માણસમાં માલ્યા કે મોદી થવાની હિંમત ન હોય ત્યારે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આર્થિક મુસીબત, કરજનો ભાર ભલભલાને તોડી નાખે છે, પણ આપણા દેશમાં શ્રીમંત, મોટા માણસ ગણાતા લોકોને માથે દેવું વધી જાય ત્યારે એ દેશ છોડીને ભાગી જાય છે. ઘરઆંગણે ભલે એને ધિરાણ કરનારી બેન્કો અને એ સાહેબની કંપનીમાં રોકાણ કરનારા કે કામ કરનારા કકળાટ કરતા રહી જાય, પણ પેલા ભાગેડુઓ વિદેશમાં જલસા કરે છે. એમનાં પાપે ભલે અહીં સેંકડો, હજારો લોકો લગભગ સડક પર આવી જાય, પણ પેલા ભાગબહાદુરો ત્યાં વૈભવી લાઇફસ્ટાઇલ માણે છે, અરે! ત્યાં બિઝનેસ પણ કરે છે. જોવાનું એ કે ભૂલેચૂકેય એ બદમાશો કાનૂની સકંજામાં આવી જાય ત્યારે છૂટવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વિદેશી વકીલો રોકે છે. વર્ષો સુધી વિદેશી કોર્ટમાં લડીને અબજોનાં આંધણ કરે છે, પણ જે નાના માણસોના પગાર બાકી રાખીને એ છટકી ગયા હોય છે, એમને એક પાઈ પણ પરખાવવાની તસ્દી નથી લેતા. આપણે અત્યારે વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સી જેવાં થોડાં નામોથી પરિચિત છીએ, પણ એમના જેવા બીજા અનેક લોકો ચૂપચાપ પોતાનાં કાળાં કામ કરીને વિદેશ ભાગી ગયા છે, જેમની ફાઇલ લગભગ બંધ થઈ ગઈ છે. દાખલા તરીકે મુંબઈના પટ્ટણી જ્વેલર્સ. જંગી આર્થિક ફ્રોડ કરનારા આ પરિવારે ભાગી જતા પહેલાં એમના દીકરાની ટ્યુશન ટીચરની ત્રણ મહિનાથી બાકી રાખેલી ફી સુધ્ધાં નહોતી ચૂકવી, તો બીજા તો કેટલાને નવડાવી નાખ્યા હશે. હવે પટ્ટણી પરિવાર પાતાળમાં છે. કોઈ એમને યાદ પણ નથી કરતું, પણ આવા કિસ્સાઓમાં ઊંઘતી રહેતી સરકાર, બેન્ક અને ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીઓ ક્યારેક સફાળી બેઠી થઈ જાય (મોટેભાગે તો રાજકીય દબાણથી) કે પછી ક્યાંકથી માહિતી લીક થઈ જાય ત્યારે સામાન્ય જનતાને ખબર પડે, દાખલા તરીકે સ્ટર્લિંગ બાયોટેક. અને હા, નીરવ મોદીની સાથે ગુમ થઈ ગયેલા એના ભાઈ નિશલ મોદીનું શું થયું એ કોઈ જાણે છે? કદાચ જાણશું પણ નહીં, કારણ કે એ દેશના પાવરફુલ ઔદ્યોગિક ગૃહનો જમાઈ છે.

  • મોટું દેવું કરનાર સપરિવાર વિદેશ ભાગી જાય, પણ નાનું દેવું કરનાર આત્મહત્યા કરે, એનાં બાળકોની જવાબદારી કોના પર?

વિદેશ એવા લોકો જ ભાગે છે, જેમણે અબજો રૂપિયાનું ફ્રોડ કર્યું હોય, જેમની પાસે હજીયે લખલૂટ સંપત્તિ હોય, એમના લેણદારોને અને ભારતને ‘જાવ, થાય તે કરી લ્યો’ કહેવાની હિંમત હોય છે, પરંતુ બધા આવું નથી કરી શકતા. માત્ર લાખોનું, અરે! ક્યારેક તો થોડા હજાર રૂપિયાનું કરજ થઈ જાય તોયે લોકો આત્મહત્યા કરી લે છે. એ લોકો પાસે ઘરથી ભાગીને છુપાવા માટે કોઈ જગ્યા નથી હોતી. અહીં માત્ર ખેડૂતોની વાત નથી, જેમની આત્મહત્યાઓનો મુદ્દો આપણે ત્યાં રાજકીય લડાઈમાં એક મોટું હથિયાર બની ગયું છે. આ પહેલાં પણ લખી ગઈ છું કે ભારતમાં ખેડૂતો કરતાં અનેકગણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આપઘાત કરે છે, પણ એમની પરિસ્થિતિ સમજવામાં સુધારવામાં કોઈ રાજકારણીને રસ નથી, કારણ કે એ મોટી વોટબેન્ક નથી. એનીવે એવા બીજા લોકો પણ છે જેમને નાનું દેવું મોટું ઘાતક પગલું ભરવાની ફરજ પાડે છે. મુંબઈમાં રહેતા એક ગુજરાતી રિયલ એસ્ટેટ એજન્ટે હમણાં મકાનના તેરમા માળેથી ઝંપલાવીને જીવ કાઢી નાખ્યો. માત્ર 36 વર્ષની ઉંમરે એવું અંતિમ પગલું ભરનાર માણસના માથે લગભગ એક કરોડનું દેવું થઈ ગયેલું. એના વિશે જે થોડું ઘણું સાંભળ્યું એના પરથી એવું લાગે કે એણે ટકી રહેવા માટે ખાસ્સો સંઘર્ષ તો કર્યો હશે. શેરબ્રોકર તરીકેના કામકાજમાં થોડા વર્ષ પહેલાં ભારે ખોટ ગઈ, એ પછી એણે એસ્ટેટ એજન્ટ તરીકે કામ શરૂ કર્યું. એ પણ ચાલ્યું નહીં. પત્ની અને પાંચ વર્ષના દીકરાની સાથે પોતાનું ઘર છોડીને થોડી સસ્તી ગણાય એવી જગ્યાએ રહેવા ગયો. પત્ની પણ નોકરી કરે છે. છેવટે મુસીબતમાંથી નીકળવાનો કોઈ રસ્તો નહીં દેખાયો હોય ત્યારે આ માણસે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો. પત્ની અને નાના પુત્રને રખડતા મૂકીને આપઘાત કરી લેવો કંઈ સારી વાત ન કહેવાય, પણ આ માણસ મરતા પહેલાં જે ચિઠ્ઠી મૂકતો ગયો એના પરથી પહેલી છાપ એ પડે કે એ સાવ બદમાશ નહીં હોય. ઘણીવાર કરજના ભારથી મરનારા માણસો પોતાના મોત માટે લેણદારો દ્વારા થતી કડક ઉઘરાણીઓને જવાબદાર ઠેરવે છે. મરનારના ઘરવાળા આ મતલબની પોલીસ ફરિયાદો નોંધાવે છે અને પછી જેણે કરજ આપ્યું હોય એના પૈસા તો ડૂબી જાય, ઉપરથી એમણે જેલમાં જવાનો વારો આવે, પરંતુ આ કિસ્સામાં મરનારે પોતાની છેલ્લી ચિઠ્ઠીમાં આવી કોઈ હેરાનગતિનો ઉલ્લેખ નથી કર્યો. ઊલટું સાદી ભાષામાં પોતે જેની પાસેથી પૈસા લેવાના બાકી નીકળે છે એની સાથેસાથે પોતે કોને કોને આપવાના છે, એમનાં નામ પણ લખ્યાં છે. નિયમાનુસાર પોલીસ એમની પૂછપરછ કરશે, પણ કદાચ એ લોકોને વધુ હેરાન નહીં કરે. હા, આ લોકોને સ્વાભાવિક રીતે મરનાર પ્રત્યે કોઈ આદર કે સહાનુભૂતિ તો નહીં જ થાય, કારણ કે એમણે હવે પોતાના પૈસાનું નાહી નાખવું પડશે અને સમજુ લોકોને કદાચ મરનાર ઉપરાંત લેણદારો પ્રત્યે પણ સહાનુભૂતિ થશે અને થવી જોઈએ.
હવે બીજી વાત. આત્મહત્યા કરનાર એની પાછળ યુવાન પત્ની અને પાંચ વર્ષના દીકરાને મૂકી ગયો છે. એ બરાબર જાણતો હશે કે એના ગયા પછી આ બે જણની જિંદગી અત્યંત કઠિન થઈ જવાની છે. આપણે ત્યાં મિડલ ક્લાસની સ્ત્રી માટે પતિના ગયા પછી નવેસરથી જીવન શરૂ કરવાનું અશક્ય તો નહીં, પણ અઘરું અને એમાંયે બાળક હોય ત્યારે તો વધુ આકરું પડે. આ કિસ્સામાં તો આર્થિક સ્થિતિ પણ નબળી છે. સંજોગો સામે હારી ગયેલા પેલા માણસે એવું ધારી લીધું કે પત્ની હવે એકલે હાથે લડી લેશે? કે પછી હવે બીજા લોકો મદદે આવશે?
આ છેલ્લો પ્રશ્ન ભલે સાંભળવામાં સારો ન લાગે, પરંતુ હકીકત છે કે આત્મહત્યા કરનાર અમુક લોકો એવી અપેક્ષા રાખે છે કે એની પાછળ એના ઘરવાળાને બીજા સગાંસંબંધી અને મિત્રો સાંભળી લેશે. ચિઠ્ઠીમાં કહેતા જાય કે મને માફ કરજો, પણ મારી પાછળ મારાં સંતાનોને સાચવી લેજો. પતિ-પત્ની સાથે આપઘાત કરે ત્યારે પણ એવું લખતાં જાય. જ્યારે પણ એવું સાંભળું ત્યારે મને થોડી ચીડ ચઢે. કેમ ભૈ, તમારાં બાળકોની જવાબદારીમાંથી તમે હાથ ખંખેરી નાખ્યા અને હવે એ બોજ બીજાને માથે નાખતાં જાવ છો? અહીં ‘બોજ’ શબ્દ બહુ સમજી વિચારીને વાપર્યો છે. આપણું સામાજિક માળખું, સોશિયલ સપોર્ટ સિસ્ટમ આમ તો બહુ મજબૂત છે. સાજેમાંદે સહુ દોડતા આવે છે, બને એટલી મદદ કરે છે અને અનાથ થઈ ગયેલાં બાળકોને ઘણીવાર એમના જ પરિવારજનો સાચવી લે છે, પરંતુ એમને પણ અંદરખાને કદાચ થોડો કચવાટ તો થતો હશે. મધ્યમવર્ગીય પરિવાર માટે પોતાનાં સંતાનોને ઉછેરવાનું પણ સહેલું નથી હોતું. બીજાનાં બાળકો ભલે ગમે તેટલાં વહાલાં હોય, પણ પછી એમની કાયમી જવાબદારી લેવાની આવે ત્યારે ભારે પડે છે. એ લોકો જવાબદારી સ્વીકારવાની ના પાડે કે કચવાટ દાખવે તો એમનો દોષ કાઢી શકાય?

viji@msn.com

અન્ય સમાચારો પણ છે...