ટેક ઓફ- શિશિર રામાવત / 2020માં સોશિયલ મીડિયા પર શું નવું થશે?

article by shishir ramavat

Divyabhaskar.com

Jan 09, 2020, 03:13 PM IST
ટેક ઓફ- શિશિર રામાવત
જમાનો જો સૌથી ઝડપથી ક્યાંય બદલાઈ રહ્યો હોય તો તે છે ટેક્નૉલોજી અને સોશિયલ મીડિયાના ક્ષેત્રમાં. ફેસબુક, વૉટ્સએપ, ટ્વિટર વગેરે પ્લૅટફૉર્મ્સ પર આ વર્ષે શું નવું જોવા મળશે? સૌથી મોટું પરિવર્તન ‘લાઇક્સ’ના મામલામાં દેખાશે. દુનિયાભરમાં થયેલા અભ્યાસો કહે છે કે સોશિયલ મીડિયા પર મળતી કે ન મળતી લાઇક્સ આપણી મેન્ટલ હેલ્થ પર સીધી અસર કરે છે! પોતાની પોસ્ટ કે સ્ટોરીને લાઇક ન મળે અથવા ઓછી મળે તો ઘાંઘાં થઈ જતા મનુષ્યોને આપણે જોયા જ છે. લાઇક્સની સંખ્યા વધારે એટલે પોસ્ટ સારી, લાઇકની સંખ્યા ઓછી એટલે પોસ્ટ નબળી એવું વાસ્તવમાં હોતું નથી. મહત્ત્વ કન્ટેન્ટની ગુણવત્તાનું છે, લાઇક્સની સંખ્યાનું નહીં.
ઇન્સ્ટાગ્રામે લાઇકના વિકલ્પને જ સમૂળગો કાઢી નાખવાની દિશામાં બીટા ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ફેસબુકે લાઇક બટનને હાઇડ કરવાનો (એટલે કે સંતાડી દેવાનો) વિકલ્પ અજમાવવાનું શરૂ કરી દીધું છે. ધીમે ધીમે બીજાઓ પણ તેનું અનુસરણ કરશે. નજીકના ભવિષ્યમાં સોશિયલ મીડિયા પરથી લાઇક્સ આપવાનો ને મેળવવાનો આખેઆખો કોન્સેપ્ટ જ નષ્ટ થઈ જાય તેવું બને. આવું થાય તો ખરેખર બહુ સારું થાય.
સોશિયલ મીડિયાને હવે ફક્ત તમારા ઓનલાઇન ટાઇમમાં રસ નથી, એને તમારા અસલી સમયને પણ કંટ્રોલ કરવો છે. તમારી આસપાસ કઈ ઇવેન્ટ્સ થઈ રહી છે, તમારા કયા મિત્રો તે અટેન્ડ કરી રહ્યા છે વગેરે પ્રકારની ઇન્ફર્મેશન સોશિયલ મીડિયા પર ધીમે ધીમે વધતી જવાની. એનું કારણ એ છે કે સોશિયલ મીડિયાને અહીં પૈસા કમાવાનો તગડો સ્રોત દેખાય છે. ધારો કે કોઈ રેસ્ટોરાં ફેસબુક સાથે ટાઇ-અપ કરે છે. કરાર એવો છે કે ફેસબુક પોતાના પ્લેટફૉર્મ દ્વારા આ રેસ્ટોરાંમાં પાર્ટી અરેન્જ કરી આપે. બદલામાં રેસ્ટોરાં તે ઇવેન્ટ અટેન્ડ કરનાર પ્રત્યેક વ્યક્તિની ખાણીપીણીના બિલ પર, ફોર એક્ઝામ્પલ, સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે ને ફેસબુકને વ્યક્તિ દીઠ પચીસ રૂપિયા ચૂકવે. ફેસબુકે હવે શું કરવાનું છે? એણે માત્ર આટલું જ અેનાઉન્સ કરવાનું છે કે તમારા 20 ફેસબુક ફ્રેન્ડ્સને એકઠા કરો અને તમારા એરિયામાં આવેલી ફલાણી રેસ્ટોરાંમાં પાર્ટી ગોઠવીને જંગી ડિસ્કાઉન્ટ મેળવો. ધારો કે ફેસબુક દુનિયાભરમાં રોજના આવા હજાર મીટ-અપ્સ ગોઠવી આપે તો એને કેટલી બધી કમાણી થાય. 2020માં ફેસબુક પર આ પ્રકારના મીટ-અપ્સની ઘોષણા ખૂબ થવાની.
સોશિયલ મીડિયા પર મેપ્સ પણ પોતાની હાજરી વર્તાવશે. આજે આપણે ડ્રાઇવ કરતા હોઈએ ત્યારે આમેય ફટાક કરતો ગૂગલ મેપ ઑન કરી દઈએ છીએ. ભવિષ્યમાં તમારો મોબાઇલ તમને માત્ર રસ્તો જ નહીં બતાવે, બલ્કે એવી માહિતી પણ આપશે કે તમે જે રસ્તા પર જઈ રહ્યા છો ત્યાં આગળ એક્સિડન્ટ થઈ ગયો છે, તમને ચેતવવામાં આવશે કે રસ્તા પર ગોઠવાયેલા સ્પીડિંગ કેમેરામાં તમે ઝડપાઈ ગયા છો, પ્લીઝ તમારી કારની ગતિ ઓછી કરો. આટલું જ નહીં, તમને એવું નોટિફિકેશન પણ આવશે કે તમે અત્યારે જે સિગ્નલ પર ઊભા છો એનાથી માત્ર સાતસો મીટરના અંતરે તમારા ચાર ફ્રેન્ડ્સ એક ઇવેન્ટ અટેન્ડ કરી રહ્યા છે અને તે ઇવેન્ટમાં જવા માટે તમને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. શક્ય હોય તો આંટો મારી આવો!
ફેસબુક વહેલામોડું પોડકાસ્ટ પ્લૅટફૉર્મ અને પેઇડ મ્યુઝિક સ્ટ્રીમિંગ શરૂ કરે તેવી શક્યતા પૂરેપૂરી છે. ફેસબુક પોતાના પર શૅર થતી પોસ્ટ્સના આધારે ઇ-મૅગેઝિન કે ઇવન ડિજિટલ પુસ્તક બહાર પાડવાનું શરૂ કરે તેવુંય બને.
ઘણા લોકોને મેસેજ કે પોસ્ટ ટાઇપ કરવામાં કંટાળો આવતો હોય છે. તેમના માટે ગુડ ન્યૂઝ એ છે કે સોશિયલ મીડિયા પર લિખિત પોસ્ટ્સનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જશે અને વિડિયો અને ઑડિયો પોસ્ટનું પ્રમાણ વધતું જશે. સોશિયલ મીડિયા પર હજુ સુધી ઑડિયોને ખાસ ભાવ મળ્યો નથી, પણ આવનારા દિવસોમાં પોડકાસ્ટ્સ અને મ્યુઝિકનું મહત્ત્વ વધતું જવાનું. વિડિયોની વાત કરીએ તો સીધાસાદા બોરિંગ વિડિયોને બદલે ખાસ પ્રકારનાં ચશ્માં પહેરીને જોઈ શકાય એવા થ્રીડી વિડિયોનું પ્રમાણ વધતું જશે. ઓનલાઇન ગેમિંગ સોશિયલ મીડિયા પર મોટા પાયે પગપેસારો કરશે. મતલબ કે ફ્રેન્ડ્સ સાથે માત્ર દોસ્તીના ઓનલાઇન દેખાડા કે સામસામી દલીલબાજી જ નહીં, બલકે સાથે તેમની સાથે ટીમ બનાવીને ઓનલાઇન વિડિયો ગેમ્સ પણ રમી શકાશે.
13થી 30 વર્ષના વયજૂથમાં સ્થાન પામતા યૂઝર્સને આકર્ષવા માટે ઓનલાઇન ગેમ્સ અસરકારક સાધન છે, જે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ગેમિંગ ટૅક્નોલોજીનો બહેતર ઉપયોગ કરી શકશે તેનું પલડું ભારે રહેશે. ફેસબુક ખાસ પ્રકારનાં વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી) ચશ્માં ડેવલપ કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પર વીઆર ઉપરાંત એઆર (ઑગ્મેન્ટેડ રિયાલિટી)નું મહત્ત્વ પણ વધશે. ઑગ્મેન્ટેડ રિયાલિટી એટલે કમ્પ્યૂટર-જનરેટેડ ટૂલ્સ દ્વારા યૂઝરને વિશિષ્ટ કહી શકાય એવો ઇન્ટરેક્ટિવ એક્સપિરિયન્સ કરાવવો. જેમ કે, સ્નૅપચેટમાં તમે તમારાં ચહેરા પર સસલા જેવા કાન કે બિલાડી જેવું નાક ફિટ કરીને તમારી તસવીર દોસ્તો સાથે શૅર કરી શકો છો. આ ઑગ્મેન્ટેડ રિયાલિટીનું પરિણામ છે.
સોશિયલ મીડિયા ડેસ્કટોપ કે લેપટોપ પરથી ધીમે ધીમે ખસતું જઈને મોબાઇલ પર કેન્દ્રિત થતું જશે, કેમ કે સોશિયલ મીડિયા ચલાવતી કંપનીઓને તમારા ફોનમાં સંગ્રહાયેલા પર્સનલ ડેટા(જેમ કે કોન્ટેક્ટ્સ)માં વધારે રસ છે. આથી સોશિયલ મીડિયા પર નવાં ફીચર્સ એવી રીતે ડિઝાઇન થશે જે કેવળ મોબાઇલ એપમાં જ એક્ટિવેટ થઈ શકે, કમ્પ્યૂટર પર નહીં.
યુ ટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવાં પ્લેટફૉર્મ્સ પર ઇન્ફ્લ્યુઅન્સર્સનો દબદબો વધતો જવાનો. જંગી સબસ્ક્રાઇબર્સ કે ફોલોઅર્સ ધરાવતી વ્યક્તિ માટે ઇન્ફ્લ્યુઅન્સર (પ્રભાવ પેદા કરી શકતી વ્યક્તિ) કહેવામાં આવે છે. ઇન્ફ્લ્યુઅન્સર્સ પોતાના બ્લોગ, વ્લોગ કે પોસ્ટમાં વચ્ચે વચ્ચે અમુકતમુક બ્રાન્ડનું પ્રમોશન પણ કરતા હોય છે. આમ કરવાના તેમને સારાં એવાં નાણાં મળે છે. તમે યુ ટ્યૂબ પર કોઈ મોબાઇલની જાહેરાત જુઓ એના કરતાં ભુવન બામને એની ‘બીબી કી વાઇન્સ’ ચેનલ પર તે જ મોબાઇલ વિશે વાત કરતાં સાંભળશો તો વધારે પ્રભાવિત થશો. અભ્યાસ કહે છે કે 2020માં ભુવન બામ પ્રકારના ઇન્ફ્લ્યુઅન્સર્સ માટે ફાળવવામાં આવતું બજેટ ખાસ્સું વધી જવાનું.
ટિકટોક ભલે ચિત્રવિચિત્ર માનવપ્રાણીઓના વિડિયોઝથી છલકાતું હોય, પણ આ સોશિયલ નેટવર્ક આખી દુનિયામાં નવાઈ લાગે એટલી હદે લોકપ્રિય છે. આ વર્ષે ટિકટોકને હરીફાઈ આપવા બાઇટ અને ફાયરવર્ક જેવાં નવાં પ્લેટફૉર્મ્સ માર્કેટમાં આવ્યાં જ સમજો.
આ વર્ષે અમેરિકામાં પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણી થશે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી ટર્મ માટે ફરી ચૂંટાઈ આવશે કે ફેંકાઈ જશે? સોશિયલ મીડિયા પર આ મુદ્દે રમખાણો ફાટી નીકળશે એ તો નક્કી. 2016માં અમેરિકામાં થયેલી ચૂંટણી દરમિયાન ખાસ કરીને ફેસબુકે ભજવેલી ભૂમિકા બદલ ખૂબ માછલાં ધોવાયાં હતાં. એક અંદાજ મુજબ 2020માં પોલિટિકલ એડ્સનું કુલ બજેટ 2.9 બિલિયન ડૉલર જેટલું હોવાનું, જે 2016ની ચૂંટણી કરતાં લગભગ બમણું છે. જોકે, ટ્વિટરે ઑલરેડી જાહેર કરી દીધું છે કે અમે આ વખતે પોલિટિકલ એડ્સ નહીં જ લઈએ. અરે! ટિકટોકે પણ પોલિટિકલ એડ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. મજા જુઓ કે ફેસબુકને આ વખતે પણ પોલિટિકલ એડ્સ લેવામાં કોઈ વાંધો નથી. રાજકીય જાહેરાતો પાછળ ફાળવાયેલા બજેટનો ખૂબ મોટો હિસ્સો એટલે જ ફેસબુક ઉસરડી જવાનું.
આવી તો બીજી નાની-મોટી ઘણી ઘટનાઓ બનશે. વર્ચ્યુઅલ વર્લ્ડ એ એકવીસમી સદીની નક્કર રિયાલિટી છે. તેનો સ્વીકાર કર્યે જ છૂટકો!
[email protected]
X
article by shishir ramavat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી