તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોસ્ત તારે બેઠો જ કરવો હોય તો માણસને બેઠો કર, ઇ‌શ્વર બેઘર નથી, તું નિત નવા મંદિરો ઊભા ન કર!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નામ કલ્પેશ. ઉંમર 21-22 વર્ષ. ઠામ સુરત. ઉંમર વાંચીને એવું લાગે કે યૌવન તેજીલા તોખારની જેમ હણહણતું હશે અને સાસણના સાવજની જેમ ડણકતું હશે. મેઘાણીની પંક્તિઓ યાદ આવી જાયઃ ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંઝે પાંખ.
પણ કલ્પેશને રૂબરૂ મળો તો ક્ષણાર્ધમાં જ આ બધી કવિતાઓ અને કલ્પનાઓ મુઠ્ઠીમાંથી સરકતા પારાની જેમ ખરી પડે. માયકાંગલો દેહ. ફિક્કો ચહેરો. નિસ્તેજ આંખો. હાંફતી છાતી અને નિર્બળ નમાલા હાથ-પગ. એકવીસ વર્ષના યુવાન દેહ પર અકાળે ચડી બેઠેલું વાર્ધક્ય.
કલ્પેશને તો બાપડાને એટલી પણ ખબર નહીં કે એને કઈ બીમારી થઈ છે? ડોક્ટર પાસે જઈને એ માત્ર આટલું જ કહે, ‘સાહેબ, મારા હાથ-પગમાં ખૂબ જ અશક્તિ વરતાય છે. શ્વાસ ચડે છે. કામ કરવાનું મન થતું નથી. ભૂખ લાગતી નથી. આખો દિવસ પથારીમાં પડી રહેવાનું મન થાય છે. એવી દવા આપો જેનાથી શરીરમાં થોડીક શક્તિ આવે.’

  • હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં કલ્પેશે બર્થડે કેક કાપી. મીણબત્તીને ફૂંક મારતી વખતે કલ્પેશ રડી પડ્યો, ‘કદાચ આ મારો છેલ્લો બર્થડે છે.’ સાંભળીને સહુની આંખ ભીની થઈ ગઈ

ફેમિલી ફિઝિશિયનમાંથી કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ત્યાંથી કાર્ડિયોલોજિસ્ટ સુધીની સફરમાં કલ્પેશનું ખિસ્સું પણ હાંફી ગયું, પરંતુ છાતીની હાંફ શમી નહીં.
આખરે સુરતના એક કાર્ડિયોલોજિસ્ટે કહ્યું, ‘ભાઈ, તને હૃદયરોગ થયો છે.’
‘હૃદયરોગ? મને? આ ઉંમરે?’ કલ્પેશના ગળામાંથી પ્રશ્નપત્ર સરી પડ્યું.
કાર્ડિયોલોજિસ્ટ હસ્યા, ‘હા, જેના શરીરમાં હૃદય હોય તેને હૃદયરોગ થઈ શકે છે. ગમે તે ઉંમરે. માંદગી સાચા અર્થમાં સામાજિક સમરસતામાં વિશ્વાસ રાખે છે. મોટા ભાગના રોગ ધર્મ, જાતિ, ઉંમર કે આવકના ભેદભાવો રાખ્યા વગર કોઈ પણ વ્યક્તિને ઝપટમાં લઈ શકે છે. તમે હૃદયરોગની ઝપટમાં આવી ગયા છો.’
કલ્પેશને સુરતના કાર્ડિયોલોજિસ્ટના નિદાનમાં વિશ્વાસ ન બેઠો. એ મુંબઈ દોડી ગયો. મુંબઈના કાર્ડિયોલોજિસ્ટે મસમોટી ફી લઈને એ જ નિદાન વધારે ડરામણા શબ્દોમાં જાહેર કર્યંુ, ‘તમારું હૃદય માત્ર દસથી પંદર ટકા જેટલું જ કામ આપી રહ્યું છે. એ ગમે ત્યારે બંધ પડી જશે.’
હવે કલ્પેશ ગભરાયો, ‘પણ સાહેબ, મારે મરવું નથી. હજી તો મેં ક્યાં જિંદગી જોઈ છે? હજી તો હું ઊગીને ઊભો થઈ રહ્યો છું. બે પૈસા કમાવાનું પણ બાકી છે. થોડું કમાઉં, થોડું બચાવું, લગ્ન કરું, એક-બે બાળકો પેદા કરું, ઘરનું ઘર વસાવું, મારાં મા-બાપની સેવા કરું, આ બધું જ બાકી છે. તે પહેલાં જ તમે એમ કહો કે...’
