Home » Rasdhar » વર્ષા પાઠક
સમાજમાં બનતી ઘટનાઓ પર આગવી દૃષ્ટિથી જોતાં અને કડક મિજાજે લખતાં વર્ષા પાઠક નીવડેલાં નવલકથાકાર પણ છે.

આગાહી ખોટી પુરવાર થાય તેનું શું?

  • પ્રકાશન તારીખ22 Aug 2018
  •  

મહારાષ્ટ્રમાં મરાઠવાડા પ્રદેશના બે ખેડૂતે ભારતીય હવામાન ખાતા (IMD) સામે છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો કેસ કર્યો છે. પરભણીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર ખેડૂતોનું કહેવું છે કે હવામાન ખાતાના અધિકારીઓ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ બનાવતી કંપનીઓ સાથે મળી ગયા છે. વરસાદની ખોટી આગાહી સાંભળીને ખેડૂતો વાવણી કરી નાખે છે અને પછી કોરા આકાશ સામે જોતા બેસી રહે છે. જેટલું વાવ્યું એટલું બળી જાય છે. પછી નવું બિયારણ ખરીદીને નવેસરથી કામ કરવું પડે છે. ગયા વર્ષે બીડના એક ખેડૂતે પણ આવી પોલીસ ફરિયાદ કરેલી. એ વખતે મહારાષ્ટ્રના હવામાન વિભાગ અને રાજ્ય સરકારે પણ આ બાબતને ગંભીરતાપૂર્વક લેવાનું આશ્વાસન આપેલું, જે ઠાલું સાબિત થયું. આ વર્ષે ચિઢાયેલા બીજા બે ખેડૂતે પોલીસ ફરિયાદ કરી છે.

ભાવિની આગાહી કરનારા જ્યોતિષીઓ ખરેખર કેટલીવાર સાચા પડે છે?

હવામાનની આગાહી કરનારા ભ્રષ્ટાચારી છે એવું હજી સુધી સાબિત નથી થયું અને આશા રાખીએ કે એવું ન પણ હોય, પરંતુ આપણે ત્યાં ખોટી આગાહીઓ થાય છે એ હકીકત છે. એનું એક કારણ એ અપાય છે કે હવામાન વિભાગ હજી બાવા આદમના જમાનાનાં સાધનો અને પદ્ધતિ વાપરે છે. બીજું બહાનું તો હંમેશાં હાથવગું હોય કે કુદરતનો ભરોસો નહીં, ગમે ત્યારે રૂપ બદલી શકે. વળી, દિનબદિન દેશનું જ નહીં દુનિયાભરનું હવામાન અણધારી રીતે બદલાવા, રાધર બગડવા માંડ્યું છે, એમાં કોઈ શું કરી શકે? ત્રણેક વર્ષ પહેલાં પાકિસ્તાનમાં એક ખેડૂતે સરકાર પર કેસ કરેલો કે હવામાન બગડી રહ્યું છે, એ જાણ્યા બાદ સરકારની ફરજ છે કે કુદરતી કોપ સામે નાગરિકોનું રક્ષણ કરવું અને એ ફરજ નહીં બજાવનાર સરકારને અપરાધી ઠરાવવી જોઈએ. આપણે ત્યાં હજી કોઈને આવો વિચાર નથી આવ્યો, પણ પરિસ્થિતિ સુધરી નહીં તો કદાચ કોઈને એવો કેસ નોંધાવવાની કે આંદોલન શરૂ કરવાની પ્રેરણા મળશે. આ સાંભળ્યા પછી જોકે બીજો વિચાર આવે છે કે ખોટી આગાહીઓ કરનાર પર કેસ થતા હોય કે કરવા જોઈએ, તો હવામાન વિભાગનીયે પહેલાં કોને ઝપટમાં લેવા જોઈએ?- યુ આર રાઇટ, જ્યોતિષીઓને.


નવજાત બાળકથી માંડીને દેશ, અરે! દુનિયાના ભાવિની આગાહી કરનારા જ્યોતિષીઓ ખરેખર કેટલીવાર સાચા પડે છે? ખેડૂતો ફરિયાદ કરે છે કે વરસાદ અંગે થયેલી ખોટી આગાહીથી એ વર્ષે બિયારણ પર કરેલો ખર્ચ અને વાવણી માટે કરેલી મહેનત પાણીમાં જાય છે, એટલે હવામાન વિભાગને અપરાધી ઠરાવવો જોઈએ. તો પછી જ્યોતિષીને બોલાવીને સારાંનરસાં મુહૂર્ત જોઈને શરૂ કરેલો બિઝનેસ નિષ્ફળ જાય કે ગુણ અને ગ્રહો જોઈને ગોઠવેલાં લગ્ન ભાંગી પડે તો એ જાણતલ જોશી પર કેસ થઈ શકે કે નહીં? પણ આપણે ત્યાં ઊંધું થાય છે. મહાન ગણાતા જ્યોતિષીની આગાહી અને સલાહ માનીને કરેલું કોઈ કામ બગડે, તો એને સુધારવા માટે ફરીથી એ જ મહાત્માની મદદ મંગાય છે. પહેલીવાર તો એમણે કહ્યા મુજબ ગ્રહો ચાલ્યા નહીં, પછી વધુ પૈસા ખર્ચીને, પૂજાપાઠ કરાવીને એ મહાત્મા ગ્રહોની ચાલ બદલી આપશે, એવી એમની ખાતરીમાં આપણે આસાનીથી વિશ્વાસ મૂકી દઈએ છીએ. ફરીથી એમની ખાતરી અને ભવિષ્યવાણી ખોટી પડે તો એમને બદલે કિસ્મતને દોષ આપીને બેસી રહીએ છીએ. એથીયે આગળ જનારા વીતેલા જન્મમાં કરેલાં કર્મને જવાબદાર ઠેરવે છે. હવે જો બધો આધાર નસીબ અને પાછલા જન્મનાં કર્મો પર રહેતો હોય તો પછી શું કામ જ્યોતિષીઓનાં ચક્કરમાં પડવું?

જ્યોતિષીઓએ આ વર્ષે કહી દીધું છે કે જે બહેન ભાઈનું ભલું ઇચ્છતી હોય એણે સવારે 6:24ની પહેલાં અને સાંજે 5:27 પછી રાખડી બાંધવી નહીં અને હા, વચ્ચે 10:35થી 11:38 અને 12:41થી 1:44 સમય પણ ડેન્જરસ છે.

ચાલો, માની લીધું કે જ્યોતિષીઓ તો દુકાન ખોલીને બેઠા છે અને સાચી-ખોટી ભવિષ્યવાણી કરીને જ એમનો બિઝનેસ ચાલે, પણ એ દુકાને જવું કે નહીં એ તો સામેવાળાની મરજી પર આધાર રાખે છે ને? પંડિતજી કંઈ કોઈને કોલર ઝાલીને પોતાની દુકાનમાં ખેંચી નથી લાવતા, પરંતુ જેમ હવામાન વિભાગ પોતાની ફરજ સમજીને વરસાદ, ઠંડી, ગરમીની આગાહી કર્યા કરે છે તેમ અમુક જ્યોતિષીઓને કોઈ કંઈ પૂછે નહીં તોયે ઈશ્વરે આપેલી ડ્યૂટી સમજીને એ સમાજસેવકો વિચિત્ર આગાહીઓ કર્યા કરે છે અને લોકો અક્કલ વાપર્યા વિના બ્રહ્મવાક્ય માનીને અનુસર્યા કરે છે. દાખલા તરીકે રક્ષાબંધનના દિવસે ભાઈને કયા સમયે રાખડી બાંધવી?

જ્યોતિષીઓએ આ વર્ષે કહી દીધું છે કે જે બહેન ભાઈનું ભલું ઇચ્છતી હોય એણે સવારે 6:24ની પહેલાં અને સાંજે 5:27 પછી રાખડી બાંધવી નહીં અને હા, વચ્ચે 10:35થી 11:38 અને 12:41થી 1:44 સમય પણ ડેન્જરસ છે. ગયા વર્ષે પણ આવી ટાઇમ લિમિટ અપાયેલી. તમને વિચિત્ર નથી લાગતું કે જેને આપણે જુનવાણી જમાનો કહીએ છીએ ત્યારે રાખડી બાંધવા માટે કોઈ શુભ મુહૂર્તની ઘોષણા નહોતી થતી. બહેનો પોતાના અનુકૂળ સમયે જઈને ભાઈને રાખડી બાંધી દેતી. બંને પક્ષ નોકરી કરતા હોય કે બીજા કોઈ સંજોગો નડતા હોય તો મોડી રાતે કે આગલે દિવસે પણ રાખડી બંધાઈ જતી અને પછી સહુ ખાઈપીને રાજ કરતા, પણ ભણતર વધવાની સાથે ધતિંગ પણ વધ્યા છે. હવે રાખડી બાંધવા માટે પણ મુહૂર્ત જોવાય છે. જ્યોતિષીઓએ ભાવિ ભાખી દીધું છે કે શુભ સમયે રાખડી નહીં બાંધો તો ભાઈની રક્ષા નહીં થાય. ભાઈની કે બીજા કોઈની પણ રક્ષા ખરાબ સમયમાં થવી જોઈએ, તો રાખડી પણ પ્રતિકૂળ ગણાતી ગ્રહદશા દરમ્યાન જ બંધાવી જોઈએ કે નહીં? એનીવે, આ ચેતવણી સાંભળી ત્યારથી અનેક બહેનોએ સાંજે પાંચ પહેલાં ભાઈને ઘેર પહોંચી જવાનું નક્કી કરી નાખ્યું છે. અશુભ આગાહી સ્ત્રીઓને વધુ ડરાવે છે. અંધશ્રદ્ધા જોકે પુરુષોમાંયે હોય છે, વૉટ્સએપ આવ્યા પછી તો દાટ વળી ગયો છે. ભેજું ચકરાઈ જાય એવાં ગપ્પાં, સાયન્ટિફિક સત્યના નામે ફોરવર્ડ થાય છે. તાજેતરમાં એવા જ્ઞાનની વહેંચણી થઈ કે ભગવાનની પ્રતિમા પર ચઢતું દૂધ ધરતીના પેટાળમાં ઊતરીને અંદર ધખધખતા લાવાને ઠારે છે, એટલે ભારતમાં જ્વાળામુખી નથી ફાટતા. મતલબ શિવજી પર દૂધનો અભિષેક કરનારા હકીકતમાં પર્યાવરણની, દેશની સેવા કરે છે. ખબર નહીં આ શોધ કયા મહાન ભૂસ્તરશાસ્ત્રીએ કરી છે?


જોકે, આવી વાતને અંધશ્રદ્ધા ગણાવીને હસનારા શાણાઓ બીજી તરફ પોતાના નામના સ્પેલિંગ્સ બદલીને પોતાની અક્કલ, રાધર કમઅક્કલનું પ્રદર્શન કરતા રહે છે. નામમાં વધારાની એબીસીડી ઉમેર્યા પછીયે ફ્લોપ જનારા, બેકાર રખડતા કલાકારો એમના ન્યુમરોલોજિસ્ટ પર છેતરપિંડીનો દાવો કરી શકે? જ્યોતિષીની સલાહ પ્રમાણે જુદાં જુદાં નંગની વીંટીઓ, માળા પહેરતા અને પછીયે ઠેબાં ખાતા લોકો ક્યારેય કહે છે કે જ્યોતિષીઓ અને નંગ બનાવનારા, વેચનારા વચ્ચે સાઠગાંઠ છે, એટલે પોલીસ ફરિયાદ કરો. ના, નથી કહેતા, કારણ કે ઉલ્લુ બનનારા અંદરખાને જાણે છે કે સલાહ આપનારા પાસે કોઈ સોલિડ સાયન્સનો આધાર નથી. બીજી તરફ ખેડૂતોને હવામાન વિભાગ સામે જુઠાણાં, બેદરકારી, ભ્રષ્ટાચાર જેવા આરોપ મૂકવાનો પૂરેપૂરો અધિકાર છે, કારણ કે ત્યાં વૈજ્ઞાનિક ઢબે સુધારાની શક્યતા છે, પણ સુધારો નથી થતો.


અને છેલ્લે એક નિર્દોષ પ્રશ્ન-જ્યોતિષીઓ ભવિષ્ય જાણે છે, ભવિષ્યમાં થનારી તકલીફોનું નિવારણ પણ સૂચવે છે, તો વરસાદ ક્યારે થશે અને નહીં થાય તો શું કરવું, એ પૂછવા માટે ખેડૂતોએ એમની પાસે જ જવું જોઈએને? અને હા, બહેનોને પણ ખબર પડવી જોઈએ કે 26 ઓગસ્ટે રાખડીની સાથે છત્રી લઈને નીકળવું કે નહીં?

viji@msn.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP