તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગર્ભાશયની ગાંઠ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિરાલી છેક ભુજથી ચેકઅપ માટે આવી હતી. સાથે એનો પતિ સંજય હતો અને રિપોર્ટ્સની ફાઇલ પણ હતી. મેં પૂછ્યું, ‘તને શું થાય છે?’
શિરાલીએ જવાબ આપ્યો, ‘મારા ગર્ભાશયમાં ગાંઠ થઇ છે.’
મેં કહ્યું, ‘આ તો નિદાન થયું. તારી ફરિયાદ શી છે? તને સૌથી પહેલાં કંઇક ફરિયાદ ઉત્પન્ન થઇ હશે. એ પછી તું ડૉક્ટરને મળવા ગઇ હોઇશ, એણે તારી તપાસ કરી હશે, તારી સોનોગ્રાફી કરી હશે અને પછી તને ક્હ્યું હશે કે તને ફલાણી જગ્યાએ ગાંઠ થઇ છે. માટે એ નિદાન થયું કહેવાય. મારે તો એ જાણવું છે કે તું કઇ ફરિયાદ સાથે એ ડૉક્ટર પાસે ગઇ હતી?’
‘મેડમ, મને પેટમાં નીચેના ભાગે ભારે ભારે લાગે છે. માસિક વધારે આવે છે અને માસિકસ્રાવ સમયે પેઢુમાં દુખાવો પણ થાય છે.’
‘આવું તને કેટલા સમયથી થાય છે?’

  • ફાઇબ્રોઇડ નામની ગાંઠ બહેનોમાં મોટી માત્રામાં જોવામાં આવે છે. ત્રીસ-પાંત્રીસ વર્ષ પછીની ઉંમરે તેનું પ્રમાણ વધારે હોય છે.  તેની શરૂઆત ખૂબ નાના કદથી થાય છે

