Home » Rasdhar » વર્ષા પાઠક
સમાજમાં બનતી ઘટનાઓ પર આગવી દૃષ્ટિથી જોતાં અને કડક મિજાજે લખતાં વર્ષા પાઠક નીવડેલાં નવલકથાકાર પણ છે.

પછાત ગણાતા વર્ગને આવી ઉન્નતિ જોઈએ?

  • પ્રકાશન તારીખ08 Aug 2018
  •  

અત્યારે દેશભરમાં અનામતના મુદ્દે આગ લાગી છે. થોડાથોડા દિવસે કોઈને કોઈ સમાજ, જાતિના લોકોને લાગે છે કે એમનો સમાવેશ પછાત વર્ગમાં થવો જોઈએ અને શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી નોકરીઓમાં અનામત ઉપરાંત પછાત વર્ગને મળતાં બીજાં લાભ એમને પણ મળવા જોઈએ. જયારે પણ આવી માંગણી સાથે નવું આંદોલન છેડાય ત્યારે પહેલેથી પછાત ગણી લેવાયેલી જ્ઞાતિઓને ચિંતા જાગે છે, કારણકે બંધારણ અને કાયદો કહે છે કે અનામત ક્વોટા પચાસ ટકાથી વધવો ન જોઈએ, અને લગભગ બધા રાજ્યોમાં આ લિમિટ આવી ગઈ છે. અર્થાત નવી જ્ઞાતિઓને અનામત આપવી હોય તો એમનો હિસ્સો વર્તમાન ક્વોટામાંથી કાતરવો પડે, અને પછાત ગણાતા વર્ગના નેતાઓને સ્વાભાવિક રીતે આ મંજૂર નથી, એટલે એ પ્રતિ આંદોલનની ધમકી આપે છે.

અનામતની તરફેણમાં અને વિરોધમાં લડનારાની વચ્ચે આવી પણ બે છોકરી ઊભી છે, જે પોતાની રીતે ઝઝૂમી
રહી છે

દેશમાં ચારે તરફ આ ભડકા થઇ રહ્યાં છે, ત્યારે મનને સહેજ શાતા વળે એવો એક કિસ્સો મેં જોયો, જેની આજે વાત કરવી છે. મુંબઈના ઉપનગર મલાડમાં એક પ્રજાપતિ પરિવાર વસે છે. સાવ સરળ પ્રકૃતિ ધરાવતા પિતા નાનકડી એન્જીનિયરિંગ વર્કશોપ ચલાવતા હતા, એમાંથી ઘરનો ખર્ચ પૂરો કરવાનું મુશ્કેલ એટલે ગૃહિણી ઘરમાં પાપડ વણીને વધારાની આવક ઊભી કરવા મથતી હતી. કૉલેજમાં ભણતો દીકરો હોંશિયાર હતો પણ સંજોગોવશાત બી.કોમ થઇ ગયા પછી આગળ ભણી ન શક્યો અને એણે પિતાની વર્કશોપ ચલાવવાની જવાબદારી લેવી પડી. પછી તો એના લગ્ન થઇ ગયા, ઘરમાં સભ્યોની સંખ્યા વધી. આર્થિક પરિસ્થિતિ પહેલેથી થોડી સુધરી પરંતુ કરકસર કરીને જીવવું પડે.

સ્કૂલમાં ભણતી બે દીકરીને ગ્રેજ્યુએટ કરી દેવી, એટલું નાનું સપનું પતિપત્ની જોતા હતા. પણ પુત્રીઓના સપના આકાશે આંબતા હતા. મોટી દીકરી ઉન્નતિ નાનપણથી ડૉકટર બનવાનું ઠરાવી બેઠેલી. અને એ ભણવામાં પણ બહુ હોંશિયાર હતી. બારમા ધોરણની પરીક્ષા આપી ત્યારથી એ તો મૅડિકલ કૉલેજમાં જવાની વાત કરવા લાગેલી. માતા નયના અને પિતા નીતિનનેે ચિંતા પેઠી કે તબીબી ભણતરનો ખર્ચ ક્યાંથી નીકળશે. એક તબક્કે તો એણે પોતાના એક બહુ નજીકના મિત્રને એવું પણ કહી દીધું કે, ભગવાન કરે ને મારી દીકરી એન્ટ્રન્સ એક્ઝામમાં એટલા ઓછા માર્ક્સ લાવે કે ડૉક્ટર બનવાનો વિચાર છોડી દે. અને લાડલી દીકરીને પણ કહી દીધું કે પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં જવાનો તો વિચાર પણ ન કરતી.


પરંતુ ઉન્નતિ તો એના બાપનીએ બાપ નીકળી. કહી દીધું કે સરકારી મેડિકલ કૉલેજમાં જ એડમિશન લઈશ અને એ પણ ઓપન કૅટેગરીમાંથી. ‘તારે શું ચિંતા છે, તારી દીકરીને તો ઓબીસી ક્વોટામાંથી સીટ મળી જશે’ એવું કહેનારાંને ત્યારે ખબર પડી કે એની બંને દીકરીએ તો પોતે ઓબીસી હોવાનું સત્તાવાર કાર્ડ બનાવવાની પણ ના પાડી દીધેલી. કોણ જાણે કાચી ઉંમરના કયા તબક્કે એમણે નક્કી કરી નાખેલું કે જાતિ નહિ પણ મેરિટના આધારે એ જીવનની લડાઈ લડી લેશે. અને દીકરી આવી હિમ્મત બતાવે તો કયા માબાપ પછી પારોઠનાં પગલાં ભરે?

તેના જ પરિવારમાં અનામત ક્વોટાની મદદથી ડૉક્ટર થયેલા એક કઝીને હિતેચ્છુભાવે સલાહ આપી કે આવી જીદ ન કરાય. કાયદેસર અનામતનો લાભ મળતો હોય તો લેવામાં કંઈ ખોટું નથી. એકવાર કૉલેજમાં એડમિશન મળ્યા બાદ તો પોતાની આવડતના જોરે જ આગળ વધવાનું હતું. પણ માતા-પિતાએ પુત્રીની વાત સ્વીકારી લીધી કે આખું વર્ષ ભણીને, આકરી મહેનત કરીને કોઈ સવર્ણ છોકરો કે છોકરી સારા માર્ક્સ લાવતા હોય, તો એમનો હક ઉન્નતિ નહિ ઝુંટવે. અને ક્વોટાનો લાભ ભલે કોઈ બીજો નબળી સ્થિતિનો ઓબીસી સ્ટુડન્ટ લઇ જાય.
છેવટે ઉન્નતિ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં સારા માર્ક્સ લઇ આવી, પણ એટલા સારા નહીં કે એને મુંબઈની કેઈએમ કે જેજે જેવી હોસ્પિટલ સાથે જોડાયેલી મેડિકલ કૉલેજમાં એડમિશન મળે, જ્યાં જવાનું સપનું દરેક મેડિકલ સ્ટુડન્ટે જોયું હોય.

હા, ઓબીસી કેન્ડીડેટ તરીકે અપ્લાય કર્યું હોત તો કદાચ મળી જાત, પણ ઉન્નતિ તો ઓપન કેટેગરીની સ્ટુડન્ટ હતી. છેવટે એણે પૂણેની બી.જે મેડિકલ કૉલેજમાં જવું પડ્યું, પણ એને વાંધો નહોતો. ઉન્નતિ એમબીબીએસ થઇ ગઈ. હવે એને પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને સર્જન બનવું છે. એના માટે આપેલી એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા. એ ફરીથી પ્રયત્ન કરવા તૈયાર છે, પણ અનામતનો લાભ તો ક્યારેય નહિ લેવાની ખુદ્દારી અકબંધ છે. એની નાની બહેન પ્રિયંકા પણ ક્યાંય ઓબીસીનું સર્ટિફિકેટ રજૂ કર્યા વિના મુંબઈની કૉલેજમાંથી એન્જીનીયર થઇ ગઈ છે. અત્યારે એ નોકરી પર લાગી ગઈ છે, પણ પપ્પાની વર્કશોપને એકસ્પાન્ડ કરીને ફેક્ટરી સેટ અપ કરવાના પ્લાન ઘડવા લાગી છે. નીતિન પોતે પહેલથી હિંમતવાન હતો, પણ સંજોગોએ થોડો ધીમો પડી દીધો. પરંતુ હવે એ કહે છે કે હું મારી જાતને દુનિયામાં કોઈનાથી ઓછો નથી ગણતો, મારી પાસે આવી બે દીકરી છે.


જોકે અહીં એટલું કહી શકાય કે ખુદ્દારીના ગુણ કદાચ છોકરીઓને એમનાં માબાપ પાસેથી પણ વારસામાં મળ્યાં હશે. માત્ર એક દાખલો આપું. નીતિન કૉલેજમાં હતો ત્યારે પોતે બહુ શાંત અને ડાહ્યો ડમરો પણ કોણ જાણે કેવી રીતે એક તોફાની બારકસ બ્રાહ્મણ સ્ટુડન્ટ સાથે દોસ્તી બંધાઈ ગઈ. એકાદવાર નીતિનને કૉલેજ ફી ભરવામાં પ્રોબ્લેમ થયો તો પેલા દોસ્તે ભરી દીધી, અને એ તો ભૂલી પણ ગયો. એ વાતને વર્ષો વીતી ગયા. પણ હમણાં થોડા સમય પહેલા એ દોસ્તને બિઝનેસમાં પૈસાની જરૂર પડી. એની બેન્ક લોન અટકી પડી હતી તો નીતિને સામેથી કહ્યું કે મારુ ઘર બેન્કમાં ગીરવે મૂકીને લોન લઇ લે. જોવાનું એ કે એની પત્નીએ પણ સંમતિ આપી દીધી. પહેલી નજરે ઉત્તરદક્ષિણ લાગે, એવા આ મિત્રોને ગુજરાતમાંથી પત્નીઓ પણ એવી મળી છે, જે પોતાની સાથે જ્ઞાતિભેદનો બોજ લઈને નથી આવી.


અહીં એક વાતની સ્પષ્ટતા કરવી કે આ એક પ્રજાપતિ પરિવારનો દાખલો આપીને હું આડકતરી રીતે અનામત પ્રથાનો વિરોધ નથી કરતી. નીતિન પોતે આ બાબતમાં કોઈને લેક્ચર નથી ઝાડતો. અનામતનો લાભ લેનારા વિષે એ કોઈ ટીકાટિપ્પણ નથી કરતો. એ કહે છે કે હું ક્યારેય કોઈને ક્વોટામાંથી સીટ લેવાની કે પછાત વર્ગને મળતા લાભ લેવાની ના નહિ પાડું, પણ મારા પરિવારમાંથી કોઈ નહિ લે. ભલે એ લાભ બીજા જરૂરતમંદ કે વધુ લાયક લોકોને મળે. જીવવું તો શેરની જેમ. એક ટાઈમ ખાવું પણ બાપડા બિચારા થઈને નહિ. અને મારે પણ બળતામાં ઇંધણ ઉમેરવા નથી. બસ, કકળાટના સમાચારોની વચ્ચે આને એક પોઝિટિવ સ્ટોરી તરીકે જોજો.


આજે જયારે સવર્ણો, સમર્થો પણ અનામત મેળવવા માટે આંદોલન કરે છે, પછાત જ્ઞાતિમાં અનામતનો લાભ લઈને ઉચ્ચ સ્થાને બેસી ગયેલા લોકો પોતાની બીજી ત્રીજી પેઢીએ પણ લાભ છોડવા તૈયાર નથી, રાજકારણીઓ જાતિવાદી રાજકારણ રમ્યા કરે છે, ચારે તરફ હોળી સળગેલી છે, ખરેખર ગરીબ પછાતોને હંમેશાં પછાત રાખવામાં સ્થાપિત હિતોને રસ છે, ત્યારે ઉન્નતિ અને પ્રિયંકા પ્રજાપતિ નામની બે યુવાન છોકરીની વાત સાંભળીને લાગે છે કે હજી ઉજ્વળ ભવિષ્યની આશા છોડી દેવા જેવું નથી. સવર્ણ અને પછાત વર્ગમાં સમતા સ્થાપવાનું કામ કદાચ આવી છોકરીઓ કરશે, એ પણ કોઈ મોરચા કાઢીને નહિ, બસ પોતાના જીવનનો દાખલો આપીને.

(તસવીર પ્રતીકાત્મક છે)

viji@msn.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP