનારને ખ્યાલ આવી જાય કે એણે પ્રેઝન્ટેબલ દેખાવા માટે મહેનત કરી છે. માણસ એટલી નાની તસ્દી તો લઈ શકે ને? વળી, લગ્ન જેવા સારા પ્રસંગે કદાચ સાદાં કપડાં ચાલી જાય, પણ શોકપ્રસંગે ઝાકઝમાળ તો ન જ સારી લાગે. એવું કોણ હશે જેના કબાટમાં વ્હાઇટ નહીં તો લાઇટ કલરનો એકાદો પણ ડ્રેસ, સાડી કે શર્ટ નહીં હોય? કોઈના દુઃખમાં સહભાગી થવા જઈએ છીએ કે ‘ઝગામગા, મલા બઘા’ એવું કહેવા પહોંચીએ છીએ? અને ધારી લ્યો કે બધાં તમારી તરફ જુએ તો પણ પછી તો ટીકા અને મશ્કરી જ કરવાના છે.
અંતે ખાસ કહેવાનું કે કપડાં, ઘરેણાંને વધુ પડતું મહત્ત્વ આપતા અને બીજાનાં કપડાં અને દેખાવ વિશે સતત પંચાત, ટીકા ટિપ્પણી કર્યા કરતા લોકોની તરફદારી કરવાનો અહીં કોઈ ઇરાદો નથી. એ લોકો બીજા પ્રકારનો ત્રાસ ગુજારે છે. દાખલા તરીકે એક બહેને કહ્યું કે કપડાં અતિ મહત્ત્વની વસ્તુ છે. લોકો ભલે તમારી બુદ્ધિપ્રતિભાનાં વખાણ કરે, તમને બોલાવે, પણ સારાં કપડાં નહીં પહેરો, સાવ સાદા વેશે જશો તો પીઠ પાછળ ટીકા ટિપ્પણી જ કરશે. હવે આ વાત મારા ગળે ખાસ ઊતરી નહીં, પણ એ બહેને કહ્યું તો કદાચ આપણી આસપાસ એવા લોકો પણ હશે.

viji@msn.com

અન્ય સમાચારો પણ છે...