શિરાલીએ વિચાર કરીને જવાબ આપ્યો, ‘લગભગ સાત-આઠ મહિનાથી.’
મેં થોડાક પ્રશ્નો પૂછીને પછી શિરાલીને તપાસવા માટે ટેબલ પર લીધી. એના પેટ ઉપર પહેલાના ઓપરેશનનો આડો સ્કાર જોઇ શકાતો હતો. એની બંને પ્રસૂતિઓ સિઝેરિયન દ્વારા થઇ હતી. એનો તે સ્કાર હતો. આંતરિક તપાસમાં સ્પષ્ટપણે ગર્ભાશય મોટું થયેલું જણાતું હતું. તપાસ પૂર્ણ કરીને પછી મેં એના રિપોર્ટ્સ વાંચ્યા. સોનોગ્રાફીના રિપોર્ટમાં લખેલું હતું કે શિરાલીના ગર્ભાશયમાં લગભગ સફરજનના કદની એક ગાંઠ થઇ હતી. સોનોગ્રાફીમાં એ ગાંઠ માટે ફાઇબ્રોઇડ નામનો શબ્દ વાપરવામાં આવ્યો હતો.
‘શિરાલી,’ મેં કહ્યું, ‘ભૂજના ડૉક્ટરે તને સમજાવ્યું તો હશે જ કે તને શી તકલીફ
થઇ છે?’
એણે માથું હલાવીને જવાબ આપ્યો, ‘હા, મેડમ. ભુજના ડોક્ટરે મને કહ્યું છે કે મારા ગર્ભાશયમાં ગાંઠ છે. હું તો એ સાંભળીને જ ગભરાઇ ગઇ છું. હવે મારું શું થશે? એ ગાંઠ કેન્સરની તો નહીં હોય ને?’
‘ના બહેન. તને એવું કોણે કહ્યું? તારા ગર્ભાશયમાં જે ગાંઠ થઇ છે તે સાવ નિર્દોષ પ્રકારની છે. એ કેન્સરની જરા પણ નથી. અમે એને ત્રણ નામથી ઓળખીએ છીએઃ ફાઇબ્રોઇડ, માયોમા અને લિયોમાયોમા. આ પ્રકારની ગાંઠ સ્નાયુમાંથી જ જન્મે છે અને તે સાવ નિર્દોષ માનવામાં આવે છે. અલબત્ત, તેનો સમયસર ઉપચાર કરવામાં ન આવે તો આગળ જતાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.’
‘એટલે તો હું તમારી પાસે દોડી આવી છું.’ શિરાલીના ચહેરા પર ચિંતાનાં વાદળો છવાયેલાં હતાં.
ફાઇબ્રોઇડ નામની ગાંઠ બહેનોમાં મોટી માત્રામાં જોવામાં આવે છે. ત્રીસ-પાંત્રીસ વર્ષ પછીની ઉંમરે તેનું પ્રમાણ વધારે હોય છે. તેની શરૂઆત ખૂબ નાના કદથી થાય છે. સફરજનના બીજ જેવી ગાંઠ સમય જતાં સોપારી જેવડી, પછી લીંબુના કદની અને પછી વધીને સફરજનની સાઇઝની થઇ જાય છે. આ ગાંઠ એકલી ભાગ્યે જ જોવા મળે છે. તેની સાથે નાની નાની સાઇઝની બીજી ગાંઠો હોઇ શકે છે. જે નરી આંખે જોઇ શકાતી નથી. મોટી ગાંઠનું ઓપરેશન કર્યા પછી આ નાની નાની ગાંઠોનું કદ પણ વધવા લાગે છે.
ફાઇબ્રોઇડની સારવારનો પ્રકાર સ્ત્રીની ઉંમર, બાળકોની સંખ્યા તેમ જ ગાંઠોની સંખ્યા પર આધાર રાખે છે. શિરાલીની ઉંમર 35 વર્ષની હતી. તેને બે સંતાનો જન્મી ચૂક્યાં હતાં. આ બધું ધ્યાનમાં લેતાં એનું ગાંઠવાળું આખું ગર્ભાશય જ કાઢી નાખ‌‌વું સલાહભરેલું હતું, પણ શિરાલી માને તો ને?
એ તો ભડકી ગઇ, ‘મેડમ, ગર્ભાશય કઢાવી નાખવાની સલાહ તો મારા ભુજના ડૉક્ટરે આપી જ હતી, પણ મેં અને સંજયે ના પાડી દીધી. હજી તો હું માંડ 35 વર્ષની થઇ છું. મારે અત્યારથી ગર્ભાશયની કોથળી કઢાવી નાખવી નથી. તમે માત્ર ગાંઠ જ કાઢી આપો.’
મેં એને ધીરજપૂર્વક ફરીથી સમજાવવાની કોશિશ કરી, ‘જો બહેન, તારા ગર્ભાશયનું કામ હવે પૂરું થઇ ગયું છે. એ કઢાવી નાખવાથી તારા વુમનહુડમાં જરા પણ ફરક પડશે નહીં. અત્યારે એકલી ગાંઠ કઢાવી નાખીશ તો ભવિષ્યમાં બીજા ફાઇબ્રોઇડ્સ થવાની શક્યતા ઘણી મોટી છે. તે વખતે ફરી પાછું મેજર ઓપરેશન કરવાની જરૂર ઊભી થઇ શકે છે.’ પણ શિરાલી ન જ માની. આખરે મેં એની વાત સ્વીકારી લીધી. જોકે, મેં તેટલું તો કહ્યું જ કે, ‘આ ઓપરેશન ભુજના ડૉક્ટરો પણ કરી શકે છે. એના માટે તારે અમદાવાદમાં ત્રણ-ચાર દિવસ રહેવાની જરૂર નથી.’ આ વાતમાં પણ એ મારી સાથે સંમત ન થઇ. એને અમદાવાદમાં જ ઓપરેશન કરાવવું હતું અને મારા હાથે જ કરાવવું હતું.
મેં એને એડમિટ કરી દીધી. કમરમાં એનેસ્થેસિયા આપીને પેટ પરથી ઓપરેશન કરવામાં આવ્યું. એના જૂનાં ઓપરેશનનો સ્કાર હતો તે જ જગ્યાએ ચેકો મૂકીને પેટ ખોલવામાં આવ્યું. ગર્ભાશયની આગળની દીવાલમાં જ મોટી ગાંઠ જોઇ શકાતી હતી. એ ગાંઠ દૂર કરવામાં આવી. તેનો ખાડો ટાંકા મારીને બંધ કરવામાં આવ્યો. પછી ઓપરેશન પૂરું કરવામાં આવ્યું. ત્રીજા દિવસે શિરાલી ભુજ જવા માટે રવાના થઇ ગઇ.

અન્ય સમાચારો પણ છે...