કલ્પેશની ફરિયાદ સાચી હતી. જિંદગીના ત્રિઅંકી નાટકનો પ્રથમ અંક ભજવાતો હોય અને ત્યાં જ અચાનક બત્તી ગુલ થઈ જાય તો નાટકના શા હાલ થાય? પણ ડોક્ટર લાચાર હતા. એમણે તો જેવું જણાયું તેવું જણાવ્યું. સાથે નિવારણ પણ કહી દીધું, ‘જો લાંબું જીવવું હોય તો હૃદય બદલાવવું પડે. બીજા કોઈ જીવતા માણસનું ધબકતું હૃદય તે માણસ મૃત્યુ પામે તે પહેલાં કાઢીને તમારી છાતીમાં
ગોઠવી દેવું પડે.’
કલ્પેશ પાસે ન તો એટલા પૈસા હતા કે ડોક્ટર પાસે એવું કોઈ હૃદય ન હતું. લૌટ કે બુદ્ધુ ઘર કો આયે. કલ્પેશ સુરત પાછો આવી ગયો.
એક દિવસ એના કાનમાં ક્યાંકથી માહિતી પડી, ‘અમદાવાદમાં એક ડોક્ટર છે. નામ ડોક્ટર નાયક. યુવાન છે, ઉત્સાહી છે અને હોશિયાર પણ છે. સાંભળ્યું છે કે એ આવું ઓપરેશન કરી શકે તેવા છે. જોકે, હજુ સુધી એમણે કર્યું નથી. ગુજરાતમાં કોઈએ કર્યું નથી. તું એની પાસે પહોંચી જા. જો ઈશ્વર કરશે તો બંનેનાં કામ થઈ જશે.’ લોર્ડ્સની પીચ પર સૌરવ ગાંગુલીની પ્રથમ સદી
વાગી જશે.
મરતા ક્યા નહીં કરતા! કલ્પેશ અમદાવાદ દોડી ગયો. અમદાવાદના કાર્ડિયાક સર્જને એને તપાસ્યો. બધા ટેસ્ટ કરાવ્યા. પછી કહ્યું, ‘હું ઓપરેશન કરવા માટે તૈયાર છું, પણ ક્યાંકથી હાર્ટ મળે ત્યાં સુધી રાહ જોવી પડશે. મારું માને તો તું હોસ્પિટલમાં એડમિટ થઈ જા. સારા સમાચાર ક્યારે અને કઈ દિશામાંથી આવશે તે અંગે કશું જ કહી શકાય નહીં. આપણે ઇન્ડિયન આર્મીની જેમ દિવસ-રાત એર્લટ મોડ પર રહેવું પડશે.’
અમદાવાદની ખ્યાતનામ કોર્પોરેટ હોસ્પિટલ. એક સ્વચ્છ વાતાનુકૂલિત રૂમમાં સુરતનો મરણોન્મુખ હીરાઘસુ યુવાન દાખલ થઈ ગયો. હવે તલાશ હતી એક જીવતા, ધબકતા હૃદયની. દિલ કી બાતેં દિલ હી જાને. આ દુનિયામાં દિલદાર માનવીઓ નથી મળતા ત્યારે સાચકલું દિલ કાઢી આપનારા તો ક્યાંથી મળે? કેટલા મળે? ક્યારે મળે? અને શા માટે મળે? પ્રતીક્ષાના આ દિવસો લંબાતા જતા હતા. એવામાં જ કલ્પેશનો જન્મદિવસ આવી પહોંચ્યો. હોસ્પિટલના સ્ટાફની હાજરીમાં કલ્પેશે બર્થડે કેક કાપી. મીણબત્તીને ફૂંક મારતી વખતે કલ્પેશ રડી પડ્યો, ‘કદાચ આ મારો છેલ્લો બર્થડે છે.’ સાંભળીને સહુની આંખ ભીની થઈ ગઈ.
એ પછી થોડા દિવસ બાદ અમદાવાદના ડોક્ટર પર એક ડોક્ટરનો ફોન આવ્યો, ‘હું સુરતથી બોલું છું. અહીંની સિવિલ હોસ્પિટલમાં એક પેશન્ટ છે. એ બ્રેન ડેડ સ્થિતિમાં છે. અમે બધા જ પ્રયત્નો કરી જોયા, પણ એ બચી શકે તેમ નથી. એનું હૃદય તદ્દન સાજું-સારું છે. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો...’
અમદાવાદના ડોક્ટર સમાચાર સાંભળીને ઉછળી પડ્યા. હીરાની નગરીમાંથી પહેલી વાર હીરા કરતાં પણ મહામૂલા સમાચાર આવ્યા હતા. તેમણે ચક્રો ગતિમાન કરી દીધાં. માહિતીની આપ-લે ચાલુ થઈ ગઈ. એ જાણી લેવામાં આવ્યું કે દાતાનું હૃદય કલ્પેશના શરીર સાથે બધી જ રીતે મેચ થતું હતું. અમદાવાદના ડોક્ટરે કહી દીધું, ‘હમારા દિલ તુમ્હારે પાસ હૈ. હમ ઉસકો પાને કે લિયે આ રહેં હૈ.’
સામેથી બ્રેન ડેડ પેશન્ટનાં સગાંવહાલાંઓનો જવાબ આવી ગયો, ‘હમ દિલ દે ચૂકે સનમ.’
ડોક્ટર કલ્પેશની પથારી પાસે જઈ અને આટલું જ બોલ્યા, ‘ભાઈ, તારું હૃદય મળી ગયું છે.’ આ સાંભળીને કલ્પેશ હૃદયપૂર્વક રડી પડ્યો.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો દિવસ નક્કી થઈ ગયો. હૃદય બદલવું એ મામૂલી વાત નથી. એમાં ઘણું બધું સાચવવું પડે. એમાં સૌથી વધારે તો સમય સાચવવો પડે. આખી હોસ્પિટલ સજ્જ થઈ ઊઠી હતી. ડોક્ટરોની એક ટીમ સુરતની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી અને એક ટીમ અમદાવાદમાં કલ્પેશની સાથે હતી. બંને સ્થળે ઓપરેશનની તૈયારીઓ થઈ ચૂકી હતી. વહેલી સવારે ત્રણ વાગ્યે સુરતમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. બ્રેન ડેડ પેશન્ટના શરીરમાંથી હાર્ટ બહાર કાઢી લેવામાં આવ્યું. સુરતની સિવિલ હોસ્પિટલથી સુરતના એરપોર્ટ સુધીના માર્ગમાં ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવ્યો. ટ્રાફિક પોલીસ સજાગ હતી. હૃદયને લઈને નીકળેલા વાહનને કોઈ ટ્રાફિક ન નડે, કોઈ સિગ્નલ ન નડે, કોઈ ક્રોસિંગ ન નડે એની વ્યવસ્થા કરવામાં આવી. ડોક્ટરોની ટીમને સુરતથી અમદાવાદ લઈ આવવા માટે ચાર્ટર વિમાન તૈયાર હતું. અમદાવાદના એરપોર્ટથી હાર્ટને અને ડોક્ટરોની ટીમને કલ્પેશ સુધી પહોંચાડવા માટે અમદાવાદના માર્ગ પર પણ ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવ્યો હતો. અમદાવાદના એરપોર્ટ પરથી એક ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં ફોન કરીને માહિતી આપી દીધી, ‘અમે આવી રહ્યા છીએ. તમે કલ્પેશની છાતી ખોલવાનું શરૂ કરી દો.’
કલ્પેશની છાતી ખોલવામાં આવી. એનું બીમાર થાકેલું હૃદય કાઢી લેવામાં આવ્યું અને તેના સ્થાને નવું હાર્ટ બેસાડી દેવામાં આવ્યું. ડોક્ટરોની બંને ટુકડીઓ શ્વાસ થંભાવીને નવા હૃદયને નિહાળી રહી હતી. શું થશે? કલ્પેશનું શરીર નવા હૃદયને સ્વીકારી લેશે કે નહીં? ઓપરેશન થિયેટરમાં નિસ્તબ્ધતા હતી અને કલ્પેશની ઉઘાડી છાતીમાં ચાર ખાનાંવાળા, રક્તથી ભરેલા, નવા પાવરહાઉસે ધબકવાનું શરૂ કર્યું. ઓપરેશન થિયેટર ડોક્ટરોના હર્ષનાદોથી
ઊભરાઈ ગયું.
 કલ્પેશ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો. મૃત્યની હતાશા લઈને આવ્યો હતો, નવી જિંદગીની આશા લઈને વિદાય થયો. સુરતનું હૃદય વાયા અમદાવાદ પાછું સુરત પહોંચી ગયું.
 સુરત જઈને કલ્પેશે પહેલું કામ તેના જીવનદાતાના પરિવારનો સંપર્ક કરવાનું કર્યંુ. બધાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા. આજે કલ્પેશ તદ્દન તંદુરસ્ત છે અને ડાયમંડનું કામ કરી રહ્યો છે. જિંદગી પ્રત્યેના એના અભિગમમાં 180 ડિગ્રીનો બદલાવ આવી ગયો છે. તેને નવી જિંદગી પણ મળી છે અને નવી જન્મતારીખ પણ.
આ કલ્પેશ હવે પોતાની જૂની જન્મતારીખ ભૂલી ગયો છે અને નવી જન્મતારીખ ઊજવવા લાગ્યો છે. આ નવી જન્મતારીખ એ એના ઓપરેશનની તારીખ છે, જે ગુજરાતના તબીબી ઇતિહાસ માટે પણ એક તવારીખ બની ગઈ છે.

drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...