Home » Rasdhar » વર્ષા પાઠક
સમાજમાં બનતી ઘટનાઓ પર આગવી દૃષ્ટિથી જોતાં અને કડક મિજાજે લખતાં વર્ષા પાઠક નીવડેલાં નવલકથાકાર પણ છે.

આ અમિતાભ અને લખન આપણા રોલ મોડેલ્સ છે?

  • પ્રકાશન તારીખ15 Aug 2018
  •  

ઇન્ડિયન ટેલિવિઝન પર ‘કૌન બનેગા કરોડપતિ’ની દસમી સિઝન શરૂ થવામાં છે. શો સુપરહિટ જવાની ભવિષ્યવાણી થઈ ચૂકી છે અને આગાહી જ્યોતિષીઓએ નહીં, પરંતુ કોઈપણ સિરિયલના પાસ્ટ રૅકોર્ડ પરથી અંદાજ બાંધનારા નિષ્ણાતોએ કરી છે, એટલે સાચી પડવાના ચાન્સીસ વધુ છે. શોની જાહેરખબર મહિનાઓથી ચારેકોર થવા લાગી છે. આપણે ત્યાં કોઈપણ પ્રોગ્રામને સફળ બનાવવા માટે એમાં થોડો કરુણરસ ઉમેરવાની પરંપરા છે. કેબીસીના ટીવી પ્રમોશનમાં પણ આવી જ ટ્રિક અજમાવાઈ. હોસ્ટ અમિતાભ બચ્ચનની સામે હૉટ સીટ પર બેઠેલો ટેક્સી ડ્રાઇવર લખન પોતાના પુત્ર માટે કરેલા સંઘર્ષની વાત કરે છે. અફકોર્સ આ કોઈ રિયલ કોન્ટેસ્ટેન્ટ નહીં, પણ મૉડેલ છે, જે કહે છે કે દીકરાને સારી સ્કૂલમાં મૂકવા માટે મોટું ઘર વેચીને નાના ઘરમાં રહેવા ગયો. પછી ખર્ચ વધ્યો તો રાત-દિવસ મહેનત કરવા લાગ્યો અને હવે દીકરાને એન્જિનિયરિંગ કૉલેજમાં દાખલ કરવા માટે ફીની વ્યવસ્થામાં પડ્યો છે.

દેખાદેખી દૂષણ નહીં, પણ મહાન સદ્્ગુણ છે, એવો પ્રચાર કરનારની અક્કલ પર શંકા કરશો કે એને વધાવી લેશો?

જોકે, ચિંતા કરવાને બદલે એ લડી લેવાની વાત કરે છે. ‘કૌન બનેગા કરોડપતિ’માં ભાગ લેવા આવ્યો છે, પણ હારી જાય તોયે નિરાશ થવાને બદલે વધુ મહેનત ચાલુ રાખશે એવું કહે છે અને આ સાંભળીને બચ્ચન ઇમોશનલ થઈ જાય છે, આવા મહાન પિતા પર પ્રશંસાની ફૂલવાડી વરસાવી દે છે.


પુત્ર માટે જાત ઘસી નાખનાર આ પિતાની વાર્તા ઘણાને પ્રેરણાદાયી લાગે છે, પણ મને તો ગુસ્સો આવ્યો છે. ભલા આ કહાણી બનાવનારા, બતાવનારા, આખરે કહેવા શું માગે છે? એમાં એ ગરીબ પણ મહાન પિતા લખન દીકરાને ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકવા માટે મોટું ઘર વેચીને નાના ઘરમાં રહેવા જાય છે. આ નરી દેખાદેખી અને બેવકૂફી નથી? આપણા દેશમાં લાખો બાળકો સરકારી સ્કૂલોમાં જાય છે. જરૂર પડી ત્યાં સાથે મજૂરી પણ કરીને અનેક છોકરા છોકરીઓએ પોતાનું ભવિષ્ય સફળતાભેર ઘડ્યું છે. ધારી લ્યો કે આપણે ત્યાં સરકારી સ્કૂલ અને તેના શિક્ષણનું ધોરણ જોઈને કદાચ લખન જેવા પ્રેમાળ પિતા દીકરાને દાખલ કરતા ખચકાય, પણ શહેરમાં બીજી સારી પણ ઓછી ફી લેતી સ્કૂલો નથી? પણ એ તો દીકરાને એકદમ સારી સ્કૂલમાં અને અહીં સારી એટલે ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકવાનો આગ્રહ રાખે છે. કોઈ માતા-પિતા પોતાના સંતાનને વર્ષેે લાખોની ફી લેતી સ્કૂલમાં મૂકવા માગે તો એમની મરજી, પણ પરવડવું તો જોઈએને? લખનભાઈ શ્રીમંતોની સ્કૂલો જોઈને પોતાનું ઝૂંપડું બાળતો નથી, પણ વધુ નાના ઝૂંપડામાં રહેવા જાય છે. આ જોઈને તાળીઓ પાડવાની કે એનો કાન આમળવાનો? આ જોઈને ગરીબ કે મિડલક્લાસ પિતાઓને પણ આવો ત્યાગ કરવાની ચાનક ચઢવી જોઈએ?

અને જે આવું ન કરે એ આદર્શ પિતાની કેટેગરીમાંથી બાદ થઈ જાય? આટલું વાંચીને કોઈ કહેશે કે ફિલ્મો, ટીવી શો, જાહેરખબરોમાં તો આવું ચાલ્યા જ કરે છે, શું કામ એને મહત્ત્વ આપવાનું? પરંતુ મારું દિમાગ છટક્યું એની પાછળ કારણ છે. પહેલી વાત તો એ કે આ પોપ્યુલર ટીવી શો છે અને સહુથી મોટી વાત તો એ કે શ્રી અમિતાભ બચ્ચન નામની મહાન હસ્તી આ કથાને પ્રેરણાત્મક કિસ્સા તરીકે રજૂ કરે છે. કદાચ એ જોઈને બીજા રામ, લખન કે બજરંગી ખુદના દીકરાને ઇન્ટરનેશનલ સ્કૂલમાં દાખલ કરાવવા માટે પોતાનાં ઘર વેચી નહીં નાખે, પણ ક્યાંક કોઈના મનમાં ખટકો જરૂર લાગશે કે હું મારા દીકરાને સરકારી કે હિન્દી મીડિયમ સ્કૂલમાં ભણાવું છું.


વર્ષો પહેલાં મુંબઈના એક અમ્યુઝમેન્ટ પાર્કની જાહેરખબરમાં એક છોકરો એના દોસ્તને કહેતો હતો કે મારા પપ્પા તારા પપ્પાથી સારા છે, કારણ કે એ મને આ મજાની જગ્યાએ લઈ જાય છે. એ વખતે સોશિયલ મીડિયા જેવો શબ્દ પણ લોકો માટે અજાણ્યો હતો, પરંતુ માત્ર પ્રિન્ટમાં આ જાહેરખબર જોઈને લોકો એટલા ગુસ્સે થયા કે એ પાર્ક અને ઍડ એજન્સીએ માફી માગીને જાહેરખબર પાછી ખેંચી લીધી. રોષ વાજબી હતો- પૈસા ખર્ચી શકે એ જ પપ્પા સારા? અમિતાભ કહે છે- હા. જ્યાં એસએસસી અભ્યાસક્રમ છે કે સ્થાનિક ભાષામાં ભણાવાય છે એ બધી સ્કૂલોને આમ ઉતારી પાડવાની? આ પ્રોમો જોઈને કોઈ ટીચરને ખરાબ નથી લાગતું? અને લખને લોહીપાણી એક કરીને ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવ્યો એ છોકરો તો એટલો ડફોળ રહ્યો કે એન્જિનિયરિંગ કૉલેજની ફી માટે પાછો બાપને જ મૂંઝવતો રહ્યો. અલ્યા ભાઈ, પ્રેરણાત્મક કિસ્સો તો એ કહેવાય કે જ્યાં આવડો મોટો દીકરો ટ્યુશન કે મહેનત મજૂરી કરીને ભણે અને બાપને કહે કે, તમે ફિકર નહીં કરતા. પણ ના, અતિ ઇન્ટેલિજન્ટ, જવાબદાર વ્યક્તિ ગણાતા અમિતાભજી એવા લોકોને રોલમૉડેલ તરીકે રજૂ કરે છે, જે ખરેખર તો સમાજને હાનિ પહોંચાડી શકે અને હા, આ એ જ અમિતાભ છે જેણે ‘બાગબાન’ જેવી સુપરહિટ ફિલ્મ દ્વારા માતા-પિતાને એવો સંદેશ પહોંચાડેલો કે સંતાનને પ્રેમ કરજો, પણ એની પાછળ પૈસેટકે સાવ ખુવાર નહીં થઈ જતાં. હવે કેબીસીવાળા બચ્ચનજી યુ ટર્ન મારે છે. આશા રાખીએ કે જોનારા અક્કલ ગિરવે રાખીને નહીં બેઠાં હોય.

viji@msn.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP