Home » Rasdhar » વર્ષા પાઠક
સમાજમાં બનતી ઘટનાઓ પર આગવી દૃષ્ટિથી જોતાં અને કડક મિજાજે લખતાં વર્ષા પાઠક નીવડેલાં નવલકથાકાર પણ છે.

સ્ત્રીઓ માટે સપ્લિમેન્ટ્સ લાભકારક છે?

  • પ્રકાશન તારીખ31 Aug 2018
  •  

પોતાની આરોગ્ય સંબંધી દરેક સમસ્યાના નિદાન અને ઉપચાર માટે આ ફૅમિલી વર્ષોથી એક જ ડૉક્ટર પાસે જાય છે. એમને વિશ્વાસ છે કે આ ફૅમિલી ડૉકટર હંમેશા સાચી સલાહ આપશે, બિનજરૂરી મેડિકલ રિપોર્ટ્સ કઢાવવાનું નહિ કહે, અને ખપ પૂરતી દવા જ આપશે. છેલ્લા લગભગ પચીસ વર્ષમાં એમને આ બાબતમાં ફરિયાદનું કારણ નથી મળ્યું. પણ હમણાં હમણાંથી આ પરિવારને એવું લાગવા માંડ્યું છે કે ડૉક્ટર હવે વધુ પડતી ‘બહારની દવા’ પ્રિસ્ક્રાઈબ કરે છે. એક સમયે માત્ર ક્લિનીકમાંથી જ મોટાભાગની ગોળીઓ આપી દેતા ડૉક્ટર હવે નાની બિમારી માટે પણ દવાઓનું લિસ્ટ લખીને પેશન્ટ્સને મેડિકલ સ્ટોરમાં મોકલે છે. રેગ્યુલર પેશન્ટ્સ સહેજ મુંઝાયા છે કે એમના ડૉક્ટર અચાનક કેમ એવું કરવા લાગ્યા?

મુદ્દો|કેલ્શિયમના ઓવરડોઝથી કિડનીસ્ટોન અને હૃદયરોગની શક્યતાઓ વધવાનું સરવેમાં કહેવાયું છે

હવે શક્ય છે કે વધતી જતી ઉંમર અને એની સાથે આવતી નાનીમોટી બિમારીઓને કારણે આ પરિવારના સભ્યોને ખરેખર વધુ દવાઓ, ખાસ કરીને વિટામિન સપ્લિમેન્ટ્સની જરૂર પડતી હોય, જે ડૉક્ટરના ક્લિનિકમાં નહિ, પણ મેડિકલ સ્ટોરમાંથી જ મળે. પોતાની દવાઓ વેચવા માટે દુનિયાભરની ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે પેંતરા કરે છે, એનાથી આપણે માહિતગાર છીએ. કથિત નિષ્ણાતો પાસે એવા સર્વે કરાવે જે અમુકતમુક રોગોનો ભય બતાવે, અખબારોમાં એમની દવાઓની તરફેણ કરે એવા પેઈડ રિપોર્ટ્સ છપાવે,ડોક્ટર્સને મોંઘી ભેટસોગાદોથી માંડીને મફત ફોરેન ટ્રિપ્સ આપે, મેડિકલ કોન્ફરન્સીસ સ્પોન્સર કરે, મેડિકલ સ્ટોર્સવાળાને વધુ કમિશન આપે, વગેરે વગેરે. પરંતુ એક વ્યક્તિ વર્ષમાં કેટલીવાર માંદી પડી શકે? વળી લાઈફ સેવિંગ ડ્રગ્સની કિંમત પર તો સરકાર પણ ચાંપતી નજર રાખે. વર્ષો પહેલા આ જ્ઞાન પામી ગયેલી ફાર્મ કંપનીઓએ પ્રિવેન્ટિવ મેડિકેશન્સનો વિચાર વહેતો મૂકી દીધો. લોકોને કહેવા માંડ્યું કે અત્યારે ભલે અમુકતમુક રોગ ન હોય પણ ભવિષ્યમાં થવાની શક્યતા છે. એનાથી બચવા માટે અત્યારથી અમારી દવા લેવા માંડો. આ દવાઓને વિટામિન સપ્લિમેન્ટ્સ જેવા રૂપાળા નામ અપાયા. જરૂર હોય કે નહિ, લોકો, ખાસ કરીને શહેરમાં વસતા સુખી ઘરના લોકોને આ કન્સેપટ વેચવાનું સહેલું છે. બિમાર વ્યક્તિ ડૉક્ટર પાસે જાય એટલે એને જરૂરી દવાની સાથે ડોક્ટર વિટામિન ટેબ્લેટ્સ, ટૉનિકસનું પ્રિસ્ક્રિપશન લખી આપે. પેશન્ટને પોતે હેલ્ધી થઇ ગયાનો સંતોષ મળે ,મેડિકલ સ્ટોર અને ફાર્મ કંપનીઓ ખુશ રહે. એવું બને કે પેલા ફૅમિલી ડોક્ટરને કદાચ એવું લાગવા માંડ્યું છે કે બીજા બધાં આવું કરતાં હોય તો પોતે શું કામ સિદ્ધાંતોનું પૂંછડું પકડી રાખવું? મોંઘવારી તો એમને પણ નડતી હશે.


ફરી એકવાર કહેવાનું કે એ ડૉક્ટરની દાનત પર શંકા કરવા માટે કોઈ સોલિડ કારણ નથી, અને દુનિયામાં એમના જેવા સારા, પ્રામાણિક ડૉક્ટર્સ હોય પણ છે, જે ફાર્માસ્યુટિકલ કંપનીઓને ગાંઠતા નથી. અને કદાચ એટલેજ લાઇફસ્ટાઇલ ડ્રગ્સ, વિટામિન સપ્લિમેન્ટ્સ બનાવતી વધુને વધુ કંપનીઓ હવે સીધેસીધી જાહેરખબર કરીને સાજા નરવા લોકોને પણ આકર્ષતી થઇ ગઈ છે. વિટામિન સપ્લિમેન્ટ્સની જાહેરખબર હવે ફિલ્મસ્ટાર્સ કરે છે. એ આડકતરી રીતે કહે છે કે અમારા જેવા ફિટ, હેન્ડસમ, બ્યુટીફૂલ, એન્ડ અફકોર્સ સક્સેસફુલ બનવું હોય તો આજથીજ આ પ્રોડક્ટ લેવા માંડો. એક સમયે મેનોપોઝમાં આવી ગયેલી સ્ત્રીઓને એમના હાડકા મજબૂત રાખવા માટે કેલ્શિયમ ટેબ્લેટ્સ લેવાની ભલામણ થતી હતી. પછી કહેવાયું કે મેનોપોઝ આવે એ પહેલા, એટલેકે ચાલીસેક વર્ષની ઉંમરથી આ દવા લેવા લાગો. પછી અચાનક આપણા દેશના લોકો વિટામિન ડીની ઉણપથી પીડાતા હોવાના રિપોર્ટ્સ છાપવા લાગ્યા, એની દવાઓ ધૂમ વેચાવા લાગી.હવે આ લેટેસ્ટ જાહેરખબરમાં પેલી ફિલ્મી સુંદરી ભલામણ કરે છે કે બહેનો, હાડકાં મજબૂત રાખવા હોય તો ત્રીસ વર્ષની ઉંમરથી આ મલ્ટીવિટામીન સપ્લિમેન્ટ્સ લેવાનું શરુ કરી દો.


હવે પ્રશ્ન એ છે કે ખરેખર આપણને આ બધા વધારાના વિટામિન્સની જરૂર હોય છે? અમુક સંજોગોમાં કદાચ એની આવશ્યકતા વર્તાય, બાકી નિયમિત યોગ્ય ખોરાક લેતી વ્યક્તિને એના ભોજનમાંથી જોઈતું પોષણ મળી જાય છે, અને વધારાના વિટામિન્સ કઈ કામ કર્યા વિના શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે એ તો કોઈપણ સારો ડૉક્ટર કહેશે. માત્ર કેલ્શિયમ સપ્લિમેન્ટ્સની વાત કરીએ તો એ લેવાથી સ્ત્રીઓના હાડકાં હેલ્થી રહે છે, ઓસ્ટિયોપોરોસિસ જેવો પ્રોબ્લેમ થતો નથી, પરિણામે મોટી ઉંમરે ફ્રેક્ચરનો ભય ટળી જાય છે, આવું જોરશોરથી કહેવાય છે. પણ છેક વર્ષ 2005માં થયેલા બે બ્રિટિશ અભ્યાસમાં એવું તારણ નીકળ્યું કે આ દવા ને દાવામાં દમ નથી. એના બે વર્ષ પછી અમેરિકન અને સ્વિસ નિષ્ણાતોએ એમના રિસર્ચ રિપોર્ટ્સ આપ્યા કે વધારાનું કેલ્શિયમ લીધા પછીયે મોટી ઉંમરે સ્ત્રીઓમાં હિપ બોન ફ્રેક્ચરનો ભય પહેલા જેટલો જ રહે છે. સ્ત્રીસ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરતી પ્રતિષ્ઠિત સંસ્થા પણ આની સાથે સહમત થઇ. ફાયદો નથી થતો, એટલું જ નહિ કેલ્શિયમના ઓવરડોઝને પરિણામે કિડનીસ્ટોન અને હૃદયરોગની શક્યતાઓ વધી જાય છે, એવું પણ સેંકડો સ્ત્રીઓમાં કરાયેલા સર્વેક્ષણ પછી કહેવાયું. આજે આટલા વર્ષો પછી ક્યાંય એ રિપોર્ટ્સનો ઉલ્લેખ થાય છે?

શ્રીમંત, વિકસિત દેશોમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓ વધુ વિટામિન સપ્લિમેન્ટ્સ લેતી હોવાનું કહેવાય છે. એના અનેક કારણો છે. સ્ત્રીઓ વધુ કામ કરે છે અને વધુ થાકે છે; મેનોપોઝ પછી થનારી સમસ્યાઓના અતિશયોક્તિભર્યા રિપોર્ટ્સ બહાર પડે છે; પુરુષની તુલનાએ સ્ત્રીઓમાં યુવાની અને સુંદરતા જાળવી રાખવાની ઈચ્છા વધુ હોય છે. ને આ બધામાં એને અમુકતમુક વિટામિન સપ્લિમેન્ટ્સ મદદ કરશે એવા દાવા સ્ત્રીઓ સ્વીકારી લે છે. અમુક સાબુથી નાહનારી સ્ત્રી આઠદસ વર્ષના બાળકની માતા બન્યા પછીયે કૉલેજ ગર્લ જેવી લાગે, એવી જાહેરખબરો આપણે ત્યાં ચાલે જ છે ને. ભારત જેવા ગરીબ દેશમાં વિટામિન સપ્લિમેન્ટ્સ, ખાસ કરીને સ્ત્રીઓ માટેના હેલ્થ પ્રોડક્ટ્સની માર્કેટ ઉઘડી રહી છે. પણ એને મોટી થતા વાર નહિ લાગે એ નક્કી.


અને હા, એક તરફ આ વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાની ભલામણ થાય છે, તો બીજી તરફ એ જ વિટામિન્સ જેમાંથી કુદરતી રીતે મળે, એને આડકતરી રીતે ખરાબ, અનહેલ્ધી ઠરાવી દેવાય છે. દાખલા તરીકે શાકાહારીઓ માટે કેલ્શિયમનો સહુથી મોટો સોર્સ, દૂધ અને એમાંથી બનતા ચીઝ, પનીર, દહીં જેવા પ્રોડક્ટ્સ છે, પણ કથિત નિષ્ણાતો દૂધને નુકશાનકારક ઠરાવવા લાગ્યા છે. એ જ રીતે વિટામિન ડી, સીધેસીધું સૂર્યપ્રકાશમાંથી મળે છે, પણ સૂરજના તડકાથી બચવા માટે સ્ત્રીઓમાં સનસ્ક્રીનનો ઉપયોગ વધી રહ્યો છે. સમજાતું નથી કે હેલ્ધી રહેવા માટે કોને પૂછવું- ડોક્ટરને, ફિલ્મસ્ટારને કે ગૂગલને?
viji59@msn.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP