તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વો કભી ઇસ કદર બસ ગયા થા નજરોં મેં મેરી ના કોઈ દૂસરા દિખતા થા, ન દેખને કી ચાહત થી!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક જ સોસાયટીમાં સામસામે આવેલાં બે મકાનો. બે સુખી પરિવારો. સુખી એટલે ખાધેપીધે. જે જોઈ શકાય છે, તેવું સુખ માત્ર બાહ્ય જ હોય છે. માનવીના મનનાં આંતરિક સંચલનો જોઈ શકાતાં નથી. તેમાંથી જ ક્યારેક અકથ્ય અને અસહ્ય કથાઓ સર્જાતી હોય છે.


સજન અને સહેલી. સુખી દંપતી. બે બાળકો. એક દીકરો અને એક દીકરી. સારા પગારવાળી સરકારી નોકરી. સહેલી પણ એક ખાનગી કોલેજમાં પ્રાધ્યાપિકા. ઈશ્વરે મેઝરમેન્ટ પ્રમાણે વેતરીને આપ્યું હોય એટલું પ્રમાણસરનું સુખ. ઘરની અંદર કૂક અને કામવાળી. ઘરની બહાર બે કાર.
પાડોશીઓ પૂછતાં, ‘તમે લોકો ક્યારેક ઝઘડો છો ખરાં? ક્યારેય વાસણ ખખડવાનો અવાજ બહાર સંભળાતો નથી.’

પ્રેમ હંમેશાં એક કાયાથી બીજી કાયા તરફ જ નથી વહેતો
હોતો, ક્યારેક એ પ્રેમિકાના હાથની આંગળીઓમાંથી રસ બનીને પ્રેમીની જીભ સુધી પણ પહોંચતો રહે છે

સજન એની આદત પ્રમાણે ઉડાઉ જવાબ આપતો, ‘અમે લોકો ઝઘડવા માટે ભેગાં જ ક્યાં થઈએ છીએ! દિવસ આખો બન્ને જોબ ઉપર હોઈએ છીએ. સાંજે થાકીપાકીને ઘરે આવીએ ત્યારે પ્રેમ કરવા જેટલીય શક્તિ બચી હોતી નથી. તો ઝઘડવાની શક્તિ તો હોય જ ક્યાંથી?’ અને પાડોશીઓના આ જ સવાલનો જવાબ સહેલી શરમાઈને આપતી હતી, ‘અમારા બન્નેની વચ્ચે પરફેક્ટ ટ્યુનિંગ છે. બાર વર્ષનાં લગ્નજીવનમાં હું એમની એક એક નાની-મોટી પસંદગીઓ જાણી ચૂકી છું. એમને ફરિયાદ કરવાનો એક પણ મોકો આપતી જ નથી. તેઓ એમના શોખમાં ડૂબેલા હોય. હું એમને ક્યારેય ડિસ્ટર્બ ન કરું અને તે ક્યારેય ઘરના વહીવટમાં માથું ન મારે. સાચો પ્રેમ આ જ છે. દિવસમાં પચાસ વખત આઇ લવ યુ, આઇ લવ યુ કહેવું એ નથી.’


સહેલીની વાત સાચી હતી. સજન એક સજીવ પુરુષ હતો. એના પોતાના શોખ હતા. ઇંગ્લિશ થ્રિલર્સ બુક્સ વાંચવી, ડિવીડી પ્લેયર ઉપર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક સાંભળવું, બેગમ અખ્તરીની ઠૂમરીઓ માણવી, ગુજરાતી સાહિત્યની શિષ્ટ નવલકથાઓ વાંચવી, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરવી અને ક્યારેક મધરાતે ઊંઘ ઊડી જાય ત્યારે કી-બોર્ડ પર જૂની હિન્દી ફિલ્મોની ધૂનો વગાડવી. આ એના શોખ હતા.


એને ક્યારેય છીછરા મિત્રો સાથે બેસીને ટોળટપ્પાં મારવાં કે બીડી-સિગારેટના ધુમાડા કાઢવામાં રસ પડતો નહોતો. જિંદગીને એક ઊંચા સ્તર પર એ જીવી રહ્યો હતો.


તેમના ઘરની બરાબર સામેના મકાનમાં બીજો એક પરિવાર રહેતો હતો. નિધાન અને નવેલી. સંતાનમાં એક દીકરી. ખાધેપીધે એ લોકો પણ સુખી. નિધાન કન્સ્ટ્રક્શનના ધંધામાં હતો. સારું કમાતો હતો. ઘરમાં જોઈએ તેવી બધી સગવડો હતી, પણ નવેલીને બે વાતની ખોટ સાલતી હતી: એક, પતિ દેખાવમાં ખૂબ સામાન્ય હતો. થોડો શ્યામ, જાડો અને કંઈક અંશે ગમાર પણ ખરો. તેને એક જ દિશાનું જ્ઞાન હતું, પૈસા કમાવવા. રોજના સોળ-સત્તર કલાક એ ગધેડાની જેમ મજૂરી કરતો હતો અને પછી ઘરે આવીને હાથી જેટલું ખાતો હતો. એની પાસે બધું હતું, પણ પરિવાર માટે સમય નહોતો. કાચની પૂતળી જેવી પત્ની સામે સ્નેહભરી એક નજર નાખવાની પણ એને સુધ ન હતી.


દર શનિવારે રાત્રે નિધાન એની પત્નીને આદેશ ફરમાવી દેતો હતો, ‘કાલે રવિવાર છે, એ યાદ છેને? મારા આઠ-દસ મિત્રોને ડિનર માટે ઇન્વાઇટ કર્યા છે. સ્વાદિષ્ટ વાનગીઓ બનાવજે. મારો વટ પડી જાય તેવી.’
અને રવિવારે સવારથી જ નવેલી નારી મટીને નોકરાણી બની જતી. પાંત્રીસ માણસો માટે પૂરી, બે શાક, મિષ્ટાન્ન, ફરસાણ, ચટણી, પાપડ અને કઢી-ભાત. ભોજનની શરૂઆતમાં સૂપ અને ભોજનના અંતે ડેઝર્ટ. જ્યારે બીજી ગૃહિણીઓ રવિવારે રિલેક્સ થતી હોય ત્યારે નવેલી થાકીને ચૂર ચૂર થઈ જતી.


આનો અંજામ જે આવવાનો હોય તેવો જ આવ્યો. નવેલી સજન પ્રત્યે આકર્ષાતી ગઈ. એક દિવસ સવારના પહોરમાં સજનના મોબાઇલમાં ગુડ મોર્નિંગનો મેસેજ આવ્યો. અજાણ્યો નંબર હતો, પણ ડીપીમાં ચહેરો જાણીતો હતો અને એ ચહેરો નવેલીનો હતો. શિષ્ટાચાર ખાતર સજને જવાબ આપ્યો: ‘ગુડ મોર્નિંગ! કેમ છો?’


સામેથી ટૂંકો જવાબ આવ્યો, ‘મજામાં નથી. તમને જોવા છે. એક વાર બાલ્કનીમાં આવોને.’
બન્ને પક્ષે વીજળીનો કરન્ટ ફરી વળ્યો. સજન સ્વાભાવિક અદામાં ચાલતો બાલ્કનીમાં આવીને ઊભો રહ્યો. સામેની બાલ્કનીમાં કપડાં સૂકવતી નવેલી ઊભી હતી. તાજી નહાઈને બહાર આવેલી નવેલીના કેશમાંથી જલબિંદુ ટપકતાં હતાં. તેની ભીની ભીની કાયા કોઈ પણ પુરુષનું દિમાગ ભરમાવી દે તેવી મનમોહક લાગતી હતી. સજને એક સ્મિત આપ્યું અને પાછો એના ઓરડામાં ચાલ્યો ગયો. ત્યાંથી મેસેજ કર્યો, ‘લુકિંગ ઓસમ.’


થોડી વાર પછી નવેલીનો જવાબ આવ્યો, ‘આઇ એમ ફોર યોર આઈઝ ઓન્લી.’
બસ, પાંચ જ મિનિટમાં બન્ને વચ્ચે એક અદ્્ભુત કેમેસ્ટ્રી રચાઈ ગઈ.


બન્ને પરિવારોની રોજિંદગી જિંદગી એવી ગોઠવાયેલી હતી કે સજન અને નવેલીને શારીરિક છૂટછાટ લેવાનો નહોતો મોકો મળતો હતો, ન તો સમય, પણ નવેલીને જે માનસિક અભાવ પીડતો હતો, તે દૂર થઈ ગયો. એ હવે નિ:સંકોચ સજનના ઘરમાં જવા-આવવા લાગી. સહેલી સાથે પણ તેને સારું ફાવી ગયું. સજન એને પોતાને ગમતી બુક્સ આપતો. એ વાંચવામાં નવેલીને મજા આવતી હતી. ક્યારેક નવેલી નાની-નાની કવિતાઓ લખતી અને સજનને આપીને કહેતી, ‘વાંચીને કહેજો, કેવી લાગી?’ ક્યારેક ત્રણેય જણાં ભેગાં બેસીને વાર્તા-વિનોદ કરતાં. ક્યારેક જવલ્લે જ એકાંત મળતું ત્યારે નવેલી સજનને વળગી પડતી અને ઉત્કટ ભાવથી કહેતી, ‘હું તમને ખૂબ ચાહું છું.’


સજન એની પીઠ પર હાથ ફેરવીને કહેતો, ‘હું જાણું છું, પણ વિધાતાએ આપણને ચારેયને જે ચોકઠામાં ગોઠવી દીધાં છે, તેમાં ફેરફાર ન થાય, એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણો પ્રેમ ક્યારેય પતનમાં ન પલટાવવો જોઈએ.’


નવેલી પણ આ વાતમાં સંમત થઈ ગઈ. નારી પોતાના મનોભાવો અનેક રીતે વ્યક્ત કરે છે. નવેલી પણ સારી સારી વાનગીઓ બનાવીને સહેલીના ઘરે આપવા લાગી. અત્યાર સુધીમાં તેને ખબર પડી ગઈ હતી કે સજનને શું ભાવે છે. લીલવાની કચોરી, દહીંવડાં, આથેલાં મરચાં, હાંડવો, ઇડલી-સાંભાર, ગુલાબજાંબુ અને બીજી અનેક વાનગીઓ નવેલીના રસોડામાં સહેલીના વર માટે રંધાવા માંડી. પ્રેમ હંમેશાં એક કાયાથી બીજી કાયા તરફ જ નથી વહેતો હોતો, ક્યારેક એ પ્રેમિકાના હાથની આંગળીઓમાંથી રસ બનીને પ્રેમીની જીભ સુધી પણ પહોંચતો રહે છે.
દિવસો, મહિનાઓ અને વર્ષો વીતી ગયાં. સજન અને નવેલીનો પ્રેમસંબંધ ક્રમશ: ગાઢ થતો ગયો. બન્ને અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા વિનાનાં પતિ-પત્ની બની રહ્યાં. ક્યારેય બન્ને પરિવારોના સુખમાં આંચ ન આવી.


અચાનક એક દિવસ સજનને યાદ આવ્યું. એણે એકાંત મળતાં નવેલીને પૂછી લીધું, ‘નવેલી, તું હંમેશાં મને કંઈક ને કંઈક આપતી જ રહી છે, પણ મેં તો તને કંઈ જ આપ્યું નથી.’
નવેલીની આંખો ચમકી ઊઠી, ‘હું માગું તે આપશો?’


સજને હા પાડી. નવેલીએ કહ્યું, ‘મને તમારી પસંદગીની એક સાડી લઈ આપશો?’


સજનને આશ્ચર્ય થયું, ‘સાડી?! તું તો સાડી ભાગ્યે જ પહેરે છે. કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે જ. બાકી તો રોજ સલવાર-કમીઝ અને કુરતી જેવાં વસ્ત્રો જ પહેરે છે.’


નવેલીના અવાજમાં ભીનાશ આવી ગઈ, ‘હું સાડી પહેરવા માટે નથી માગતી, ઓઢવા માટે માગું છું. આપણામાં રિવાજ છે કે સ્ત્રી જ્યારે મૃત્યુ પામે ત્યારે એને સાડી ઓઢાડવામાં આવે છે. આપણને ખબર નથી કે કોણ ક્યારે જવાનું છે, પણ હું મારાં સંતાનોને કહીને જઈશ કે જ્યારે મને અગ્નિદાહ આપવામાં આવે ત્યારે આ જ સાડી ઓઢાડવામાં આવે.’


આ સાંભળીને સજને હૃદયમાંથી ઉછળતા ઉમળકાનાં મોજાં સાથે નવેલીને આલિંગનમાં ભીડી દીધી.

(તસવીર પ્રતીકાત્મક છે)

drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...