તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્લોબલાઇઝેશનના જમાનામાં શું ગુજરાતી શુદ્ધતા જાળવીને જ ટકી શકશે?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિશ્વ માતૃભાષા દિવસ આવે એટલે ઘણા બધા વિદ્વાનો અને ભાષાપ્રેમીઓ વોટ્સએપ કે ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયામાં ગુજરાતી ભાષાનું માહાત્મ્ય ગાતી અને ઊજવતી પોસ્ટ મૂકીને ભાષા પ્રત્યે પોતાની મમતા હજારો લોકો સાથે શેર કરતા રહે છે. અમુક સંસ્થાઓ અને મિત્રો જાહેરમાં કાર્યક્રમો કરે અને જાહેર રેલીઓ પણ કાઢે, પોતાની લાગણી વ્યક્ત કરવા. તો કેટલાક ભાષાશાસ્ત્રી વડીલો આજે સોશિયલ મીડિયામાં લેખકોની ભાષા-ભૂલોના વિશ્લેષણો અને ભૂલોના ધજાગરા ઉડાવી વાહવાહી મેળવતા રહે છે. પરંતુ આવા પ્રયાસોથી ગુજરાતી ભાષાનું ચલણ કે ગુજરાતી પ્રકાશનોનું વેચાણ અને ખાસ તો વાંચન વધ્યું હોય તેવું ક્યારેય સામે નથી આવ્યું. ઊલટું આવા ‘ગ્રામર નાઝી’ વડીલોની નિંદાઓ અને વિખવાદોથી કંટાળી કેટલાક યુવાઓ ગુજરાતી ભાષામાં લખવાથી ડરે છે. રખેને આપણને જાહેરમાં ઉતારી પાડે…!

 • તામિલનાડુમાં 1,000 વર્ષથી વસતા ગુજરાતીઓની હકીકત ભાષાશુદ્ધિની માન્યતાથી વિપરીત રહી છે

આવું જ ચાલે તો ભાષાનો ઉપયોગ ઘટતો જશે, પરંતુ આવી પરિસ્થિતિમાં ભાષાનું અસ્તિત્વ, અને ભાષા થકી આપણી આગવી ઓળખનું અસ્તિત્વ ટકાવી રાખવું અગત્યનું છે, તે સમજવું જરૂરી છે. આજના ગ્લોબલાઇઝેશનના આ જમાનામાં ખૂબ જરૂરી છે કે આપણે આપણી ઓળખ સમી આપણી માતૃભાષાને બચાવી રાખીએ અને આવતી પેઢીને આપીએ. પરંતુ આ એક દિવસ બાદ કરતા પણ માતૃભાષાને જીવંત રાખવા અને તેનો ઉપયોગ આપણા રોજબરોજના જીવનમાં વધે તે માટે પ્રયત્ન કરવા ખૂબ જરૂરી છે, પરંતુ આની માટે શું કરી શકાય, તે અંગે કોઈ ખાસ સહમતી નથી. ભાષાશાસ્ત્રીઓ માત્ર અન્યોની ભૂલો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે એવું કહી શકાય. જો બધા જ ગુજરાતીઓ કોઈ પણ ભૂલ વિનાની ભાષાનો પ્રયોગ કરે તો આવા લોકો કદાચ સંતુષ્ટ થઈ જશે. પરંતુ શું આટલું કાફી છે? મારું માનવું છે કે માતૃભાષાના રક્ષણ માટે વ્યાકરણ અને ભાષા શુદ્ધિ એ શરૂઆતનાં કદમો છે, પણ એ લક્ષ્ય ન હોઈ શકે. ભાષાનું કામ કમ્યૂનિકેશન એટલે કે સંચારનું છે, લોકોને એકબીજાને સમજવા માટે તક આપવાનું છે. આજે ગ્લોબલાઇઝેશનના જમાનામાં જ્યારે કોઈ પણ ભાષા શીખવી એ કમ્પ્યૂટર પર થોડાક ક્લિક કરવા જેટલું સરળ છે ત્યારે આવનારી પેઢી અંગ્રેજી જેવી વૈશ્વિક ભાષા છોડી અને આપણી સ્થાનિક તથા પૃથ્વીના એક નાનકડા ભાગમાં જ  વપરાતી ગુજરાતી ભાષા શા માટે શીખે અને વાપરે, તે સવાલનો જવાબ આપણી પાસે હોવો જરૂરી છે. અને ભાષાનું સમૂળગું અસ્તિત્વ ભૂંસાઈ ન જાય તે માટે તેને ફ્લેક્સિબલ કે વર્તમાન સમયમાં ફાવે તેવી અને અન્ય ભાષાઓની અસરો સાથે સ્વીકારવી જરૂરી છે. દાયકાઓ કે સદીઓ પહેલાં હતી તેવી બનાવીને નહીં.
જ્યારે આખી દુનિયા આપણી થઈ ગઈ હોય પરંતુ આપણે આખી દુનિયામાં કોઈના ન હોઈએ તેવી પરિસ્થિતિનો એહસાસ વૈશ્વિકરણ કરાવે છે. આ સંજોગોમાં આપણને સૌથી વધુ જરૂર હોય છે આપણી પોતાની આગવી આઇડેન્ટિટી એટલે કે ઓળખની. અંગ્રેજી જ્યારે ટેકનોલોજીની તથા વિશ્વ વાણિજ્ય વ્યવસ્થાની સ્વીકાર્ય ભાષા બની હોય ત્યારે ગુજરાતીની જરૂર રૂપિયા કમાવવા કે વિશ્વ સાથે સંપર્ક સાધવા જરૂરી નથી હોતી, પરંતુ આપણા નામની જેમ એ આપણી બીજી ઓળખ છે. અને એ ઓળખ છૂટી જાય તો આપણા નામની સાથે ગુજરાતીપણાની ઓળખ પણ છૂટી જાય.
અને આ ભાષાકીય ઓળખ આપણા અસ્તિત્વ માટે કેટલી જરૂરી હોય છે, તે સમજવું હોય તો શ્રેષ્ઠ ઉદાહરણ આપણા ગુજરાતીઓનો એક સમૂહ જ પૂરો પાડે છે. આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં એટલે કે ૧૧મી સદીમાં ત્યારે લાટ પ્રદેશ તરીકે ઓળખાતા વર્તમાન ગુજરાતમાંથી હજારો લોકો હિજરત કરી ગયા હતા. એવું મનાય છે કે મહમદ ગઝનીએ સોમનાથ મંદિરનો ધ્વંશ કર્યો ત્યારબાદ ઘણા બધા લોકો ગુજરાતમાંથી હિજરત કરી અને અનેક જગ્યાએ રઝળપાટ કરી છેલ્લે દક્ષિણ ભારતમાં, વર્તમાન તામિલનાડુના મદુરાઈ- કોઇમ્બતુર ક્ષેત્રોમાં સ્થાયી થયા.
આ લોકો ધીરે ધીરે તામિલ અપનાવતા ગયા અને સ્થળ અને કાળ પ્રમાણે તેમની ઓળખ તમિલ થઈ ગઈ. તેઓ સામાન્ય તામિલ લોકો માટે તેમના સમાજનો જ એક હિસ્સો છે, પરંતુ જ્યારે પોતાના ઘરે જાય છે અથવા પોતાના સમાજના અન્ય લોકો સાથે હળેમળે છે ત્યારે પોતાની મૂળ ભાષામાં જ વાતચીત અને કામકાજ કરે છે. અને આ જ રીતે આ લોકોએ પોતાની ભાષા અને ભાષા આધારિત ઓળખ જાળવી રાખી છે. આમ આ ભાષાને કારણે હજાર વર્ષથી પોતાના મૂળથી દૂર રહ્યા હોવા છતાં અને અન્ય સંસ્કૃતિને અપનાવી હોવા છતાં, તેઓએ પોતાની ઓળખ બનાવી રાખી છે. આ ભાષાનો પ્રયોગ કરનારા લોકોની સંખ્યા થોડા લાખની અંદર છે, પરંતુ તે લોકોએ ખૂબ સફળતાપૂર્વક સૌરાષ્ટ્ર ભાષાની આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બનાવી છે.
ગુજરાતી અને ગુજરાતના સમાજે પોતાની ભાષાને કઈ રીતે ટકાવી રાખવી તેની માટે આનાથી વધારે સારું ઉદાહરણ કોઈ ન હોઈ શકે. બલકે અન્ય ભાષાઓએ પણ આ સમાજ પાસેથી શીખવું જોઈએ. તેમની રહેણીકરણી, વેશભૂષા, ખોરાક, ઉત્સવો, અને અમુક અંશે તેમના દેવી-દેવતાઓ પણ હવે તામિલ થઈ ગયા છે. પરંતુ સાથે સાથે તે લોકો તેમની સાથે લાવેલી ગુજરાતીને હજુ પણ નિભાવી રહ્યા છે. મૂળ કયા ગામના, કે ક્ષેત્રના તેનો પણ ખ્યાલ નથી. પરંતુ ઓળખ અકબંધ છે!  આ છે માતૃભાષાનો પ્રતાપ. પરાઈ કે અન્ય ભાષા ઓછી અગત્યની નથી હોતી, પરંતુ માતૃભાષાથી ઉપર પણ નથી હોતી. અન્ય ભાષા નવી ઓળખ બનાવી શકે, પણ મૂળ ક્યારેય ન બદલી શકે.

dewmediaschool@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો